બનારસી સાડી એટલે બનારસની સિલ્ક સાડી. બનારસી સાડીનો પરિચય આપવાની જરૂર ન હોય. બનારસી સાડી ન પહેરનારાં પણ તેનાથી પરિચિત છે. સિન્થેટિક યાર્નમાંથી બનતી સાડીઓનું ચલણ વધી ગયું છે, છતાં પરંપરાગત સિલ્ક (રેશમ)ની સાડીએ પોતાનું સ્થાન ગુમાવ્યું નથી. સ્ત્રી પરણ્યા પછી પણ પંજાબી સલવાર-કમીઝ જેવા ડ્રેસીસ પહેરવાનું આજે ચાલુ રાખે છે. પણ સાડીનું સ્થાન ડગ્યું નથી. દરેક સ્ત્રીના વોર્ડરોબમાં સાડીનું સ્થાન સુરક્ષિત છે.
સિલ્કની સાડી મહિલાઓનું લોભામણું વસ્ત્ર છે. બનારસી સાડી ખરીદનારની યાદીમાં સૌથી ટોચ પર રહે છે. સિલ્કની સાડીમાં બનારસી ઉપરાંત કાંજીવરમ અને બેંગલોર સિલ્ક પ્રખ્યાત છે.
આખો તાકો વીંટીમાંથી પસાર થઇ જાય એવું કાપડ બનાવવા માટે ભારતના કારીગરો જગમશહૂર હતા. આ કારીગરોનાં આંગળાં કાપી નાખવામાં આવ્યાં અને વસ્ત્રવણાટની એ કલા અદ્રશ્ય થઇ ગઇ. આમ છતાં આજે ભારતમાં સિલ્કની સાડીના ઉત્કૃષ્ટ વણાટકારો મોજુદ છે. ભારતીય કારીગરે બનાવેલી સિલ્કની સાડીની નકલ થઇ શકતી નથી.
નકલ કરીને અસલ વસ્તુને પણ પાછી રાખી દેવામાં નિષ્ણાત જપાનીઓની કારીગરી પણ આ બાબતમાં ફાવી નથી. બનારસી અને બીજી સિલ્કની સાડીઓની વિદેશમાં ધૂમ નિકાસ થાય છે. વિદેશમાં વસતા ભારતીયો જ નહિ, વિદેશીઓને પણ સાડીનું ઘેલું લાગ્યું છે. સિલ્ક સાડીની જબરી બજાર પર જપાનનો ડોળો હતો. તેણે પોતાના નિષ્ણાતોને ભારત મોકલ્યા હતા, પણ સિલ્ક સાડીની વણાટકલા તેઓ હસ્તગત કરી શક્યા નથી.
બનારસી સાડી હાથસાળ પર તૈયાર થાય છે. આંગળીઓ જેવો વણાટનો જાદુ કરી શકે એવી મશીનરી હજી બની નથી. કારીગર હાથસાળ પર મનમોહક ભાત પાડે છે. આના કારણે બનારસી સાડીને વ્યક્તિગત ટચ મળે છે દરેક સાડી બીજી સાડીથી જુદી પડે છે. આધુનિક લૂમ પર ઝેરોક્સ કોપી જેવી સાડીઓ સડસડાટ ઊતરે છે, પણ એક બનારસી સાડી જેવી અદ્દલ બીજી સાડી બનાવી શકાતી નથી. અહીં જ તો બનારસી સાડીનો ચાર્મ રહેલો છે. દરેક બનારસી સાડી નવી લાગે અને સિલ્કનું આ અનંત નાવીન્ય તેની લોકપ્રિયતાનું કારણ છે.
બનારસની આસપાસનાં મુબારકપુર, મુંગા, કાંજીવરમ, ધર્માવરમ્ અને બીજાં નાનાં મોટાં ગામમાં સાડીઓ વણવાનો ગૃહઉદ્યોગ છે. વણાટકલા અહીંના લોકોને વારસમાં મળે છે. અમુક જ્ઞાાતિઓનો આ કૌટુંબિક વ્યવસાય છે. આ જન્મજાત કારીગરો સ્ત્રીના સ્વપ્નને રેશમના ધાગામાં વણે છે.
એક સાડી તૈયાર થતાં સામાન્ય રીતે અઠવાડિયું લાગી જાય છે. પણ ઘણા કારીગરો મહિનાઓનો સમય લઇને ઝીણી ભાતની નમૂનેદાર સાડી પણ બનાવે છે. આવી સાડી ધારણ કરનાર અને તેને જોનાર બધાને મુગ્ધ કરે છે. સ્વાભાવિક રીતે જ જે સાડી બનતાં વધુ સમય લાગે તે વધારે સુંદર બનવાની. બનારસી સાડીમાં ડિઝાઇન કરવાનું કામ સહેલું નથી. એક-એક ધાગાને આકારમાં ગોઠવવાનો હોય છે. હાથસાળ પર આવી ડિઝાઇન કરવાનું કામ ધીરજ માગી લે છે.
બનારસી સાડીના વણકરોનાં આંગળાં ફ્લેકસિબલ હોય છે. નાનપણથી જ ઘરમાં રહેલી હાથસાથ પર બાળકને તાલીમ મળવા લાગે છે. ઘરના બધા સભ્યો કારીગરો હોય છે. સ્ત્રીઓ પણ ઘરના કામમાંથી નવરાશ મળે ત્યારે વણાટમાં મદદ કરતી હોય છે. એ રીતે બનારસી સાડીનો ઉદ્યોગ ગૃહઉદ્યોગ હોવા ઉપરાંત કુટુંબઉદ્યોગ પણ છે.
સિલ્ક સાડીઓમાં આજે પણ રંગકામ માટે પરંપરાગત ઢબ અપનાવાય છે. સદીઓથી આવતા રંગ આજે પણ વપરાય છે. આવા રંગો પર પાણીની અને આબોહવાની ખાસ અસર પડે છે. બનારસ આસપાસના વિસ્તારમાં જેવો રંગ લાવી શકાય તેવો રંગ અન્ય વિસ્તારમાં લાવી શકાતો નથી. પાણી અને આબોહવા બદલવાથી રંગનું બંધારણ બદલાઇ જાય છે.
આથી જ આ પ્રકારની પરંપરાગત સાડીઓ અમુક ચોક્કસ જગ્યાએથી જ બનતી હોય છે. બનારસી સાડીઓની ખૂબી મુંબઇમાં લાવી ન શકાય. બનારસી સાડી બનારસમાં જ બનાવવી પડે. જપાનના નિષ્ણાતોને પણ આજ પ્રશ્ન નડયો હતો. આ કલા એવી છે કે તેની નિકાસ થઇ શકે નહિ. જયાને બનારસ જેવું જ વાતાવરણ કૃત્રિમ રીતે ઊભું કરવાનો પણ પ્રયાસ કરેલો. જોકે આવા પ્રયાસોને સફળતા મળી ન હતી.
આગળ કહ્યું તેમ એકસરખી બે સાડી બનાવવી મુશ્કેલ છે. બનારસી અને કાંજીવરમ્માં તો ભાગ્યે જ બે ડિઝાઇન સરખી મળી રહે. બેંગલોર સિલ્કમાં ઘણીવાર એકસરખી ડિઝાઇન મળે છે. સાદી સિલ્કની સાડીમાં એક સમાન આલેખ મળી જાય છે. પરંતુ સાડીમાં જેમ ભાતની વિવિધતા વધતી જાય અને કારીગર જરીકામમાં પોતાની કમાલ બતાવવા લાગે પછી તેની નકલ કરવી મુશ્કેલ બને. ખુદ કારીગર પોતે જ પોતાની નકલ ન કરી શકે.
એક ગામમાં બનતી હોય તેવી સાડી બાજુમાં ન બને. એક જ પ્રકારની ડિઝાઇનમાં પણ કારીગરો એટલી વિવિધતા લઇ આવે છે કે આપણે જોતા ધરાઇએ નહિ. દક્ષિણ ભારતમાં ઘણા ગામ એવાં છે જ્યાં વર્ષોથી એક જ પ્રકારની ડિઝાઇન બનતી હોય. એક ગામમાં કારીગરો માત્ર ચેક્સની ડિઝાઇન બનાવવામાં કુશળ છે. તેમની કુશળતા અને કસબ એવાં છે કે માત્ર ચેક્સમાં પણ અસંખ્ય આકાર રચી શકે છે. ચેક્સની ડિઝાઇનો જ તેમની પાસે ખૂટે નહિ તેટલી હોય છે.
ડિઝાઇન પાડવા માટે દોરાઓની ખાસ પ્રકારે ગોઠવણી કરવી પડે. અનુભવને આધારે જ આ શીખી શકાય છે. વારસામાં આ કલા મળતી હોવાથી દીકરો બાપ જેવી જ ડિઝાઇન કરતાં શીખે છે. એક કારીગર બેટાર મૂળભૂત ડિઝાઇન જ જાણતો હોય છે, પણ તેમાં જ નાનામોટા ફેરફાર કરી વિવિધતા જાળવે છે.
આજે પણ બનારસી સાડી મુખ્યત્વે હાથસાળ પર તૈયાર થાય છે. આમ છતાં હવે કેટલીક જગ્યાએ પાવરલૂમનો ઉપયોગ થવા લાગ્યો છે. પાવરલૂમથી એક સાડી તૈયાર કરવાનો સમય ઘણો ઘટી જાય. સામા પક્ષે ઘણીવાર બનારસી સાડીનું લાવણ્ય જતું રહે છે. હાથસાળ પર એક ટાંકાને કાળજીથી વણતા કારીગર જેવી સાડી પાવરલૂમ બનાવી ન શકે.
બનારસી સાડી એક મોભો આપે છે. રિયલગોલ્ડ અને સિલ્વરનું જરીકામ કરેલી બનારસી સાડી એક જમાનામાં પ્રતિષ્ઠાનું પ્રતીક હતી. સોના અને ચાંદીના તારથી મઢેલી સાડી જાજરમાન બની જતી. સોના અને ચાંદીના જરીકામવાળી સાડીઓ આજે પણ બને છે, પણ હવે તેની ખપત અલ્પ બની ગઇ છે. એક તો સોના-ચાંદીના ભાવ વધી જાય છે.
સોના કે ચાંદીની જગ્યાએ આજે હવે તાંબા જેવી ધાતુ પર સોનાનો કે ચાંદીનો ગિલેટ ચઢાવીને તેનું જરીકામ કરવામાં આવે છે. સિલ્કની સાડી પર સોનાચાંદીનું જરીકામ થાય તો સાડીઓમાં સુરતની જરીનો ઉપયોગ થાય છે. દેશભરમાં સુરતમાંથી જરી પહોંચે છે. જરીકામને કારણે બનારસી સાડીની સુંદરતામાં વધારો થાય છે.
રેશમની જગ્યાએ પોલિયેસ્ટરનો પણ હવે સાડી બનાવવામાં ઉપયોગ થવા લાગ્યો છે. પોલિયેસ્ટરની સાડી પર જરીકામ કરવામાં આવે એટલે તે બનારસી સાડી જેવી જ લાગે છે. પોલિયેસ્ટરને કારણે સાડીની કિંમત ઘણી ઓછી થાય છે. વળી સિલ્ક સાડીના મુકાબલે પોલિયેસ્ટરની સાડી ઘણી ટકાઉ હોય છે. વારતહેવારે પહેરવી પણ અનુકૂળ પડે છે અને બનારસી સાડી પહેર્યા જેટલો આનંદ પણ મળી રહે છે.
સ્ત્રીઓને પણ આવી કૃત્રિમ બનારસી સાડી પસંદ પડતી હોય છે. સાડીની એક જાણીતી દુકાનના સંચાલક કહે છે કે ઝડપભેર બદલાતી જતી ફેશનમાં સ્ત્રીને એકની એક સાડી વધુ વાર પહેરવી શરમજનક લાગે છે. મોંઘી બનારસી સાડી અમુક સમયે પહેરીને ફેંકી દઇ શકાય નહિ. તેની સામે પોલિયેસ્ટરમાંથી બનેલી બનારસી જેવી સાડી સસ્તી હોવાથી નવી ડિઝાઇનની ફેશન આવે કે તરત બદલી શકાય છે.
રેશમના પણ વિવિધ પ્રકારો છે. પ્યોર સિલ્ક, સાટીન સ્લિક, ઓરગંજા, મહિસુર, મહિસુર જ્યોર્જટ, સિફોન, ક્રેપ એવી જાતો આવે છે. આ બધી સાડીઓના તાર રેશમના જ હોય છે. પણ દરેકનું વણાટ જુદું પડે છે. સાડીમાં તારની સંખ્યા વત્તીઓછી હોય છે. બનારસી સિલ્કમાં આર્ટસિલ્ક પણ ઘણી વાર મિક્સ કરવામાં આવતું હોય છે.
આર્ટ સિલ્ક અસલ સિલ્ક કરતાં કિંમતમાં ઓછું હોય છે. આના કારણે બનારસી સાડીના ભાવમાં ઘણો ફરક પડી જાય છે. નિમ્ન મધ્યમવર્ગને પણ પરવડે તેવી કિંમતે સાડી તૈયાર થાય છે અને આર્ટ સિલ્ક વાપરવાથી ખાસ ફરક પડેલો જણાતો નથી એટલે બનારસી સાડી પહેર્યાનો સંતોષ મળે.
સાડીઓમાં બનારસી સાડી ખાસ છે અને બનારસી સાડી ખાસ પ્રસંગોએ પહેરવાની સાડી છે. શુભ પ્રસંગોએ ખાસ યાદ કરીને બનારસી સાડી પહેરવામાં આવે છે.
બનારસી સાડીની જાળવણીનું કામ કડાકૂટવાળું છે. પહેરી હોય ત્યારે અને ન પહેરી હોય ત્યારે પણ બનારસી સાડીની કાળજી લેવી પડે છે. જેવા મુલાયમ રેશમમાંથી બનારસી સાડી બની હોય છે એવી જ મુલાયમતા બનારસી સાડી સાથે રાખવી પડે છે.
સામાન્ય વસ્ત્રોની માફક સિલ્કની સાડીને ધોઇ શકાતી નથી. રેશમના તાર સિન્થેટિક યાર્ન જેવા મજબૂત હોતા નથી. વળી બનારસી સાડીમાં ભરતકામ પણ કરેલું હોય. સાદી રીતે ધોલાઇ કરવા જતા ભરતકામનો કૂચો વળી જાય. બનારસી સાડી બને તેટલી ઓછી વાર ધોવામાં આવે છે. આમ પણ બનારસી સાડી વારંવાર પહેરવામાં આવતી નથી. એટલે એક પ્રસંગ પૂરો થયા પછી બીજા પ્રસંગ સુધી તેને સાચવીને કબાટમાં મૂકી દેવાય છે.
સિલ્કની સાડી અમુક સમય પછી ગડી કરી હોય ત્યાંથી ફાટી જતી હોય છે. બનારસી સાડી અવારનવાર પહેરવામાં આવતી ન હોવાથી લાંબો સમય ગડી કરેલી હાલતમાં વોર્ડરોબમાં પડી રહે છે. લાંબો સમય આ રીતે રહેવાથી સાડીના રંગને અને જરીકામને પણ અસર થાય છે અને ગડી હોય છે ત્યાં સાડી ઝરી જાય છે.
સાડીના વેપારીઓ આ માટે બનારસી સાડીને સીધી ગડી વાળીને મૂકી ન દેતા, તેને સુતરાઉ કાપડમાં વીંટાળીને મૂકવાની સલાહ આપે છે. સુતરાઉ કાપડમાં વચ્ચે સાડી રાખી દેવાથી ગડી પડે ત્યાંથી તાર ખેંચાઇ જતા નથી. બીજી કાળજી એ લેવી જોઇએ કે બનારસી સાડીને લાંબો સમય કબાટમાં પડી રહેવા દેવાને બદલે અમુક સમયાંતરે બહાર કાઢી આખો દિવસ ખુલ્લી કરીને રાખવી. જાણકારો બનારસી સાડી પર પરફ્યુમનો બિલકુલ ઉપયોગ ન કરવાની સલાહ આપે છે. સેન્ટનાં રસાયણો રેશમના રેસા અને જરી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. આનાથી સાડીને નુકસાન થાય છે. અત્તરને કારણે જરી કાળી પડી જાય છે.
પોતાની મનગમતી બનારસી સાડીને ઘરે જ ધોવાનો પ્રયાસ મહિલાએ ન કરવો જોઇએ. બનારસી સાડીને ધોવા માટે લોન્ડ્રીમાં આપવી જોઇએ. મુંબઇમાં સાડીઓના ઘણા વેપારીઓ પોતે પણ પોતાના ગ્રાહકોને આ માટે સર્વિસ આપતા હોય છે. બનારસી સાડી ધોવા માટે કેટલાક વેપારીઓ સ્વીકારે છે. જાણીતી દુકાનોમાં બનારસી સાડી ધોવા માટે પણ કુશળ કારીગરો હોય છે. એટલે દુકાનદારને બનારસી સાડી ધોવા આપવાનો વિચાર પણ સારો છે.
બનારસી સાડી પહેરવાની મજામાં સૌથી અડચણરૂપ જરીકામ બને છે. જરીકામનો કઠારો બનારસી સાડીને એક રૂપ આપે છે. જરીકામ વિનાની બનારસી સાડી એક સમયે તો સ્ત્રીને અધૂરી જ લાગતી.
આ બધાને કારણે હવે જરીકામ ઓછું થવા લાગ્યું છે. ઓછું અને ઓછું જરીકામ આજકાલ વધુ પસંદ કરવામાં આવે છે. બનારસી સાડીની બોર્ડરમાં પણ સમય પ્રમાણે ફેરફાર થતા રહ્યા છે. એક સમયે બનારસી સાડીની બોર્ડર ઘણી મોટી રહેતી. બોર્ડરને પણ વિવિધ ભાત વડે ખૂબ જ સજાવવામાં આવતી. બનારસી સાડીની બોર્ડર ધીમે-ધીમે નાની થતી ગઇ છે. પ્રમાણસરની બોર્ડર પર હવે પ્રમાણસરનું જરીકામ થાય છે. સાવ બોર્ડર વિનાની બનારસી સાડી પણ આવે છે. આવી બોર્ડર વિનાની સાડી પણ ઘણી મહિલાઓ પસંદ કરતી હોય છે.
બનારસી સાડીમાં જરીકામનું પ્રમાણ ઓછું થયું અને બોર્ડર પણ નાની થઇ એનાથી સાડીનું વજન સારું એવું ઘટી ગયું. પોતાના મોટા સાસુ પહેરતા એવી બનારસી સાડી આજે કોઇ વહુએ પહેરી હોય તો તેના જ વજનથી જ બિચારી થાકી જાય. પણ હવે બનારસી સાડી એવી વજનદાર રહી નથી. વજન ઓછું થવાથી બનારસી સાડી પહેરવામાં સુગમ પડે છે. સાથે-સાથે જાળવણી પણ સરળ બની છે. બનારસી સાડીના જરીકામની જ બહુ કાળજી લેવી પડતી. પરંતુ હવે એવી માથાકૂટ રહી નથી. આવી બનારસી સાડી ધોવામાં પણ સરળ રહે છે.
સમય સાથે આવેલા ફેરફારથી સ્ત્રીઓને સૌથી મોટો ફાયદો એ થયો છે કે બનારસી સાડી સામાન્ય પ્રસંગોએ પણ પહેરવા જેવી બને છે. વર્ષના ગણ્યા ગાંઠયા શુભ પ્રસંગોને બદલે હવે ફરવા જતી વખતે કે પરિચિતને ત્યાં પાર્ટીમા જતી વખતે પણ અવારનવાર બનારસી સાડી પહેરવાનો લ્હાવો મહિલાઓને મળે છે.
બનારસી સાડીમાં પણ આર્ટિફિશિયલ તત્ત્વો વધુ વપરાવા લાગ્યાં છે. પ્યોર સિલ્કમાં હવે ખબર પણ ન પડે તે રીતે આર્ટસિલ્કનું મિશ્રણ થઇ શકે છે. પોલિયેસ્ટર જેવા સિન્થેટિક યાર્નમાંથી પણ બનારસી આભાસ આવે તેવી સાડીઓ બને છે.
આમ છતાં અસલ બનારસી સાડીની બજાર તૂટી નથી બલકે તેની માગ વધતી જાય છે. હાથસાળ પર તૈયાર થઇ શકતી બનારસી સાડીનું ઉત્પાદન મિલના કાપડની જેમ ઢગલા મોઢે થઇ શકે નહિ. આના કારણે પણ બનારસી સાડીની માગ જળવાઇ રહી છે. વિદેશમાં પણ બનારસી સાડીની નિકાસ થાય છે.
બનારસી સાડીમાં વિશાળ રેન્જ મળી રહે છે. હજાર રૂપિયાથી માંડીને દસ, બાર, પંદર હજાર રૂપિયાની કિંમતની સાડીઓ બને છે. બનારસી સાડીમાં મોઘું જરીકામ થાય એમ કિંમત વધતી જાય છે. મુંબઇની એક જાણીતી દુકાનના માલિક કહે છે કે અમારે ત્યાં ૪૫ હજાર રૂપિયાની કિંમતની સાડી પણ મળી શકે છે.
સાડીમાં ભરતકામ કરીને તેમાં કિંમતી હીરા જડવામાં આવે એટલે કિંમત એટલી ઊંચી જાય. આવી મોંઘી સાડી ખરીદનારા મોટાભાગે વિદેશથી આવનારા ગ્રાહક વધુ હોય છે એમ પેલી દુકાનના સંચાલક કહે છે. આફ્રિકા, અમેરિકા, યુરોપ, ફીજી અને મિડલઇસ્ટમાં સિલ્કની સાડીઓનો ક્રેઝ છે. ૪૫ હજારથી કિંમતની સાડી બનાવતા કારીગરને સહેજે છ મહિના લાગી જાય. પણ કારીગરો છ મહિનામાં એવું તો કપડું બનાવે કે તે પહેર્યા પછી સોનાચાંદીનાં આભૂષણો પહેરવાની જરૂર રહે નહિ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Mlw0No
ConversionConversion EmoticonEmoticon