26 વર્ષનો પરિશ્રમ +8 ભાષામાં પ્રભુત્વ = વેબસ્ટરની ડિક્શનેરી


પ્રત્યેક શબ્દના સાચા અર્થ સુધી જવા માટે તેમણે ૨૬ ભાષાઓ શીખી. જેમાં આપણી સંસ્કૃત, જૂનું ઇંગ્લિશ, ગોથિક, જર્મન, ગ્રીક, ફ્રેન્ચ, ડચ, રશિયન, પર્સિયન, અરેબિયન સહિતની વિવિધ ભાષાનો સમાવેશ થાય છે

'જનૂન'ની લાક્ષણિક્તા એ છે કે જો તે નકારાત્મક રીતે દિલોદિમાગમાં હાવી થઇ જાય તો વિલન બની જાવ છો પણ સકારાત્મક રીતે સવાર થાય તો એક નવા વિશ્વના સર્જક તરીકે તમને સદીઓ સુઘી યાદ રાખવામાં આવે છે. આજથી ૧૮૧ વર્ષ અગાઉ એક વ્યક્તિના દિમાગમાં સકારાત્મક જનૂન સવાર થયું અને શબ્દોની સૃષ્ટિ સર્જી દીધી.

આ વ્યક્તિના ૨૬ વર્ષના પરિશ્રમની દેન એવી છે કે આજે પણ વિશ્વના સેંકડો લોકો તેમના આ સર્જનનો ક્યારેકને ક્યારેક તો ઉપયોગ કરે છે. આપણે તેમને નોહ વેબસ્ટર તરીકે ઓળખીએ છીએ અને તેમણે સમગ્ર વિશ્વને 'વેબસ્ટર ડિક્શનેરી'ની સોગાદ  આપી છે. નોહ વેબસ્ટર એટલે 'અમેરિકન ડિક્શનેરી ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ' ના સૌપ્રથમ સર્જક. ૧૬ ઓક્ટોબરે નોહ વેબસ્ટરની ૨૬૨મી વર્ષગાંઠ છે અને અમેરિકામાં તેની ઉજવણી 'ડિક્શનેરી ડે' તરીકે ઉજવવામાં આવે છે. 

ડિક્શનેરીનો ઈતિહાસ હજારો વર્ષ પુરાણો છે. ઈસવિસન પૂર્વે ૨૩૦૦માં મેસેપોટેનિયાના અક્કાડિયન સામ્રાજ્યમાં સુમેરિયન અને અક્કાડિયન ભાષા વચ્ચે સેતુ બનાવવાના ભાગરૂપે વિશ્વની સૌપ્રથમ ડિક્શનેરી બનાવવામાં આવી હતી. સૌપ્રથમ સંસ્કૃત ડિક્શનેરીની રચના ચોથી સદીમાં અમરસિંહા દ્વારા કરવામાં આવી હતી અને તેને 'અમરકોશ'  તરીકે ઓળખવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે અમરસિંહા વિક્રમાદિત્યના દરબારમાં નવ રત્ન પૈકીના એક હતા.

૧૦ હજાર શબ્દો ધરાવતા 'અમરકોશ' નો અનુવાદ ચાઇનિઝ અને તિબેટિયન ભાષામાં પણ કરાયો છે. લેટિન ભાષાના શબ્દોના અંગ્રેજી અર્થ સાથેની ડિક્શનેરી ઈ.સ. ૧૨૨૦માં જ્હોન ઓફ ગારલેન્ડ દ્વારા રજૂ કરવામાં આવી. એ વખતે જ્હોન ઓફ ગારલેન્ડે તેનું નામ 'ડિક્શનરીઝ'  આપ્યું હતું અને તેના પરથી 'ડિક્શનેરી'  શબ્દનો જન્મ થયો. આ પછી વિવિધ સંસ્કૃતિઓ તેમની ભાષામાં ડિક્શનેરીનું સર્જન કરતી આવી છે. જેમાં નોહ વેબસ્ટરનું યોગદાન ખૂબ જ મહત્વનું ગણી શકાય.

૧૬ ઓક્ટોબર ૧૭૫૮ના નોહ વેબસ્ટરનો જન્મ અમેરિકાના કોનેક્ટિકટ (હાલના વેસ્ટ હાર્ટફોર્ડ) ખાતે સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતા બહોળા પરિવારનું ગુજરાન ચલાવવા વહેલી સવારથી મોડી સાંજ ખેતી અને ત્યારબાદ મોડી રાત સુઘી વણાટકામમાં જોતરાયેલા રહેતા. એ સમયે ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ ઓછા લોકો કોલેજ જતા. પરંતુ પુત્ર નોહ વેબસ્ટરની ભણવાની ધગશ જોઇને પિતાએ તેમને કોલેજમાં અભ્યાસ માટે મોકલ્યા.

ઈ.સ. ૧૭૭૮માં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ હવે કાયદાનો અભ્યાસ કરવા માગતા હતા. પરંતુ પરિવારની આથક સંકડામણને કારણે પિતાએ નોહ વેબસ્ટરને કાયદાના અભ્યાસ માટે નાણા આપવાનો ઇન્કાર કર્યો અને ક્યાંક નોકરી શરૂ કરી દેવાનો આદેશ આપ્યો. જેના કારણે નોહ વેબસ્ટરે શાળામાં શિક્ષક તરીકે ભણાવવાનું શરૂ કરી દીધું.  શિક્ષક તરીકે બાળકોને ભણાવતા ત્યારે શિક્ષણના નબળા સ્તરનો વિચાર તેમને સતત કોરી ખાતો.

અત્યારે અનેક દેશના વિદ્યાર્થીઓ ખાસ અમેરિકામાં અભ્યાસ માટે જાય છે. પરંતુ ત્યારે એવો સમય હતો જ્યારે ઇંગ્લેન્ડથી પુસ્તકો આવે તો જ અમેરિકાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. અભ્યાસના પુસ્તકો માટે પણ અન્ય દેશ સામે હાથ લાંબો કરવો પડે તે વાતથી નોહ વેબસ્ટરને ખૂબ જ અકળામણ થતી. અમેરિકનોએ અમેરિકન પુસ્તકમાંથી જ અભ્યાસ કરવો જોઇએ તેવું તેમનું દ્રઢ માનવું હતું.

ઈ.સ. ૧૭૮૩માં તેમણે પોતાનું પ્રથમ પાઠયપુસ્તક 'એ ગ્રામેટિકલ ઇન્સ્ટિટયુટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ'  બહાર પાડયું. 'બ્લ્યુ બેક્ડ કવર ' તરીકે ઓળખાતા આ પુસ્તકથી ૧૦૦ વર્ષ સુધી બાળકોએ અભ્યાસ કર્યો હતો અને ૧ કરોડથી વધુ નકલ વેચાઇ હતી.  આ પુસ્તકમાં બાળકોને અંગ્રેજી શબ્દોનો સ્પેલિંગ કેવી રીતે કરવો અને ઉચ્ચારણ કેમ કરવું તેની તાલિમ અપાઇ હતી.

એ સમયે મોટાભાગના અમેરિકનો અનેક શબ્દોનો અલગ-અલગ રીતે ઉચ્ચાર કરતા હતા. પ્રત્યેક શબ્દોનો એકસમાન રીતે ઉચ્ચાર થાય તેના માટે નોહ વેબસ્ટરે ડિક્શનેરી તૈયાર કરવાનો નિર્ણય લીધો. ઈ.સ. ૧૮૦૬માં તેમણે પોતાની સૌપ્રથમ ડિક્શનેરી 'એ કોમ્પેન્ડિયસ ડિક્શનેરી ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ'  બહાર પાડી હતી.

અલબત્ત, હજુ ઘણા શબ્દો ઉમેરી શકાય છે તેવા નિર્ધાર સાથે ૧૮૦૭માં 'એન અમેરિકન ડિક્શનેરી ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ'  પર તેમણે કામ શરૂ કરી દીધું. પ્રત્યેક શબ્દના સાચા અર્થ સુધી જવા માટે તેમણે ૨૬ ભાષાઓ શીખી. જેમાં આપણી સંસ્કૃત, જૂનું ઇંગ્લિશ, ગોથિક, જર્મન, ગ્રીક,  ફ્રેન્ચ, ડચ, રશિયન, પસયન, અરેબિયન સહિતની વિવિધ ભાષાનો સમાવેશ થાય છે. ૨૬ વર્ષના પરિશ્રમ બાદ ૭૦ હજાર શબ્દો સાથે આખરે તેમણે આ ડિક્શનેરી પૂરી કરી ત્યારે તેમની ઉંમર ૭૦ વર્ષ હતી. ઈ.સ. ૧૮૪૦માં આ ડિક્શનેરીની બીજી આવૃત્તિ પણ રજૂ કરવામાં આવી હતી. અમેરિકન ભાષાના સ્તર માટે આ ડિક્શનેરીએ નિર્ણાયક ભૂમિકા અદા કરી હતી. 

માત્ર ડિક્શનેરી જ નહીં અમેરિકાનું સૌપ્રથમ દૈનિક અખબાર શરૂ કરવાનો શ્રેય પણ નોહ વેબસ્ટરને જાય છે. આ ઉપરાંત બેન્જામિન ફ્રેન્કલીન અને જ્યોર્જ વોશિંગ્ટનને સલાહ આપીને અમ્હેર્સ્ટ કોલેજની સ્થાપના કરાવી હતી. ૧૭૮૫ અને ૧૭૮૬માં તેઓ ખાસ અમેરિકાના કયા શહેરમાં કેટલા ઘર છે તે ગણવા માટે નીકળી પડયા હતા. ૨૨ શહેરની મુલાકાત બાદ તેમણે ૨૦૩૮૦ ઘરની ગણતરી કરી હતી. નોહ વેબસ્ટર સ્વભાવે અંતઃમુખી અને બોલવામાં ઉદ્ધત હતા. 

એકવાર ડો. બેન્જામિન રશે તેમને ફિલેડેલ્ફિયામાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. વેબસ્ટર જેવા ડિનરના સ્થળે પહોંચ્યા ત્યાં ડો. રશે તેમનું એમ કહીને સ્વાગત કર્યું કે, 'અમારા શહેરમાં સલામત આગમન બદલ શુભેચ્છાઓ.'  વેબસ્ટરે તુરંત જ એવો જવાબ આપ્યો કે, 'ફિલેડેલ્ફિયા જેવા શહેરના નસિબ સારા છે કે હું તેની મુલાકાત લઇ રહ્યો છું. 'વેબસ્ટરને શેક્સપીયરને ધીક્કારતા હતા.તેમનું માનવું હતું કે, 'શેક્સપીયરની ભાષામાં ભરચક ભૂલો છે.' 

નોહ વેબસ્ટરે તેમના એક વક્તવ્યમાં કહ્યું હતું કે , 'મનુષ્ય દ્રઢ નિર્ધાર કરે તો ઘણું હાંસલ કરી શકે છે. મેં મારા જીવનમાં બે જ સિદ્ધાંત રાખ્યા છે. જેમાં પ્રથમ છે દરરોજ કંઇક નવું શિખતા રહેવું અને બીજું સમાજ માટે કંઇક નક્કર કરીને જવું.' 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VHTUa4
Previous
Next Post »