અધર એટલે ચહેરાના સૌંદર્યનો સૌથી મહત્વનો ભાગ. સુંદર ઓષ્ટ જે તે વ્યક્તિને વધુ આકર્ષક બનાવે છે. ચહેરાના સૌંદર્યમાં નમણાં નેણ-નાક જેટલાં અગત્યના છે તેટલાં જ જરૃરી છે ગુલાબી-સુંવાળા-મધ્યમ કદના હોઠ. આપણા કવિઓએ ઓષ્ટ પર કંઇકેટલીય કવિતાઓ લખી છે. તેવી જ રીતે હિન્દી ફિલ્મોના ગીતકારોએ પણ તેમના ગીતોમાં ઓષ્ટને રસભર્યા,મખમલી, ગુલાબી, શરાબી જેવા કંઇકેટલાય વિશેષણઓ આપીને નવાજ્યાં છે.
પરંતુ આજના પ્રદૂષિત વાતાવરણમાં માત્ર શિયાળામાં જ નહીં, બલ્કે આખું વર્ષ હોઠ ફાટી જવાની કે પછી શુષ્ક-ખરબચડા થઇ જવાની સમસ્યા સર્જાય છે.સ્વાભાવિક રીતે જ અગાઉ આપણે ઠંડીની મોસમમાં જે રીતે અધરની કાળજી રાખતાં હતાં તે રીતે હવે આખું વર્ષ રાખવાની જફા લેવી પડે છે.હોઠને આકર્ષક બનાવી રાખવા ઘણાં સરળ ઉપાયો અજમાવી શકાય. અધરનું સૌંદર્ય શી રીતે જાળવી શકાય તેના વિશેની માહિતી આપતાં વિશેષજ્ઞાો કહે છે...,
એલોવેરા આપણી ત્વચા માટે ઉત્તમ ગણાય છે. એલોવેરા જેલ માત્ર હોઠ માટે જ નહીં, સમગ્ર શરીર માટે વરદાનરૃપ પુરવાર થાય છે. તેથી ફાટેલા કે તરડાયેલા અધરને ફરીથી સુંવાળા બનાવવા, તેના ઉપર રહેલી મૃત ત્વચા દૂર કરવામાં એલોવેરા જેલ સહાયક બની રહે છે. આ જેલ હોઠની ત્વચાને ટાઢક પણ પહોંચાડે છે.
જો તમારા અધર સુકા થઇ ગયા હોય તો કાકડી તેને સુંવાળા બનાવવામાં ઘણી ખપ લાગશે. કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે. તેથી કાકડીને મિક્સરમાં પીસી નાખો. હવે કાકડીની આ પેસ્ટ અધર પર લગાવો. તેનાથી તમારા શુષ્ક બની ગયેલા હોઠ મોઇશ્ચર થશે અને તેમાં સુંવાળપ આવશે.
ગ્રીન ટી માત્ર વજન ઘટાડવામાં જ ખપ નથી આવતી પણ તે ઓષ્ટનું સૌદર્ય પણ વધારે છે. ગ્રીન ટી-બેગને ગરમ પાણીમાં ડીપ કરો. ત્યાર પછી તેને બહાર કાઢીને સહેજ નિચોવી લો.તેને એક મિનિટ માટે ઠંડી કર્યા પછી ે તમારા હોઠ પર પંદર મિનિટ સુધી મૂકી રાખો. ગ્રીન ટીમાં પ્રચૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડંટ્સ હોવાથી તે તમારા હોઠને સુંવાળા બનાવવા સાથે ગુલાબી બનાવે છે. આ પ્રયોગથી તમારા હોઠ લાંબા સમય સુધી સુંવાળા રહેશે.
ભારતીય પ્રજા વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ બખૂબી કરી જાણે છે. ચાહે તે રાંધવા માટે હોય કે પછી માલિશ માટે. આપણા અધરના સૌંદર્ય માટે પણ ઘણાં તેલોનો પ્રયોગ કરી શકાય. આમાંનું સૌથી મહત્વનું છે વિટામીન 'ઇ' ઓઇલ. તે લગાવવાથી તમારા સુકાઇ ગયેલા હોઠની ભીનાશ પાછી ફરે છે. વળી તે તડકા સામે સુરક્ષા કવચ બની રહે છે.તેવી જ રીતે જોજોબા ઓઇલ ચીકણું હોવાથી તે આપણા ફાટેલા હોઠને સુંવાળા બનાવે છે.
સામાન્ય રીતે આપણે આપણા હોઠની ઝાઝી કાળજી નથી કરતાં. પરિણામે તે ઝડપથી શુષ્ક થઇને ખેંચાય-તરડાય છે. પરંતુ કોકા બટર તેને ફરીથી સુંવાળા બનાવવામાં મદદ કરે છે. હોઠ ફાટી ગયા હોય ત્યારે આપણને વાત કરવામાં પણ કષ્ટ વરતાય છે. પરંતુ આવા શુષ્ક અધરને ફરીથી સુંવાળા બનાવવા રોજ રાત્રે હોઠ પર કોકા બટર લગાવો.તેમાં પૂરતા પ્રમાણમાં ફેટી એસિડ હોવાથી તે આપણા અધરને પોષણ પૂરું પાડે છે. પરિણામે હોઠ સુંવાળા બને છે.
- વૈશાલી ઠક્કર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33aB7Xf
ConversionConversion EmoticonEmoticon