ચરોતરમાં વિજ્યાદસમીની ભાવપૂર્વક ઉજવણી


આણંદ, તા.08 ઓક્ટોમ્બર 2019, મંગળવાર

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં દશેરા પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજ્યાદશમીને જિલ્લાવાસીઓએ ઉત્સાહભેર વધાવ્યો હતો. પર્વ નિમિત્તે જિલ્લામાં ઠેર-ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સાંજના સુમારે રાવણદહનના કાર્યક્રમો પણ યોજાયા હતા. 

આણંદ શહેર સહિત જિલ્લા વિવિધ તાલુકા મથકો ખાતે ૫ થી ૫૦ ફૂટ સુધીના રાવણ બનાવી પૂતળાદહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે દશેરા પર્વ નિમિત્તે ફાફડા-જલેબી આરોગવાનું અનેરું મહત્વ હોઈ જિલ્લાવાસીઓએ લાખ્ખો રૂપિયાના ફાફડા-જલેબીની જ્યાફત માણી હતી.

દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન. બાહ્ય શત્રુની સાથે સાથે અંદર રહેલા શત્રુઓ ઉપર વિજય મેળવવા કૃતનિશ્ચયી બનવાનો દિવસ એટલે વિજ્યાદશમી. નવરાત્રીના નવ દિવસ જગદંબાની ઉપાસના કરી શક્તિ પ્રાપ્ત કરેલો મનુષ્ય વિજય પ્રાપ્તિ માટે થનગની ઉઠે તે સ્વભાવિક છે. આ જોતા દશેરાનો ઉત્સવ એટલે વિજય પ્રસ્થાનનો ઉત્સવ. આજના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરી લંકા વિજય મેળવ્યો હતો.

જેને લઈને દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં  આજે દશેરા પર્વ નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. આણંદ શહેર સહિત જિલ્લાભરના વિવિધ નગરોમાં ૫ ફૂટથી માંડીને ૫૦ ફૂટ સુધીના રાવણ બનાવવામાં આવ્યા હતા. ઠેર-ઠેર શોભાયાત્રા કાઢ્યા બાદ રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રામાં કેટલાક લોકો રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનના પરિવેશમાં ફરતા જોવા મળ્યા હતા.

દશેરા હોય એટલે ફાફડા-જલેબીની લિજ્જત લોકો માણતા જ હોય છે. નવા ટ્રેન્ડ પ્રમાણે ગરમ-ગરમ ફાફડા-જલેબી ગ્રાહકોએ વધારે ખરીદી હતી. લાખ્ખો રૂપિયાના ફાફડા-જલેબી આજે આણંદ નગરમાં જ વેચાયા હતા. શહેર સહિત જિલ્લામાં વિવિધ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

પંજાબી સમાજ ટ્રસ્ટ દ્વારા આતશબાજી અને રાવણદહન

આણંદ અરોરા પંજાબી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે વિજ્યાદશમીના પર્વે રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત પંજાબી ધર્મશાળા ખાતેથી બપોરના સુમારે શોભાયાત્રા નીકળી હતી. જે વેન્ડોર ચોકડીથી જીપીઓ રોડ, નગરપાલિકા દવાખાનું, સ્ટેશન રોડ, નગરપાલિકા થઈ શ્રી રામજી મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં મધ્યાહન આરતી કર્યા બાદ ગામડીવડ, ટાવર બજાર, લોટીયા ભાગોળ થઈ વ્યાયમશાળા મેદાન ખાતે પહોંચી હતી. જ્યાં સાંજના ૭:૩૦ કલાકના આસપાસ સુમારે આતશબાજી વચ્ચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MuGgmi
Previous
Next Post »