ચેર્નોબીલ: કોઈકે તો સત્ય બોલવું પડશે ને!


કરશિયાનું ચેર્નોબીલ પરમાણુ મથક ૧૯૮૬માં વિસ્ફોટ પામ્યું હતું. એ દુર્ઘટના કેવી ભયાવહ હતી તેની રૂવાડાં ઉભા કરી દેતી કથા આ પાંચ ભાગની સિરિઝમાં દર્શાવાઈ છે. પરમાણુ શક્તિ સાથે સંકળાયેલા ભયસ્થાન કેવાં હોઈ શકે એ સમજવા માટે આ સિરિઝ મદદરૂપ થાય એમ છે.

યુક્રેન  ૧૯૯૧ પહેલા  સોવિયેત સંઘ રશિયાનો ભાગ હતો. એ સોવિયેત સંઘના યુક્રેનમાં આવેલા પ્રિપ્યાત નગર પાસેના ચેર્નોબીલ નામક પરમાણુ મથકમાં ૧૯૮૬માં વિસ્ફોટ થયો.

(ચેર્નોબીલ સિરિઝ - ભાગ ૧)

'બહુ બધું અસત્ય સાંભળ્યા પછી સ્થિતિ એવી થાય કે આપણને કોઈ આવીને સાચી વાત કહે તો પણ આપણે સ્વીકારી શકતા નથી...' એક આછું અજવાળું ધરાવતા ઓરડામાં બેઠા બેઠા આધેડ વયના ભાઈ કંઈક બોલી રહ્યાં છે અને એમાં જ આ વાક્ય કહેવાયું છે. એ સિવાય ઘણું કહેવાયું છે, જેનાં પર આખી પાંચ ભાગની સિરિઝ તૈયાર થઈ છે. બોલનાર ભાઈનું નામ છે વેલરી લેગાસોવ, રશિયાના પરમાણુ વિજ્ઞાાની અને ચેર્નોબીલ દુર્ઘટના પછી નિમાયેલા તપાસ પંચના મહત્ત્વપૂર્ણ સભ્ય.

વેલરી પોતાની વાત બોલી બોલીને ટેપમાં રેકોર્ડ કરી રહ્યા હતા. કુલ ૬ ટેપ રેકોર્ડ કરી લીધી એટલે એમની વાત પૂરી થઈ. એ ટેપ કોઈને ગુપ્ત રીતે મળી જાય પરંતુ સત્તાધિશોના હાથમાં ન આવે એ રીતે ઠેકાણે પાડી ફરીથી પોતાના ઘરમાં આવી ગયા. હવે તેમની પાસે કરવા જેવું એક જ કામ રહ્યું હતું.

યુક્રેન આજે અલગ દેશ છે, પણ ૧૯૯૧ પહેલા એ સોવિયેત સંઘ રશિયાનો ભાગ હતો. એ સોવિયેત સંઘના યુક્રેનમાં આવેલા પ્રિપ્યાત નગર પાસેના ચેર્નોબીલ નામક પરમાણુ મથકમાં ૧૯૮૬માં વિસ્ફોટ થયો. દુનિયાએ અગાઉ ક્યારેય ન જોઈ હોય એવી એ દુર્ઘટના હતી. ૩ દાયકા પછી તેનું સંપૂર્ણ સત્ય તો જગત સમક્ષ આવ્યું જ નથી. પરંતુ જેટલું કંઈ સત્ય રજૂ થયું છે એ બેલારૂસના મહિલા પત્રકાર સ્વેતલાનાને આભારી છે.

૨૦૧૫માં નોબેલ પ્રાઈઝ જીતનારા સ્વેતલાના અકસ્માત વખતે ચેર્નોબિલથી સાડા ચારસો કિલોમીટરના અંતરે આવેલા શહેર મિન્સ્કમાં હતા. સોવિયેત સંઘની સરકારે તો એ વખતે અકસ્માતને મામુલી ગણાવ્યો હતો અને કુલ ૩૧ મોત થયા હોવાનું જાહેર કર્યુું હતું. સ્વેતલાનાના ગળે એ વાત ઉતરી નહીં. ૧૯૮૬થી લઈને દસ વર્ષ સુધી તેમણે સંશોધન કર્યું, ૫૦૦થી વધુ લોકોને મળ્યાં અને પછી ચેર્નોબીલ વિશે 'વોઈસ ફ્રોમ ચેર્નોબીલ' નામનું પુસ્તક લખ્યું. તેના આધારે આ સિરિઝ બની છે. અને એ સિરિઝની શરૂઆત ઉપરના ફકરામાં રજૂ કરી છે. હવે આગળની સત્યકથા.

૨૬ એપ્રિલ, ૧૯૮૬

પ્રિપ્યાત શહેરના એક ઘરમાં લ્યુમિડા નામની ગર્ભવતી મહિલા મોડે સુધી જાગતી હતી. ઘરમાં આમ-તેમ ફરતી વખતે અચાનક બારીમાંથી તેને પ્રચંડ વિસ્ફોટ દેખાયો. અવાજ ઘર સુધી સંભળાયો અને તેનો પતિ વસીલી જાગી ગયો. વસીલીએ થોડી વાર પછી દોડીને જ્યાં વિસ્ફોટ થયો હતો ત્યાં જવુ પડયું કેમ કે એ ફાયર ફાઈટર હતો. એ વખતા સમય રાતનો ૧ઃ૨૩ઃ૪૫નો હતો. 

રિએક્ટરમાં ચાર પાવર પ્લાન્ટ હતા. ચોથા નંબરના પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. હાજર રહેલા કર્મચારીએ નાઈટ ઈન્ચાર્જ એન્જિનિયર એનાતોલી ડીલ્ટોવને આવીને જાણ કરી કે કોર (પરમાણુ મથકનો મુખ્ય કેન્દ્રિય ભાગ જ્યાં યુરેનિયમનો જથ્થો હોય છે)માં વિસ્ફોટ થયો છે. હાજર રહેલા સૌ કોઈ એટલું તો સમજી ગયા કે સ્થિતિ અતી ગંભીર છે. માટે પોતાનાથી થાય એવા પ્રયાસો આદર્યા.

સૌથી પહેલાં તો ડીલ્ટોવે વિસ્ફોટ કોરમાં નથી થયો, બીજો થયો છે એવુ દેખાડવા માટે જે કર્મચારીઓએ કોરમાં વિસ્ફોટની વાત કરી એમને ખખડાવીને સમજાવ્યા કે કોરમાં ક્યારેય વિસ્ફોટ ન થાય. અમુક કર્મચારી નવા હતા, જૂના હતા તો પણ પોતાના બોસ ડીલ્ટોવ સામે દલીલ કરી શકે એમ ન હતા. અંદરના કર્મચારીઓને કામે લગાડી દીધા પછી ડીલ્ટોવે ફાયર ફાઈટર્સને જાણ કરી. વસીલીની એ રાતે ડયુટી ન હતી, પરંતુ બધા ફાયર ફાઈટર્સે હાજર થવાનું હતું. લશ્કરી ટૂકડીઓને પણ મદદ માટે બોલાવાઈ હતી.

વિસ્ફોટની તપાસ માટે અમુક કર્મચારીઓને અંદર તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. એ ઘાયલ થયા. ધીમે ધીમે આગ વધતી જતી હતી. આગ કોઈ રીતે કાબુમાં આવતી ન હતી. વસીલી જેવા ફાયર ફાઈટર અને અન્ય કર્ચારીઓએ વિસ્ફોટથી બહાર આવેલા લોખંડના ગરમ ટૂકડા જેવા કોઈ ટૂકડાઓને હાથ પણ અડાડયા. એમને ખબર ન હતી કે એ યુરેનિયમ રોડના ટૂકડા છે, જે છેક પ્લાન્ટના કેન્દ્રમાંથી ફેંકાઈને બહાર આવ્યા છે. હાથ અડાડયાનો મતલબ એ થયો કે તેમને રેડિયેશનનો હેવી ડોઝ સ્પર્શી ગયો છે. 

પ્લાન્ટના ડિરેક્ટર બ્રીખાનોવ, ચીફ એન્જિનિયર ફોમિન અને ડીલ્ટોવ ત્રણેય એવા તારણ પર આવ્યા કે હાઈડ્રોજનનો વિસ્ફોટ થયો છે. પ્લાન્ટ પ્રિપ્યાત શહેરમાં હતો. શહેરનું સંચાલન કરતી સામ્યવાદી એક્ઝિક્યુટિવ સમિતિએ નક્કી કે કોઈ ખોટી માહિતી શહેરની બહાર ન જાય એ માટે શહેર સિલ કરી દેવું! ફોન લાઈન કાપી નાખવી. દરમિયાન આગને કાબુમાં લઈ બધું રિપેર કરી નાખવું.

વાત ત્યાં પૂરી થાય. આ વિસ્ફોટ એ સરકારનો મામલો છે, એમાં લોકોએ ડાહ્યા થવાની જરૂર નથી. સમિતિમાં સૌ કોઈ આ વાતે સહમત થયા અને એ દિશામાં આગળ વધ્યા. સવાર સુધીમાં સ્થિતિ વધારે ગંભીર થઈ હતી. કેમ કે મદદ કરનારા, અંદરથી બહાર આવનારા બધાના શરીર નબળાં પડતાં હતા. કોઈને ઉલટી થતી હતી. કોઈ પડી જતાં હતા. આકાશમાં ઉડી રહેલા પક્ષીઓ પણ ઘાયલ થઈને નીચે પડવા લાગ્યા. 

વિસ્ફોટના સાત કલાક પછી..

મિન્સ્ક શહેરની 'ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુક્લિયર એનર્જી'ના મહિલા વિજ્ઞાાની ઉલાના ખોમ્યુકને ખબર પડી કે હવામાં રેડિયેશન ફરી રહ્યું છે. તેમણે તુરંત રેડિયેશનની માત્રા તપાસી. એ વખતે અમેરિકા ગમે ત્યારે પરમાણુ હુમલો કરશે એવો ડર રહેતો. પરંતુ ઉલાનાની તપાસમાં ખબર પડી કે કોઈ હુમલો નથી, આ તો પરમાણુ પાવર પ્લાન્ટમાં વપરાતું યુરેનિયમ છે.

એ હવામાં કેવી રીતે પહોંચ્યુ? ઉલાનાએ તુરંત બુદ્ધિ વાપરીને નજીકના પરમાણુ મથકમાં ફોન લગાવ્યો. ત્યાંથી જવાબ આવ્યો કે અમારે ત્યાં કોઈ લિકેજ નથી. ઉલાનાના સાથીદારે કહ્યું કે બીજો નજીકનો પ્લાન્ટ તો છેક ૪૦૦ કિલોમીટર દૂર ચેર્નોબિલમાં છે. ત્યાંથી રેડિયેશન અહીં સુધી ન પહોંચી શકે! તો પણ ત્યાં કદાચ તેમને કોઈ માહિતી હશે એમ માનીને ફોન કર્યો. પણ કોઈએ ઉપાડયો નહીં. 

ઉપાડે ક્યાંથી? 

પ્લાન્ટની અંદર હતા એની હાલત કોઈને ખબર ન હતી. બહાર હતા એમાંથી મોટા ભાગના હોસ્પીટલમાં હતા. ચામડી લાલ થઈ ગઈ હતી. મોઢામાંથી લોહીની ઉલટી થતી હતી. તબીબોએ સૌથી પહેલાં એ બધાને રેડિયેશન યુક્ત કપડાં કઢાવી નાખ્યા. થાય એવી સારવાર શરૂ કરી. 

મૉસ્કો સરકારે મંત્રીમંડળના સભ્ય બોરિસ સ્કારેબિનાની આગેવાનીમાં તપાસ સમિતિ બનાવી દીધી. સમિતિમાં પરમાણુ વિજ્ઞાાની અને 'ન્યુક્લિયર એનર્જી ઈન્સ્ટિટયૂટ'ના ડેપ્યુટી ડિરેક્ટર પ્રોફેસર વેલરી લેગાસોવ હતા. સમિતી રશિયાના પ્રેસિડેન્ટ મિખાઈલ ગાર્બાચોવ સામે રજૂ થઈ.

ત્યાં મિનિસ્ટર બોરિસ એવુ કહી રહ્યા હતા કે બધુ બરાબર છે, થોડા સમયમાં સ્થિતિ કાબુમાં આવી જશે. પ્રોફેસર લેગાસોવે કશું બોલવાનું ન હતું, તો પણ પરિસ્થિની ગંભીરતા જોઈને તેમણે બોલવાની શરૂઆત કરી. થોડી વારમાં પ્રમુખને સમજાવ્યું કે આ કોઈ સામાન્ય અકસ્માત નથી. માટે પ્રેસિડેન્ડે સૂચના આપી કે બોરિસ ચેર્નોબીલ તપાસ કરવા જાય અને પ્રોફેસર લેગાસોવને સાથે લેતા જાય.

પ્રોફેસર લેગાસોવને સાથે લેવાની બોરિસની જરા પણ ઈચ્છા ન હતી, પણ આદેશ હતો. ચેર્નોેબીલમાં 'આરબીએમકે' પ્રકારનું ન્યુક્લિયર રિએક્ટરહતું. પ્રોફેસર લેગાસોવ તેના જાણકાર હતા. બોરિસ અને પ્રોફેસર બન્ને હેલિકોપ્ટરમાં સવાર થઈને રવાના થયા ચેર્નોબીલ જવા. 

બીજી તરફ ઉલાનાએ મિન્સ્ક શહેરના કમ્યુનિસ્ટ પાર્ટીના વડાને જઈને વાત કરી કે ચેર્નોબીલમાં મોટો અકસ્માત થયો લાગે છે. પરંતુ કમ્યનિસ્ટ પાર્ટીના તમામ નેતોઆનું એક સરખું વલણ હતું: 'અકસ્માત જ થયો છે ને, બધું ઠીક થઈ જશે.' 

કોઈ મોટી દુર્ઘટના થાય તો તેના રિપેરિંગ કરતા સરકારને વધુ રસ એ વાત દબાવી દેવામાં હોય છે. એમાં પણ રશિયાની સરકાર તો ૧૯૯૧માં સોવિયેત સંઘનું વિઘટન થયું એ પહેલા સુધી આવી કામગીરી માટે કુખ્યાત હતી. કઈ રીતે સરકારે સમગ્ર દુર્ઘટનામાં સત્ય છૂપાવાનો પ્રયાસ કર્યો તેનો જવાબ આ સિરિઝ આપે છે. આ કથા દોઢ એપિસોડની છે. આખી સિરિઝ પાંચ ભાગમાં ફેલાયેલી છે. વધુ વાત આગામી અઠવાડિયે.

ડિરેક્ટર: જોહાન રેન્ક

કલાકાર: જેરેડ હેરિસ, સ્ટેલન સ્કાર્સગાર્ડ, એમિલિ વોટસન

રિલિઝ: મે-જૂન ૨૦૧૯

લંબાઈ: ૩૨૯ મિનિટ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2omMeOn
Previous
Next Post »