નડિયાદ, તા.08 ઓક્ટોમ્બર 2019, મંગળવાર
મંગળવારે વિજયાદશમીના પર્વની નડિયાદ સહિત જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાવાસીઓએ ધાર્મિક સ્થાનો પાસે વાહનોનું પૂજન કરાવ્યું હતું, વિવિધ સ્થળોએથી નવા વાહનોની ખરીદી કરાઈ હતી. જેમાં સૌથી વધુ ટુ વ્હીલરોની ખરીદી થઇ હોવાની એક આંકડાકીય માહિતી મળી છે. અંદાજે ૮૦૦થી પણ વધુ ટુવ્હીલરો સહિત ફોર વ્હીલરોની ખરીદી કરાઈ છે. દશેરાની પરંપરા મુજબ નડિયાદ, ખેડા, ડાકોર ઉપરાંત બીજા સ્થળોએ શસ્ત્ર પૂજન કરાયું હતું. નડિયાદ ઉપરાંત જિલ્લાના નાના મોટા ગામોમાં રાવણના પૂતળાનું દહન કરાયું હતું. અનેક લોકોએ ફાફડા-જલેબીનો આસ્વાદ માણ્યો હતો. આજના દિવસ દરમ્યાન ખેડા જિલ્લામાં અંદાજે હજ્જારો કિલો ફાફડાનું વેચાણ થયું હોવાનું જાણવા મળ્યું છે.
દશેરાના દિવસે શસ્ત્ર પૂજનની પૌરાણિક પરંપરા છે. તેથી ક્ષત્રિય સમાજ દ્ધારા આજે નડિયાદ ઉપરાંત અન્ય સ્થળોએ શસ્ત્ર પૂજન કરાયું હતું. ડાકોર ખાતે શ્રી રણછોડજી મંદિરમાં પરંપરા અનુસાર સવારે પવિત્ર જળનો છંટકાવ કરી શસ્ત્ર પૂજન વિધિ સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે અશ્વ તેમજ ગજરાજનું પણ પૂજન કરાયું હતું. ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડને આજે પ્રતિકરૂપે ધનુષ, બાણ,ઢાલ, તલવાર,કટાર જેવા શસ્ત્રો અને જવારા ધારણ કરાવી રાવણના સંહાર માટે શ્રી રામનું સ્વરુપ ધારણ કરાવ્યું હતું. સાંજે ડંકા-નિશાન, ઘોડા અને ભજનમંડળીની ધૂમ વચ્ચે અંબાડીથી સુશોભિત ગજરાજ પર નવ નવ દિવસ સુધી પૂજન કરાયેલા જવારા ભગવાનના મસ્તકે ધારણ કરાવી શ્રીજીની ભવ્ય સવારી નીકળી હતી. સવારી મોતીબાગ પહોંચ્યા બાદ સમડાના વૃક્ષ નીચે પ્રભુની રક્ષા છોડવામાં આવી હતી.
નડિયાદમાં સહિત જિલ્લાના અન્ય સ્થળોએ ક્ષત્રિય સમાજ દ્ધારા તેમજ ખેડા કેમ્પખાતે પોલીસ વિભાગ દ્ધારા શસ્ત્ર પૂજન કરાયું હતું. શહેરના કપડવંજ રોડ પર આવેલ એસઆરપી ગૃપ ૭ દ્વારા આજે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જુથના સેનાપતિ જે.એન.દેસાઇએ કંકુ તિલક કરી શસ્ત્રોનું પૂજન કર્યુ ં હતું.
ખેડા જિલ્લા ક્ષત્રિય રાજપૂત યુવાસંગઠન, ગળતેશ્વર - ઠાસરા દ્વારા આજે ઠાસરાના બળિયાદેવ મંદિર પાસે આવેલ ઠાસરીયા દેવ મંદિર કમ્પાઉન્ડમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમ્યાન નડિયાદ ક્ષત્રિય સમાજની બાલક-બાલિકાઓેએ તલવારબાજીનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. ઉપરાંત બંને તાલુકાના શૈક્ષણિક ક્ષેત્રે સારી કારકિર્દી મેળવનાર ક્ષત્રિય વિદ્યાર્થી ભાઇ બહેનોનું સંતો મહંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
ખેડામાં ખેડા કેમ્પ પોલીસ હેડક્વાર્ટસમાં શસ્ત્રપૂજન યોજાયું હતું. જિલ્લા પોલીસ વડા દ્વારા શસ્ત્ર પૂજન, અશ્વપૂજા અને વાહન પૂજા કરાઇ હતી. દશેરા નિમિત્તે નડિયાદમાં ત્રણ સ્થળોએથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પંજાબી સમાજ દ્ધારા વિશાળ શોભાયાત્રા કાઢી સાંજે ડાકોર રોડ પર હેલિપેડના ગ્રાઉન્ડ પર રાવણના મોટા કદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, ત્યારે જોરદાર નજારો સર્જાયો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31YYDGH
ConversionConversion EmoticonEmoticon