શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં નિરૂપિત વેણુગીતનું આધ્યાત્મિક રહસ્ય


'બર્હાપીડં નટવરવપુ: કર્ણયો : કર્ણિકારં

બિભદ્ વાસ: કનકકપિશં વૈજયન્તીં ચ માલામ્ ।

રન્ધ્રાન વેણોરધર સુધયા પૂરયન્ ગોપવૃન્દૈ :

વૃન્દારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ ગીતકીર્તિ : ।।

ભગવાન શ્રીકૃષ્ણે ઉત્તમ નટ જેવું દિવ્ય શરીર ધારણ કર્યું હતું, મસ્તક પર મોર પિચ્છનો મુકુટ પહેર્યો હતો. બન્ને કાનમાં કાંચનારનાં બે પુષ્પો (કુંડળ તરીકે) ધારણ કરી હતી. વાંસળીના છિદ્રોને એ સમયે નીચલા હોઠના અમૃતથી ભરતાં વેણુ વગાડતા હતા અને ગોવાળિયાઓના ટોળાં તેમની કીર્તિ ગાતાં હતાં.'

- શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, દશમસ્કંધ, અધ્યાય-૨૧, શ્લોક-૫

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી શ્રીમદ્ ભાગવત મહાપુરાણની એમણે લખેલી' શ્રીસુબોધિની' ટીકામાં વેણુ શબ્દનો અર્થ સમજાવતા લખે છે- 'વશ્ચ ઇશ્ચ ઇતિ વયૌ યદગુપેક્ષયા ઇતિ વેણુ :' એટલે કે બ્રહ્માનંદ અને વિષયાનંદ એ બન્ને પ્રકારના ( સર્વતોત્કૃષ્ટ અને નિકૃષ્ટ) આનંદ કે સુખ જેની આગળ અણુ જેવા તુચ્છ થઈ જાય તેનું નામ વેણુ : વેણુના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણે પોતાના સ્વરૂપમાં રહેલા આનંદને જગતમાં સર્વત્ર ફેલાવ્યો છે અને પોતાના સ્વરૂપમાં રહેલી જે ભગવત્તા છે એનો પણ પ્રભાવ પાડયો છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી,જ્ઞાાન અને વૈરાગ્ય એ છ 'ભગ' જેમનામાં પૂર્ણપણે બિરાજતા હોય એમને 'ભગવાન' કહેવાય.

એટલે અધ્યાય-૨૧ના શ્લોક ૧૧ થી ૧૬માં એમનું ક્રમશ : નિરૂપણ થયું છે. વેણુના અમૃતથી ભગવાને નિ:સધાન જીવોને એ સાધન બળ પ્રદાન કર્યું છે કે જેની આગળ સાંસારિક અને પારમાર્થિક બધા સુખ તુચ્છ થઈ જાય છે અને પછી કેવળ ભગવાનના અલૌક્કિ સુખમાં જ આસક્તિ થઈ જાય છે. તે સાધન ભગવાનની પ્રેમ- ભક્તિ છે. એ પ્રેમ જીવોને પોતાના સાધનથી નથી મળતો, ભગવાનના અનુગ્રહથી મળે છે. એટલા માટે ભગવાન સ્વયં વેણુવાદન કરી સ્નેહ સુધાની વર્ષા કરે છે અને અલૌકિક જીવોમાં પોતાના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન કરે છે.

વેણુમાં સાત છિદ્રો છે એમાંથી છ છિદ્રો તો ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાાન અને વૈરાગ્યના વાચક છે અને સાતમું છિદ્ર ઉપરના છ ધર્મોથી યુક્ત અપ્રાકૃત દેહધારી સ્વયં ભગવાનનો બોધ કરાવે છે. પ્રભુ પ્રત્યે થનારો પ્રેમ કેવળ ભગવાનના ગુણોમાં જ ચિત્તને આસક્ત નથી કરતો, તે ધર્મીસ્વરૂપ ભગવાનમાં જ આસક્ત કરે છે. તે એનું રહસ્ય છે.

વેણુગીતના કુલ વીસ શ્લોક છે. પહેલા શ્લોકમાં વર્ણિત વૃંદાવન પ્રવેશ અને બીજામાં વેણુકૂજન એ ગોપીઓની આસક્તિનું ઉદ્દીપન કરનારા છે. વૃંદાવન એટલે ભક્તિનો પ્રદેશ. પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિ કે આસક્તિ જગાડવા ભગવાન પણ જ્ઞાાન અને કર્મને છોડીને ભક્તિના પ્રદેશમાં પ્રવેશ કરે છે. જ્યાં ભક્ત ત્યાં ભગવાન જ્યાં પ્રેમીજન ત્યાં પરમાત્મા. વૃંદાવનમાં ભગવાન ગોપીઓને અલૌકિક સાધનરૂપ વેણુથી આસક્તિનું દાન કરે છે.

ત્રીજા શ્લોકમાં ગોપીઓમાં ભગવદ્ આસક્તિનો આવિર્ભાવ થતાં ગોપીઓ ભગવાનના સ્વરૂપ અને લીલાનું વર્ણન કરે છે. આ વર્ણન વિદ્યા એટલે કે ભગવત્સ્વરૂપ અને એમની લીલાના જ્ઞાાન વિના થઈ શક્તું નથી. વિદ્યા બે પ્રકારની છે. અમૂર્ત અને મૂર્ત. એટલે આસક્તિ પણ વિદ્યા કે જ્ઞાાનયુક્ત હોવી જોઈએ. આમ વેણુગીતના શ્લોક બીજાથી છઠ્ઠા સુધી વિદ્યાનું વર્ણન છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી દર્શાવે છે કે વિદ્યાના પાંચ પ્રકાર છે.- સાંખ્ય, યોગ, તપ, વૈરાગ્ય અને ભક્તિ.

'રસધન પ્રભુ જ મારું સર્વસ્વ છે' એ નિશ્ચયનું નામ 'સાંખ્ય' છે. અંત:કરણની વૃત્તિ માત્ર પ્રભુમાં જ લાગેલી રહે એનું નામ યોગ છે. ભગવાનના વિરહમાં તાપ અને કલેશનો અનુભવ કરવો એનું નામ 'તપ' છે. ભગવાનને છોડીને બીજા કોઈમાં ચિત્ત ન જાય એનું નામ 'વૈરાગ્ય' છે. અને પ્રભુમાં અનન્ય પ્રીતિ કે આસક્તિનું નામ ભક્તિ છે. આ વિદ્યા કે જ્ઞાાનનું ફળ પ્રભુ જ છે.

એ પ્રભુના સ્વરૂપનું વર્ણન આગળ સાતથી વીસ સુધીના તેર શ્લોકોમાં છે. જીવોના ત્રણ પ્રકાર છે. પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ. પ્રવાહી જીવ સંસારમાં આસક્ત હોય છે અને ભગવાનને કાળ સ્વરૂપ માને છે. મર્યાદા જીવ યજ્ઞાનારાયણ ભગવાનને દ્વાદશ અંગોથી મુક્ત માને છે અને ત્રીજા પુષ્ટિ જીવ ભગવાનના અનુગ્રહને પાત્ર થઈને શુદ્ધ ભક્તિમાર્ગમાં સ્થિત રહે છે અને દ્વાદશ અંગોથી પણ પર તેરમાં તત્ત્વરૂપ ભગવાન શ્રી પુરુષોત્તમની સાથે પોતાનો સંબંધ માને છે.

એટલા માટે આ તેર શ્લોકોમાં પ્રભુની તેર લીલાઓનું વર્ણન છે. ધર્મસહિત અને કેવલ રસનું વર્ણન શ્લોક સાત અને આઠમા છે. શ્લોકદસમાં વેણુનું કૂજન, શ્લોક-૧૧માં સ્વચ્છન્દ લીલાની સિદ્ધિ માટે ભગવાનના ચરણના ગમન, રમણ અને એની કીર્તિનો વિસ્તાર છે. બારથી સત્તર સુધી છ શ્લોકોમાં વેણુવાદનનું વર્ણન છે. અઢાર અને ઓગણીસમાં ભગવાનના ચરણોનું માહાત્મ્ય વર્ણન કરી ભક્તિની સ્થાપના છે. છેલ્લા વીસમાં શ્લોકમાં વેણુગીતનો ઉપસંહાર છે. છાંદોગ્ય ઉપનિષદમાં ભગવાનના સ્વરૂપને રસ રૂપ બતાવ્યું છે. એ પરમ રસની ભક્ત હૃદયમાં પ્રસ્થાપના કરવા વેણુગીત રચાયું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OFOLhn
Previous
Next Post »