દુપટ્ટા અને સ્ટોલની ફેશન હતી અને રહેશે


સમયની સાથે સલવાર-કમીઝ જેવા પોશાકની ડિઝાઈનમાં જબરજસ્ત પરિવર્તન જોવા મળે છે. પરંતુ ઈન્ડો-વેસ્ટર્ન પેટર્નનું ફ્યુઝન કરીને ડિઝાઈન કરવામાં આવેલા સલવાર,કુર્તા કે ચુડીદારની ઉપર પહેરવામાં આવતા દુપટ્ટા કે સ્ટોલના ટ્રેન્ડમાં કંઈ જ બદલાવ આવ્યો નથી. ઊલ્ટું રોજેરોજ દુપટ્ટા અને સ્ટોલની નીતનવી ડિઝાઈન બજારમાં આવે છે.

દુપટ્ટાની શોધ કોણે કરી તે તો કોઈને ખબર નથી. પરંતુ એમ કહેવાય છે કે, હૈદરાબાદી મોગલકાળમાં દુપટ્ટા પહેરવાની શરૂઆત થઈ હતી. ઈસ્લામ ધર્મમાં સ્ત્રીનું માથું ઢાંકી રાખવાની પ્રથા છે. એટલે આ દુપટ્ટો શોેધાયો હોવાનું માનવામાં આવે છે. સગીરવયની છોેકરીઓએ માથા પર દુપટ્ટો રાખવો ફરજિયાત હોય છે. આજે પણ  ઈસ્લામધર્મની આ રૂઢીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.

મુસલમાન મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા દુપટ્ટા એક એકથી ચડિયાતી ડિઝાઈનના હોય છે. ખાસ  કરીને દુપટ્ટા પર કરવામાં આવેલું ભરતકામ ખૂબ જ સુંદર હોય છે. ઈસ્લામના રાજવી પરિવારમાં દુપટ્ટા પર સેોના અને ચાંદીના તારથી વેલબુટ્ટીઓનું આકર્ષક ભરતકામ કરવામાં આવતું હતું. ત્યારે ખડીના  દુપટ્ટાનું પણ ચલણ જોવા મળતું હતું. આજે પણ મુસલમાન સમાજમાં લગ્ન વખતે નવોઢાને પિયરીયા અને સાસરિયા તરફથી ઉત્તમ વર્ક કરેલા દુપટ્ટા આપવામાં આવે છે.

મુસલમાન સમાજની જેમ જ પંજાબી ૫ મહિલાઓમાં પણ દુપટ્ટો રાખવાની પરંપરા છે. પંજાબની સ્ત્રીઓનો પોશાક સલવાર કમીઝ છે એટલે તેઓ પણ માથુ ઢાંકવા દુપટ્ટાનો જ ઉપયોગ કરે છે. પંજાબી પરિવારમાં પુત્રીનો જન્મ થાય ત્યારથી તેની માતા એક દુપટ્ટો ભરવા લાગે છે. જેને પંજાબીઓ 'ફુલકારી શાલ' કહે છે. નામ પ્રમાણે આ શાલમાં અસંખ્ય વેલ અને ફુલોની બુટ્ટીઓ હોય છે. પુત્રીના લગ્ન થાય ત્યાં સુધીમાં આ શાલ પર ભરત ભરવાનું કામ પૂરું થઈ જાય છે અને લગ્નમાં માતા દીકરીને આ શાલની ભેટ આપે છે.

ગુજરાતમાં દુપટ્ટાને  ઓઢણી કહેવામાં આવે છે. ચણિયાચોળી પર સાડીના છેડાની જેમ આ ઓઢણી પહેરવામાં આવે છે. રાજસ્થાન અને મારવાડ પ્રાંતમાં દુપટ્ટાનો ઉપયોગ 'લાજ' કાઢવા માટે કરવામાં આવે છે.

પારંપરિક મૂલ્ય ધરાવતો દુપટ્ટો  આજે ફેશનનું પ્રતિક બની ગયો છે. જ્યોર્જટ, શિફોન, સિલ્ક, બાંધણી, ઈક્કત, સાઉથ કૉટન, નિટિંગ, લખનવી જેવા અનેક પ્રકારના દુપટ્ટાઓ ઉપલબ્ધ છે. ફેશન ડિઝાઈનરો દુપટ્ટાના આધુનિક અને પરંપરાગત રૂપનો સમન્વય કરીને નવી ડિઝાઈનના દુપટ્ટા તૈયાર કરે છે.

આ પ્રકારના ડિઝાઈનર દુપટ્ટામાં જરી, ટીકી, ઘુંઘરી કે છેડા પર ટેઝલ્સ લગાડવામાં આવે છે. બાંધણીના દુપટ્ટા પર આભલા લગાડીને આકર્ષક બનાવવામાં આવે છે. પ્લેન પંજાબી ડ્રેસ પર હેવી વર્ક કરેલો દુપટ્ટો ખૂબ જ સુંદર દેખાય છે. આ પ્રકારના પોશાકથી માનુનીનું  લૂક પણ એકદમ નીખરી ઊઠે છે.

અનેક દુકાનદારો તો ગ્રાહકોેની જરૂરિયાત પ્રમાણે ખાસ પ્રકારના દુપટ્ટા તૈયાર કરી આપે છે. બજારમાં એકસો રૂપિયાથી લઈને એકહજાર સુધીની કિંમતના દુપટ્ટા ઉપલબ્ધ છે. બાકી તો જેટલો ગોળ નાંખીએ તેટલું ગળું થાય એ નિયમને ભૂલવો નહીં.

આજકાલ દુપટ્ટાની સાથે 'સ્ટોલ'નો ટ્રેન્ડ પણ જોવા મળે છે. સ્ટોલની ફેશન પશ્ચિમના દેશોમાંથી આવી છે. પ્રાચીન સમયથી રોમમાં સ્ટોલની ફેશન હતી. 'સ્ટોલ' મૂળ ગ્રીક શબ્દ છે. લેટિન ભાષામાં સ્ટોલને 'સ્ટોલા' કહેવામાં આવે છે. ગ્રીકના ધર્મગુરુઓ તેમના હોદ્દા પ્રમાણે જુદા જુદા સ્ટોલ પરિધાન કરતા હતા. વર્ષ દરમિયાન જે મહત્ત્વના તહેવારો આવે ત્યારે પણ નક્કી કરવામાં આવેલા રંગના સ્ટોલ તેઓ પહેરતા હતા.

ભારતમાં પણ પ્રાચીનકાળથી સ્ટોલનું મહત્ત્વ છે. પણ આપણે તેને 'ઉપરણા' તરીકે ઓળખીએ છીએ. પૂજા કે અન્ય વિધિ સમયે બ્રાહ્મણો તેને ખભા પર રાખે છે. પણ હવે આપણે દુપટ્ટાની નાની આવૃત્તિ તરીકે સ્ટોલને સ્વીકારી લીધો છે. શોર્ટ કે લોંગ કુર્તી સાથે સ્ટોલ  જરૂરી ગણાય છે.

કોલેજીયનો માટે તો રંગબેરંગી સ્ટોલ મહત્ત્વની  એસેસરી  ગણાય છે. જિન્સ કે ટ્રાઉઝર્સ પર ટી-શર્ટ અથવા કુર્તી સાથે સ્ટોલને લટકતો રાખવાની ફેશન છે અને કદાચ, લાંબો સમય રહેશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31RBuG2
Previous
Next Post »