તમારી ધાર્મિક શ્રદ્ધાને કોઇના આજ્ઞાાંકિત બની તેના ગુલામ બનવાની તક ન આપો. શ્રદ્ધાને અંધશ્રદ્ધા બનતી રોકવી એ પણ એક પુણ્યકાર્ય છે... અને હા, ''સાધુને દિવસ દરમ્યાન જુઓ, રાત્રે પણ તેની ઉપર નજર રાખો, ત્યાર બાદ વિશ્વાસ કરો'' (સ્વામી રામકૃષ્ણ પરમહંસ)
* વારંવાર પ્રભુનું રટણ કરતા અને યુક્તિપૂર્વક સજ્જન અને ધાર્મિક બની બેઠેલા લોકો પર વિશ્વાસ મૂકી શકાય ?
* પ્રશ્નકર્તા: અનિલભાઇ કોન્ટ્રાક્ટર, સુમેરુ બંગલોઝ, રામદેવનગર પાસે, અમદાવાદ-૩૮૦૦૧૫.
ભક્ત બનવું એ કાયરનું નહીં, શૂરવીરનું કામ છે, કારણ કે 'ભક્તિ' એ ધંધો નથી, પણ વ્રત છે, ધર્મ છે. સંતત્વ એ ફૂલોની શૈયા નથી, પણ કાંટાની પથારી છે, એટલે જેનામાં તપ અને ત્યાગની, સહિષ્ણુતા અને પરોપકારની ભાવના હોય, તેણે મન, વચન, કર્મથી પવિત્ર રહેવાના સંકલ્પ સાથે સાધુત્વ અને સંતત્વનો માર્ગ અપનાવવો જોઇએ. ભક્તિ એ કશુંક લેવાની નહીં પણ સર્વસ્વ અર્પણ કરવાની દ્રઢ પ્રતિજ્ઞાા છે. એ પ્રતિજ્ઞાામાંથી જ તુલસીદાસ, સૂરદાસ, નરસિંહ મહેતા કે મીરાં જેવા શ્રેષ્ઠ ભક્તો નિપજે છે.
સાચો સંત ભક્તિનું પ્રદર્શન નથી કરતો, કારણ કે એના શ્વાસોચ્છ્વાસ પરમેશ્વરનું રટણ કરતા હોય છે. એટલે બાહ્ય રીતે એણે લોકોને આંજવા માટે પ્રભુનું રટણ કરવાનું કે પોતે ધાર્મિક અને અધ્યાત્મિક છે, એવો દેખાડો કરવાની જરૂરિયાત હોતી નથી. સાચો ભક્ત મન-વચન-કર્મથી નિષ્પાપ અને નિર્દોષ હોય છે એટલે એની કથની અને કરણીમાં અંતર હોતું નથી. ભગવાન સાથે એનું મન એટલું બધું એકાકાર હોય છે કે એને દુનિયાની પ્રશંસાની પરવા હોતી નથી. સંયમ હૃદય, શુદ્ધ મન, ઈન્દ્રિયો પર નિયંત્રણ અઇને કર્મો પર લગામ - આ છે ભક્ત માટે આવશ્યક ગુણો.
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે: ''જે સહુ પ્રાણીઓ પ્રત્યે દ્વેષ ન કરનાર, સૌનો મિત્ર, મમતારહિત, નિરહંકારી, સુખ અને દુઃખને સમાન માનનાર, ક્ષમાશીલ, સદા સંતુષ્ટ, યોગી અને સંયમી, દ્રઢ-સંકલ્પવાળો છે અને જેણે મન અને બુદ્ધિ પરમાત્માને અર્પણ કરી દીધી છે, એવો ભક્ત મને પ્રિય છે.''
સંસાર ત્યજી સાધુત્વ સ્વીકારનારના અનેક પ્રકારો છે: જેમ કે:
૧. આત્મોદ્ધાર માટે સંસારત્યાગ.
૨. મોક્ષ માટે સંસારત્યાગ.
૩. કોઇ વિશિષ્ટ સિધ્ધિપ્રાપ્તિ માટે સંસારત્યાગ.
૪. સાંસારિક સુખો પ્રત્યે ઉદાસીન બનવાને કારણે સંસારત્યાગ.
૫. ધર્મની આડમાં પોતાનો 'અલગ' સંસાર ઊભો કરનાર તકવાદીઓ.
૬. પૂજાવાના કોડ પૂરા કરવા ધર્મ કે સંપ્રદાયનું શરણું શોધતા સાધુત્વધારી.
૭. 'ચમત્કારો' દેખાડી ભોળા લોકોને આંજનારા સાધુવેશધારી, જેઓ લોકોની અંધશ્રદ્ધાનો 'ગેરલાભ' લે છે.
૮. ધન, વૈભવ, વિલાસની ભૂખ સંતોષવા પોતાનો અલગ ચૉકો ઊભો કરનાર દંભી સાધુઓ.
૯. શુદ્ધ મનોવૃત્તિ વાળા સાધુઓ.
ભગવાન, મોક્ષ અને આધ્યાત્મિકતાને નામે લોકોનું જેટલું શોષણ થયું છે, તેની ગણતરી કરવામાં આવે તો આપણે હેબતાઇ જઇએ.
હજારોમાંથી કેટલાક મન-વચન-કર્મથી પવિત્ર અને ધન, માન-સન્માન તથા સાંસારિક સુખોથી અલિપ્ત ભક્ત, સાધક કે સંત મળી શકે. સાધના અને ભક્તિના નામે ડૉળ કરતા કહેવાતા ભક્તો અને સાધુઓને અખા તથા કબીર જેવા નિર્ભય સમાજ સુધારકોએ આડે હાથે લીધા છે. મૂળ વાત 'મન ના રંગાયા જોગી કપડા રંગાયા'ની વાત છે.
વાસનાઓને નાથવા નહીં પણ વાસનાઓને થાબડવા અને તેની પૂરિપૂર્તિ માટે પોતાના સાધુત્વનો દુરૂપયોગ કરનારા બની બેઠેલા કહેવાતા ભક્તો અને દંભી સંતોના સામાજિક, નૈતિક અને કાનૂની અપરાધોથી સમાજ વાકેફ છે, છતાંય પતંગિયાની જેમ એવા ફરેબીઓ પ્રત્યે લોકો આકર્ષાય છે, એમાં માત્ર એવા તક સાધુઓ કે સાંપ્રદાયિક વડાઓનો વાંક નથી, પણ ધર્મભીરૂ માનસ ધરાવતા અંધ અનુયાયીઓનો પણ એટલોે જ વાંક છે.
એમની પૂજામાં 'ધનવર્ષા' કરવી, દાનના નામે પૈસાનો દુર્વ્યય કરવો અને પુણ્ય કમાયાનો ભ્રમપૂર્ણ સંતોષ અનુભવવો એ ભક્તોના પૈસે તાગડધિન્ના કરનાર કહેવાતા ધાર્મિક ઉધ્ધારકોને વંઠવાની તક પૂરી પાડે છે. સાચો સંત કે સજ્જન પરિગ્રહમાં નહીં પણ ત્યાગમાં માને છે. સ્વામી વિવેકાનંદે ગુરૂ પ્રત્યે શિષ્યોની અંધભક્તિ પર વ્યંગ્ય કરતાં કહ્યું છે કે મહાન સંત પુરુષો સિદ્ધાન્તના દાખલા સ્વરૂપ હોય છે, પરંતુ શિષ્યો એવા મહાત્માઓને જ સિદ્ધાન્ત બનાવી લે છે અને વ્યક્તિવિશેષને સર્વસ્વ માનીને સિદ્ધાંતોને ભૂલી જાય છે.
પાપના નામે ધર્મોપદેશકો કે સાધુ-સંતોનું કામ લોકોને ડરાવવાનું નથી, પણ માણસને અ-પાપી ગણીને કશાય સ્વાર્થ વગર તેને સુધારવાનું છે.
સંત જ્ઞાાનેશ્વરે 'જ્ઞાાનેશ્વરી'માં સાચા સંતનો પરિચય કરાવતાં જણાવ્યું છે કે ગંગા સાગરને મળવા જાય છે, પરંતુ જતાં જતાં લોકોના પાપ અને તાપને પોતાની સાથે લઇ જાય છે અને કિનારાનાં વૃક્ષોનું પોષણ કરે છે. સૂર્ય દરરોજની પોતાની પરિક્રમા કરતાં સંસારના અંધકારને દૂર કરી કમળોનો વિકાસ કરે છે.
તેવી જ રીતે આત્મસ્વરૂપને પ્રાપ્ત સંતો પોતાનાં સહજ કર્મો દ્વારા સંસારમાં કેદ થએલા બંદીવાનોને છોડાવે છે, ડૂબેલાઓને તારે છે અને પીડિતોનાં દુઃખો દૂર કરે છે. મતલબ કે જેમની નિકટ જાતાં હૃદયમાં શ્રેષ્ઠ ભાવ પ્રગટે છે, ભગવાનનું નામ અનાયાસ ઉચ્ચારાઇ જાય છે, અને પાપ બુદ્ધિ લજ્જિત થઇને પલાયન થઇ જાય છે, એનું નામ સાધુ.
પોતે સજ્જન ઠરે અને પોતાના શિષ્યોને સજ્જન બનાવે તે સાચો સંત. સજ્જનત્વ જ સાચું સંતત્વ છે. સાચું સજ્જનત્વ ઉગાડી શકાતું નથી પણ સદાચાર દ્વારા આંતરિક રીતે વિકસે છે. શિષ્ય સંખ્યાવૃદ્ધિ નહીં પણ સદાચારવૃદ્ધિ એ સાચા ધર્મગુરૂનો આદર્શ હોય છે. વલ્લભદેવ રચિત સુભાષિતાવલીમાં સાધુ કે સંત માટે શું નિષિદ્ધ છે તે સૂચવાયું છે.
તદનુસાર ''કોઇએ સ્વીકારેલા વ્રત પર વિવાદ કરવો, વિવેકપૂર્ણ વાતની વિરૂદ્ધ સલાહ આપવી, સત્ય પર વધુ પડતી શંકા કરવી, કોઇના વિનયસભર આચરણને વિકૃત ગણાવવો, ગુણનું અપમાન કરવું, કુશળ વ્યક્તિનો નિષેધ કરવો, ધર્મનો વિરોધ કરવો - આટલી વાતોથી સાધુ દૂર રહે છે.
સાચો ધર્મોપદેશક મોક્ષાર્થી નહીં પણ શ્રેષ્ઠ સદ્ગૃહસ્થ બનવાનો ઉપદેશ આપે છે. સંસારને નિંદવામાં રસ લેનાર સાધુઓની નહીં, પણ શુદ્ધ આચરણ દ્વારા ગૃહસ્થાશ્રમને દીપાવવો એ પુણ્ય છે, એ વાત પર સંતોએ ભાર મૂકવો જોઇએ. જગને નહીં પણ પળે પળ પોતાને સુધારવા મથતો મહામાનવ તે સાધુ. તથાગત બુદ્ધ કહે છે. જે શીલવાન હોય; પ્રજ્ઞાા દ્વારા ચિત્તના અગ્નિને શાન્ત કરવામાં રચ્યો-પચ્યો રહેતો હોય અને જે પાપ કર્મોથી દૂર હોય, જે વિરક્ત હોય, તેવા ધીર પુરુષો કોઇનું અંધ અનુકરણ કરનારા હોતા નથી.
કોઇની વિશ્વસનીયતા માપક યંત્ર હજી શોધાયું નથી. માણસે પોતાની જાગૃત વિવેક દ્રષ્ટિને ઉપયોગ કરીને જ અસલી - નકલીનો ભેદ તારવવો પડે છે. 'ચમત્કાર' જોઇ 'નમસ્કાર' કરશો તો અવશ્ય છેતરાશો. કુદરતે માણસને ઉપર સ્થાન આપ્યું છે, એનો અર્થ એ છે કે માણસનું મસ્તક ગમે ત્યાં નમવા માટે નથી !
સ્વામી રામકૃષ્ણ પરમહંસે ''રામકૃષ્ણ લીલા પ્રસંગ''માં કેવા સાધુ કે સંતને વિશ્વાસ પાત્ર માનવો ? - એ સંદર્ભે સંક્ષેપમાં પણ મર્મસ્પર્શી શબ્દોમાં કહ્યું છે: ''સાધુને દિવસ દરમ્યાન જુઓ અને રાત્રે પણ તેની પર નજર રાખો, ત્યાર બાદ વિશ્વાસ કરો.''
તમારી ધાર્મિક શ્રદ્ધાને કોઇના આજ્ઞાાંકિત બની તેના ગુલામ બનવાની છૂટ ન આપો. શ્રદ્ધાને અંધશ્રદ્ધા બનતી રોકવી એ પણ એક મોટું પુણ્યકાર્ય છે. જે માણસ પોતાને છેતરવા માટે તકવાદીઓને મુક્ત વિહારની તક આપે એના જેવો મૂર્ખ કોણ ? સમાજને પોતાના પ્રભાવથી મુગ્ધ કરે તેવા ધર્મોપદેશકોની નહીં પણ સમાજને પોતાના પ્રત્યેના પૂજાભાવથી મુક્ત રાખે તેવા સંતોની જનતાને જરૂર છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IyrpGw
ConversionConversion EmoticonEmoticon