આણંદ, તા.07 ઓક્ટોમ્બર 2019, સોમવાર
આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય એટલે વિજ્યાદશમી. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં મંગળવારના રોજ વિજ્યાદશમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પર્વ નિમિત્તે જિલ્લામાં ઠેર-ઠેર રાવણદહન અને શસ્ત્રપૂજન તેમજ ભવાઈ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. દશેરા પર્વને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે. સાથે સાથે પર્વ દરમ્યાન ફાફડા-જલેબી આરોગવાનું અનેરૂ મહત્વ હોવાથી જિલ્લાવાસીઓ ફાફડા-જલેબીની જ્યાફત માણશે.
આસો માસના શુક્લ પક્ષ એકમથી નોમ સુધીના નવ દિવસ એટલે માં દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના, આરાધનાના દિવસો. તે પછીના દસમાં દિવસે વિજ્યાદશમીનું પર્વ ઉજવવામાં આવે છે. આત્મશુધ્ધિ અને આસુરી તત્વો ઉપર આત્મવિજયનું પ્રતિક એટલે દશેરા. દશેરાનો ઉત્સવ એટલે વિજય પ્રસ્થાનનો ઉત્સવ. ક્ષત્રિયો વિજ્યાદશમીના શુભ દિને શસ્ત્રપૂજન કરીને ભગવાન રામનું પૂજન કરશે.
આ દિવસે વણજોયેલા શુભમહુર્ત હોવાથી મોટી સંખ્યામાં લોકો શુભકાર્યો જેવા કે નવા ઘરમાં પ્રવેશ, દુકાન-ઓફિસનું ઉદ્ઘાટન, હવન કે અન્ય નવી વસ્તુઓની ખરીદી કરશે.
આવતીકાલે દશેરા નિમિત્તે જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો નાના-મોટા વાહનોની ખરીદી કરતા હોવાથી વાહનોની લે-વેચ કરતા શોરૂમ પર ભીડ જોવા મળશે.
આણંદ શહેર સહિત જિલ્લાના તાલુકા મથક પેટલાદ, બોરસદ, ખંભાત સહિત જિલ્લાભરમાં દશેરા પર્વ નિમિત્તે રાવણદહન અને શસ્ત્રપૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અરોરા પંજાબી સમાજ સેવા ટ્રસ્ટ આણંદ દ્વારા વિજ્યાદશમી તહેવારનું આયોજન તા.૮-૧૦-૨૦૧૯ને મંગળવારના રોજ રાખવામાં આવેલ છે.
બપોરે ૨:૩૦ કલાકે આરતી કર્યા બાદ પંજાબી ધર્મશાળાથી એક શોભાયાત્રા નીકળશે. જે વેન્ડોર ચાર રસ્તા, લક્ષ્મી ચાર રસ્તા, જીપીઓ રોડ, જુના બસ સ્ટેન્ડ, સરકારી દવાખાના, ગોપાલ ચોકડી, નવા રામજી મંદિર ખાતે પહોંચશે. જ્યાં મધ્યાહ્ન આરતી કર્યા બાદ ગામડીવડ ચાર રસ્તા, અશોક સ્તંભ, લોટીયા ભાગોળ થઈ વ્યાયામશાળા મેદાન ખાતે પહોંચશે. જ્યાં સાંજે ૭:૦૦ કલાકે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ સ્થળોએ હથિયારપૂજન, ભવાઈ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MpLzTZ
ConversionConversion EmoticonEmoticon