ઘણી વ્યક્તિઓને દરેક બાબતે ઈમોશનલ સપોર્ટની જરૂરિયાત હોય છે

સંબંધમાં બીજી વ્યક્તિને સતત કેડમાં ઉઠાવીને ચાલવું કોને ગમે?! થાકી જવાય!! સરવાળે, વ્યક્તિને છોડવી પડે અને ના છૂટે તો અવગણવી પડે! જો તમે કોઈની પણ ઉપર  લાગણીઓના સ્તરે બોજ બનીને રહેતા હોવ તો મોડી-વહેલી તમારી અવગણના નક્કી છે

વ્યક્તિ તરીકે તમારી અવગણના તમને હંમેશા પીડે છે અને જ્યારે તેની પાછળનું કારણ ના ખબર હોય ત્યારે તે વધુ પીડા આપે છે! ગયા બુધવારે જ આ કોલમમાં મેં લખ્યું'તું અને તે  વાંચીને એક વાચકે મને ઇમેઈલ કર્યો. 'દરેક સંબંધમાં આ પ્રકારની અવગણના થતી હોય તો શું સમજવું?! પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી બધું ઠીક ચાલે અને પછી ઈગ્નોર કરવા માંડે  તો શું કરવાનું!?' આજકાલનો આ ટ્રેન્ડ છે કે પછી, લોકો સ્વાર્થી થઈ ગયા છે? ઘણા તો 'બ્રેક-અપ' કરવા પણ નથી રોકાતા અને અચાનક ગૂમ થઈ જાય છે અને આપણે સામેથી પૂછીએ  તો અજાણ્યા બની જાય છે કે ના એવું કંઈ નથી. આપણને એમના વર્તન પરથી ખ્યાલ ના આવે એટલા શું મૂરખ સમજતા હોય છે?!' એમના વાક્યેવાક્યમાં છલોછલ આક્રોશ હતો.

મારૂં હંમેશા માનવું રહ્યું છે કે, લોકો એ સંબંધો અંગે નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતી દરેક વ્યક્તિએ એકવાર પોતાની અંદર ડોકિયું જરૂર કરવું જોઈએ. પરંતુ જ્યારે જ્યારે મેં આ અભિપ્રાય  આવી વ્યક્તિઓને આપ્યો છે ત્યારે ત્યારે મારે એમનો અણગમો વેઠવો પડયો છે અને સ્વબચાવમાં એ તરત જ પોતાને થયેલા અનેક નકારાત્મક અનુભવો કહેવા બેસી ગયા છે! તમે  વાહન ચલાવતા હોવ તે રોડ પર બીજા બધા વાહન તમારાથી ઊંધી દિશામાં ચાલતા હોય તો સાવ સામાન્ય સમજ એટલી જ કે તમે રોંગ સાઈડ પર ચલાવો છો! બસ આટલી જ  સામાન્ય વાત આ વ્યક્તિઓને સમજમાં આવતા ઘણીવાર જીવન વ્યતીત થઈ જતા મેં જોયા છે!

પોતાની અવગણનાની લાગણીઓ અત્યંત દુ:ખ આપનારી હોય છે અને એમાં'ય ખાસ કરીને તેની પાછળના કારણો ના સમજાતા હોય ત્યારે તો ખાસ. તમારા મનને એ વિચાર કોરી ખાતો  હોય કે શા માટે લોકો મને ઈગ્નોર કરે છે?! કમ સે કમ મને કારણ તો ખબર પડે! આ તબક્કે એક વાત તો બિલકુલ સ્પષ્ટતાથી સમજવી પડે કે દરેક સંબંધમાં અવગણના થતી હોય તો  લોકોને સ્વાર્થી ગણીને વૈરાગી ના થઈ જવાય, પરંતુ એક નજર પોતાના વર્તન, વ્યવહારો અને અભિગમ પર અચૂક નાખવી જોઈએ. બની શકે તમારી કોઈ વિચારસરણી, આદત, ટેવ કે  અભિગમમાં બદલાવ લાવવાની જરૂરિયાત હોય. જે વ્યક્તિઓ આ બાબતે પોતાના વ્યક્તિત્વમાં રહેલી કેટલીક સામાન્ય બાબતો ચકાસવી જોઈએ, જે તેમની દરેક સંબંધમાં અવગણના  પાછળ જવાબદાર હોઈ શકે છે.

ઘણી વ્યક્તિઓ જરૂરિયાતોના પોટલા જેવી હોય છે, તેમને દરેક બાબતે લાગણીઓના આધાર (ઈમોશનલ સપોર્ટ)ની જરૂરિયાત હોય છે. સ્વાભાવિક છે, સંબંધમાં બીજી વ્યક્તિને સતત  કેડમાં ઉઠાવીને ચાલવાનું કોને ગમે?! થાકી જવાય!! સરવાળે, વ્યક્તિને છોડવી પડે અને ના છૂટે તો અવગણવી પડે! જો તમે કોઈની પણ ઉપર લાગણીઓના સ્તરે બોજ બનીને રહેતા  હોવ તો મોડી-વહેલી તમારી અવગણના નક્કી છે. ઘણી વ્યક્તિઓને પોતાનું જ ઝૂડયે રાખવાની ટેવ હોય છે. તેમને અન્યની વાતો કે રજૂઆતોમાં લેશમાત્ર રસ નથી હોતો. રેડિયો પણ  સતત પોતાની વાતો કરવાને બદલે શ્રોતાઓની વાતો સાંભળવા ઈન્ટરેક્ટિવ બનતો હોય ત્યાં એકતરફી વાતચીત કરનાર તો અવગણના જ પામવાનો કે બીજું કંઈ?! વાંક-દેખું અને  વાંધા-પાડુઓનો પણ એક વર્ગ છે જેમને નાની નાની બાબતોમાં અન્યના વાંક દેખાતા હોય છે અથવા વાંધા પડતાં હોય છે. 

બીજાને દરેક બાબતે દોષ આપતા રહેતા આ લોકો પાસે પોતાના વ્યવહારો માટે હંમેશા સાચી-ખોટી સફાઈઓ તૈયાર જ હોય છે અને પોતે ક્યારે'ય ખોટા ના હોઈ શકે તેવો અભિગમ હોય  છે. સ્વાભાવિક છે લોકો મોડા-વહેલા દૂર રહેવા માંડવાના. વ્યવહારમાં અપ્રમાણિકતા અને જૂઠનો છૂટથી ઉપયોગ કરનારાઓને તમે સુધારી તો શકવાના નથી તો પછી સ્માર્ટલી ઇગ્નોર જ  કરવા પડે ને!? ઘણી વ્યક્તિઓને કોઈપણ બાબતની ઉજળી બાજુ જોવાનો અંધાપો હોય છે, તેમનું ધ્યાન હંમેશા નકારાત્મક પાસાઓ તરફ જ રહેતું હોય છે. તેમની સાથે સમય પસાર  કરતા તમે બિનજરૂરી વિષાદગ્રસ્ત રહેતા હોવ છો અને તેમની ગેરહાજરીમાં મોકળાશ અનુભવતા હોવ છો. આ ઉપરાંત વ્યક્તિઓ જ્યારે સ્વભાવમાં જટિલ, સ્વાર્થી, બેજવાબદાર અને ઉગ્ર  હોય ત્યારે લોકો તેમને ઇગ્નોર કરીને સરકી જતા હોય છે.

ઘણી વ્યક્તિઓ એક વિચિત્ર નેગેટિવ લૂપમાં ફસાતી હોય છે. પોતે અવગણનાનું પારાવાર દુ:ખ અનુભવ્યું હોય અને પોતાના દ્વારા અન્યને એ દુ:ખ ના અનુભવાય એવા શુભ આશયથી  જેને ને તેને મહત્વ આપતા જાય અને તે બધા એને 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લેતા જાય, અવગણતા જાય! શુભ આશય રાખનારની અવગણના નથી થતી એવું ના માનવું, તમે તમારૂં જરૂરી  મહત્ત્વ ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જાવ તો પણ ઇગ્નોર થવું પડે!

ઘણીવાર તમારી અવગણના પાછળ તમે બિલકુલ જવાબદાર ના પણ હોવ, વાસ્તવમાં તમને ઇગ્નોર કરનારી વ્યક્તિઓ તમારી ઉપલબ્ધીઓ કે સફળતાઓથી મનોમન બળતી હોય કે  ઇર્ષ્યા કરતી હોય એમ પણ બને. એમની પાસે તમને નીચા બતાવવાનો એક માત્ર રસ્તો તમને ઇગ્નોર કરવાનો છે. આવી વ્યક્તિઓને તમારે પણ વહેતી મુકવી જોઈએ.

છેલ્લે એક આડ વાત, તમને મહત્વ આપતા દરેક વ્યક્તિને મન તમે મહત્વના છો કે એને તમારૂં યોગ્ય મહત્વ સમજાય છે એવું માની ના લેવું. શક્ય છે, મહત્વ તમારા સ્થાન, સત્તા કે  પછી એની પોતાની જરૂરિયાતોનું હોય અને તમે માત્ર એક સાધન હોવ. બાકી, વ્યક્તિ તરીકે તમારી ગણના એના મનમાં સાવ તળિયે હોય!

પૂર્ણવિરામ :

સંબંધોમાં નિકટતા કેળવવાનો કોઈ શોર્ટકટ નથી હોતો, સમયની ધીમી આંચે પાકટ થઈ અનુભવાતી આ ઉષ્મા છે, ઉતાવળે પાકેલી નિકટતા એક સામાન્ય જોડાણથી વિશેષ કંઈ નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BcLoqd
Previous
Next Post »