મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બારેમેઘ તૂટી પડયા છે. નદી બે કિનારા ભરીને દોડી રહી છે. દ્રશ્ય બિહામણું છે તો રળિયામણું પણ છે.
જેઓ આ પૂરના શિકાર બને છે તેમને માટે કુદરતી પ્રકોપ છે. જેઓ કુદરતની લીલા નિહાળી શકે છે તેમને માટે આનંદનાં પૂર છે.
મહારાજા બિંબિસાર અને મહારાણી ચેલ્લણાદેવી સુરક્ષિત મહેલના ઝરૂખામાં બેઠાં બેઠાં કુદરતનું તાંડવ દ્રશ્ય નિહાળે છે. બેફામ બનીને દોડી જતી ગંગા નદી ચેલ્લણાદેવીને કોઈ નવો જ ઉલ્લાસ આપે છે.
ત્યાં જ તેમના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. રાણીબા પોકારી ઊઠયાં, 'મહારાજ ! જુઓ જુઓ, ત્યાં....'
મહારાજે અધીરા બનીને, આંખ ખેંચીને એ દિશામાં જોયું.
નદીનાં પ્રલયપૂરમાં કોઈક માનવી હતો. એ માનવી જાતે ખેંચાતો તણાતો હતો. પણ ડૂબતો ન હતો. તે તો નદીના પ્રવાહમાં ખેંચાયે જતાં લાકડાઓને પકડી પકડીને બહાર કાઢતો હતો. એ કામ જીવ પરના જોખમનું હતું પણ જીવ જોખમમાં નાખીને પણ એ માનવી ફરીફરીને પાણીમાં કૂદતો હતો, તણાતાં લાકડાંઓ ખેંચીને કિનારે લઈ જતો હતો.
રાણીબાથી રહેવાયું નહિ. તેમણે કહ્યું, 'મહારાજ ! તમે કહો છો કે તમારા રાજ્યમાં પ્રજા સુખી છે. કોઈને કોઈ વાતનું દુ:ખ નથી. ત્યારે આ માનવીની વીતકકથા જુઓ, એને માથે કેવીક ઉપાધિઓ હશે કે તે પ્રલયનાં પૂરમાં ઝંપલાવી લાકડાં ભેગાં કરી રહ્યો છે. મોતના મોંમાં હાથ નાખી જિંદગી મેળવવાનો પ્રયાસ કરનાર કોઈ જેવો તેવો દુ:ખી માનવી ન જ હોય !'
મહારાજ કહે, 'રાણીબા ! આપણા રાજ્યમાં કોઈને કોઈ જ તકલીફ નથી. છતાં તપાસ કરાવીએ. જો એ માનવી સાચેસાચ દુ:ખી હશે તો એને સુખી બનાવીશું. એની જિંદગીને એશઆરામ, ચેન અને નિરાંતની ભેટ ધરીશું.'
રાજાએ સેવકોને સૂચના આપી. સેવકો આવાં વરસાદી પૂરમાં એ માનવી પાસે ગયા. તેને સમજાવીને મહારાજા પાસે લઈ આવ્યા.
મહારાજાએ કહ્યું : 'એ વરસાદથી અને નદીના પાણીથી ખૂબ પલળી ગયો છે. એણે શ્રમ વધારે કર્યો છે, જોખમ પણ ઉઠાવ્યું છે. પહેલાં એને ગરમ વસ્ત્રો આપો અને એવું જ ગરમ ગરમ ભોજન આપો.'
તેને આવતાં જ મહારાજે પૂછયું : 'ભાઈ ! તું વખાનો માર્યો લાગે છે. તારે શી તકલીફ છે કે તું આમ ઝંઝાવાતી નદીમાં ઝંપલાવી લાકડાં ભેગાં કરી રહ્યો છે. તારું નામ શું છે.'
એ માનવી પહેલાં તો સંકોચ પામ્યો. જાણે તે કંઈ કહેવા જ માગતો ન હતો. પણ જ્યારે રાણીબાએ પણ એવો જ આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું : 'મારું નામ મમ્મણ છે અને હું હંમેશાં આ રીતે નદીમાંથી લાકડાં ભેગાં કરું છું...'
'પણ આમાં તો સો ટકા જોખમ છે, આ તે કંઈ જિંદગી જીવવાની રીત કહેવાય ?' રાણીબાએ કહ્યું.
'એ ખરું રાણીબા ! પણ આ લાકડાં ચંદનના છે. ઠેઠ હિમાલયમાંથી ખેંચાઈને આવતાં આ ચંદનવૃક્ષ...'
'અરે ચંદન છે તેથી શું ? તારે કેટલાં ચંદનનાં લાકડાં જોઇએ.' રાજાજીએ કહ્યું, 'ચંદનનાં કાષ્ઠ ખાતર તું મહામૂલી કાયાને નંદી નખાશે. બોલ, તારે કેટલાં સુખડ-ચંદન જોઇએ ? કેટલા પૈસા જોઈએ ?'
'કેટલું સોનું ચાંદી ? કેટલા રૂપિયા ?'
મહારાજાના મનમાં કે એ ગરીબ બિચારો ઘણી બધી રકમ માંગી લેશે, હજાર, દશ હજાર, લાખ ગીનીઓ જરૂર એ માગશે.
પણ એણે જે વસ્તુ માગી એ જોઇને રાજા સ્તબ્ધ થઈ ગયા. સાંભળીને રાણી ચકિત થઈ ગયાં.
મમ્મણ કહે, 'મહારાજા ! મારે તો બળદનું એક શિંગડું બાકી છે. એ પૂરું થાય એટલે બસ.'
'બળદનું શિંગડું બળદ' મહારાણી બોલી ઊઠયાં, 'એ વળી શું ?'
રાજાએ તો તરત કહ્યું, 'એ બળદનું શિંગડું શું ?' આખો બળદ જ ભેટ આપી દઉં. અરે,એક શું બે બળદ... ?'
મહારાજાના મનમાં કે એને ખેતી કરવા બળદો જોઈતા હશે !
રાણીબાના મનમાં કે લાકડાં ભેગાં કરી હળ બનાવશે પછી બળદ મેળવી ખેતી કરશે.
પણ મમ્મણે તો કોઈ જુદી જ વાત કરી. તે કહે, 'ના મહારાજા ! મારે આખા બળદ ન જોઈએ, બળદ તો... છે મારે તો એક શિંગડાની ખોટ છે. એક શિંગડું થાય એટલે પત્યું.'
રાજારાણી બન્ને ગૂંચવાયાં, આ વળી શિંગડાની શી જીદ છે ? અને નદીનાં પૂરમાંથી જે લાકડાં મળે છે એમાંથી તો હજારો શિંગડાં થાય ! તેના બદલે આ માત્ર એક જ શિંગડાની શી વાત છે ? ભાઈ ! એક બળદને ય બે શિંગડા તો હોય છે જ. આ તો માત્ર એક શિંગડા ખાતર જ આવડું મોટું જોખમ ?'
બંને રાજારાણીએ કહ્યું, 'ભાઈ મમ્મણ! અમને તારી વાત સમજાતી નથી. તું અમને તારા એ બળદ બતાવ, બાકીનું અમે પતાવી દઇશું.'
'ચાલો મહારાજ !' કહીને મમ્મણ મહારાજા તથા મહારાણીને પોતાના નિવાસસ્થાને લઈ ગયો.
નદીના કિનારે જ એક ઝૂંપડા જેવું મકાન હતું. બહારથી ભંગાર લાગે. અંદર દાખલ થતાં વાતાવરણ ઠીક લાગ્યું. પછી એક પાટિયું ઉપાડયું.
મહારાણી કહે, 'આની નીચે પણ કંઇક છે !'
મહારાજા કહે, 'ઝૂંપડામાં ભોંયરું ? ભલા, તારે વળી ભોંયરાની શી જરૂર ?'
મમ્મણ કહે, 'ભોંયરું' જોશો એટલે જાણ થઈ જશે મહારાજા ! પધારો..'
મમ્મણ પહેલો નીચે ઊતર્યો પછી રાજાજી, પછી રાણીબા.
જેવાં રાણી નીચે પહોંચ્યાં કે ઝળઝળાં પ્રકાશથી તેમની આંખો અંજાઈ ગઈ. આંખોને ટેવાતાં વાર લાગી, પછી જેવી આંખ ઠીક થઈ કે દ્રશ્ય જોવા મળ્યું. જે કાંઇ જોયું તે અદ્ભુત હતું !
બે બળદ હતા. બરાબર બળદ. પણ હાડમાંસના નહિ, ચકચકતા સોનાનાં. એ બળદોની આંખો ઝગારા મારતાં રત્નોની, અને દેહ પર ઠેર ઠેર નીલમ, માણેક, મોતી, પરવાળાં.
રાજારાણી તો આ દ્રશ્ય જોઈને તાજ્જુબ પામી ગયા.
રાજાજી કહે, 'મમ્મણ ! આ... આ અમે શું જોઈ રહ્યાં છીએ ?'
રાણીબા કહે, 'આ તારા બળદથી તો આખું મગધ ખરીદી શકાય...'
મમ્મણ કહે, 'પણ રાણીબા ! હજી બળદ પૂર્ણ થયા નથી. બેમાંથી એક બળદનું એક શિંગડું હજી બાકી છે. એ પૂરું થશે એટલે હું જોખમ નહિ ઉઠાવું. પછીથી નિરાંતે...'
રાજા-રાણીએ જ્યારે વિગતો જાણી ત્યારે તેઓ આભા જ બની ગયાં. વાત એવી હતી કે મમ્મણ કોઈ ગરીબ નહોતો, સાધુ ન હતો કે ભિખારી ય ન હતો. તે તો એક શ્રેષ્ઠી હતો. પણ... ભારે લોભી હતો. એક નંબરનો સંઘરાખોર જ કહોને ! હિમાલય પ્રદેશમાંથી જે ચંદન કાષ્ઠો આવતાં તે જાનના જોખમે મમ્મણ મેળવતો. સુખડ-ચંદનની કિંમત વધારે ઊપજે છે. એ વેચી વેચીને તે સોનું ભેગું કરે રાખતો. એમાંથી તેનો લોભ વધતો જ ગયો. તેણે પ્રતિજ્ઞાા કરી કે તે પૂરા બે બળદ સોનાના બનાવશે.
આમ તે દુનિયાનો સૌથી વધુ સુખી માણસ હતો. પણ લોભી હોવાથી જાનને જોખમમાં નાખતો હતો. તેનું એક શિંગડું બાકી રહ્યું અને ત્યારે જ ઉપરનું દ્રશ્ય રાજા રાણીની નજરે પડી ગયું.
મહારાજા કહે, 'રાણીબા ! જોયું ? આપણા રાજ્યમાં દુ:ખી તો કોઈ જ નથી. બધાંને જીવવા પૂરતું મળી રહે છે. પણ આવા માનવીઓ લોભને લઇને દુ:ખી થાય છે અને કરે છે. આ મમ્મણો મણ મણ સોનાથી પણ ધરાતાં નથી અને બીજાઓને કણ કણને માટે રખડતાં કરે છે. આવા મમ્મણો ખાતાં નથી, ખાવા દેતાં પણ નથી. પોતાનો જીવ જોખમમાં નાખે છે અને બીજાને ચિંતા કરાવે છે. હવે તમે જ કહો, આવા લોભી, સ્વાર્થી, સંઘરાખોર, શિંગડિયા મમ્મણને આપણે શું કરવું જોઇએ ?
બિચારો મમ્મણ બળદનું શિંગડું મેળવવા જતાં શિંગડે ભરાયો. ખરેખર શિંગડે ભરાયો !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Bajxql
ConversionConversion EmoticonEmoticon