ફેશનેબલ યુવતીઓની પહેલી પસંદ: ફ્લેટ ચપ્પલ


આજના સમયમાં જ્યાં ફૅશનેબલ પરિધાનોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યાં ફૅશનેબલ ફૂટવેર પણ યુવાઓની ઓળખ બની રહ્યાં છે. તમારા ફૂટવેર તમારા વ્યક્તિને આકર્ષક બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માર્કેટ હોય કે ઓફિસ,ફૅશનેબલ ફૂટવેરની દરેક જગ્યાએ બોલબાલા છે.

આજે જેમ ફૅશનેબલ પરિધાનોની ફેશન નિરંતર બદલાતી રહે છે તેમ ચપ્પલોની ફૅશનમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. હમણાં થોડા સમય સુધી બજારમાં હાઈ હિલ ચપ્પલ, સઁડલ કે જૂતાં છવાયેલાં હતાં, પરંતુ હવે ફ્લેટ ચપ્પલો ફૅશનની રેસમાં આગળ નીકળી ગયા છે. પોતાના નવા અંદાજ સાથે બજારમાં પોતાની અલગ ઓળખ બનાવી રહેલી ફ્લેટ ચપ્પલો આરામદાયક હોવા સાથે ફૅશનેબલ પણ છે. આજે માર્કેટમાં દરેક પ્રકારની વેરાઈટી અને રેન્જની તેમજ વિભિન્ન રંગોનાં ફૅશનેબલ ફ્લેટ ચપ્પલો ઉપલબ્ધ છે.

એક એવો પણ સમય હતો કે જ્યારે બજારમાં ફક્ત બ્લેક, વ્હાઈટ, બ્રાઉન અને રેડ જેવા ફક્ત સિલેક્ટેડ રંગોનાં ચપ્પલો જ મળતી. જ્યારે આજના સમયમાં ગોલ્ડન, સિલ્વર તેમજ દરેક પ્રકારના બ્રાઈટ રંગોની ચપ્પલો બજારમાં ધૂમ મચાવી રહી છે. એટલું જ નહીં આજે તો મેટ ફિનિશ, લાકડિયો રંગ તેમજ રંગબેરંગી કપડાંમાંથી બનાવેલાં  ચપ્પલો આધુનિક યુવતીઓને ખૂબ પસંદ પડી રહી છે. 

કોલ્હાપુરી ચપ્પલો: ઘણો લાંબો સમય ગાયબ રહ્યા બાદ કોલ્હાપુરી ચપ્પલો એક નવા અંદાજમાં ફૅશનપ્રેમીઓને આકર્ષવા ફેરિયા બજારમાં છવાયાં  છે. પહેલાં ફ્લેટ ચપ્પલો કોલ્હાપુરી ચપ્પલોના નામે વેચાતાં હતા. અગાઉ આ ચપ્પલો બ્લેક, બ્રાઉન, રેડ વગેરે જેવા કેટલાક સિલેક્ટેડ રંગોમાં જ મળતાં પરંતુ આજે તે બ્લૂ, ગોલ્ડન, સિલ્વર અને ગ્રીન રંગોમાં પણ તે ઉપલબ્ધ છે. તેના પર કરવામાં આવતું જાતજાતનું વર્ક ઘણું જાણીતું છે.

ફ્લેટ સ્લીપર્સ: આજકાલ માર્કેટમાં ફ્લેટ સ્લીપર્સની બોલબાલા છે. આ સ્લીપર્સની ખાસિયત એ છે કે તેને જિન્સ, કેપ્રી વગેરે જેવા દરેક પ્રકારનાં ફેશનેબલ વસ્ત્રો પર પહેરી પોતાને ફૅશનેબલ લુક આપી શકાય છે. આજે બજારમાં ફ્લેટ સ્લીપર્સ ફૂલ, પતંગિયા, દોરી, કુંદન વગેરેથી સજાવેલાં જોવા મળે છે. હવે તમે તમારા ડ્રેસ સાથે મેચિંગ કરીને પણ આ સ્લીપર્સ પહેરી શકો છો, કારણ કે તે ગોલ્ડન, સિલ્વર, ઓરેંજ, બ્લૂ વગેરે જેવા બ્રાઈટ કલર્સમાં ઉપલબ્ધ છે.

પટ્ટા વગરની ચપ્પલો: આજે ફ્લેટ ચપ્પલોમાં પટ્ટા વગરની ફક્ત અંગુઠાવાળી ફ્લેટ ચપ્પલોનું પણ માર્કેટ જોવા મળી રહ્યું છે. પોતાના નવા લૂક અને આકર્ષક રંગોને કારણે તે બજારની શાન બનેલી છે.

ફ્લેટ મોજડી: ફ્લેટ મોજડી અને ચૂડીદાર-સલવાર, યુવતીઓની પહેલી પસંદ હોય છે. કદાચ એટલે જે રાજસ્થાની મોજડીએ ફરી એક વાર બજારમાં કમબેક કર્યું છે. રંગબેરંગી મોજડીઓ પર ચમકતા દોરાઓની સુંદર કારીગરી તેની સુંદરતામાં ઓર વધારો કરે છે. આ સદાબહાર રાજસ્થાની મોજડીઓ લગ્નપ્રસંગ કે પાર્ટીમાં પોતાના અલાયદી ઓળખ ઊભી કરવા માટે પરફેક્ટ ફૂટવેર છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LVLWqE
Previous
Next Post »