નડિયાદ,તા.07 ઓક્ટોમ્બર 2019, સોમવાર
મંગળવારે આસો સુદ દસમના રોજ વિજયાદશમી એટલે કે દશેરાના પર્વની નડિયાદ ઉપરાંત જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરાશે. નડિયાદમાં ભવ્ય શોભાયાત્રા બાદ સાંજે સંધ્યા સમયે એક્સપ્રેસ વે પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ પર ૬૦ ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. જ્યારે યાત્રાધામ ડાકોરના શ્રીરણછોડજી મંદિરમાં સવારે શસ્ત્ર પૂજન બાદ સાંજે ગજરાજ પર શ્રીજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે.
નડિયાદમાં સતત ત્રીજા વર્ષે હેલીપેડ ખાતે રાવણના પુતળાનું દહન કરવામાં આવનાર છે. ઘણાં વર્ષોથી જે સીટી ઝીમખાના મેદાન ખાતે રાવણ દહન થતું હતુ તેની બદલે એક્સપ્રેસ વે નજીક છેલ્લા બે વર્ષથી વિજયાદશમીનો પર્વ ઉજવાય છે. જેના કારણે વિજયાદશમી નિમિત્તે શહેરના રાજમાર્ગો પર નીકળતી શોભાયાત્રાનો રૂટ અને સ્થળ બંન્ને બદલવા પડયા છે.
પંજાબી સમાજ દ્ધારા બપોરે ૩ વાગ્યે નડિયાદ સંતરામ મંદિરના ચોગાનમાંથી શોભાયાત્રા કાઢવામાં આવશે. વાજતે ગાજતે નીકળેલ આ શોભાયાત્રામાં વેશભૂષા, પંજાબી દાંડીયા-રાસ સાથે પંજાબી સમાજના સભ્યો તથા નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે. આ શોભાયાત્રા ડુમરાલ બજાર, સમડી ચકલા, નારાયણદેવ મંદિર, દેસાઈ સંસ્કાર કેન્દ્ર અને ચકલાસી ભાગોળ થઈ ડાકોર રોડ પર એક્સપ્રેસ વેની બાજુના હેલિપેડ ગ્રાઉન્ડ પર પહોંચશે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર હેલિપેડ ગ્રાઉન્ડ પર સાંજે ૬.૩૦ વાગ્યે ૬૦ ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરાશે.
શહેરના માર્ગો પર નીકળનાર શોભાયાત્રા અને રાવણ દહનનો આ કાર્યક્રમ અનેરૂ આકર્ષણ જમાવશે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા ૬૦ વર્ષથી નડિયાદમાં પંજાબી સમાજ દ્વારા રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. અસત્ય પર સત્યના વિજય સમાન દશેરાના પાવન પર્વની ડાકોરમાં પણ આસો સુદ દશમના રોજ મંગળવારે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.દશેરાના તહેવાર નિમિત્તે પ્રતિકરૂપે રાજા રામના રૂપમાં ધનુષ, બાણ જેવા શસ્ત્રો તેમજ જવારા ધારણ કરશે. સાંજે ૫ વાગ્યે ઉત્થાપન આરતી બાદ વાગ્યાના સુમારે મંદિરમાંથી અંબાડીથી સુશોભિત ગજરાજ પર ગોપાલલાલજી મહારાજની પધરામણી કરાવી ભવ્ય સવારી કાઢવામાં આવશે.
ભજન મંડળીઓની રમઝટ વચ્ચે નીકળેલ આ સવારી કોર્ટ રોડ પર થઈ મોતીબાગ પહોંચશે. જ્યાં સમડાના વૃક્ષ નીચે શ્રીજીની રક્ષા છોડવામાં આવશે. આ અનેરા દર્શનનો લ્હાવો લેવા માટે શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડશે. પરંપરા અનુસાર સવારી ત્યાંથી પરત ફરતા ગૌશાળા અને લાલબાગ થઈ લક્ષ્મીજીના મંદિરે પહોંચશે. જ્યાં આરતી કર્યા બાદ મોડી રાત્રે સવારી નિજમંદિર પરત આવશે.
મંગળવારે ખેડા જિલ્લાના નાના મોટા ગામોમાં દશેરાના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. આ પ્રસંગે બાળકો અને યુવકો દ્ધારા રાવણના પૂતળા બનાવી તેનું દહન કરી અધર્મ પર ધર્મના આ પર્વની ઉજવણી કરાશે. દશેરા નિમિત્તે મંદિરોમાં ભગવાનને સુંદર શણગાર સજવામાં આવશે. વિજયાદશમી નિમિત્તે મંગળવારે મંદિરોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓનો ધસારો રહેશે.
ખેડા જિલ્લામાં સાત સ્થળે શોભાયાત્રા રાવણ દહન યોજાશે
ગુરુવારે દશેરા નિમિત્તે ખેડા જિલ્લામાં જુદા જુદા સાત સ્થળોએથી શોભાયાત્રા અને રાવણના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાશે. જેમાં નડિયાદ શહેરમાંથી જુદી જુદી ત્રણ જગ્યાએથી શોભાયાત્રા નીકળશે. આ ઉપરાંત ડાકોર, ઠાસરા , ખેડા, કપડવંજ જેવા સ્થળોએથી શોભાયાત્રા કાઢવામાં આવનાર છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LUFTCr
ConversionConversion EmoticonEmoticon