મિડિયાને જાણ થતાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયાના માણસો પણ દોડી આવ્યા. સૌના મનમાં કુતૂહલ સાથે ટેન્શન હતું. શું હશે આ વાનમાં ?
ઓચિંતી પોલીસ સાઇરનની ચીસો અને ફાયર એંજિન્સનો ધમધમાટ થતાં સ્થાનિક લોકો ચોંક્યા. ઓક્સફર્ડશાયરમાં આતંકવાદી હુમલો થયો કે શું ? એવો સવાલ સ્થાનિક લોકોના મનમાં જાગ્યો. એને સમર્થન મળે એ રીતે પોલીસે એક વાનની આસપાસથી ચારસો પાંચસો લોકોને એક તરફ ધકેલ્યા. એ વિસ્તાર ખાલી કરાવાયો. થોડી સેકંડોમાં બોમ્બ સ્ક્વોડ આવી.
એમાંથી બોમ્બ-નિષ્ણાત જવાનો ઊતર્યા. કેટલેક અંશે અવકાશયાત્રી જેવો લાગતો પોષાક પહેરીને હાથમાં ખાસ યંત્રો લઇને બોમ્બ સ્ક્વોડના જવાનો પેલી પાર્ક થયેલી વાન તરફ ધસી ગયા. પોલીસે વાનની આજુબાજુના તમામ વિસ્તારને ઘેરો ઘાલ્યો હતો. વિસ્ફોટક પદાર્થો સૂંઘીને ઓળખતા તથા પોલીસને પોતાની રીતે વાકેફ કરતા ખાસ ટ્રેન્ડ પોલીસ ડૉગ્સ પણ હાજર થયા. મિડિયાને જાણ થતાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયાના માણસો પણ દોડી આવ્યા. સૌના મનમાં કુતૂહલ સાથે ટેન્શન હતું. શું હશે આ વાનમાં ?
પંદર વીસ મિનિટ સુધી હાજર રહેલા સૌએ પ્રચંડ ટેન્શન અનુભવ્યું. ટેલિવિઝન ક્રૂ ગાંડી ઘેલી વાતો કરીને વાતાવરણમાં વધુ ભય પ્રેરી રહ્યા હતા. થોડીવારે જાણે દોડાદોડ માથે પડી હોય એવા કંટાળાના ભાવ સાથે બોમ્બ સ્ક્વોડ વાનની બહાર આવ્યું. હવામાં નકારાત્મક હાથ ફરકાવ્યો. મોં બગાડયું.
હાજર રહેલા સિનિયર પોલીસ ઑફિસર સાથે વાત કરીને બોમ્બ સ્ક્વોડની કાર રવાના થઇ. તમાશો જોઇ રહેલા લોકોની ઇંતેજારી હવે પરાકાષ્ઠાએ પહોંચી ગઇ. મિડિયામેને ફરજ પરના સિનિયર પોલીસ ઑફિસરને પૂછ્યું કે શી બાબત હતી ? પેલાએ બોમ્બ સ્ક્વોડની જેમ કંટાળાના ભાવે કહ્યું, નથીંગ સિરિયસ... યોર ફેરવિટ જેમ્સ બોન્ડ ! ફુગ્ગામાંથી હવા નીકળી ગઇ. કશુંક અનપેક્ષિત જોવા ભેગી થયેલી મેદની પણ હતાશ થઇને વિખેરાઇ ગઇ.
વાત છે સાઉથ ઇસ્ટ ઇંગ્લેંડમાં આવેલા બ્રાઇઝ નોર્ટર્ન ઓક્સફર્ડશાયર નામના ઉપનગરની. દુનિયાભરને ઘેલું લગાડનારા બ્રિટિશ સિક્રેટ એજન્ટ જેમ્સ બોન્ડની પચીસમી ફિલ્મનું ગયા પખવાડિયે આ વિસ્તારમાં શૂટિંગ થઇ રહ્યું હતું. બ્રાઇઝ નોર્ટર્ન વિસ્તારમાં રૉયલ એર ફોર્સનું મથક પણ છે એટલે આ સ્પેશિયલ સિક્યોરિટી ઝોન જેવો વિસ્તાર ગણાય.
પરિણામે આગોતરી પરવાનગી લઇને અહીં ફિલ્મનંુ શૂટિંગ થઇ રહ્યું હતું. પાંચમી અને કદાચ છેલ્લી વાર અભિનેતા ડેનિયલ ક્રેગ જેમ્સ બોન્ડ તરીકે રજૂ થઇ રહ્યો છે. અગાઉ આ ફિલ્મને ટ્વેન્ટીફાઇવ એવું ટાઇટલ અપાયું હતું. પરંતુ નવા પસંદ થયેલા ડાયરેક્ટર કેરી જોજી ફુકુનાગાએ ફિલ્મનું ટાઇટલ બદલીને નો ટાઇમ ટુ ડાય... (મરવાનીય ફુરસદ નથી ?) આપ્યું. શૂટિંગ શરુ થયાના થોડા સમયમાંજ ક્રેગને સેટ પર એક અકસ્માત નડતાં થોડો સમય શૂટિંગ મોકૂફ રહ્યું હતું.
વિદેશોમાં શૂટિંગના સમયપત્રક વ્યવસ્થિત હોય છે અને તમામ કલાકારો -કસબીઓ શિસ્તબદ્ધ કામ પર હાજર થતા રહ્યા છે. પોતાના આ અંગેના અનુભવ વિશે અનુપમ ખેર અને દીપિકા પાદુકોણ જેવા ભારતીય કલાકારો જાહેરમાં બોલી ચૂક્યાં છે. ખેર, બ્રાઇઝ નોર્ટર્નમાં પોલીસે શૂટિંગ માટે સમયમર્યાદા બાંધી આપી હતી કે રોજ સાંજે મોડામાં મોડા સાત વાગ્યે
શૂટિંગ પેકપ કરી નાખવાનું. પરંતુ પચીસમી ફિલ્મ હોવાથી ફિલ્મ સર્જકો કંઇક નવું કરી બતાવવાના ઉત્સાહમાં હશે કે ગમે તેમ, પણ પોલીસે સૂચવેલી સમયમર્યાદા ચૂકાઇ જતી હતી.
આખરે પોલીસે કડક પગલાં લેવાની ચેતવણી આપી. દરમિયાન, ડાયરેક્ટરને એમ થયું કે આ વિસ્તારમાં જેટલા શોટ્સ લેવાની જરુર હતી એટલા લેવાઇ ગયા એટલે ચાલો, ઉપાડો મુકામ. લેટ્સ મૂવ ટુ ન્યૂ લોકેશન... ઉતાવળે ઉતાવળે પેકપ કર્યું. શૂટિંગ માટે ભાડે લીધેલી વાનની કંપનીને ફોન કરી દીધો કે તમારી વાન બ્રાઇજ નોર્ટર્નના લોકેશન પર છે, મંગાવી લેજો.
ભારતમાં ક્યાંય પણ ફિલ્મ શૂટિંગ થાય તો લોકો કામધંધો મૂકીને મોટી મેદની જમાવી દે. ઓક્સફર્ડશાયરમાં એવી સ્ટાર ઘેલછા નહીં હોય એટલે દરેક રહેવાસી પોતાના કામ સાથે કામ રાખતો હશે. પરિણામે પેલી વાન રોજના વાહન વ્યવહાર દરમિયાન કોઇના ધ્યાનમાં કદાચ નહીં આવી હોય.
શૂટિંગ પૂરું થઇ જતાં લોકેાના ધ્યાનમાં પેલી વાન આવી. અલ્યા આ વાન બે ત્રણ દિવસથી અહીં ને અહીં ઊભી છે. એનો ડ્રાઇવર કે ક્લીનર કોઇ દેખાતાં કેમ નથી ? આમ રોડની અધવચ વાન છોડીને ગયા ક્યાં ? કોઇ (દોઢ) ડાહ્યાએ પોલીસને ફોન કર્યો. એમાંથી થયું વાતનું વતેસર.
સોની કવિ અખાએ સરસ લખ્યું છે- વા વાયાથી નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું, કોઇ કહે મેં દીઠો ચોર, ખૂબ થયો ત્યાં શોરબકોર... ખરેખર અહીં એવું જ થયું. પોલીસે બોમ્બ સ્ક્વોડને બોલાવી કારણ કે આજકાલ ઠેર ઠેર આતંકવાદી હુમલા થાય છે એમાં આવી નધણિયાતી મોટરકાર કે વાન વપરાય છે. ચારેબાજુ દોડાદોડ થઇ પડી. આખો એરિયા ખાલી કરાવાયો. અંતે નીકળ્યું શું, તો કહે, ખોદ્યોે ડુંગર, ત્યાં હતો બોન્ડના નામનો ઉંદર... !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OMlKR4
ConversionConversion EmoticonEmoticon