વ્હાલા વાચકો, જો તમારા નિવાસસ્થાનમાં બાલ્કની જેવું કાંઈ હોય તો કુદરતના ખેલ જોવાની વહેલી સવારથી નવ વાગ્યા સુધી મોજ પડે જો ધંધાપાણીમાં રસ હોય તો આ સમય વેડફવો પાલવશે નહિ. જો કે, આ એકદમ નવરા માણસનું કામ નથી. દાખલા તરીકે ભાદરવાની વિદાય થઈ ગઈ અને મોસમે જાણે પડખું ફેરવ્યું છે. ચોમાસામાં ખાસ કરીને ગૃહિણીઓને સવારમાં કપડા ધોયા પછી સૂકવવાની મોટી પળોજણ રહેતી તે હવે ગાયબ થવા માંડી છે. તાજેતરમાં જ એક સવારે કાળા વાદળોની કિનારે ડૂબેલા સૂરજે જાણે પૃથ્વી પર શુટિંગ કરવાનું હોય એમ 'લાઇટમેન' બનીને એલર્ટ હતી.
પવન તો વિંઝણની જેમ વાય અને બંધ થઈ જાય એવા સમશીતળ વાતાવરણમાં જાણે શુટીંગ શરૂ થયું. અચાનક તડકો નીકળ્યો ત્યાં સુધી તો વાતાવરણ સૂમસામ હતું. આકાશમાં ઊંચે સમડીઓ ઉડતી હતી. કબૂતરોની મોટી સંખ્યાએ સવારે બે-ત્રણ રાઉન્ડ સમૂહમાં ઉડીને લઈ લીધા હતા. શહેરી વાતાવરણમાં અહિં તહીં ઉગીને ઉછરેલા ઘટાદાર વૃક્ષો પર કાગડા અને ખિસકોલીઓ ફિલ્મના એકસ્ટ્રાઓની માફક ક્યાંક ક્યાંક દ્રષ્ટિગોચર થતા હતા અને અચાનક જ જાણે વાતાવરણમાં દિગ્દર્શકનો અવાજ આવ્યો... 'સાયલન્ટ... રેડી...' ફૂલ લાઇટ્સ અને આકાશી કેમેરામેન સૂરજે તડકો ફેલાવી દીધો... અને આ શૂટીંગ નજરે જોતાં મઝા આવી ગઈ.
જેવો તડકો નીકળ્યો કે બાથરૂમમાં કપડા ધોતી ઘરવાળીઓ ઝટઝટ કપડા નીચોવીને જ્યાં તાર અને દોરડાની વરગણીઓ બાંધી હતી ત્યાં કપડા સૂકવવાના કામે લાગી ગઈ. આ ક્ષણો પહેલાં પૃથ્વીથી અજવાળું ઓછું એટલે કે સૂર્ય વાદળાઓની સાથે વાતોએ વળગ્યો હોય ત્યારે જ પણ પુનઃ એમાંથી નવરો પડી જતાં ધરતી પર અજવાળું પાથરીને જાણે 'જીમ'માં કસરત કરીને નવરો પડી ગયો હોય એમ ચાલો 'ભાઈઓ ઔર બહેનો !' હું આવી ગયો અને ભાદરવાના બેફામ વરસાદથી કંટાળેલી બહેનો જાગૃત થઈ જતી અને ઘરસંસારમાં પ્રવૃત્ત થઈને એકાકાર થઈ જતી.
ભગવાન શ્રીકૃષ્ણએ એમની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો એવું કંઈક મહાભારતની કથામાં સાંભળેલું એમ ધરતી પર ઘરસંસાર ચલાવતી બહેનો સાવધ થઈને સૂર્યના ઉદયથી આથમવા સુધીનું ટાઇમટેબલ બનાવી લેવા એલર્ટ થતી. સંસારના આ ખાટા- મધુરા ખેલ અનુભવવા એ કોઈ પણ ગૃહસ્થનો ચાન્સ જ નહિ બાપ ! સંસાર કાંઈ બપોરે રોટલા ખવરાવતી લોજ કે વીશી નથી પણ એમાં રસ લઈને ઊંડો ઉતરી જાય તો જીવતર સુધી બેડો પાર થઈ જાય ભઈલા !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BgGuZ4
ConversionConversion EmoticonEmoticon