અમને કાકા કે કાકીના આશીર્વાદ કરતાં એ અમને શું આપશે તેનું કુતૂહલ જબરું હોય
અ મે નાના, આઠદસેક વર્ષના હોઇશું ત્યારે અમને દિવાળી બહુ ગમતી. અમારે માટે ફટાકડા આવે. અમે રોફભેર એ ફોડીએ તે જોવા અમારા ભેરુઓ અમારે ઘેર ટોળે મળે. અમે કંઇક છીએ એવું અમને લાગે.
અને દિવાળીમાં બેસતું વર્ષ એ તો અમારો મનગમતો મીઠો તહેવાર. અમારે માટે એ ઉઘરાણીનો દિવસ. બેસતા વર્ષની આગલી રાતથી જ બા અને બાપાને પગે લાગીને કેટલા રૂપિયા ભેગા કરીશું તેના, મનમાં મલીદા થતા હોય.
સવારે નાહીધોઇને પહેલાં બાને પગે લાગીએ. બાથી અમારા શુકન શરૂ થાય. બાનું ગજું તો કેટલું ? એ આઠ આનાનો સિક્કો અમને આપે. આઠ આના ય અમને તો કેટલા મૂલ્યવાન લાગે. કેટલા બધા ફટાકડા, હવાઇ, તારામંડળ લાવી શકાય.
બાપાની પાસે વધારે 'બોણી'ની આશા હોય છે. એ અમને રૂપિયો આપે. અધધ..! રૂપિયો એટલે ? અરે આખી દિવાળી નીકળી જાય એટલું જાતજાતનું દારૂખાનું આવે.
સવારથી અમારી ઉઘરાણી ચાલુ જ હોય. બા સૂચના કરે કે કાકા અને કાકીને ઘેર પણ પગે લાગી આવો. એમના આશીર્વાદ લઇ આવો.
અલબત્ત અમને કાકા કે કાકીના આશીર્વાદ કરતાં એ અમને શું આપશે તેનું કુતૂહલ જબરું હોય. અમને જોતાં જ કાકી એલર્ટ થઇ જાય. કાકાને અણસારો કરે કે ભત્રીજાઓ આવે છે.
અમે કાકાના પગમાં આળોટી જઇએ એટલે કાકા જરા ભાવવિભોર થાય. એ એમના પાકીટમાંથી પૈસા કાઢે છે ત્યાં જ કાકી એમને પાછળથી કોણી મારે - કાનમાં ફૂંક મારી દે.. આઠ આનાથી વધારે નહિ.
કાકાએ કદાચ રૂપિયો કાઢ્યો હોય, પણ કાકીની આંખ સામે જોતાં રૂપિયો પાછો પાકીટમાં જતો રહે. અને અમને આઠ આઠ આનાનો સિક્કો મળે. કાકી તો પાવલી જ પકડાવે. જોકે એ જમાનાની પાવલીમાં તો થેલી ભરાય એટલું બધું શાક, કરિયાણું આવે.
આજે તો ભીખારી પાવલીને તો શું પાંચ રૂપિયાની નોટ પણ પાછી આપે - 'સાહેબ, મોંઘવારી છે, દયા કરો.'
એ સુખી દિવસો હવે રહ્યા નથી. અમે સંસારી બની ગયા છીએ. હવે ભૂતકાળમાં વડીલો પાસેથી ઉઘરાવેલું દાપુ વ્યાજ સાથે પાછું વાળવા માટે બેસતું વર્ષ છે.
બેસતા વર્ષની સવારથી જ વહેવારકુશળ પત્ની અમારી ચેતનાને ટકોરે છે.
'જુઓ, તમારી ભત્રીજા, ભાણજા તો ઠીક ગામના લાગતાવળગતા બધા બોણીદારો ઉઘરાણી કરવાવાળા- તમે મને પૂછ્યા વિના કોઇને કશું પરખાવશો નહિ.'
'તું મારી પાછળ રહીને મને પ્રોમ્પટિંગ કરજે.' 'પ્રોમ્પટિંગ તમને ક્યાં સંભળાય છે ? હું તમને કોણી મારીને ચેતવીશ, કામમાં ફૂંક મારીશ.' 'ના, ના કોણી ના મારીશ.' 'એ વિના તમને ક્યાં સમજ પડે છે ? ગઇ દિવાળીએ ધોબીને તમે વીસ રૂપિયાની નોટ આપી દીધી હતી.
'વીસ રૂપિયા આ જમાનામાં..' 'અરે પાંચ જ અપાય- એમ પહોળાપહોળા થઇએ તો ઘર વેચવા વારો આવે.' પત્નીએ જૂના જમાનાનું સૂત્ર મને સંભળાવ્યું.
થોડી વારમાં અમારા ભાણજા ભાણજી આવ્યાં. પત્નીએ મને કોણી મારી.. બે બે રૂપિયા.' કાનમાં કહ્યું. મેં એ પ્રમાણે દાપુ મૂક્યું.
મેં એમના ગયા પછી પત્નીને ફરિયાદ કરી: 'તું કોણી બહુ જોરથી મારે છે. ધોબીને મેં વીસ રૂપિયા આપ્યા તેમાં તો તે એવી કોણી મારી કે એની અણી મારા પાંસળામાં પેસી ગઇ.'
જોકે હવે તો રૂપિયો એટલો ટચુકડો થઇ ગયો છે. અરે કાગળનો બની ગયો છે. પાંચની નોટ તો અપમાનજનક લાગે.
જમાનો પચાસ, સો..નો છે. જૂના જમાનામાં અમે જે દાપુ ઉઘરાવતા એ ઉઘરાણું હવે અમારે વ્યાજ સાથે પરત કરવું પડે છે. હવે તો સંતાનો ય બેસતા વર્ષે પઠાણી ઉઘરાણી કરે છે !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33BclzX
ConversionConversion EmoticonEmoticon