ગુજરાતના કોક હાઈવે કે ફૂટપાથ ઉપર 'મા મેમાવાળી' બોર્ડ ચિતરીને ધજા ખોડી દઈએ તો બીજું કાંઈ ન કરવું પડે !
ભારેખમ વરસાદને લીધે ઘણાબધા નાના નાના ગણપતિદાદાની મૂતનું વિસર્જન નદી ને બદલે ચોકમાં જ થઈ ગયુ. સેમ ટુ સેમ નવરાત્રિમાં વરસાદને લીધે કાદવ ડાન્સ જ થયા. ત્રીસ ટકા કન્યાઓ તો ગરબામાં એટલે ન આવી કે ચાલુ ડાંડીયામાં જો મેઘરાજા તૂટી પડે તો મેકઅપના થથેડા ઓસરી જાય. પરિણામ સ્વરૂપે ATM સ્વરૂપ બોયફ્રેન્ડ પણ ધોવાઇ જાય.
ચાલો ગરબામાં ખુબ નાચ્યા હવે મારા હરબા માં હસો.
૧. મા મેમાવાળી (રાગ-રંગતાળી)
મેમાવાળી મેમાવાળી મેમાવાળી, ગુજરાતમાં મેમાવાળી
મા એ સારા સારાને દીધા ટાળી, ગુજરાતમાં મેમાવાળી
માડી માંગે છે પી.યુ.સી.ની થાળી, ગુજરાતમાં મેમાવાળી
માડી ઝંખે છે સીટ બેલ્ટ કાળી, ગુજરાતમાં મેમાવાળી
માડી નિયમ પ્રમાણે રેવાવાળી, ગુજરાતમાં મેમાવાળી
અતુલ કહે સાંઇ એકાદ વરસમાં ગુજરાતના કોક હાઈવે કે ફૂટપાથ ઉપર 'મા મેમાવાળી' બોર્ડ ચિતરીને ધજા ખોડી દઈએ તો આપણે બે'ય ને બીજું કાંઈ ન કરવું પડે. મેં કહ્યુ અતુલ લોકોને છેતરવા વાળા આપણા દેશ માં ક્યાં ઓછા છે કે તું નવા બે નામ એમાં ઉમેરવા માંગે છે?
૨. આજનો જુવાનિયો રે (રાગ- માનો ગરબો રે)
આજનો જુવાનીયો રે, સલ્વાઇ સાંજને સવાર
સલ્વાઈ વર્ચ્યુઅલ વર્ડ માં, સલ્વાઇ FB ની મોઝાર
અલી લાઈક કરતી નાર, તું તો સુતી હોય તો જાગ
જુવાનને લાઈકુ ઓછી દે, ને જલ્દી નોકરીએ લગાડ
આજનો જુવાનીયોરે, સલ્વાઈ વેલેન્ટાઇનને વાર
ગીફ્ટુ દઈ દેવામાં ચાર, પ્રેમમાં થઈ જાએ લાચાર
અલી મફત જમતી નાર, કરને થોડો તું વિચાર
કોક દી તું પણ રૂપિયા કાઢ, બિચાડા પ્રેમીને જમાડ
આજકાલના જુવાનીયાવ ના સલવાઈ જાવાના આમતો એક હઝાર ઠેકાણા છે. પરંતુ પ્રેમમાં સલવાવુ એ દરેક જુવાનનો જન્મ-સિદ્ધ અધિકાર છે. પ્રેમ અને યુદ્ધ આમતો આ બંનેમાં વિચાર ન કરાયત કરી જ નાંખવાનું હોય છે. શ્યામને સોળ હઝાર રાણીઓ હોવા છતાં શ્યામ રાધાને તરસે એનું નામ પ્રેમ. જેવી રીતે આજનો જુવાન પોતાની ગમતી વ્યક્તિની ઇન્સ્ટાગ્રામ પર કે FB પર લાઇક ન આવે ત્યાં સુધી આદુ ખાઈને પોસ્ટુ મુક્યા જ રાખે છે.
અમુકના પ્રેમ પિતૃ જેવા હોય છે ગુજરી ગયા પછી પણ પેઢીઓને સખની નિંદર ન લેવા દે અતુલે ઈમોશનલ અફસોસ વ્યક્ત કર્યો કે સાંઇ કાશ ભાદરવામાં કાગડા ધરાવીએ એ રીતે પ્રિય પાત્રોની યાદોને પંગતમાં બેસીને જમાડી શકાતી હોત ! મેં પૂછયું અતુલ તો તું એ યાદોને શું જમાડત ? અતુલ કહે બાસુંદી માં ઝેર નાખીને પીવડાવી દે'ત !
૩. એક સ્વીગીવાળો (રાગ- એક વણજારી)
એક સ્વીગીવાળો પિત્ઝા લઈને જાતો'તો
એ તો રવિવારે પિત્ઝા લઈને જાતો તો
એક આળસુડી બાઈનો સુણીને પોકાર
એણે બાઈક ઉપર ફોન જેવો ઉપાડયો
ત્યાં તો ટ્રાફિકવાળાએ ઝાલ્યો એનો હાથ.
એણે બીજી શેરીમાં બાઈક ભગાડયું
ત્યાં તો શેરીના ખૂંટીયે પછાડયો એને નાથ.
એણે ત્રીજી શેરીમાં બાઈક ભગાડયુત ચાર શેરીના કૂતરાઓ વાંહે પડયા ભાઈ
એક સ્વીગીવાળો પિત્ઝા લઈને જાતો'તો.
પછી શું? હરબા માં કાંઈ ગરબાની જેમ સતર કડીની સ્ટોરી ન હોય ! કુતરા વાંહે પડયાને સ્વીગીવાળા નો પિત્ઝા કૂતરાઓજ જમી ગયા. હવે સમજાયું ને દોસ્તો, અમુક વખતે જોમેટો કે સ્વીગીવાળાની ડીલીવરી મોડી શું કામ પડે છે !
૪. જોમેટોની ડિલેવરી (રાગ- હો રાજરે અમે વાવડીમાં)
હો રાજ રે, અમે જોમેટોની ડિલેવરીમાં ગ્યા'તાત
અમે કેટલું રખડીયા, અમે ફીન્દયા કેટલા ફળિયાત
તો'ય સરનામા ના મળીયાત
હો રાજરે ત અમને તો સાચા સરનામા કોઈ આપોત
તડકામાં ના સંતાપો, અમે બાળોતીયાના બળીયાત
તો'ય સરનામા ના મળીયાત
હો રાજરે, અમારો આઇસ્ક્રીમ ઓગળશે તો પગારમાં એ નડશે.
મંદીમાં કેમ પરવડશે ? ફરી ગણવા પડશે નળીયાત
તો'ય સરનામા ના મળીયાત
હો રાજ રે, અમે માંડ કરીને નોકરીયુમાં ચડીયાત
જાણે જીવતા હો ગરીયા, તો'ય વાંઢા ને વાંઢા બળીયાત
તો'ય સરનામા ના મળીયા.
જોમેટો અને સ્વીગીનો વ્યાપ જે રીતે મોટા શહેરમાં ધડાકાભેર વધી રહ્યો છે. એ જોતા ઘરે રાંધવા વાળી બૈરાઓની પ્રજાતિ પાંચ દસ વરસમાં જ લુપ્ત થઇ જશે. માટે હે પતિદેવો, ફાંદની ચિંતા કર્યા વગર ઘરવાળીના હાથનું ખવાય એટલુ ખાઈ લેજો ! પછી ન જાને કીસ ગલી મે જીંદગીકી શામ હો જાએ' એ રીતે કોણ જાણે ક્યાં ચોઘડીયે રસોડામાં તાળા લાગી જશે અને વાઈફ જે માંગશો તે ઓનલાઈન પીરસશે ! ફરીયાદો પણ કોને કહીશું? મમ્મી પપ્પાને તો સાથે રાખી નથી શક્યા અને ભાવતુ જમાડે એવા બાજુવાળા બબીતા ભાભી ને ઘરે વાઈફ જવા નહીં દે. જાગો ગ્રાહક જાગો ઓનલાઈન ફૂડીંગ એક દી રસોડાનું કુકીંગ બંધ કરાવીને જ જંપશે હો ! માટે સરળ ઉપાય સુચવું છું હાથે રાંધતા શીખી જાવ.
૫. હેલ્મેટ નો હરબો (રાગ-ચપટી ભરી ચોખા)
માથે મોટું હેલ્મેટને ખિસ્સામાં લાયસન્સ,
પી.યુ.સી.ની જોડ લઈને રે, હાલો હાલો ને ઘરની બહાર નીકળીએત
સામેના ચોકથી ટ્રાફિકવાળો આવેત
મેમાની પહોંચ બુક લઇને રે, હાલો હાલોને ઘરની બાર નીકળીત.
પરોડી એ હાસ્યનો મને ગમતો પ્રકાર છે. કોઈપણ ગીત-ગઝલ કે કવિતાના મીટરમાં સેમ ટુ સેમ કોપી કરીને હાસ્ય ઉપજાવવું પણ કાગળ ઉપર ગીત લખીને તમને હસાવવા એ ઉંધા ગાલીચા ઉપર બેસાડવા જેટલું કઠણ કામ છે. મારા 'હરબા' ના રાગ આવડતા હોય તો મનમાં ને મનમાં ગણગણજો નહીંતર મેમો આવશે ત્યારે તો હું તમને યાદ આવીશ જ જય મા મેમાવાળી સાંઈરામના સ્માઇલરામ....
ઝટકો
ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન હતો કે સાંઇ, તારા સાહેબે
એવો હાથ દબાવ્યો છે કે બે દિ'થી હળદર ચોપડું છું.
મારી જ જનતા સામે મને લોન્ચ કર્યો હો બાકી,
તારા સાહેબ પણ ગજબ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2p6ALm4
ConversionConversion EmoticonEmoticon