બટાટાંની અવનવી વાનગીઓ


ત્રીરંગી બટેટાંટોપ
સામગ્રી: એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ,  લવિંગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.

રીત: સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો.  રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવિંગનો વઘાર કરી  સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ,  લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો. ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો.

આ રોટલા  ઉપર વટાણાનો જે મસાલો  ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે  રેડવું અને  તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર  કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને   ત્રણ રંગની દેખાશે. ખાવામાં  ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

બટાટાંની બરફી
સામગ્રી: ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.

રીત: બટાટા  બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં   સાંતળી નાખો,  સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બધુ એકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

બટાટાનાં ગુલાબ જાંબુ 

સામગ્રી: ૨ કપ દૂધ, ૨ ચમચા મેંદો, ચાર ઈલાયચીનો ભૂકો, ૨ કપ પાણી,  ત્રણ મધ્યમ કદના બટાટા, એક ચમચો ગુલાબજળ, ૨ કપ સાકર, ૧/૨ ચમચી કેસર.

રીત:  બટાટાની છાલ કાઢી પાતળી સ્લાઈસ કરવી. બટાટાની સ્લાઈસને પાણીથી બરાબર ધોઈ નાખવી. સ્લાઈસને ધોેયા પછી પાણી નીતારી દુધમાં નાખી ગરમ કરવા મુકવું.  દૂધ બળી જાય પછી નીચે ઉતારી બરાબર હલાવવું. દૂધ ચોંટે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું.  બટાટાનો માવો અને મેંદો બંને ભેગા કરી હલાવવું. 

નરમ લોટ બનાવી નાના ગોળા વાળવા આ ગોળાઓને ગરમ ઘીમાં  ધીમા તાપે બદામી રંગના થાય ત્યાં સુધી તળવા, પાણીમાં સાકર નાખી ગરમ  કરવા મુકવું. તેની પાતળી ચાસણી કરવી ગરમ ચાસણીમાં ઈલાયચીનો ભુકો નાખવો. જાંબુ તળીને ચાસણીમાં નાંખવા. કેસર ગરમ કરી ભૂકો કરી નાખવું.  ત્યાર પછી ગુલાબજળ નાખવું. લગભગ પંદર મિનિટ પછી નાસ્તામાં પીરસી શકાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VoASoN
Previous
Next Post »