અપના-પરાયાવાદ એટલે સૌથી ક્રૂર હિંસા

મૃત્યુ જ્યારે ડોળા ફાડીને સામે આંખો મેળવી રહ્યું હોય, જીવન સંધ્યાના ઓળા ઉતરી રહ્યા હોય, ત્યારે પણ અંતરરામ જાગે નહીં?

એક વડીલ છે. ધર્મ, આપણો મહાન વારસો, તપશ્ચર્યા, અહિંસા, અનેકાન્ત વગેરે પણ જાણે ''ઓથોરિટી'' (પ્રમાણભૂત)! બાહ્ય ધાર્મિક નિયમો ભારે ચુસ્તીથી પાળે. દિવસના અમુક ભાગમાં એમને મળવું હોય તો અચૂક એમના સંપ્રદાયનાં ધર્મસ્થળમાં હોય. રૂબરૂ વાતો કરે ત્યારે આપણને થાય કે ''આ મહાશય અનુકંપાના અવતાર છે. એમનાથી કીડીને ઈજા પહોંચે તો એમને અપાર દુઃખ થતું હશે.''

પણ એમના ગાઢ પરિચયમાં આવો તો ખબર પડે કે એમની ગણતરીઓ અને પૂર્વગ્રહોનો પાર નથી. એમની ચામડી નીચે પોતાના સંપ્રદાય અંગેના બાલિશ ઝનૂનનું કાળું લોહી વહેતું હોય! શાબ્દિક કટાક્ષોમાં ભારે પ્રવીણ. પત્નીને વાક્બાણોથી મારતાં, વ્યવસાયના પ્રતિસ્પર્ધીનાં ગંદાં લુગડાંની ફાઈલ સાચવતાં, પોતાના સમવયસ્ક પ્રત્યે ઈર્ષ્યાળુ વર્તન કરતાં - આ બધું કરતાં એમને ક્યાંય આતમરામ ડંખે નહીં!

પોતાને અતિ 'ધર્મ'ચુસ્ત માનનાર સાંપ્રદાયિક જણ એક વિરાટ ખૂનરેજીમાં સાથ દઈ રહ્યા હોય છે. અલબત્ત, આ ખૂનરેજીથી વહેતું લોહી નજરે દેખાય નહીં, પણ જાણ્યે-અજાણ્યે પોતાના સંપ્રદાય અંગેનો હઠાગ્રહ એમને અન્ન પ્રત્યે નફરતની નજરે જોતા કરી દે. એક સામુહિક હિસ્ટેરિયા ઊભો થાય.

એમને કીડી-મંકોડા પ્રત્યે અનુકંપા કબૂલ, એમને હાથી ઘોડા પ્રત્યે દયા કબૂલ, એમને મૂંગા પ્રાણી પ્રત્યે દયા કબૂલ, પણ જો અન્ય વિચારધારા ધરાવનાર, અન્ય સંપ્રદાયનો જણ હોય તો એના પ્રત્યે ભયાનક પૂર્વગ્રહ સાથેનો ''અપના-પરાયા વાદ''! અન્ય સંપ્રદાયની વ્યક્તિ એક સરેરાશ જીવ જેટલું સન્માન પામવાને લાયક પણ નહીં?

માણસ મધ્યવય સુધી સાંપ્રદાયિક નશામાં ઝૂમતો ફરે, પણ પછી મૃત્યુ જ્યારે ડોળા ફાડીને સામે આંખો મેળવી રહ્યું હોય, જીવન સંધ્યાના ઓળા ઉતરી રહ્યા હોય, ત્યારે પણ અંતરરામ જાગે નહીં? પૂર્વગ્રહો મંદ ના પડે? ઝનૂન ઓછું ના થાય? અપના-પરાયાવાદ દૂર ના થાય? તમે દેહ છોડો પછી પણ તમારા સંપ્રદાયની બ્રાન્ડ સાથે લઈ જવાના છો?

પરંતુ ના. ઉંમર વધે તેમ સાંપ્રદાયિક અપના-પરાયાવાદ વધારે નઠોર બનતો દેખાય છે. આ અપના-પરાયાવાદમાં તેમને ઘોર હિંસા અને અતિ જડ મિથ્યાત્વનાં દર્શન થતાં નથી, કારણ કે બાળપણથી એમને ઊંધા સાથિયા ઘૂંટતાં શીખવાયું હોય છે. આધ્યાત્મિકતા એટલે સાંપ્રદાયિક ઝનૂન નહીં, ધાર્મિકતા એટલે બાહ્ય શિસ્તમાત્ર નહીં, સાચી આધ્યાત્મિકતા વિકસે તેમ માણસ અન્ય વિચારધારા પ્રત્યે વિશેષ ઉદાર બને, પણ આ બધાં સ્વયંપ્રકાશિત સત્યોના સંસ્કાર અપાય તો ઘેટાં ક્યાંથી લાવવાં? અંધ અનુયાયીઓ ક્યાંથી લાવવા?

બાહ્ય શિસ્તને ''ધાર્મિકતા''નું, ''સજ્જનતા''નું લેબલ આપવામાં ઉતાવળ કરવી નહીં. ઘણીયે વાર ''ચોરોના હિસાબ ચોખ્ખા હોય છે'' ને પત્નીને ગાળ નહીં આપનાર, હાથ નહીં ઉપાડનાર ડાહ્યોડમરો જણ પત્નીની ઘોર માનસિક હિંસા કરતો હોય છે!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33An79K
Previous
Next Post »