નર્મદ: ગુજરાતના સમર્થ-સંવેદનશીલ સાહિત્યકાર


સુધારા વિરોધી મોટો સમાજ એની વિરૂદ્ધ હતો, છતાં મુંબઇને સુરતમાં કવિનાં વ્યાખ્યાનો સાંભળવા ટોળાં ઊલટતાં. એના સ્વાગત માટે હજારો માણસો સ્ટેશને જતાં

કવિ નર્મદાશંકર લાલશંકર દવે

જન્મ: ઇ.સ.૧૮૩૩માં, સુરતમાં, વડનગર નાગર. માતાપિતા: નવદુર્ગા અને લાલશંકર પુરુષોત્તમ દવે. પિતા મુંબઇની સદર અદાલતમાં કારકુનને લહીઆ હતા.

કેળવણી: સુરતની ગામઠી નિશાળમાં, માધ્યમિક કેળવણી મુંબઇના એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં ડો.ભાંડારકર એમના સહાધ્યાયી હતા.

લગ્ન: ૧૮૪૪ માં પ્રથમ લગ્ન ગુલાબ સાથે. ૧૮૫૨માં ગુલાબનું અવસાન.

વ્યવસાય: ૧૮૫૨માં રાંદેરમાં શિક્ષક, પછી નાનપરામાં રૂપિયા ૧૫ને પગારે નોકરી, ફરી મુંબઇ.

પ્રવૃત્તિ: મુંબઇ જઇ 'બુદ્ધિવર્ધક સભા' સ્થાપીને સ્વદેશપ્રેમ, ધર્મ, સાહસ, ઉદ્યોગ, હુન્નરને વિદ્યાકળા પર ભાષણો કરી સભાઓ ગજવી. ફરી કોલેજમાં ગયા પણ ફરી અધવચ અભ્યાસ છોડયો.

સાહિત્યશોખ: નાનપણથી વાચન પ્રિય હતું. ૧૮૫૫થી ૧૮૫૮નાં ચાર વર્ષ સાહિત્યની તૈયારીમાં ગયા. ૧૮૫૭માં 'પિંગળપ્રવેશ' તથા ૧૮૫૮ માં 'રાસપ્રવેશ'ને 'અલંકાર પ્રવેશ' રચ્યાં. ૧૮૫૮માં પ્રતિજ્ઞાા લીધી કે 'મેં ઘેર આવી કલમના સામું જોડ આંખમાં ઝળઝળીઆં સાથે અરજ કરી કે હવે હું ત્હારે ખોળે છું.'

લોકપ્રિયતા: હવે 'નર્મકવિતા'ના છૂટા ભાગો પ્રકટ થવા માંડયા. કવિ ધીરે ધીરે લોકપ્રિય થયા. કાવ્યપ્રેમીઓએ નર્મદ- દલપતની તુલના કરવા માંડી. બંને વચ્ચે હરીફાઇ થઇ. કવિએ 'ડાંડીઓ' માસિક શરૂ કર્યું ને તેમાં જોસફ એડસન જેવા વાક્પ્રહાર 'સ્પેકટેટર'માં કરવા માંડયા હતા. તેવા વાક્પ્રહાર શરૂ કર્યા. સમાજ ધણધણી ઊઠયો. ૧૮૫૭માં 'નર્મગદ્ય' બહાર પડયું, એમાંનો રાજયરંગ લખવા માટે એમણે ૨૦૦ પુસ્તકો વાંચી તેનું તારણ કાઢ્યું હતું. ૧૮૬૪ માં પુત્રની સાક્ષરકીર્તિ નજરે જોઇ પિતા લાલશંકર દેવ થયા.

ગરીબાઇ: પણ સાહિત્યદેવીની ઉપાસના કરતાં ગરીબાઇએ એને તાવી નાંખ્યા. પોતે પેટે પાટા બાંધી, મમરા, પૌઆ ફાકી આ ઉદાર, લહેરીનો સાચો કાવ્યાત્મા ગરીબાઇ સાથે ઝઝૂમ્યો. ૧૮૭૩માં એનો અમરગ્રન્થ નર્મકોશ પૂરો કર્યો તે 'જય જય ગરવી ગુજરાત' અમર રાષ્ટ્રગીત ગાઇ તેને પ્રક્ટ કરવાના પુરુપાર્થમાં પડયા.૧૮૭૬માં નાટયલેખન શરૂ કર્યું. ૧૮૮૨માં એણે ટેક મૂક્યોને 'શેઠ ગોકળદાસ તેજપાલ દફતર ખાતા'માં નોકરી લીધી. ત્યાં સાડાત્રણ વર્ષ નોકરી કરી ૧૮૫૫માં માનસપરિવર્તન થતાં 'ધર્મવિચાર' નામનો ઐતિહાસિક ગ્રન્થ પ્રક્ટ કર્યો.

વકતા: નર્મદા જબરા વકતા હતા. સુધારા વિરોધી મોટો સમાજ એની વિરૂદ્ધ હતો, છતાં મુંબઇને સુરતમાં કવિનાં વ્યાખ્યાનો સાંભળવા ટોળાં ઊલટતાં. એના સ્વાગત માટે હજારો માણસો સ્ટેશને જતાં. એમની વાક્છટાને પદ્યગાન મુગ્ધ કરનારાં હતાં. ઇતર ભાષી પણ એમની મોહકને જુસ્સાદાર વ્યાખ્યાનશૈલીનાં મુક્તકંઠે વખાણ કરતાં. મુંબઇમાં કર્નલ આલકોટને મેડમ બ્લેવેટસ્કીને માન આપ્યું ત્યારે એ સભાને કવિએ ડોલાવી હતી. લોકમાન્ય ટિળકના અનુયાયી શ્રી ખાપડે એમના ભક્ત હતા. બીજા અનેક ગુજરાતી ભક્તો હતા. એમનું વીરત્વ, દેશભક્તિને સમાજ સાથે થવાની હિંમત અપ્રતીમ હતાં.

અવસાન: ઇ.સ.૧૮૮૬માં કવિનું અવસાન થયું. શતાબ્દી : ૧૯૩૩માં સમગ્ર ગુજરાતમાં કવિની જન્મશતાબ્દી ભારે આનંદોત્સાહથી ઉજવાઇ. ૧૯૪૦માં સુરતમાં ગાંધીબાગમાં નર્મદની પ્રતિમા મુકાઇ. ૧૯૩૩માં નર્મદ સ્મારક ગ્રન્થ પ્રગટ થયો. શ્રી વિશ્વનાથ ભટ્ટ કૃત નર્મદનું મંદિર પુસ્તક કવિનાં જીવન, કવિનને જમાનાની તાસીર રજૂ કરે છે.

સંતતિ: કવને જયશંકર નામના એક જ પુત્ર હતા. સમાજ સુધારો કરવામાં પોતાની તમામ શક્તિ ખર્ચી હતી. એમની કવિતાશૈલીમાં ને ગદ્યમાં જુસ્સોએ મુખ્ય લક્ષણ હતું. સ્વદેશાભિમાન તો એમનું જ. એમણે સાહિત્યનું કોઇ ક્ષેત્ર અણખેડયું રાખ્યું નથી. એકલે હાથેે કોષ, ઇતિહાસ, કવિતા, નવું ગદ્ય, આત્મકથા, નોંધપોથી, નાટક , માસિક, બધું કાઢ્યું, રચ્યું ને સમાજને હલાવી મૂક્યો. ઘણી પ્રવૃત્તિઓમાં એ આદિને ક્રાંતિકાર હતા. એથી એ યુગપ્રવર્તક સાહિત્યકાર લેખાયા.

કૃતિઓ: એમની નાની મોટી કૃતિઓ ૭૫ થાય છે. 'મારી હકીકત' અને નર્મગદ્યની અનેક આવૃત્તિઓ થઇ છે.

સુરતને એમના જેવો બીજો સમર્થને સંવેદનશીલ સાહિત્યકાર મળ્યો નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VDeok0
Previous
Next Post »