પૃથ્વી પર સ્વર્ગ .


દીકરો મોટો થયો. દીકરાને માટે વહુ લાવવી જોઈએ. ખેડૂતે એવો વિચાર કર્યો. પણ વહુ એવી હોવી જોઈએ કે જે ઘર સંભાળે, ખેતર સંભાળે, મરઘાં બતકાં સંભાળે, ગાય ભેંસ સંભાળે! અને બધું સરસ રાખે!

કહે છે કે ઘર તો સારી વહુથી જ સ્વર્ગ બને છે.

એટલે ખેડૂતદાદા તો નીકળી પડયા. સાથમાં લીધાં ઘણાં બધાં ફળ. તેઓ તો ગામેગામ ફરીને ફળ વેચવા લાગ્યા પણ ફળના બદલામાં તેઓ પૈસા માગતા ન હતા. તેઓ માગતા હતા કાદવ કિચડ. કચરો પૂંજો.

તેમનો ફળ વેચવાનો અવાજ તો જુઓ :

લઈ લો મીઠાં ફળ

મીઠાં મીઠાં ફળ

લાવો કાદવ

લાવો કિચડ

લઈ લો મીઠાં ફળ

મીઠાં મીઠાં ફળ

ભઈ! ગંદકીના બદલામાં ફળ મળે. પછી જોઈએ શું?

મહિલાઓ તો તગારાં ને તગારાં ભરીને કાદવ કિચડની ગંદકી લાવવા માંડી.

ખેડૂત પણ એવો કે ભારોભાર ફળ આપે જ.

એ રીતે ફળ વેચતો વેચતો તે ક્યાંનો ક્યાં નીકળી ગયો.

એક ગામમાં ખરું થયું. એક છોકરી આવી. પરણવાની ઉંમર. રૂપાળી ભારે પણ તેની પાસે કચરો પૂંજો ન મળે. તે લાવી હતી જરાક અમસ્તો કાદવ કિચડ.

ખેડૂત કહે: 'દીકરી આટલા કચરાના બદલામાં તો બહુ ઓછાં ફળ મળશે. તારા કચરાનું કંઈ વજન પણ નથી.'

કન્યા કહે: 'જાણું છું દાદાજી. પણ શું કરું? મારે ઘરે કચરો જ નથી. રોજ સવારના પહોરમાં એટલું ઝાડી ઝાટકીને ઘર તથા આંગણું સાફ કરું છું કે ગંદકી રહેતી જ નથી. આ કચરો ય હું બાજુના ઘરનો લાવી છું.'

બસ, ખેડૂતદાદાને દીકરા માટે વહુ મળી ગઈ.

તેઓ કહે : 'બસ, મારે આવી જ વહુ જોઈતી હતી. જે વહુ ઘરઆંગણ ચોખ્ખું રાખે તે જ સાચી વહુ. તેમાં ય ખેડૂતનું ઘર તો ચોખ્ખું જ રહેવું જોઈએ. ચોખ્ખા ઘરમાં રોગચાળો હોતો નથી. દુ:ખ દર્દ હોતા નથી, ગરીબી ને ભૂખમરો તો હોતા જ નથી.'

ડોસાએ તો ગીત ગાયું:

ચોખ્ખું ઘરનું આંગણું

ચોખ્ખો ઘરનો ચોક

જ્યાં ચોખ્ખી રે વહુ રહે

ત્યાં વસે સ્વર્ગના લોક

રૂપવતી છોકરી ય રાજી રાજી થઈ ગઈ. ખેડૂતના દીકરાના ધૂમધામથી લગ્ન થયા.

અને ખરેખર ખેડૂતનું ઘર સ્વર્ગ બન્યું.

લોકો કહેવા લાગ્યા: 'સ્વર્ગ ક્યાંય હોય તો અહીં જ છે, અહીં જ છે.'

સ્વચ્છતા છે નારો

સ્વચ્છતા છે આરો

સ્વચ્છતા છે દ્વારો

સ્વચ્છતા છે ઓવારો

સ્વચ્છ જેનું ઘર

ઘર એ જ સ્વર્ગ

સ્વચ્છ જેનો વર્ગ

એ જ શાળા સ્વર્ગ

- હરીશ નાયક


from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MwN1nW
Previous
Next Post »