પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ખજૂરાહો


કુદરતમાં કળા - કળામાં કુદરત
જ્યારે જ્યારે માનવનિર્મિત - માનવ સર્જિત કળાદર્શન કરવાનો મોકો મળે છે ત્યારે ત્યારે એ કળાનાં મૂળ ક્યાંક પ્રકૃતિમાં સંગોપિત હોય એવો અહેસાસ થાય છે. કલાકૃતિઓ, સ્થાપત્યો કે કળાના વિવિધ પાસાંઓ અને સ્વરૂપો પણ કુદરતી તત્ત્વોને આદરસહ પોતાના પંડમાં ઉતારી એનાં માન-પાન-સન્માન જાળવે છે. ચિત્રો, શિલ્પો કે સ્થાપત્યોમાં ફળ, ફૂલ, પાન, વેલ, વૃક્ષ, આસમાન, વાદળ, વીજળી, સૂર્ય, તારા, ચન્દ્ર, ગ્રહ, દૂધગંગા, નદી, તળાવ, સમુદ્ર જેવાં અધધધ નિરુપણો જોઇ જેમ આપણે રાજીના રેડ થઇ જઇએ છીએ એ જ રીતે કુદરતના તત્ત્વોમાં કલાનિરૂપણનો અહેસાસ થાય ત્યારે આપણા મનમાં વિવિધ કલ્પના ઊભરી આવે છે. 

એ સમયે આપણું ચિત્ત રમણે ચડે અને થાય કે જુઓ ! નિસર્ગ સાથે એકરૂપ થઇને રહીએ તો પરસ્પર કળાઓ કેવી એકરૂપ બની જાય છે. અહોભાવથી છલકાતા આપણે કુદરત, ઈશ્વર કે કોઇ ગેબી પરમશક્તિને માનતા થઇ જઇએ ત્યારે થાય કે પ્રકૃતિમાં જે કોઇ આકારો, કદ, રંગપૂરણી, શાંતિ, નાદ આનંદ, પૂર્ણતાની અનુભૂતિ આપણને થાય છે તે કઇ રીતે શક્ય બને છે ? નરી આંખે દેખાતા પ્રકૃતિજન્ય ચમત્કારો આખરે છે શું ?

પૂર્વીય ગ્રાન્ડ કેન્યન
કેન ઘડિયાલ (મગરનો પ્રકાર - એલિગેટર) અભયારણ્ય, કેન રાષ્ટ્રીય ઉદ્યાન - પન્નાના વાવ અભયારણ્ય પાસે પન્ના નિસર્ગોદ્યાનમાં રાણે ફૉલ-ધોધ જળશિકરો સાથે પ્રભુપ્રસાદસમ આશિષ પણ વરસાવે છે. વિન્ધ્યાચલ પર્વતશ્રેણીના આગોશમાં અનેરા ઈતિહાસ, ભૂસ્તરીય ચમત્કારની સાક્ષી પૂરતો આ ધોધ ચોમાસા પછી ક્ષીણ થઇ જવાને કારણે ત્યાં અસંખ્ય લાંબી, પહોળી, ઊંડી ખાઇઓ દેખાવા માંડે છે. નદી કર્ણાવતીની એ વ્હાલી અને માનીતી કોતરો છે. રાણે ધોધ બસો પચાસ ચોરસ મીટરની ગોળાઇવાળો ઘેરાવો ધરાવે છે. સીધા-લાંબા ચાલવા માંડીએ તો છ-આઠ કિલોમીટર ચાલવું પડે. 

યુગો પહેલાં અહીં લાવારસ છલકાયેલો તેથી નદી અને કોતર યુક્ત આ ખડકો ઉપર પણ સમયના પડ ચડી ગયેલા જણાય. હવે જુઓ આ ગ્રેનાઇટના પથ્થરોની રંગ છટા - એટલે કે ભગવાનની રંગકૂપ્પીઓમાંથી રેળાયેલો રંગ વૈભવ ! મૂળ નામ છે - પિંક ગ્રે, બ્લેક બેઝાલ્ટ, ગ્રે ડોલોમાઇટ, રેડ જાસ્પર, બ્રાઉન ક્વાર્ટ્ઝ. યેલો વ્હાઇટ ઝાંયને લીધે આ ખડકો બરફ જેવા શુભ્ર પારદર્શક લાગે અને ચળકેય ખરા. આ ક્વાર્ટ્ઝ ક્રિસ્ટલ ઘડિયાળ અને અન્ય યંત્રોમાં વપરાતા જ હશે કદાચ. કેલિફોર્નિયાના ગ્રાન્ડ કેન્યન જેવા આ સ્થળે ૪૬૦ મિલિયન વર્ષ જૂનું એક ક્રેટર (ઉલ્કાકુંડ) છે જે ૫૦ મીટર ઊંડું  અને ૬૦ મીટર ઊંચું છે. અતિ ભવ્ય નઝારો !

વિંધ્યાચલ પર્વત - કલા શૃંખલા
મધ્યપ્રદેશના ખજૂરાહોના જગમશહૂર કલાત્મક મંદિરોનાં દર્શન કરી ધન્ય ધન્ય થઇ જનાર મુલાકાતીઓને કંઇ કેટલાય અન્ય લાભ પણ મળી જાય છે. જબલપુર, સતના, ઝાંસી, મહોબા, બાંધવગઢ અને કાન્હા નેશનલ પાર્ક, પન્ના અભયારણ્ય અને પન્ના હીરાની ખાણ, રાણે ધોધ, કેન નેશનલ પાર્ક અને કેન ઘડિયાલ રિઝર્વ આદિ સ્થળો ખજૂરાહો સાથે સુપેરે જોડાયેલા છે. કોઇ પણ બે સ્થળોને સાંકળતો રસ્તો પણ એ આખા વિસ્તારની પડખે રહેતી વિંધ્યાચલ પર્વતશૃંખલાને કારણે અત્યંત રમણીય બની જાય છે. 

એપ્રિલથી જુલાઇના વિષમ વાતાવરણવાળા ચાર મહિના સિવાય બાકીના સમયે કુદરતકૃપા એટલી રહે છે કે ''જ્યાં જ્યાં નજર આપણી પડે.. રહેમત ખુદાની નજરે ચડે..''નો અનુભવ થાય. ખજૂરાહોથી મહોબાને રસ્તે બહુરંગી ગ્રેનાઇટ પથ્થરોના ડુંગરા રસિકોની આંગળી પકડીને ચાલતા ચાલતા સ્વમુખે સ્વપરિચય આપતા જીવંત ભાસે. પર્વતો ઉપર ઈશ્વરે અદ્ભુત ક્રમથી ગોઠવેલા પથ્થરો વિવિધ ભાત ઉપસાવે.

જાણે કે કોઇ કુશળ કલાકારની આંગળીઓ ન ફરી વળી હોય ! ગોળાકાર પથ્થર ઉપર લંબગોળાકાર પથ્થર કોણ ગોઠવી આવ્યું હશે ? અન્ય ટોચ પથ્થર પર પાણીની ટાંકીના આકારનો પથ્થર પાછો વટ પાડે. જુઓ પણે ! પેલા શિખર પરની કિનારીઓ સૂર્યપ્રકાશ વડે ચમકે - અસ્સલ બરફ જેવું જ લાગે - પણ ન હોય હોં. ને વળી ખડકના પડ ઉપર પડ ચડયા હોય એવી ભાત ઉપસી આવે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાની વચ્ચોવચ્ચ છે ખજૂરાહોના મંદિરો
ચોમેર ફેલાયેલા અપાર અફાટ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે માનવસર્જિત એક સૌંદર્યસ્થલિ યુગો સુધી વ્રણપીછી રહી ગયેલી. ગાઢ વનરાજિની વચ્ચે પેલા સૌંદર્યપૂંજે ઝગારા માર્યા હશે, પરંતુ કોઇ સ્થાનિકની નજરે નહિ ચડેલા ૮૫ મંદિરો અપૂજ રહી ગયેલા. સમયની ધૂળથી ઢંકાયેલા એ સ્થાપત્યનો આર્તનાદ કદાચ વર્ષો પછી કોઇ અંગ્રેજના કાને પડઘાયો અને અજંતાની ગુફાઓનું અનાવરણ જેમ એક અંગ્રેજ અમલદારે કર્યું - અદ્દલ એ જ રીતે આ પદેશીએ પણ આપણા કલાવૈભવને નિરાવૃત્ત કરીને રસિકોના ચરણે પધારાવ્યો. 

૯૫૦થી ૧૦૫૦ એ.ડી. દરમ્યાન અદ્ભુત સર્જનાત્મક ભરપૂર આ અદ્વિતીય મંદિરોનું નિર્માણ થયેલું. શક્તિશાળી રાજ્યવંશ ચંદેલાના રાજાએ દસમી સદીમાં કળાને પ્રોત્સાહન આપી શિલ્પકળા અને મૂર્તિકળાને મૂર્તિમંત કરી, સાહિત્ય સહિત વિશ્વ સમક્ષ મૂકી આપી. જીવનના દરેક ઝોક અને સ્વરૂપને ગ્રહણ કરી તેમણે પથ્થરોને જીવંત કર્યા. આર્ષ દ્રષ્ટા ચંદેલા રાજપૂત રાજાઓએ આ વિચાર ચરિતાર્થ કરી ભારતની ભૂમિને મંદિર સ્થાપત્યની અપ્રતીમ ભેટ ધરી. હાલ બચેલા અઠયાવીસ મંદિરો આપણી પ્રતીક્ષામાં...

લસરકો: ખજૂરાહો એટલે સ્તુતિ, પ્રેમ, આનંદ, કળાની શાશ્વત અનુભૂતિ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2B8XTTD
Previous
Next Post »