આકાશમાંનો પૂનમનો પૂર્ણ ચંદ્રમાં અમૃતનાં કિરણો વરસાવતો રહે છે. તેથી તે 'સુધાંશુ' કે સુધાકર કહેવાયો છે. ચંદ્ર અને સૂર્ય તો દૈવી પ્રકાશ પૂંજ છે. કૌમુદી એટલે કે ચાંદનીના અમીરસથી ભરેલા શરદપૂનમમાંનાં પૂર્ણચંદ્રમાં તો પૂર્ણ બ્રહ્મનાં દર્શન થાય. આવા અમૃતમય ચંદ્રમાં પાસે આપણે તો એવી પ્રાર્થના કરવાની રહી. મૃત્યોમાં અમૃત ગમય, મૃત્યુમાંથી મને અમૃત ભણી લઈ જાઓ.
આસો સુદ પૂનમનાં રાત્રિ ચંદ્રમા સોળે કળાએ ખીલી ઊઠયો હોય છે, ત્યારે તેની શીતળ ચાંદનીનું સૌન્દર્ય અદ્ભૂત રીતે માણવા મળે છે. આકાશ નિર્મળ હોય છે. આવા ધવલરંગી ઉત્સવમાં શ્વેત ચાંદીની રેલાતી હોય છે. વાદળો વચ્ચે લપાતા છૂપાતા દૂધમલ ચાંદલીયાનું રસપાન કરવા જેવું છે.ળ
શરદપૂર્ણિમાની આવી મદભરી રાત્રે, વૃંદાવનમાં શ્રી કૃષ્ણે યમુના તટે વાંસળીનાં મધુરસૂર છેડેલા. જેને સાંભળી વ્રજની ગોપીઓ પોતાનાં બધા કામકાજ છોડીને શ્રીકૃષ્ણને મળવા દોટ મૂકે છે. ત્યારે શ્રીકૃષ્ણ અને ગોપીઓ વચ્ચે રંગ- રસ ભર્યો રાસ રચાય છે. ચીર-હરણ લીલા વખતે શ્રીકૃષ્ણનાં વચને, ગોપીઓએ પોતાનાં વસ્ત્ર લેવા માટે લોકલાજ મુકી હતી.
ત્યારે શ્રીકૃષ્ણે પ્રસન્ન થઈને શરદપૂર્ણિમા એ મહારાસનું મહાસુખ આપવાનું વચન આપ્યું હતું. શરદપુર્ણિમાએ ગોપીઓ રાસનું અલૌકિક સુખ માણવા વ્રજ છોડીને વૃંદાવન આવી ગઈ હતી. શ્રીકૃષ્ણે ત્યારે, શરદ પૂર્ણિમાની રાતમાં યમુનાને તીરે બંસરીના મધુર સુસવલિ એવી વહેતી મૂકી કે તેમાં ગોપીઓ વન-મનતનું ભાન ભૂલીને, પ્રેમમાં ઘેલી બની ગઈ હતી. રાસ મંડળમાંના મધ્યમાં રાધાજી હતા તો ગોળ ફરતે ગોપીઓ હતી. દરેક ગોપીઓ સાથે એક કૃષ્ણ રહીને તે સૌને મહારાસનું દિવ્ય સુખ આપ્યું.
શરદપૂર્ણિમાની રાત્રિ માટે એવું પણ કહેવાય છે. લક્ષ્મીજી સ્વયં આકાશમાં વિચારે છે, ને પૃથ્વી પરનાં મનુષ્યોને સંબોધન કરે છે કે 'કો જાગતિ ?' કોણ જાગે છે ?' જે જાગૃત છે, તેના પર મારી કૃપા ઉતરશે.
એક એવી માન્યતા છે કે, શરદપૂર્ણિમાનાં ચંદ્રનાં કિરણ સ્નાનથી શરીરની અનેક વ્યાધિઓ શમી જાય છે, તો એની ચાંદનીનાં પ્રભાવથી વૃક્ષ- વનસ્પતિમાં અનેક ઔષધીય ગુણો પ્રગટે છે. તેથી આજે પણ ઘણાં વૈધ-રાજા આયુર્વેદિક દવાઓ પકવવા તેને રાતભર ખુલ્લી ચાંદનીમાં મૂકી રાખે છે. ચંદ્રનાં કિરણોથી ઔષધિઓમાં સંજીવનીનો ગુણ પ્રવેશે છે.
ભગવાન શિવજી પણ ચંદ્રમાનાં પ્રભાવથી મુક્ત ન'તા. તેઓ એ ચંદ્રને મસ્તક પર સ્થાન આપીને 'ચંદ્રમૌલીશ્વર' કે 'સોમનાથ'નું ઉપનામ મેળવ્યું. શરદપૂનમની રાત્રે સૌ દૂધ-પૌંવાનો પ્રસાદ આરોગવાનો આનંદ લે છે.
પૂનમની રાતની શીતલ ચાંદનીમાં મૂકેલા દૂધ-પૌંવા પણ ગુણકારી બની જાય છે. આ દિવસે વૈષ્ણવ તીર્થોમાં મુકુટોત્સવ યોજાય છે, પછી ઠાકોરજીને દૂધ-પૌવાનું નૈવેધ અર્પણ કરાય છે.
એક લોકમાન્યતા પ્રમાણે 'શરદ-પૂર્ણિમા'ની મધ-રાત્રિએ આકાશમાંથી વરસતા ચંદ્રકિરણોનાં સ્પર્શથી સમુદ્રની છીપલીનું જળબિન્દુ ' મોતી' બની જાય છે, તેથી આ પૂનમ 'માણેકઠારી' પણ કહેવાય છે. 'કોજાગરી વ્રત'માં ઉપવાસ રાખીને રાતે લક્ષ્મીપૂજન બાદ જાગરણ કરવામાં આવે છે. તેથી આ પૂનમને 'કોજાગરી' પૂનમ પણ કહે છે.
આપણામાં આજે પણ, ' શંત જીવ શરદ' એમ સો શરદ-ઋતુ સુધી જીવવાનાં આશીર્વાદ અપાય છે. આમ 'શરદ પૂર્ણિમા' એટલે જાગૃતિનો, વૈભવનો, આનંદોલ્લાસનો ઉત્સવ.
શરદ પૂનમની ચાંદની જીવનમાં અંધારા ઉલેચીને પ્રકાશનાં માર્ગે સૌને ચાલવાની પ્રેરણા આપે છે.
- પરેશ અંતાણી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/323VepV
ConversionConversion EmoticonEmoticon