અનુ રાની એશિયન ચેમ્પિયનશિપમાં રજત અને એશિયન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીતવાની સાથે પાંચ વખત નેશનલ રેકોર્ડ તોડી ચૂકી છે
ઉન્નત ગિરિશૃંગોમાંથી અતિવેગે કૂદકા મારતાં ઝરણા જેવું જોશ પ્રત્યેક બાળપણમાં છલોછલ હોય છે. નિર્બંધપણે વહેતા રહેવાનું અને સદાય ગાતા રહેવાનું તેને ક્યારેય શીખવવું પડતું નથી, પણ ઉંમરની સાથે વહેતી સમજ જાણે આ જોશ પર આડબંધનું કારણ બનતું હોય છે.
જેઓ પોતાની જિંદગીને નિતાંત તાજગી સાથે વહેતી રાખવા માટે મક્કમ બની જાય છે ત્યારે તેને કોઈ પણ આડશ અટકાવી શકતી નથી. જેમ પાણી પોતાની રાહ આપમેળે જ કરી લે છે, તેવી જ રીતે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે જેઓ પ્રત્યેક પળને બાળપણ જેવા જોશ સાથે છલોછલ રાખીને પ્રયાસ કરતાં રહે છે, તેમના માટે સિદ્ધિ સાવ સહજ બની જાય છે.
આસપાસની દુનિયાથી અલગ જઈને કંઈક કરી બતાવવાની ઈચ્છા રાખવાની સાથે તેની પૂત માટે પોતાના સુખ-આરામનું બલિદાન આપવાની તૈયારી હોય તો જ એવી સિદ્ધિ હાંસલ કરી શકાય છે કે, જેનાથી પોતાના આસ-પાસના લોકોને જ નહી પણ આખા દેશને ગર્વ અનુભવાય. આવી જ સિદ્ધિ ભારતીય એથ્લીટ અનુ રાનીએ કતારની રાજધાની દોહામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેળવી છે. મહિલાઓની ભાલા ફેંકની સ્પર્ધામાં દેશમાંથી પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રવેશવાની લાયકાત મેળવનારી અનુએ દુનિયાની ટોચની ખેલાડીઓ વચ્ચે ટોચની ૮ ખેલાડીઓમાં સ્થાન પ્રાપ્ત કરીને ઈતિહાસ રચી દીધો છે.
અનુ રાનીએ આ સાથે પોતાના જ રાષ્ટ્રીય વિક્રમને ફરી વખત તોડીને તેના સ્થાને વધુ મુશ્કેલ એવો નવો કીતમાન સ્થાપિત કર્યો હતો. અનુની સિદ્ધિ એટલા માટે મહાન લેખાય છે કે કારણ કે એક સમયે તેના પિતા એવી બીકમાં પુત્રીને એથ્લેટિક્સમાં મૂકવા તૈયાર નહતા કે, ક્યાંક તેમની આબરુને કંલક ન લાગી જાય. જોકે અનુ રાનીની મહેનત અને લગનને પરીણામે આજે તે તેના ગામ કે રાજ્યની જ નહી પણ વિશ્વની સમક્ષ ભારતના ગૌરવ તરીકેની ઓળખ મેળવી ચૂકી છે.
અનુ રાનીનું નામ ભારતીય એથ્લેટિક્સ જગત માટે નવું નથી. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં તેણે સાતત્યપૂર્ણ દેખાવ સાથે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ્સમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે ભાલા ફેંકમાં ભારતની એવી સૌપ્રથમ મહિલા ખેલાડી છે કે, જેણે ૬૦ મીટર દૂર ભાલો ફેંકવામાં સફળતાં હાંસલ કરી છે. દોહામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમા ફાઈનલમાં પ્રવેશીને ખળભળાટ મચાવનારી અનુ રાનીએ ૬૨.૪૩ મીટરના થ્રો સાથે વધુ એક વખત પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને વિશ્વની એલિટ એથ્લીટ્સની યાદીમાં સ્થાન મેળવી લીધું છે.
પ્રેક્ટિસ દરમિયાન તો તેણે ૬૪ મીટર દૂર થ્રો કરવામાં સફળતા મેળવી લીધી છે, પણ હવે તેની સામે તેના પ્રેક્ટિસના પર્ફોમન્સને ટુર્નામેન્ટ સુધી પહોચાંડવાનો પડકાર છે. અનુ કહે છે કે, જ્યારે કોઈ મેજર ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી હોઉં છું, ત્યારે તનાવ અનુભવું છં અને તેની અસર પર્ફોમન્સ પર થતી હોય છે. જો હું મારા પ્રેક્ટિસના પર્ફોમન્સનું પુનરાવર્તન જ સ્પર્ધામાં કરી શકું તો મને ચંદ્રક જીતતા કોઈ અટકાવી શકે તેમ નથી.
વર્લ્ડ ચેમ્પિયનશિપના અનુભવથી ઘડાયેલી અનુ રાનીની નજર હવે આવતા વર્ષે ટોકિયોમાં રમાનારા ઓલિમ્પિક્સ પર મંડાયેલી છે. જ્યાં અત્યાર સુધીના ઈતિહાસમાં કોઈ પણ ભારતીય એથ્લીટ ચંદ્રક જીતી શક્યો નથી. ઓલિમ્પિકનો ચંદ્રક એ મિશન ચંદ્રયાન જેટલો જ જટિલ અને મુશ્કેલ છે, પણ અશક્ય નથી. ભારતીય રમત જગતના ઈતિહાસમાં પોતાની આગવી છાપ છોડવા માટે તૈયારી કરી રહેલી અનુ રાનીની અહીં સુધીની સફર અત્યંત પડકારજનક રહી છે.
ઉત્તર પ્રદેશના એક રૂઢિચૂસ્ત ગામમાં જન્મેલી અનુ રાની સ્વમુખે પોતાની ગાથા વર્ણવતા કહે છે કે, અમારા ગામની છોકરીને ખૂબ જ કામ કરવું પડે છે અને ત્યાર બાદ તેમના વહેલા લગ્ન પણ કરી દેવામાં આવે છે. તેમને તેમની કારકિર્દી ઘડવાની કે સ્વપ્ન પૂરા કરવા તો શું જોવાનો પણ સમય અપાતો નથી. હું મારી જિંદગી સાથે એવું થવા દેવા માંગતી નહતી. મારે ગામડું છોડવું હતુ. આગળ વધવું હતુ. કંઈક એવું કરવું હતું કે, દુનિયા બે ઘડી થંભી જાય અને મારી સફળતાને જોઈ રહે.
ઉત્તર પ્રદેશના મેરઠમાં આવેલા બહાદૂરપુરમાં રહેતા એક ખેડૂત પરિવારમાં જન્મેલી અન્નુ રાનીની આંખોમાં તો ઊંચા આકાશને સર કરવાના સપનાં રમતાં હતા, પણ ધરતી પરની હકીકત કંઈક ઔર હતી. તે જ્યારે તેની આસ-પાસની મહિલાઓ અને છોકરીઓની સ્થિતિને જોતી ત્યારે વિચારતી કે, શું મારું ભવિષ્ય પણ ચાર દિવાલોની વચ્ચે બંધાઈ જશે ?
આ તબક્કે તેણે નક્કી કર્યું કે, મારે કંઈક અલગ કરવું છે. ઘરની અને સમાજની પરિસ્થિતિ જોતાં તે તબક્કે તો આ વિચાર માત્ર હાસ્યાસ્પદ લાગતો હતો, પણ જ્યાં ચાહ હોય, ત્યાં રાહ આપોઆપ બની જાય છે. પિતા અમરપાલ સિંઘ તો પુત્રી ઘરની પ્રવૃત્તિઓ સિવાય બીજે ધ્યાન આપે તેના પક્ષમાં જ નહતા. જોકે અનુનું મન અલગ દિશામાં દોડી રહ્યું હતુ.
શાળામાં અભ્યાસ દરમિયાન અનુ રાનીને ભાલા ફેંકની રમત જોવા મળી અને આ રમત તરફ તે આકર્ષાઈ. પિતા તો કોઈ કાળે પુત્રીને રમત-વિરાંગના બનાવવા તૈયાર નહતા, આ મુશ્કેલ ઘડીમાં અનુને તેના ભાઈ ઉપેન્દ્રનો સાથ મળ્યો. અનુ અને તેનો ભાઈ વહેલી સવારે નીકળી પડતા અને ઘરથી આઠ કિલોમીટર દૂર આવેલા ખેતરમાં જઈને પ્રેક્ટિસ કરતાં.
ઉત્તર પ્રદેશના ગામડાગામમાં ભાલ ફેંકની આધુનિક સુવિધા તો ક્યાં મળે ? બહેનને પ્રેક્ટિસ મળી રહે તે માટે ઉપેન્દ્રએ એક મોટો વાંસ શોધી કાઢેલો અને તેનાથી તેઓ પ્રેક્ટિસ કરતાં. વજનદાર વાંસની પ્રેક્ટિસ કરીને અનુ રાની જ્યારે શાળાની કે અન્ય કોઈ જિલ્લા સ્તરની સ્પર્ધામાં ઉતરતી ત્યારે ખુબ જ આસાનીથી અન્ય હરિફોને હરાવી દેતી. અનુનો ભાઈ ઉપેન્દ્ર આ સમય દરમિયાન ભાલા ફેંકના સીનિયર ખેલાડી કાશીનાથ નાઈકની મદદ લેતો અને તેની પાસેથી ભાલા ફેંકમાં આગળ વધવાની જુદી-જુદી ટીપ્સ મેળવતો અને તે ટીપ્સ અનુને આપતો. આ પ્રકારે અનુ આગળ વધી રહી હતી.
શરુઆતમાં તો બધુ બરોબર ચાલ્યું, પણ જેમ જેમ તે મોટી થવા માંડી અને ભાલા ફેંકમાં રાજ્યસ્તરની સફળતાના પગલે આગળ વધવા માંડી તેમ તેમ તેના પિતાની નારાજગી બહાર આવવા લાવી. ઘરમાં જાણે બે ભાગ પડી ગયા હોય તેવું વાતાવરણ સર્જાયેલું અનુએ પિતાને ખુબ જ વિનવણી કરી.
ઘરમાં અનુ સૌથી નાની હતી અને આ કારણે બધા તેની તરફેણમાં હતા. અનુના આંસૂઓએ પિતૃહૃદયને પીગળાવી દીધું અને તેમણે તેને વધુ તાલીમ માટે બહાર મોકલવાની મંજૂરી આપી. આ દરમિયાન ઉપેન્દ્ર જેની પાસેથી ભાલા ફેંકની ટીપ્સ મેળવતો હતો, તે નેશનલ પ્લેયર કાશીનાથે કોચિંગનો કોર્સ પુરો કરીને કોચ તરીકેની સત્તાવાર જવાબદારી સંભાળી લીધી હતી અને તેમના જ માર્ગદર્શનમાં અનુ રાનીની પ્રેક્ટિસ શરુ થઈ.
પટિયાલા ખાતેના નેશનલ સ્પોર્ટસ સેન્ટરમાં શરુ થયેલી તાલીમને પગલે અનુ રાનીની કારકિર્દીને નિખાર મળ્યો અને એક વર્ષની તાલીમના અંતે ૨૦૧૪માં યોજાયેલી ઈન્ટર સ્ટેટ નેશનલ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચાયો. અનુએ ૫૮.૮૩ મીટર દૂર ભાલો ફેંકીને ૧૪ વર્ષ જૂના નેશનલ રેકોર્ડને તોડી નાંખ્યો.
આ જ વર્ષે તેણે ઈન્ચેઓન એશિયન ગેમ્સમાં ૫૯.૫૩ મીટરના અંતર સાથે પોતાનો રાષ્ટ્રીય વિક્રમ ધરાશયી કરતાં કાંસ્ય સફળતા હાંસલ કરી. આ પછી એક વર્ષ ઈજાના કારણે તેને સંઘર્ષ કરવો પડયો. જોકે ૨૦૧૬માં ધમાકેદાર પુનરાગમન કરતાં તેણે ૬૦ મીટરથી દૂર ભાલો ફેંકનારી સૌપ્રથમ ભારતીય મહિલા તરીકેનો વિક્રમ સર્જી દીધો.
ઓડીશામાં ૨૦૧૭ની એશિયન ચેમ્પિયનશિપ જીતનારી અનુ થોડા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાઈ થઈ શકી નહતી. જોકે, તેણે ચાલુ વર્ષે કતારમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સમાં રજત ચંદ્રક જીતીને પોતાની પ્રતિભાનું પ્રમાણ આપ્યું હતુ. એક પછી એક સિદ્ધિના શિખરો સર કરી રહેલી અનુ રાનીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રભાવ પાડયો હતો, છતાં તે મેડલથી તો દૂર રહી હતી.
હવે પછીને તેનું પહેલુ લક્ષ્ય ઓલિમ્પિકમાં કવોલિફાય થવાનું છે, જે માર્કને તે પ્રેક્ટિસમાં તો હાંસલ કરી ચૂકી છે. હવે ઓલિમ્પિકને ગણતરીના મહિના બાકી રહ્યા છે, ત્યારે અનુ તેની કારકિર્દીના સૌથી મોટા સ્વપ્નને સિદ્ધ કરવા માટે કમર કસી રહી છે અને તેનો આત્મવિશ્વાસ તેને નવી ઉંચાઈએ પહોચાડશે તેવો વિશ્વાસ તેના કોચની સાથે સાથે ભારતીય એથ્લેટિક્સ જગતને પણ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MC9rnK
ConversionConversion EmoticonEmoticon