મુંબઇ, તા.7 ઓકટોબર 2019, સોમવાર
એક ટીવી ચેનલ પર છેલ્લાં થોડાં સપ્તાહોથી ચાલી રહેલા બાળકોની સંગીત પ્રતિભાને લગતા રિયાલિટી શો સુપર સિંગરના ગ્રાન્ડ ફિનાલેમાં કોલકાતાની નવ વર્ષની બાળકી પ્રીતિ ભટ્ટાચાર્જી મેદાન મારી ગઇ હતી. છેલ્લા છ પ્રતિસ્પર્ધીમાં આ બાળકી વિજયી નીવડી હતી અને લેજંડરી સંગીતકાર (લક્ષ્મીકાંત પ્યારેલાલ ફેમ) પ્યારેલાલ શર્માના હસ્તે એને ટ્રોફી તથા પંદર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. એને અન્ય બાળકો સાથે એજ્યુકેશન સ્કોલરશીપનો બે લાખનો ચેક પણ મળ્યો હતો.
અત્યંત તરવરાટથી થનગનતી અને ગીતના શબ્દોને અનુરૂપ હાવભાવ ચહેરા પર લાવતી પ્રીતિ આટલી નાની વયમાં રંગો વિશેની એની જન્મજાત પ્રતિભાથી પણ સૌનું ધ્યાન ખેંચી ગઇ હતી. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ ગુરુ ઉર્ફે ગ્રુપ કેપ્ટન તરીકે નીતિન પસંદ થયો હતો. આ સ્પર્ધામાં સર્વશ્રી હિમેશ રેશમિયા, અલકા યાજ્ઞિક અને જાવેદ જજ તરીકે સેવા આપતા હતા અને સર્વશ્રી વહીદા રહેમાન, આશા પારેખ, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, સની દેઓલ, પ્યારેલાલ શર્મા તથા એમનાં પત્ની અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ગ્રાન્ડ ફિનાલે દરમિયાન કોમેડી વીથ કપિલ શર્માના કેટલાક કલાકારોએ પણ હાસ્ય કાર્યક્રમ રજૂ કર્યો હતો.
અંતિમ સ્પર્ધામાં છ કલાકારો પસંદ થયા હતા જેમાં મહારાષ્ટ્રનો માઉલી, રાજસ્થાનની સ્નેહા શંકર, આસામનો હર્ષિત નાથ, કોલાકાતાની અંકોના મુખર્જી અને નિષ્ઠા શર્માનો સમાવેશ થયો હતો. દરેક પ્રતિસ્પર્ધી તરફથી જે તે વિસ્તારના એના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
અગાઉની સ્પર્ધામાં વિજયી નીવડેલા નીતિન કુમાર, સલમાન અલી, જ્યોતિકા તંગરી અને સચિન કુમાર વાલ્મીકિએ આ બાળકોને તૈયાર કરવાની જવાબદારી સંભાળી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LQHXvq
ConversionConversion EmoticonEmoticon