આજકાલ મેડિકલ જગતમાં પણ અવનવા ટેકનોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ગેઝેટસ આવી ગયા છે. માણસનાં શરીરને એક યંત્ર માફક ગણીને બગડેલા અંગ માટે વૈજ્ઞાાનિકો અન્ય સગવડ કરતાં જ આવ્યાં છે. મનુષ્યનાં હૃદયમાં તકલીફ હોય તો ડોક્ટર પેસ મેકર જેવાં કૃત્રીમ યંત્રનો સહારો લેતા હતાં.
હૃદય એક પંપ માફક કામ કરે છે એટલે મિકેનિકલ કમ ઇલેકટ્રોનીકસની સહાયથી બનેલ પંપ હૃદયનું કામ કરવા ગોઠવવામાં આવે છે. આજકાલ હૃદયનાં પ્રત્યારોપણની તકો પણ વધી છે. ઘુંટણનાં હાડકા ઘસાઇ ગયા હોય તો મેટલ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ઘુંટણનાં રિપ્લેસમેન્ટની સારવાર ઉપબ્ધ થઇ ચુકી છે.
જે હાડકા અને કાર્ટીલેજનો પર્યાય બની રહ્યાં છે. વિવિધ પ્રકારનાં કૃત્રીમ અંગોનું આખુ વિજ્ઞાાન પ્રિસ્થેટીકલ વિકસેલું છે. જ્યારે લોહીનાં સ્થાને કૃત્રીમ લોહીની વાત કરવામાં આવે ત્યારે, માત્ર સામાન્ય માણસ જ નહીં, વૈજ્ઞાાનિકોની આંખો પણ આશ્ચર્યથી પહોળી થઇ જાય છે. કારણ કે લોહી માત્ર ઓક્સિજન લઇ જવાનું કામ કરતું નથી. તેનાં જૈવિક કાર્યો થોડા જટીલ છે. તાજેતરમાં જાપાનીઝ વૈજ્ઞાાનિકોએ કૃત્રીમ લોહી શોધી કાઢયાનો દાવો કર્યો છે. ત્યારે કૃત્રીમ લોહી શું છે ? અને તે કઇ રીતે કામ કરે છે. તેની ભીતરની વાતો જાણવી જ રહી.
લોહીની ખાનદાની ...
લોહી એ ખાસ પ્રકારનાં કનેકટીવ ટીશ્યું છે. જે શ્વેત કણો, રક્ત કણો, પ્લેટલેટસ અને પ્લાઝમા (રક્ત દ્રવ્ય) વડે બને છે. પ્લાઝમાં પાણી, ક્ષાર અને વિવિધ પ્રકારનાં પ્રોટીનનું સંયોજન છે. ત્રાકકણોનાં કારણે લોહીને જામી જવા માટેની ખાસ સુવિધા પ્રાપ્ત થાય છે. જ્યાં ઘા પડયો હોય ત્યાંથી સતત લોહી વહે તો મનુષ્યનું અવસાન થઇ જાય.
આમ થતું અટકાવવા લોહીને ગંઠાઇ જવાની કે જામી જઇને રક્તવાહિનીઓને બ્લોક કરી દેવાની જૈવિક ઘટના બને છે. જેથી શરીર માટે પ્રાણદાયક લોહી વહી ન જાય. વિવિધ પ્રકારનાં રોગો, રોગોનાં જીવાણુંઓ, વાયરસ, બેકટેરીયા અને અન્ય સુક્ષ્મ જીવોનો કોષ લેવલે હુમલો થાય છે ત્યારે શરીર પોતાની ખાસ પ્રકારની રક્ષા પ્રણાલી કામે લગાડે છે. જેને રોગ પ્રતિરક્ષા પ્રણાલી કહે છે. લોહીમાં રહેલા શ્વેત કણો રોગ સામે લડતાં લશ્કરનું કામ કરે છે.
લોહીનો રંગ લાલ, એ રેડ બ્લડ સેલ તરીકે ઓળખાતા રાતાં રંગનાં રક્તકણોને આભારી છે. લોહીનાં એક ટીપામાં અંદાજે એક અબજ લાલ રંગનાં રક્તકણો હોય છે. આ કણોનાં કારણે જ ફેફસામાંથી લીધેલ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન શરીરનાં દરેક રંગનાં દરેક કોષો સુધી પહોંચે છે. ત્યાં કચરા રૂપે જમા થયેલ કાર્બન ડાકોયકસાઇડને એકઠો કરીને ફરી ફેફસામાં લાવવામાં આવે છે. જ્યાંથી ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોકસાઇડને ફેફસા શરીરની બહાર ફેંકે છે.
આ ઉપરાંત લોહી વિવિધ પ્રકારનાં પોષક તત્વો ધરાવતાં 'ન્યુટ્રીસન્ટ'ને પણ દરેક કોષ સુધી પહોંચાડે છે. શરીરને ઉર્જા મેળવવા માટેનું 'રો' મટીરીઅલ પણ લોહી દ્વારા જ મળે છે. સંવેદન માટે જરૂરી 'હોર્મોન્સ', કામેચ્છા માટેનાં કેમિકલ મોલેક્યુલ્સ, ડર લાગે ત્યારે પેદા થતાં ખાસ પ્રકારનાં અંતસ્ત્રાવ, રક્તમાં શર્કરા એટલે કે સ્યુગરનુંપ્રમાણ ન વધે તે માટે જરૂરી 'ઇન્સ્યુલીન' અથવા બીજા શબ્દોમાં કહી શકાય કે, 'સ્યુગર'ને પચાવવામાં મદદ કરનાર ઇન્સ્યુલીન વગેરેને આખા શરીરની રોડ નેટવર્ક જેવી રક્તવાહીનીઓમાં વહન કરી, યોગ્ય સ્થાને પહોચાડવાનું કામ લોહી કરે છે. અહીં સવાલ એ થાય કે આવા જટીલ કાર્યો કૃત્રીમ લોહી અથવા પ્રયોગશાળામાં બનાવેલ કૃત્રીમ પ્રવાહી કરી શકે ખરા ? આ સવાલનો જવાબ મેળવતાં પહેલાં, કૃત્રીમ લોહીનાં ઇતિહાસ પર એક નજર નાખી લઈએ.
કાર્લ લેન્ડસ્ટેઇનર: અનોખુ યોગદાન...
૧૮૬૮માં વૈજ્ઞાાનિકોએ લોહીમાંથી હિમોગ્લોબીન નામનું પ્રોટીન અલગ તારવવાની પ્રક્રિયા શોધી કાઢી હતી. આ હિમોગ્લોબીન અને પ્રાણી શરીરમાંથી મેળવેલ 'પ્લાઝમા'ને ભેગુ કરીને 'લોહી' સામે કૃત્રીમ લોહીનો પ્રથમ પ્રયોગ શરૂ થયા. પ્રયોગોમાં જોવા મળ્યું કે આ પ્રવાહી કેટલોક દર્દીનાં શરીરમાં ઉમેર્યા બાદ, તેમનું લોહી જામી જઇને સમસ્યા પેદા કરતું હતું.
૧૮૮૩માં વૈજ્ઞાાનિકોએ 'રીંગર' સોલ્યુશન તરીકે ઓળખાતું પ્રવાહી બનાવ્યું જેમાં સોડિયમ, પોટેશીયમ અને કેલ્શીયમનાં ક્ષાર ઉમેરેલાં હતાં. આ દ્રાવણ ઉમેરવાથી તબીબોને જાણવા મળ્યું કે શરીરમાંથી લોહી વહી જવાથી જે રક્તચાપ/રક્તનું દબાણ બ્લડ પ્રેસર ઘટી જતું હતું એ ફરી પાછુ સામાન્ય સ્તરે લાવી શકાતું હતું. એટલે કે લોહીનાં વોલ્યુમમાં જે ઘટાડો થયો હતો. તેની ખામી દુર કરવા 'રીંગર સોલ્યુશન' ઉપયોગી હતું પરંતુ રક્તકણો જેવું જૈવિક કાર્ય આ પ્રવાહી કરી શકતું ન હતું.
આવા સંજોગોમાં, જેને ફાધર ઓફ ઇમ્યુનોલોજી કહેવામાં આવે છે. તેવાં મહાન વૈજ્ઞાાનિક કાર્લ લેન્ડસ્ટેઇનરનો સંશોધન ક્ષેત્રે પ્રવેશ થયો. ઓસ્ટ્રીઅન પત્રકાર અને તંત્રી લીઓપોલ્ડ લેન્ડસ્ટેઇન્ટરનાં એક માત્ર સંતાન, કાર્લ લેન્ડસ્ટેઇનરે વિયેના યુનિવર્સિટીમાંથી મેડિકલ વિજ્ઞાાનની ડીગ્રી મેળવી ત્યારે ૧૮૯૧ નું વર્ષ ચાલતું હતું.
જયારે તેઓ તબીબી વિજ્ઞાાનનો અભ્યાસ કરતાં હતાં ત્યારે તેમણે પ્રોફેસર અન્સર્ટ લુડવિગનાં પ્રભાવમાં આવ્યા હતાં અને રસાયણશાસ્ત્રનાં પ્રયોગો કર્યા હતાં. ત્યાર બાદ પાંચ વર્ષ સુધી એમિલ ક્રિશર માટે ઓર્ગેનિક કેમેસ્ટ્રી પર સંશોધન કર્યું હતું. જો કે તેમનો મુખ્ય ઉદ્દેશ તબીબી વિજ્ઞાાન રહ્યો હતો.
તેમણે જોયું કે દર્દીને લોહી આપવાની પ્રક્રીયા જોખમી હતી. લોહી ચડાવવાથી જામી જતું હતું. આવા સમયે તેમને લાગ્યું કે વિવિધ દર્દીનાં લોહીની બાયો-કેમિકલ લાક્ષણિકિતાઓ અલગ અલગ હતી. લાંબી મથામણ બાદ તેમણે લોહીનાં છ - મ્ છમ્ અને ર્ં જેવા પ્રકાર શોધી કાઢ્યા અને લોહીની લાક્ષણિકતા મુજબ દર્દીને લોહી ચડાવવાની ભલામણ કરી. જેનાં દુર્લભ કાર્ય માટે ૧૯૩૦માં તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ગમ-સોલ્યુશન નામનું પ્રવાહી ઘાયલ સૈનિકોને ચડાવવામાં આવ્યું પરંતુ તેની નેગેટીવ અસરો જોવા મળવા લાગી હતી.
બીજા વિશ્વયુધ્ધ બાદ...
બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે ફરીવાર કૃત્રિમ લોહી શોધવાની જરૂરીયાત ઉભી થઈ. વૈજ્ઞાાનિકોએ રેડ બ્લડ સેલ અને બ્લડ પ્લાઝમા અલગ તારવવાની અસરકારક રીત શોધી રાખી હતી. હવે લોકો સ્વેચ્છાએ ઘાયલ દર્દીને પોતાનું લોહી આપવા તૈયાર થતા હતાં કારણ કે કાર્લ લેન્ડસ્ટેઈનરે શોધેલ રક્તનાં વિવિધ પ્રકારનાં કારણે હવે, દર્દીનો જીવ બચાવી શકાતો હતો.
બીજા વિશ્વયુદ્ધનાં પ્રસંગમાંથી વૈજ્ઞાાનિકો અને સ્વયં સેવકો ઘણુ બધું શીખ્યા અને વિશ્વમાં પ્રથમવાર અમેરીકન રેડ ક્રોસ નામે બ્લડબેંક શરૂ થઈ. વિશ્વની પ્રથમ બ્લડ બેંકમાં લોહીને સાચવવાની સેવા શરૂ થઈ, એ જ વર્ષે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી. અને વર્ષ હતું ''૧૯૪૭''.
૧૯૬૬માં વૈજ્ઞાાનિકોએ ટેફલોન જેવા જ લાંબી ચેઈનવાળા કાર્બનીક રસાયણ 'પરફ્લોરો કેમિકલ્સ'ની શોધ કરી. જે PFC નામે ઓળખાયું. વૈજ્ઞાાનિકોએ જોયું કે PFCમાં ઉંદરને ડુબાડવામાં આવે તો પણ તે જીવતા રહેતા હતાં. જેના ઉપરથી કૃત્રિમ રક્ત તરીકે PFCનો ઉપયોગ કરવાનું વૈજ્ઞાાનિકોએ વિચાર્યું. ઉંદરનાં શરીરમાંથી લોહી કાઢીને PFCનું દ્રાવણ કરવામાં આવ્યું. ઉંદર કેટલાંક કલાક જીવી મૃત્યુ પામ્યા. હવે વૈજ્ઞાાનિકોએ PFC ચડાવ્યા બાદ થોડા કલાક બાદ, ફરીવાર લોહી આપી જોયું. હવે ઉંદર જીવતાં રહેતા હતા. ૧૯૮૬માં લ્લૈંફ જેવા વાયરસનો ચેપ લોહી દ્વારા લાગવા લાગ્યો એટલે ફરીવાર કૃત્રિમ લોહીનાં સંશોધનમાં તેજી આવી.
PFC મનુષ્ય પ્લાઝમા કરતાં ૫૦ ગણો વધારે ઓક્સીજન પોતાનામાં ઓગાળી શકે છે. PFC સસ્તો પદાર્થ પણ છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે તે પાણીમાં ઓગળી શકતો નથી. તેને ઓગાળવા માટે 'લીપીડ' જેવા ફેટી એસીડની જરૂર પડે છે. બીજું હિમોગ્લોબીન આધારીત પ્રોડક્ટ કરતાં ઓછો ઓક્સીજન તેઓ એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડી શકે છે.
અમેરીકન FOAવિભાગે PFCની એક પ્રોડક્ટને મંજુરી આપી છે છતાં તેને સફળતા મળી નથી. હાલનાં તબક્કે વિશ્વમાં ક્યાંય કૃત્રિમ લોહી તરીકે કોઈપણ રસાયણ ઉપયોગમાં લેવાતું નથી. વૈજ્ઞાાનિકો હિમોગ્લોબીન આધારિત દ્રાવણ બનાવી, કૃત્રિમ લોહી બનાવવાનાં પ્રયોગો કરી રહ્યાં છે ત્યારે, જાપાની વૈજ્ઞાાનિકોએ કૃત્રિમ લોહી શોધ્યાનો દાવો કર્યો છે તેને સમજવો જરૂરી બની જાય છે.
જાપાની વૈજ્ઞાાનિકની જાહેરાત...
જાપાની વૈજ્ઞાાનિકોએ કૃત્રિમ રક્ત બનાવ્યાનો દાવો અને સંશોધન પત્ર 'ટ્રાન્સફ્યુઝન' મેગેજીનમાં પ્રકાશીત કર્યો છે. પરંતુ તેની રાસાયણિક વિગતો ઉપલબ્ધ નથી. જાપાની અખબાર 'ધ આશીહી સિમ્બન'માં પ્રકાશીત રિપોર્ટમાં પણ ટેકનીકલ ડિટેઈલ્સ ઓછી છે.
ઉપલબ્ધ માહિતી પરથી અનુમાન કરવામાં આવે છે કે માનવ રક્તનાં મુખ્ય ભાગ લાલ કણો, ત્રાકકણો અને પ્લાઝમા દ્રવ્યમાં સુધારા વધારા કરીને જાપાની વૈજ્ઞાાનિકોએ 'યુનિવર્સલ' કહી શકાય તેવું લોહી બનાવ્યું હશે. દર્દી હોસ્પિટલમાં પહોંચે અને તેનાં લોહીનો પ્રકાર નક્કી થાય તે પહેલાં જ તેને યુનિવર્સલ ડોનર ટાઈપ 'બ્લડ' આપી શકાય. આવી લાક્ષણિકતાવાળું લોહી જાપાની વૈજ્ઞાાનિકોએ અલગ તારવ્યું છે.
જાપાની વૈજ્ઞાાનિક અને સંશોધન પત્રનાં મુખ્ય સંશોધક માનાબું કિનોશીટાનું કહેવું છે કે 'દુરનાં વિસ્તારમાં બ્લડ બેંક કે હોસ્પીટલ ન હોય તો લાંબો સમય સાચવી શકાય તેવું આવું 'લોહી' વધારે ઉપયોગી બની શકે છે.'
હાલમાં 'ઓ' નેગેટીવ પ્રકારનું લોહી કોઈપણ વ્યક્તિ કે દર્દીને આપી શકાય છે પરંતુ આ પ્રકારનું લોહી ખુબ જ ઓછી વ્યક્તિમાં જોવા મળે છે. આ આવા લોહી આપનાર દાતા પણ દુર્લભ છે. લાલ કણોને નીચા તાપમાને માત્ર ૪૦-૪૨ દિવસ સુધી સાચવી શકાય છે. જો કે તેની ગુણવત્તા ૨૦ દિવસ બાદ ઘટવા લાગે છે. ત્યારે ત્રાક કણોને ત્રણ-ચાર દિવસ વધારે સાચવવા મુશ્કેલ પડે છે. કારણ કે તે એકબીજા સાથે ચોંટીને જામવા માંડે છે.
જાપાની વૈજ્ઞાાનિકોની માહિતી પ્રમાણે પ્લેટલેટ્સ અને રેડ બ્લડ સેલ ધરાવતું ખાસ પ્રવાહી એક વર્ષ સુધી સાચવી શકાય છે. તેનો ઉપયોગ દર્દીનાં લોહીનો પ્રકાર જાણ્યા વગર પણ 'યુનિવર્સલ' બ્લડ તરીકે થઈ શકે છે. વૈજ્ઞાાનિકો અને વિવિધ જર્નલોનો આ સંશોધન પર કેવો અભિપ્રાય છે એ વાત આવનારા સમયમાં ખબર પડશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33vc1Tn
ConversionConversion EmoticonEmoticon