QWERTY.
આ સ્ટાઈલનું કી-બોર્ડ અત્યારે દુનિયાભરમાં વપરાય છે. આઉટડેટેડ થયેલાં ટાઈપરાઈટર્સ હોય કે ડેસ્કટોપ હોય, લેપટોપ હોય કે સ્માર્ટફોન હોય - બધે જ ક્વેર્ટી કી-બોર્ડના સ્ટાન્ડર્ડ સ્વીકારવામાં આવ્યાં છે. આ કી-બોર્ડનું નામ ક્વેર્ટી એટલે પડયું કે તેની પહેલી હરોળમાં ડાબી બાજુએ Q, W, E, R, T, Y જેવાં અક્ષરો આવતા હતાં. તે પહેલાં અને પછી અલગ અલગ લે-આઉટના ઘણાં કી-બોર્ડ આવી ચૂક્યાં હોવા છતાં આજ સુધી આ પદ્ધતિ સર્વમાન્ય બની રહી છે.
આ સ્ટાઈલથી કી-બોર્ડ ડીઝાઈન કરનારા અમેરિકન પત્રકાર-નેતા ક્રિસ્ટોફર શોલ્સ જગતના પ્રથમ પ્રેક્ટિકલ ટાઈપરાઈટરના સંશોધકો પૈકી એક હતા. ૧૮૭૦ પછી ક્રિસ્ટોફર સહિતના ચાર સંશોધકોએ મોર્ડન ટાઈપરાઈટર વિકસાવ્યું હતું. કાગળ-કલમને બદલે દુનિયાને ટાઈપિંગ કરતી કરનારા આ સંશોધકની દીકરી લિલિયન શોલ્સ વિશ્વની પ્રથમ તાલીમ પામેલી ટાઈપિસ્ટ હતી.
પ્રથમ પ્રેક્ટિકલ-કમર્શિયલ ટાઈપરાઈટર તૈયાર થયું તે પછી ટાઈપિંગનું ઉદાહરણ રજૂ કરવા માટે લિલિયનને ટાઈપિંગ શીખવાડવામાં આવ્યું હતું. પછી તો ટાઈપરાઈટરનો ઈતિહાસ કહે છે એમ આ સંશોધકોએ રેમિંગ્ટન કંપનીને પેટન્ટ હકો વેંચી દીધાં અને ટાઈપરાઈટરના ઉત્પાદન માટે જગવિખ્યાત બનેલી આ કંપનીના નામથી પ્રેરિત થઈને QWERTY કી-બોર્ડ રેમિંગ્ટન કી-બોર્ડના નામે ય ઓળખાતું થયું.
વેલ, લિલિયન શોલ્સથી શરૂ થયેલાં ટાઈપિંગના ૧૫૦ વર્ષના ઈતિહાસમાં ઘણાં કી-બોર્ડ ઘસાયા! અનેકાનેક પરિવર્તનો આવ્યાં. ઘણાં નવા ઉત્પાદકો સફળ થયા, ઘણી જૂની પેઢીઓ બંધ થઈ. ટાઈપરાઈટર્સમાંથી ડેસ્કટોપ અને ડેસ્કટોપમાંથી લેપટોપ, ટેબલેટ્સ, સ્માર્ટફોન સુધીની દુનિયા વિકસી. ટાઈપરાઈટર્સનો જમાનો વીતી ગયો, પણ ટાઈપિંગનું મહત્વ અકબંધ રહ્યું.
ટાઈપિંગની ઝડપનું મહત્વ સ્વીકારાયું. ખાનગી-સરકારી નોકરીઓમાં ટાઈપિંગ-સ્પીડના માપદંડો ઘડાયા. સીવીમાં ટાઈપિંગ-સ્પીડનો ઉલ્લેખ શરૂ થયો. અંગ્રેજી ઉપરાંતની ભાષાના ફોન્ટ અને કી-બોર્ડ અસ્તિત્વમાં આવ્યાં. ટાઈપિંગ શીખવતા ક્લાસિસ અસ્તિત્વમાં આવ્યાં. ટાઈપિંગથી રોજગારીનું ય સર્જન થયું. ટાઈપિંગ-સ્પીડને લગતા સંશોધનો-સર્વેક્ષણો થવા લાગ્યાં. અવનવાં તારણો નીકળ્યાં.
સાંભળીને એક મિનિટમાં સરેરાશ કેટલાં શબ્દો ટાઈપ થાય છે? જાતે સરેરાશ કેટલાં શબ્દોનું સર્જન થઈ શકે છે? ડેસ્કટોપમાં ટાઈપિંગની સ્પીડ વધારે આવે છે કે લેપટોપમાં? ડેસ્કટોપ-લેપટોપ જેટલી જ ટાઈપિંગ સ્પીડ સ્માર્ટફોનના ટચસ્ક્રીનમાં શક્ય છે? આવાં કેટલાય સવાલોના જવાબો મેળવવાની દિશામાં થઈ રહેલાં સર્વેક્ષણો પૈકીનું એક સર્વેક્ષણ તાજેતરમાં થયું. એમાં રસપ્રદ દાવો થયો કે યંગ જનરેશનનું ટચસ્ક્રીન ટાઈપિંગ કીબોર્ડ ટાઈપિંગ ઉપર ભારે પડી રહ્યું છે. બે અંગુઠાથી ઝડપભેર થતું ટાઈપિંગ બે હાથને હંફાવી રહ્યું છે!
તાઈવાનમાં ગયા સપ્તાહે 'કમ્પ્યુટર અને મોબાઈલ સાથે માણસનો વિકસતો જતો સંબંધ' એવાં વિષય ઉપર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. એમાં ૧૬૦ દેશોના ૩૭૦૦૦ લોકોના સર્વેક્ષણનો અહેવાલ રજૂ થયો હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જૂની પેઢી કરતા નવી પેઢી કીબોર્ડમાં અને ટચસ્ક્રીન ટાઈપિંગમાં સરેરાશ મિનિટમાં ૧૦ શબ્દો વધારે ટાઈપ કરે છે.
એનાથી પણ વધારે રસપ્રદ તારણ એ નીકળ્યું હતું કે ટચસ્ક્રીન ટાઈપિંગ કીબોર્ડ ટાઈપિંગ ઉપર ભારે પડી રહ્યું છે. ઓટો-કરેક્ટ સોફ્ટવેરની મદદથી માત્ર બે અંગુઠાથી જ એક મિનિટમાં સરેરાશ ૮૦-૮૫ શબ્દો ટાઈપ કરી લેતા લોકોની સંખ્યા વધી ગઈ છે. સર્વેક્ષણમાં સામેલ થયેલા લોકોમાંથી ૨૦ ટકાની ઝડપ તો મિનિટમાં ૭૦થી ૮૫ શબ્દો સુધીની દર્જ થઈ હતી. ટીનેજર્સની કીબોર્ડમાં ટાઈપિંગ ઝડપ ઓછી હતી, તેના બદલે સ્માર્ટફોનના ટચસ્ક્રીનમાં સહજતાથી અને ઝડપી ટાઈપિંગ કરી શકવામાં એમને વધુ સરળતા રહેતી હતી.
વિશ્વભરના ૩૭૦૦૦ લોકો પર થયેલા સર્વેક્ષણમાં જણાયું હતું કે એક કે બે અંગુઠાથી થતું ટાઈપિંગ કીબોર્ડની તુલનાએ નોંધપાત્ર ૨૫ ટકા જેટલું ઝડપી હતું. ૭૪ ટકા લોકોની સ્માર્ટફોનમાં ટાઈપિંગ સ્પીડ ૩૬થી ૪૦ શબ્દો પ્રતિ મિનિટ હતી, જ્યારે કીબોર્ડમાં એ લોકો એક મિનિટમાં માંડ ૩૦થી ૩૫ શબ્દો ટાઈપ કરી શકતા હતા.
બે અંગુઠા બે હાથને હંફાવે છે એમાં ઓટો-કરેક્શન સોફ્ટવેરનો મોટો ફાળો હતો. મોટાભાગના સ્માર્ટફોનમાં હવે એવી ઓટો સિસ્ટમ અપડેટ થઈ ચૂકી છે કે એક વખત આપણે કોઈ શબ્દ ટાઈપ કરીએ એટલે એ શબ્દ તેની ડિક્શનરીમાં સ્ટોર થઈ જાય છે. ફરીથી આપણે એ પ્રકારના શબ્દનો પહેલો અક્ષર ટાઈપ કરીએ કે તરત જ સજેશન્સ બતાવે છે.
એના કારણે સમય બચી જાય છે, એટલે માત્ર બે અંગુઠાથી પણ ટાઈપિંગ સ્પીડ મેઈનટેઈન થઈ શકે છે. ઓટો-કરેક્શન સોફ્ટવેરનો ઉપયોગ કરતા ન હતા એવા માત્ર ૧૪ ટકા જ યુઝર્સ હતા. આ લોકો મિનિટમાં સરેરાશ ૩૦ શબ્દો મોબાઈલમાં ટાઈપ કરી શકતા હતા.
એવું તારણ અપાયું હતું કે ભવિષ્યમાં આ ગેપ બહુ મોટો થઈ જશે. લોકોની કીબોર્ડ ટાઈપિંગની ઝડપ વર્ષોવર્ષ ઘટતી જશે અને ટચસ્ક્રીન ટાઈપિંગની ઝડપ સતત વધતી જશે. ઓટો-કરેક્શન સોફ્ટવેરનો ઉપયોગ હજુય વધશે એટલે એકાદ દશકામાં ટચસ્ક્રીન ટાઈપિંગની સરેરાશ મિનિટમાં ૫૦-૫૫ શબ્દોએ પહોંચી જાય તો ય નવાઈ પામવા જેવું નહીં હોય.
વેલ, આ સિવાયના સંશોધનો ય ભૂતકાળમાં ઘણાં થયા છે. ૧૯૯૯માં 'હ્મુમન ફેકટર્સ ઈન કમ્પ્યુટરિંગ' માટે એક સંશોધન થયું હતું. એમાં કહેવાયું હતું કે સાંભળીને ટાઈપ કરનારા લોકો એક મિનિટમાં સરેરાશ ૩૩થી ૩૫ શબ્દો ટાઈપ કરી શકતા હતા. પોતાની રીતે કોઈ વિષય ઉપર લખનારા લોકો વિચારવાનો સમય લેતા હતા, સુધારા પણ કરતા જતા હતા એટલે મિનિટમાં સરેરાશ ૧૯ શબ્દો ટાઈપ કરતા હતા. પ્રોફેશનલ ટાઈપિસ્ટ એક મિનિટમાં ૫૦થી ૮૦ શબ્દો જોઈને કે સાંભળીને ટાઈપ કરી શકતા હતા.
૧૯૪૦થી ૧૯૯૦ સુધી ટાઈપિંગ સ્પીડનું જોબ પ્રોફાઈલમાં ય બહુ મહત્વ રહેતું. હવે ટાઈપિંગ સ્પીડનું એટલું મહત્વ રહ્યું નથી. હવે તો એવાં દિવસો પણ દૂર નથી કે ટાઈપિંગનું મહત્વ સાવ ઘટી જશે. ટાઈપિંગના ઘણાં રેકોર્ડ્સ નોંધાવનારા ટાઈપિસ્ટ શોન વ્રોન તો ત્યાં સુધી કહે છે કે ૨૦૨૫ સુધીમાં કુલ સ્માર્ટફોન યુઝર્સમાંથી ૪૦ ટકા યુઝર્સ અવાજથી કમાન્ડ આપીને સર્ચ કરતા થઈ જશે અને ૩૦ યુઝર્સ અવાજથી ટાઈપ કરીને ચેટ કરશે.
ટાઈપિંગને લગતા સંશોધનો-સર્વેક્ષણો કરનારા સંશોધકો એવી ભલામણ જરૂર કરે છે કે દુનિયાભરના લોકોએ તેમની સરેરાશ ટાઈપિંગ સ્પીડ એક મિનિટમાં ૩૦-૪૦ શબ્દોથી વધારીને ૬૦-૮૦ શબ્દો સુધી પહોંચાડવાની જરૂર છે. તેનાથી પ્રોડક્ટિવિટી વધશે. એવું ઝડપી કામ કરતા લોકો જ સ્પર્ધાત્મક યુગમાં ટકી શકશે. બ્રિટનના પ્રોડક્ટિવિટી એક્સપર્ટ ક્રિસ બ્યુમોન્ટ કહે છે કે ટાઈપિંગ સિવાયની આવડતો પ્રબળ હશે એવા લોકોએ ટાઈપિંગની ઝડપની ચિંતા કરવાની જરૂર નથી. ધેટ્સ ઓલ!
વેલ, એટલિસ્ટ અત્યારે તો લખવામાં માણસ હતો ત્યાંનો ત્યાં આવી ગયો છે. પેનથી લખતી વખતે એક અંગુઠો અને એક આંગળીનો ઉપયોગ થતો હતો, મતલબ ૧૦માંથી ૨ આંગળાનો ખપ પડતો હતો, હવે ફરીથી બે અંગુઠા વપરાય છે. મતલબ, બે જ આંગળાનો ખપ પડે છે.
ટાઈપિંગમાં આશ્વર્યજનક ઝડપ મેળવનારા લોકોમાં શું ખાસિયત હોય છે?
રેકોર્ડ હોલ્ડર ટાઈપિસ્ટ્સની કીબોર્ડ ઉપર ઝડપભેર થિરકતી આંગળીઓ જોઈને આશ્વર્ય થવું સ્વાભાવિક છે. અકલ્પનીય ઝડપથી ટાઈપિંગ કરી શકતા લોકોમાં એવું તો શું ખાસ હોય છે? ફિનલેન્ડની આલ્ટો યુનિવર્સિટી અને બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીએ દુનિયાભરના ૧.૬૮ લાખ લોકોની ટાઈપિંગ મેથડ ઉપર સંશોધન કર્યું હતું. એ સંશોધનમાં જણાયું કે જે લોકોને ગેમિંગનો શોખ હતો તેમની ટાઈપિંગ સ્પીડ વધારે હતી. ગેમિંગમાં ચપળતાથી મૂવ કરવાનું હોય છે. એ ચપળતાનો ફાયદો ટાઈપિંગ વખતે મળે છે.
આટલી ઝડપથી ટાઈપિંગ કરતા લોકો રોલઓવર ટાઈપિંગ પદ્ધતિથી ટાઈપ કરે છે. રોલઓવર ટાઈપિંગ એટલે આગલું બટન પ્રેસ કરતાં પહેલાં પાછલું બટન ઝડપથી છોડી દેવું અને જે આંગળીથી જે કી પ્રેસ થતી હોય એ જ આંગળીથી એ જ બટન પ્રેસ થવું. એનાથી સાતત્ય જળવાય છે અને આંગળી અન્ય કોઈ બટન પ્રેસ કરવાને બદલે એ જ કી પ્રેસ કરતી હોવાના કારણે ગરબડો ઓછી થાય અને ઝડપ જળવાઈ રહે છે. સંશોધકોએ એવું ય તારણ કાઢ્યું હતું કે રોલઓવર ટેકનિક શીખી શકાય નહીં. તે જાતે ડેવલપ થાય છે.
સંશોધકોએ આશ્વર્યજનક ઝડપથી ટાઈપ કરતા ટાઈપિસ્ટના બંને હાથમાં ઉપરના ભારે બાવન સેન્ટર્સ લગાવીને પણ સંશોધનો કર્યા હતા. આંગળીઓથી લઈને કાંડાં સુધી મૂકાયેલા સેન્સર્સમાં જણાયું હતું કે દરેક ટાઈપિસ્ટે અલગ અલગ રીતે ઝડપની ટેકનિક વિકસાવી હતી.
કોઈએ એ જ આંગળીથી વારંવાર એ જ કી પ્રેસ કરવાની ટેકનિક અખ્તયાર કરી હતી, તો કેટલાકે આંગળીથી નજીક પડતી કી પ્રેસ કરીને સ્પીડ ઉપર ધ્યાન આપ્યું હતું. સંશોધકો એવાં તારણ ઉપર આવ્યા હતા કે ચપળતા દાખવીને સતત પ્રેક્ટિસ કરવાથી એક મિનિટમાં ૮૦-૯૦ શબ્દો ટાઈપ કરી શકાય છે.
ટાઈપિંગનો રેકોર્ડ કોના નામે છે?
૨૦૧૪માં બ્રાઝીલના ૧૭ વર્ષના માર્શલ ફર્નાન્ડિઝના નામે સ્માર્ટફોનમાં ૧૭ સેકેન્ડમાં ૨૫ શબ્દો ટાઈપ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. એમાં તેણે ઓટો-કરેક્શન સોફ્ટવેરનો ઉપયોગ કર્યો ન હતો. ૨૦૧૦માં ફ્રેન્કલિન પેજ નામના સ્માર્ટફોન યુઝરે પ્રથમ વખત ટચસ્ક્રીન ટાઈપિંગની કેટેગરીમાં રેકોર્ડ નોંધાવીને ૩૫ સેકેન્ડમાં ૨૫ શબ્દો ટાઈપ કર્યા હતા.
કીબોર્ડમાં ટાઈપિંગ સ્પીડનો રેકોર્ડ માર્ક કિસ્લિંગબરીના નામે નોંધાયો છે. ૨૦૦૪માં માર્કે એક મિનિટમાં ૩૬૦ શબ્દો ટાઈપ કરીને જોનારાને દંગ રાખી દીધા હતા. ગિનેસ બુકમાં તેનો વિક્રમ નોંધાયો હતો અને આજ સુધી એ રેકોર્ડ એના નામે જ બોલે છે. ૧૯૪૬માં સ્ટેલા પુજાનાસ નામની યુવતીએ એક મિનિટમાં ૨૧૬ શબ્દો ટાઈપ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આ બધા જ રેકોર્ડ્સ અંગ્રેજી ટાઈપિંગમાં નોંધાયા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2pckcFl
ConversionConversion EmoticonEmoticon