કાપડ બજારમાં તહેવારોની સીઝન એક પછી એક ફેઇલ ગયેલ છે. કાપડ બજારમાં કાપડનું ઉત્પાદન વધુ અને ડીમાન્ડમાં ઘટાડો છે. વધુમાં કાપડ બજારમાં નાણાભીડના લીધે બજારનો ધંધો બગડવા પામેલ છે. મિલો પાસે સ્ટોક વધતો જાય છે. જ્યારે પાવરલુમ સેકટરમાં ૨૫ થી ૩૦ ટકા લુમ્સ બંધ હાલતમાં પડી છે.
પાવરલુમ વીવર્સને આગળ કયાં માલો બનાવવા તેની મુંઝવણ વધવા પામેલ છે. તેવીજ રીતે પ્રોસેસના કારખાના પણ અઠવાડીયામાં ૩ થી ૪ દિવસ કામકાજના અભાવે બંધ પાળી રહેલ છે. સ્પીનીંગ યુનિટો નુકશાનીમાં આવી ગયેલ છે. કપાસના ભાવ દરરોજ નીચા જતા જોવા મળી રહેલ છે.
કાપડમાં કોટન યાર્ન, કપાસ, કાપડની વેરાઇટી દરેકમાં ભાવ ઘટતા જોવા મળી રહેલ છે. અર્થતંત્રમાં મંદી, કપાસ-યાર્નના ભાવમાં ઢીલાશ, સખત નાણાભીડના લીધે કાપડની ખરીદી ઘટવા પામેલ છે. આ વર્ષે દિવાળીની રજાઓ વધુ રહેશે. તેવું લાગે છે. દિવાળીનું વેકેશન ૧૫ થી ૨૦ દિવસ રહેશે તેવું લાગે છે. કારણ જેટલા વધુ દિવસ રજાઓ રાખો તેટલા પ્રમાણમાં ફેકટરીઓ અને દુકાનના ખર્ચમાં ઘટાડો થશે તેવું લાગે છે. કાપડ બજારમાં કોટન જાતોનાં મીટરે રૂ. ૪ થી ૨૬નો ઘટાડો મીટરે થયેલ છે.
રેયોન કાપડમાં રૂ. ૪ નીકળી ગયેલ છે અને ડેનિમમાં આડે હાથે ડીસકાઉન્ટમાં વધારો થવા પામેલ છે. અરવિંદ મીલ્સે બહાર જે જોબવર્કથી કાપડ વીવ કરતા હતા તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરી દીધેલ છે. બીવીએમ પોતાના વીવીંગ પ્રોગ્રામ ક્યારનાય બંધ કરી દીધેલ છે. આગળ મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડમાં તા. ૨૧ ઓકટોમ્બરે વિધાનસભાની ચૂંટણીના લીધે આ રાજ્યોની ઘરાકી અટકી જવા પામેલ છે. વધુમાં આંગડીયા થુ્ર જે કેશ વ્યવહાર થતા હતા તેમાં આંગડીયાની હડતાલના લીધે કામકાજમાં રુકાવટ આવી ગયેલ છે.
ચૂંટણી આચારસંહિતા લાગુ પડી હોવાના લીધે અને પોલીસનો વધારે પડતો બંદોબસ્તના લીધે આ રાજ્યોમાં કાપડની લેવાલીમાં અસર થવા પામેલ છે. બજારમાં પગાર અને બોનસ ચુકવવાનું હોવાના લીધે આગળ વધારે નાણાની જરૂરિયાત રહેશે. વધુમાં બેંકો પણ કાપડના ઉત્પાદન અને વેપાર માટે સખત થતા બેંકોના નાણાનું ધિરાણ પણ ઓછા થવા લાગેલ છે. બજારમાં શરાફી વ્યવહારના દર ૧૮ થી ૨૪ ટકા થવા પામેલ છે. જો કે બજારમાં જે શરાફી વ્યવહાર પહેલા ચાલતા હતા તેનું પ્રમાણ ઘણું ઘટી જવા પામેલ છે.
કાપડ બજારમાં એક વર્ગ હજુ પણ આશા રાખીને બેઠો છે તેમના મતે દેશમાં આ વર્ષે વરસાદ સામાન્ય કરતા વધુ થયેલ છે. તેથી આવતા દિવસોમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થતા ગામડાના લોકો પાસે વધુ નાણા આવશે. આગળ લગ્નગાળો પણ આવતો હોવાના લીધે કાપડની ખરીદીમાં વધારો થઇ શકે. જો કે આ બધી આશાઓ છે.
પરંતુ રીયાલીટીમાં કાપડનાં ઉત્પાદન ક્ષેત્રે અને કાપડનો વેપાર કરતો વર્ગ છેલ્લા ૬.૧૨ મહિનાથી ઘસાતો જાય છે. અને કાપડના ધંધામાં નફો તો બાજુ પર રહ્યો પરંતુ ઘર-ખર્ચ માટે પોતાની મૂડી ઓછી કરવાનો વખત આવેલ છે. કાપડના વેપારીઓ પોતાના દુકાન ખર્ચ ઘટાડવા માટે સ્ટાફ ઓછો કરી રહેલ છે. જ્યારે ઉત્પાદન ક્ષેત્રે કારીગરોને છૂટા કરી રહેલ છે.
રીસેપની અસરો: આગામી નવેમ્બર મહિનામાં સરકાર આસિયાન દેશો સાથે રીસેપ (રિજનલ કોમ્પિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ) કરવા જઇ રહેલ છે. આ મામલે અમદાવાદ, સુરત, ભિવંડી, માલેગાવના વીવર્સ વર્ગે ચિંતા વ્યક્ત કરેલ છે. ાૃઆસિયાન દેશો વચ્ચેની પ્રાદેશિક વેપારી આર્થિક ભાગીદારીમાં ચીન, થાઇલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, બુ્રનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ કરાર મુજબ આ દેશો સાથે શૂન્ય ડયૂટીથી મુક્તિ વેપાર કરવામાં આવશે.
ભારતનો કાપડ ઉદ્યોગ પણ રીસેપ કરારનો મુખ્ય હિસ્સો છે. આ પહેલા પણ ચીન વાયા બાંગ્લાદેશ, વિયેતનામ થઇને ભારતમાં કાપડની નિકાસ કરે છે. આ કરાર માટે વાણિજય પ્રધાન પિયૂષ ગોયલ હોંગકોંગ ગયેલ છે. રીસેપ ભારત માટે કેટલી ફાયદાકારક કે નુકસાન કરશે તે આગળનો સમય જ નક્કી કરશે. બાકી તાત્કાલિક ધોરણે વીવર્સ સેકટરને મોટુ નુકશાન સહન કરવું પડે.
કાપડના ભાવ: કાપડ બજારમાં કોટન વેરાઇટી અને રેયોન કાપડના ભાવમાં ઘટાડો થવા પામેલ છે. આ વર્ષે કપાસનો પુષ્કળ પાક આવતા કપાસના ભાવમાં ઘટાડો આવેલ છે. આના પગલે કોટન યાર્નના ભાવો પણ ઘટી જવા પામેલ છે. કાપડમાં ઉત્પાદન વધુ અને ડીમાન્ડ ઘટતા કાપડના ભાવમાં ઘટાડો જોવા મળી રહેલ છે.
કાપડમાં તહેવારોની સીઝન પણ એક પછી એક ફેઇલ ગયેલ છે. છેલ્લા એક મહિનામાં ગ્રે કાપડના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો થયેલ છે. જ્યારે રેયોન કાપડમાં ૫ થી ૧૦ ટકા ભાવમાં ઘટાડો થવા પામેલ છે. આના પરિણામે કાપડના વેચેલા માલમાં રગડા-ઝઘડા વધવા પામેલ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32dmh2b
ConversionConversion EmoticonEmoticon