જેરુસેલમનો છ વર્ષની વયનો કિશોર એના પૂર્વજન્મમાં યહૂદી સમ્રાટ ડેવિડ હતો !


પ્રાણીઓના સૂક્ષ્મ શરીરમાં એનું અવચેતન મન પણ જોડાયેલું રહે છે જેમાં તમામ જન્મોના જીવનની સ્મૃતિઓ સંગ્રહાયેલી હોય છે

'બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન ।

તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ ।।

હે અર્જુન ! મારા અને તારા ઘણાં જન્મો થઈ ચૂક્યા છે. એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું.'

- શ્રીમદ્ ભગવદ્ ગીતા (અધ્યાય-૪, શ્લોક-૫)

ચોર્યાસી લાખ યોનિના ચક્રાવામાં ફરતો જીવાત્મા અનેકવાર મનુષ્ય યોનિમાંથી પણ પસાર થાય છે. ક્યારેક પુરુષ તો ક્યારેક સ્ત્રી શરીર ધારણ કરી, ક્યારેક રાજા તો ક્યારેક રંક જેવું જીવન જીવે છે. ગીતાના પંદરમા અધ્યાયના આઠમા અને નવમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણે પુનર્જન્મના રહસ્યને અનાવૃત કરતા કહ્યું છે -

'શરીરં યદવાપ્નોતિ યચ્ચાણ્યુત્ક્રામતીશ્વરઃ ।

ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગન્ધાનિવાશયાત્ ।।

શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ધ્રાણમેવ ચ

અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ।।'

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ વગેરેનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સહિત ઇન્દ્રિયોને લઈને, પછી જે શરીરને પ્રાપ્ત કરે એમાં જાય છે. આ જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ, ધ્રાણેન્દ્રિય અને મનની સહાયથી બીજા શરીરમાં વિષયોને ભોગવે છે.'

હવે અર્વાચીન વિજ્ઞાાન પણ આ બાબતનું સમર્થન કરે છે. પ્રાણીઓના સૂક્ષ્મ શરીરમાં એનું અવચેતન મન પણ જોડાયેલું રહે છે જેમાં તમામ જન્મોના જીવનની સ્મૃતિઓ સંગ્રહાયેલી હોય છે. હિપ્નોટિક રીગ્રેસન જેવી પ્રક્રિયાથી એને બહાર લાવી શકાય છે તો કોઈ વાર એ અનાયાસે, કુદરતી રીતે બહાર આવી જતી હોય છે.

પૂર્વજન્મ, પુનર્જન્મના સિદ્ધાંતનું સમર્થન કરતી, એના શ્રેષ્ઠ પુરાવારૂપ અને ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક વિસ્મયકારી ઘટના પર દ્રષ્ટિપાત કરીએ. જેરુસેલમના ડેન્ટિસ્ટ ડો. મોરિસનો પુત્ર ડેવિડ છ વર્ષનો હતો ત્યારે એક ઘટના બની. એક ડૉ. મોરિસ એમના દાંતના દવાખાનામાં એક દર્દીના દાંતની સારવાર કરી રહ્યા હતા ત્યાં એમની પત્ની એડનાનો ફોન આવ્યો કે એમના પુત્ર ડેવિડને કંઈ થઈ ગયું છે તે વિચિત્ર વર્તન કરી રહ્યો છે.

ડૉ. મોરિસ એ દર્દીની સારવાર પતાવીને ઝડપથી ઘેર આવ્યા. તેમણે જોયું તો અર્ધબેહોશી જેવી દશામાં સરી પડયો હતો. થોડો જાગૃત થાય તો સાવ અજાણી ભાષામાં બોલવા લાગતો હતો. તેમણે તેને થોડી પ્રાથમિક સારવાર આપી. ડેવિડ સ્વસ્થ થયો પછી એક કાગળ અને પેન લઈને બેસી ગયો. તેણે કાગળ પર એક કિલ્લાનુંં ચિત્ર દોર્યું પછી થોડા પ્લાસ્ટિકના અને લાકડાના ટુકડાઓ લઈ આવ્યો અને એ ચિત્રમાં દોર્યો હતો એવો કિલ્લો બનાવવા લાગ્યો. એ કિલ્લાનું મોડેલ જોઈ ડૉ. મોરિસને થયું કે આ કોઈ પવિત્ર દેવાલયનું મોડલ છે.

ડૉ. મોરિસે ડેવિડને પૂછ્યું - તે આ શું બનાવ્યું છે ? તો એણે સ્થાનિક ભાષાને બદલો  કોઈ બીજી પ્રાચીન ભાષામાં જવાબ આપ્યો. ડૉ. મૉરિસને થયું કે એમણે એ શું બોલે છે તે રેકોર્ડ કરી લેવું જોઈએ એટલે એ રેકોર્ડિંગનું સાધન લઈ આવ્યા અને એને ફરી એ કિલ્લા વિશે પૂછવા લાગ્યા. ડેવિડ જે બોલ્યો તેનું રેકોર્ડિંગ કરી લેેવામાં આવ્યું અને પછી ડૉ. મૉરિસ એમના જૂના મિત્ર એવા તે સમયના નેશનલ મ્યુઝિયમના પ્રાચ્ય ભાષા અને લિપિઓને લગતા જે વિભાગ હતો એના પ્રમુખ ડૉ. જૂવી હરમનને મળ્યા.

તેમણે ડૉ. જૂવીને પેલું રેકોર્ડિંગ સંભળાવ્યું. તે સાંભળીને ડૉ. હરમન બોલી ઉઠયા: 'અરે ! આ તો અમારી યહૂદીઓની પ્રાચીન હિબુ્ર ભાષામાં બોલાયેલા વાક્યો છે. અત્યારે આ ભાષા લુપ્તપ્રાય થઈ ચૂકી છે. એને જાણનારા લોકો અત્યારે દુનિયાભરમાં ય બહુ જૂજ રહ્યા છે. અમારી યહૂદીઓની વર્તમાન ભાષામાં એને મળતા આવે એવા ઘણાં શબ્દો છે, છતાં એના પ્રાચીન શબ્દો, રૂપો, વિભક્તિઓ, વ્યાકરણ અને ઉચ્ચારણ શૈલી એ બધું જુદું છે. મને પ્રાચીન હિબુ્રનો થોડો ખ્યાલ હોવાથી એમાં જે કહેવાયું છે તે થોડુંઘણું સમજાયું છે.'

ડૉ. મોરિસે એમની વાત આગળ ધપાવતા કહ્યું - 'આ એક રાજકીય ઉદ્બોધન છે. એ વાક્યોનો અર્થ થાય છે - હે પ્રજાજનો ! હું તમારો સમ્રાટ છું. મારા આદેશ પ્રમાણે ચાલો. હું વિરોધીઓને એમના કામમાં સફળ નહી થવા દઉં. હું તમને ગૌરવ તરફ લઈ જઈશ.' આ વાક્યો ૩૦૦૦ વર્ષ પૂર્વે યહૂદી સમ્રાટ ડેવિડ બોલ્યા હતા. સમ્રાટ ડેવિડ અને તેમના થકી આરંભાયેલા દેવાલયના નિર્માણનો એમના વિરોધી ગુ્રટે વિરોધ કર્યો હતો. તે વાત ઇતિહાસમાં નોંધાયેલી છે.

ગુ્રટ અને તેના સમર્થકોએ એના નિર્માણનું કાર્ય પૂરું થવાની પહેલાં જ આ યોજનાનો ત્યાગ કરવો એને બાધ્ય કરી દીધો હતો. ડૉ. જૂવી હરમને પૂછ્યું કે આ બાળક કોણ છે જે આવી પ્રાચીન હિબુ્ર ભાષા આટલી સહજતાથી બોલી શકે છે ? ડૉ. મોરિસે કહ્યું કે આ તો મારો છ વર્ષની ઉંમરનો પુત્ર ડેવિડ છે. તે વારંવાર આ ભાષામાં બોલે છે પણ અમને કાંઈ સમજાતું નથી. તે આ ભાષા કદી શીખ્યો નથી.

ડૉ. હરમનને બહુ નવાઈ લાગી. તેમને આના પર સંશોધન કરવાનું મન થયું. તે મનોવિજ્ઞાાની ડૉ. એફ્રેમ એયૂરબેચ સાથે ડૉ. મોરિસના ઘેર રહીને ડેવિડ પર સંશોધન કરવા માંડયું. ડેવિડ ઘણીવાર ટ્રાન્સ જેવી સ્થિતિમાં સરી જતો અને પ્રાચીન હિબૂ્ર એ રીતે બોલતો કે જાણે તે એનો નિષ્ણાત ન હોય ! તે ૩૦૦૦ વર્ષ જૂની રાજકીય ઘટનાઓ વિશે બોલતો.

એનો અંદાજ સત્તાવાહી સમ્રાટ જેવો જ રહેતો ડૉ. હરમન અને ડૉ. એફ્રેમે લાંબા ગાળાના સંશોધન બાદ એ શોધી કાઢ્યું કે ડેવિડના ઓરડાના બારીબારણા બંધ હોય ત્યારે તે સામાન્ય બાળક જેવો વ્યવહાર કરતો હતો પણ તે ખુલ્લા હોય ત્યારે યહૂદી સમ્રાટ ડેવિડ જેવો વ્યવહાર કરવા લાગતો અને પ્રાચીન હિબુ્રમાં બોલવા લાગતો. એમાં ય પાછું જ્યારે પવનની દિશા ઉત્તર- પૂર્વથી દક્ષિણ- પશ્ચિમ તરફ રહેતી હોય ત્યારે આવું ખાસ બનતું.

જેરુસેલમના એક માનચિત્રના આધારે વાયુ લહેરીઓની દિશાઓની શોધ કરવામાં આવી. એના ઉપરથી એક અદ્ભુત રહસ્ય છતું થયું ડૉ. મૉરિસ જેમાં રહેતા હતા એ રેહાવિયા ક્વાર્ટર્સમાં આવેલુ મકાન માઉન્ટ મૉરિયાની દક્ષિણ- પશ્ચિમ દિશામાં ત્રણ કિલોમીટરના અંતરે રહેલું છે. આ પ્રસિદ્ધ મકાન પ્રાચીન જેરુસેલમના પ્રથમ દેવાલય તથા સમ્રાટ ડેવિડના મહેલનું સ્થાન હતું ! ત્યાં એક કિલ્લો પણ હતો અત્યારે તો માત્ર એની પશ્ચિમી દીવાલનો ભગ્ન અવશેષ જ બચેલો છે.

આ બધા સંશોધનો બાદ ડૉ. હરમન અને ડૉ. એફ્રેમે જાહેર કર્યું કે, ડૉ. મૉરિસનો પુત્ર ડેવિડ એના પૂર્વજન્મમાં ૩૦૦૦ વર્ષ પૂર્વે આ જ વિસ્તારમાં શાસન કરતો યહૂદી સમ્રાટ ડેવિડ હતો. એટલે જ એ વખતની ઐતિહાસિક અને ભૌગોલિક બાબતો બારીકાઈથી કહી શકતો હતો. છ વર્ષના બાળક માટે બોલવી અસંભવ એવી અજાણી પ્રાચીન હિબુ્ર ભાષા કડકડાટ બોલી શકતો હતો ! પૂર્વજન્મમાં એનું નામ ડેવિડ હતું એમ એના પુનર્જન્મ વખતે પણ એનું નામ ડેવિડ રખાયું એ કેટલું સૂચક છે !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35ngRUz
Previous
Next Post »