ભગવાન બુદ્ધ એક ગામની નજીકથી પસાર થતા હતા. એ સમયે ભિખ્ખુ આનંદે એક વ્યક્તિને જોયો. ચીંથરેહાલ દશામાં એ માણસ આમ-તેમ ઘૂમતો હતો. ભિખ્ખુ આનંદે એને પાસે બોલાવ્યો અને પૂછ્યું, ''ભાઈ! તમે ક્યાં શાસ્ત્રોનું અવગાહન કર્યું છે? કયા ગ્રંથોનું વાંચન કર્યું છે?''
ભિખારીએ કહ્યું, ''માફ કરજો! શાસ્ત્રો તો મેં કદી જોયાં નથી. જે જોયાં નથી, તે વાંચ્યાં ક્યાંથી હોય?''
ભિખ્ખુ આનંદે કહ્યું, ''સાવ કોરી પાટી જેવો છે તું! ચાલ, તને જીવનનો મર્મ અને ધર્મનો અર્થ સમજાવું. તો જ તારું જીવન સાર્થક થશે.''
ભિખારી ચૂપચાપ ઊભો રહ્યો. ભિખ્ખુ આનંદની ઉપદેશધારા વહેવા લાગી. બૌદ્ધધર્મના પંચશીલની એમણે વિગતે સમજાવટ આપી.
પોતાની વાણી ભિખારી બરાબર સમજતો નથી એમ લાગતાં ભિખ્ખુ આનંદ એને સરળતાથી સમજાવવા કોશિશ કરી. ઉપદેશને કથાઓ દ્વારા વાત રજૂ કરવાનો પ્રયત્ન કર્યો, જેથી એને તત્કાળ સમજાય.
આટલું બધું કહ્યા પછી ભિખ્ખુ આનંદે એ ભિખારી તરફ જોઈને સૂચક દ્રષ્ટિએ પૂછ્યું, ''ભાઈ, કહે, મારા ઉપદેશની વાત તને સમજાઈ ને?''
દીન વદને ભિખારીએ કહ્યું, ''ના. મને કશું સમજાયું નહીં, આવી મોટી-મોટી વાતો પહેલીવાર સાંભળું છું. મને ક્ષમા કરજો.''
ભિખ્ખુ આનંદ અકળાઈ ઊઠયા. પથ્થર ઉપર પાણી! એ ભિખારીને લઈને ભગવાન બુદ્ધ પાસે આવ્યા. ભગવાન બુદ્ધે એની ચીંથરેહાલ દશા જોઈ. એમણે પૂછ્યું, ''ભાઈ! તું ભૂખ્યો લાગે છે, ખરું ને?''
ભિખારીએ કહ્યું, ''ચાર દિવસથી ભૂખ્યો છું. કશું ખાવા મળ્યું નથી. ભારે ખૂબ દુઃખી છું. આપના શિષ્યએ ભારે પ્રેમથી ઉપદેશ આપ્યો, પરંતુ ભૂખની પીડા આગળ કશું સમજાતું નથી.''
ભગવાન બુદ્ધે શિષ્યોને કહ્યું કે આને ભરપેટ ભોજન કરાવો અને પછી મારી પાસે લાવો. શિષ્યોએ ચાર દિવસ ભૂખ્યા આ ભિખારીને ભોજન કરાવ્યું. પછી એને ભગવાન બુદ્ધ પાસે લઈ ગયા. ભગવાન બુદ્ધે એને પ્રેમથી વિદાય આપી, ઉપદેશનો એક શબ્દ ન કહ્યો.
ભિખ્ખુ આનંદ સહિત સર્વ શિષ્યોને આશ્ચર્ય થયું. એમણે ભગવાન બુદ્ધને પૂછ્યું ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, ''આજે એને માટે અન્ન એ જ ઉપદેશ હતો. આજે એને અન્નની જરૂર હતી. પહેલાં અન્ન આપવું જોઈએ. જો એ જીવિત રહેશે તો આવતી કાલે ઉપદેશ સાંભળશે અને સમજશે.''
અન્ન એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે, આથી જ વિશાળ ઉત્સવો અને મહોત્સવો ગરીબોની મજાક કરતા હોય છે. એક બાજુ ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગ્યો હોય અને બીજી બાજુ અઢળક ધન ધર્મને નામે વપરાતું હોય, તે કેવું કહેવાય? કોઈ પણ ધર્મની પહેલી ફરજ છે કે એના એકેએક માનવીની ભૂખ દૂર થવી જોઈએ. અન્ન એ એનો પહેલો દેવ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MhtIA2
ConversionConversion EmoticonEmoticon