રંગમંચનો આ અચ્છો અદાકાર કહે છે, હું કોઇ મોટાં નામ કે બેનરથી અંજાઇ જતો નથીઃ પડદા પર ભારતનાં ગામડાનું દર્શન થાય તો દર્શકોનાં મન-હૃદય સુધી પહોંચી શકાયઃ ભવિષ્યમાં કોઇ યાદગાર અનેઅમર ભૂમિકા ભજવવાની ઇચ્છા છે
રોજબરોજના જીવનમાં નાની મોટી સાંસારિક સમસ્યાઓના બોજમાં જીવતાં લોકો મારી ડ્રીમગર્લ ફિલ્મ જોઇને બેઘડી હળવાંફૂલ થઇ જાય તો મને આનંદ અને સંતોષ થશે.
બોલીવુડમાં આજકાલ સુપરસ્ટારની વ્યાખ્યા બદલાઇ રહી છે.ફોડ પાડીને કહીએ તો આજનો સુપર સ્ટાર છે આયુષમાન ખુરાના. સિત્તેરના દાયકામાં રજનીગંધા, ઘરોંદા, ચિત્તચોર, ગોલમાલ, બાતોંબાતોં મેં વગેરે જેવી સાફસુથરી, વિશિષ્ટ વિષયવાળી અને મજેદાર ગીત-સંગીતસભર ફિલ્મો આપનારો અમોલ પાલેકર પ્રતિભાશાળી અભિનેતા તરીકે ઉભર્યો હતો. સમાજના સીધા, સરળ અને હસમુખા માનવી તરીકે અમોલ પાલેકરને બેહદ લોકપ્રિયતા મળી હતી.
હવે આજે લગભગ ત્રણેક દાયકા બાદ આયુષમાન ખુરાનાની ડ્રીમગર્લ, અંધાધૂન, આર્ટિકલ-૧૫ વગેરે ફિલ્મોને આખા દેશમાંથી બહોળો આવકાર મળ્યો છે. આયુષમાન ખુરાનાની આ બધી ફિલ્મોનવી, વિશિષ્ટ અને પ્રયોગશીલ કથા-પટકથાવાળી છે.ખાસ કરીને આજનાં સુશિક્ષિત અને નવા જમાનાનાં દર્શકોના મન-હૃદયને સીધો સ્પર્શ કરે તેવી છે. આયુષમાને આ બધી ફિલ્મોમાં આપણી વચ્ચે જીવતા અને આપણી જેવા જ સીધા-સરળ માનવીની મજેદાર ભૂમિકાઓ ભજવીને પોતાની અભિનય પ્રતિભાનો પરચો આપી દીધો છે.
હજી હમણાં જ અંધાધૂન ફિલ્મના ઉત્તમ અભિનય માટે આયુષમાનને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ એનાયત થયો છે. આયુષમાન ખુરાનાએ ફક્ત સાત વરસની અભિનય કારકિર્દીમાં કુલ નવ ફિલ્મોમાં વિવિધ ભૂમિકા ભજવી છે અને નેશનલ એવોર્ડ મેળવ્યો છે.આ સિદ્ધિ જરૂર ઝળહળતી છે.
વિકી ડોનર(૨૦૧૨)ફિલ્મથી બોલીવુડમાં પા પા પગલી કરનારો આયુષમાન ખુરાના કહે છે, મારી આ બધીફિલ્મોમાં આપણા જ સમાજનું દર્શન છે.નાની મોટી સામાજિક સમસ્યા પણ છે. ઉદાહરણરૂપે હાલ હું નવીશુભ મંગલમ જ્યાદા સાવધાન ફિલ્મમાં એક સમલીંગી સંબંધ ધરાવતા યુવાનની પડકારરૂપ ભૂમિકા ભજવું છું. ભૂતકાળમાં આવું પાત્ર બહુ ઓછા અભિનેતાઓએ ભજવ્યું છે.
આમ તો ભારતની સુપ્રીમ કોર્ટે બંધારણની ૩૭૭ કલમ મુજબ સમલીંગી સંબંધ અપરાધ નહીં હોવાનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે.આમ છતાંહજી આપણા ભારતીય સમાજમાં આ પ્રકારના સંબંધને સ્વીકારવામાં આવતો નથી. લોકોને આવા સંબંધ પ્રત્યે ભારોભાર નફરત અને સૂગ છે.મારી આ નવી ફિલ્મમાં આ જ સામાજિક મુદ્દો રજૂ થયો છે.હું ઇચ્છું છું કે મારી શુભ મંગલમ જ્યાદા સાવધાન ફિલ્મ દેશનાં નાનાં નગરોમાં અને ગ્રામ વિસ્તારોમાં પણ રજૂ થાય કે જેથી સમલીંગી સંબંધ વિશે તેઓને જાણકારી મળે.
દેખાવમાં સોહામણો લાગતો આયુષમાન ખુરાના બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, ભારતનું સાચું દર્શન તો ગામડાંમાં થાય છે.એટલે ફિલ્મોના વિષયો પણ ગામડાંના જીવનને સ્પર્શતા હોય તો ત્યાંના સીધા-સરળ લોકો પણ પડદા પર પોતાનું જ જીવન નિહાળે.મારા જેવા અભિનેતાને પોતાનામાંનો જ એક આમ આદમી સમજે.
હમણાં રજૂ થયેલી ડ્રીમગલ ર્ફિલ્મમાં પણ આયુષમાન ખુરાનાએ કોલ સેન્ટરમાં નોકરી કરતા એક યુવાનનું પાત્ર ભજવ્યું છે.જોકે આ જ યુવાને અમુકઅમુકવખતે યુવતીના અવાજમાં પણ સામી વ્યક્તિઓ સાથે વાતચીત કરવી પડે છે.આયુષમાન છેવટે પૂજા નામની યુવતીરૂપે સામી વ્યક્તિઓ સાથે છોકરીના અવાજમાં વાતચીતકરે છે.
તો વળી,ક્યારેક તો તે સાડી સુદ્ધાં પહેરે છે.આમ ડ્રીમગર્લ ફિલ્મમાં આયુષમાન ખુરાનાએ પૂજાની પડકારરૂપ અને પ્રયોગશીલ ભૂમિકા ખરેખર અદભૂત રીતે ભજવી છે. ફિલ્મ જોઇને દર્શકો ખરેખર આનંદ અને હાસ્યની નવી ઉર્જા લઇને ઘરે જાય છે. થિયેટરોમાં તો હાસ્યના ફુવારા ઉડે છે.
અચ્છોસંગીત નિર્દેશક અને મીઠો ગાયક આયુષમાન બહુ મજેદાર મુદ્દો રજૂ કરતાં કહે છે,મારો પ્રયાસ સમાજના બહોળા વર્ગ સુધી પહોંચવાનો હોય છે. આમ તો ભૂતકાળમાં આવી અમુક હલકી ફૂલકી અને હાસ્ય સભર ફિલ્મો રજૂ થઇ છે. રોજબરોજના જીવનમાં નાની મોટી કૌટુંબિક અને સાંસારિક સમસ્યાઓના બોજમાં જીવતાં લોકો મારી ડ્રીમગર્લ ફિલ્મ જોઇને બેઘડી હળવાંફૂલ થઇ જાય તો તેનો મને આનંદ અને સંતોષ થશે. જોકેમારી આ સફળતામાં મારાં સાથી કલાકારોનું યોગદાન પણ બહુ મહત્વનું રહ્યું છે.
ઉદાહરણરૂપે બરેલી કી બર્ફી ફિલ્મમાં રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી, બધાઇહોમાં ગજરાજ રાવ, સુરેખા સિક્રી અને નીના ગુપ્તા જ્યારે ડ્રીમગર્લમાં વિજય રાજા, અન્નુ કપૂર અને મનજોત સિંહના અદભૂત અભિનયને પણ એટલો જ યશ જાય છે.
આયુષમાનખુરાનાએ અત્યાર સુધીમાં ઓછા બજેટની અને નવા દિગ્દર્શકોની ફિલ્મોમાં કામ કર્યું છે. કોઇ મોટી ફિલ્મ કંપની કે મોટા બજેટની ફિલ્મોમાં કામ નથી કર્યું. વળી, આયુષમાને હજી સુધી એક્શનથી ભરપૂર કે લવ સ્ટારીની ફિલ્મોમાં પણ કામ નથી કર્યું. વળી અન્ય અભિનેતાઓની જેમતે ટીવીની ઝાઝી બધી જાહેર ખબરોમાં પણ નથી દેખાતો.
આયુષમાન ખુરાના બહુ સાફ અને સ્પષ્ટ શબ્દોમાં કહે છે, હું કયારેય પણ મોટાં નામથી અંજાઇ જતો નથી કે બહુ રાજી પણ નથી થતો.મેં તો ઘણા સાવ જ નવા દિગ્દર્શકો સાથે કામ કરવાની હિંમત કરી છે. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે નવો, ઉજળો કે સુંદર વિચાર તો કોઇપણ વ્યક્તિ પાસેથી કે કોઇપણ દિશામાંથી મળી શકે.મોટુંનામએટલે પ્રતિભા હોય જ એવું હું નથી માનતો.
શરૂઆતના તબક્કે ફિલ્મી મનોરંજન સમારોહ અને એવાર્ડ્ઝ સમારોહના સંચાલકતરીકે કારકિર્દી શરૂ કરનારો આયુષમાન કહે છે, હાલ તો હું બાલા, શુભ મંગલમ જ્યાદા સાવધાન અને ગુલાબો સિતાબો એમ ત્રણ નવી ફિલ્મોમાં કામ કરી રહ્યો છું. આ ત્રણેય નવી ફિલ્મોમાં પણ મારાં પાત્રોમાં વિવિધતા છે.આમ છતાં હવે હું ભવિષ્યમાં સુંદર લવ સ્ટોરીની કે એક્શન ફિલ્મમાં પણ કોઇ મજેદાર ભૂમિકા ભજવવા ઇચ્છું છું.એક પ્રયોગ કરવા અને મારી અભિનય પ્રતિભાની કસોટી કરવા ઇચ્છું છું.
મારી ડ્રીમર્ગલ ફિલ્મ આમ તો મસાલા ફિલ્મ છે.ખરું કહું તો મને પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવાની પણ તીવ્ર ઇચ્છા હતી જે સદનસીબે કે યોગાનુયોગે આર્ટિકલ-૧૫ ફિલ્મમાં પૂરી થઇ.હવે મારી ઇચ્છા યાદગાર અને અમર કહી શકાય તેવું પાત્ર ભજવવાની છે. એક અભિનેતા તરીકે હું કોઇ એક ચોક્કસ પ્રકારની ભૂમિકામાં બંધાઇ રહેવા નથી ઇચ્છતો. મારી અભિનય શક્તિ સતત ખળખળ વહેતી રહેવી જોઇએ એમ હું માનું છું.
ચંડીગઢની ડીએવી કોલેજમાં નાટકોમાં અને શેરી નાટકોમાંમજેદાર પાત્રો ભજવનારો અને રાષ્ટ્રીય નાટય સ્પર્ધામાં ઇનામ મેળવનારો આયુષમાન ખુરાના કહે છે,એક અભિનેતા કે અભિનેત્રી તરીકે દરેક કલાકારે પોતાની ફિલ્મની કથા-પટકથા વિશે પૂરી સભાનતા રાખવી જોઇએ.પોતાના પાત્રના મહત્વ વિશે સજાગ રહેવું જોઇએ.
મારી વાત કરું તો મને રંગમંચનો બહોળો અનુભવ હોવાથી હું કથાવસ્તુને બહુ સુક્ષ્મ રીતે સમજી શકું છું. ફિલ્મમાં સામાજિક મુદ્દા હોય તો દર્શકોમાં જાગૃતિ આવે છે. આયુષમાન ખુરાના તો ત્યાં સુધી કહે છે કે અભિનય મારો શ્વાસ છે. અભિનય દ્વારા મને ભરપૂર આનંદ અને ઉર્જા મળે છે. હું ભવિષ્યમાં ફિલ્મની કથા-પટકથા લાખવા, દિગ્દર્શન અને નિર્માણ પણ કરવા ઇચ્છું છું.
રહી વાત નેશનલ એવોર્ડની. તો આયુષમાન બહુ નમ્રતાથી કહે છે, મને અંધાધૂન ફિલ્મના અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો તેનો આનંદ છે.આમછતાંમેં ક્યારેય પણ કોઇ એવોર્ડ મેળવવાની ઇચ્છાથી કોઇપણ ફિલ્મમાં કામ નથી કર્યું. હા,એવોર્ડ મળવાથી સન્માન અને સ્વીકારપણ મળે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Mti1oE
ConversionConversion EmoticonEmoticon