સિનેતારિકાઓને લાગ્યો ચસાડી પર બેલ્ટ પહેરવાનો ચસકો


ફેશનનું ચક્ર નિરંતર  ફરતું રહે છે.એક ફેશન આવે ત્યાં બીજી કતારમાં ખડી હોય તેમ પહેલીને હાંસિયામં હડસેલી દે. આમ છતાં સાડીની  ફેશન ચિરંતન છે. ગમે તે સમયે અને કોઇપણ પ્રસંગેૈ તમે સાડી અચૂક પહેરી શકો. અલબત્ત, એક તબક્કે મહાનગરોમાં સાડીને લગભગ જાકારો મળી ગયો હોય એવો સિનારિયો જોવા  મળતો હતો. 

પરંતુ આપણી સિનેતારીકાઓએ તેને ઝાઝો સમય ફેશન ટ્રેન્ડથી દૂર ન રહેવા દીધી. બોલીવૂડ અદાકારાઓએ વિવિધ સ્ટાઇલમાં સાડીઓ પહેરીને સામાન્ય માનુનીઓને ફરીથી સાડી પહેરતી કરી દીધી. નોકરીએ જતી મહિલાઓ ભલે રોજિંદા સ્તરે લોકલ ટ્રેનની ભીડમાં સાડી પહેરવાનું ટાળે. પણ પ્રસંગોપાત તેઓ અચૂક સાડી પહેરે છે. અને તેનો ઘણો યશ આપણી સિનેઅદાકારાઓના ફાળે જાય છે.

આ અભિનેત્રીઓ ક્યારેક વિવિધ પ્રકારની ચોલી સાથે તો ક્યારેક અલગ અલગ સ્ટાઇલમાં સાડી પહેરીને અનોખું આકર્ષણ પેદા કરે છે. અને તેમની વર્તમાન સ્ટાઇલની વાત કરીએ તો ઘણી ફિલ્મી નાયિકાઓ સાડી પર બેલ્ટ પહેરતી જોવા મળી છે. 

ગણેશોત્સવ દરમિયાન મુકેશ અને નીતા અંબાણીના ઘરે  ગણરાયાના દર્શન કરવા ગયેલી કેટરીના કૈફે પીચ રંગની લહંગા સાડી સાથે બેલ્ટ પહેરીને પોતાની કમનીય કટિનું સરસ રીતે પ્રદર્શન કર્યું હતું.તેવી જ રીતે 'ભારત'ના પ્રમોશન વખતે પણ તેણે ગુલાબી રંગની ફૂલોની ડિઝાઇનવાળી સાડી પહેરી હતી. 

ફેશનની વાત ચાલતી હોય ત્યારે શિલ્પા શેટ્ટીનું નામ ન લેવાય એવું બને ખરૂં? થોડા સમય પહેલા શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ફુગ્ગા બાંયના બ્લાઉઝ સાથે  પીળા રંગની બાંધણી પહેરી હતી. અને તેના ઉપર સરસ બેલ્ટ પહેરીને ગજબનું આકર્ષણ ઊભું કર્યું હતું. 

બોલીવૂડમાં વિદ્યા બાલન તેની વિવિધ પ્રકારની સાડીઓ માટે જાણીતી છે. વાસ્તવમાં તે મોટાભાગે સાડીમાં જ જોવા મળે છે.તાજેતરમાં એક બુક લોંચ દરમિયાન તેણે  પર્પલ રંગની પ્રિન્ટેડ સાડી  ઉપર બ્રાઉન કલરનો ચામડાનો પટ્ટો પહેર્યો હતો. બિલકુલ પુરુષો તેમના ટ્રાઉઝર પર પહેરે એવો. 

ફેશન બાબતે તાપસી પન્નુ પણ કોઇથી પાછળ નથી. તેણે તેની ફિલ્મ 'મિશન મંગલ'ના પ્રમોશન વખતે  પટ્ટાવાળા મેચિંગ બ્લાઉઝ સાથે પ્રિન્ટેડ નવવારી પહેરી હતી. આ લુકને વધુ આકર્ષક બનાવવા તેણે કમરપટ્ટો પહેરીને બધાનું ધ્યાન પોતાન તરફ ખેંચી રાખ્યું હતું. 

ચિત્રાંગદા સિંહ તો આ બધા કરતાં પણ એક કદમ આગળ રહી હતી.તેણે શ્યામરંગી  ઝાલરવાળી સાડી ઉપર સ્ટડેડ કમરબંધ અને સ્વીવલેસ બ્લાઉઝ પહેરીને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વારંવાર પોતાની તરફ જોતાં કરી દીધાં હતાં. 

થોડાં મહિના પહેલા એક કાર્યક્રમમાં આવેલી આલિયા ભટ્ટ  પણ એક વન શોલ્ડર બ્લાઉઝ સાથે  લીલા રંગની કેરીની ડિઝાઇનવાળી સાડી પર પહેરેલા બેલ્ટમાં ગજબની મોહક દેખાતી હતી.

કરિશ્મા કપૂર ભલે તરૂણાવસ્થામાં આવેલા બે સંતાનોની માતા છે. પણ તેનું ફિગર આજ ે પણ યુવાન છોકરીઓને શરમાવે એટલું સરસ છે. તાજેતરમાં તેણે સતરંગી સાડી પર બ્રાઉન બ્લેઝર સાથે કમરપટ્ટો પહેરીને પોતાની કમનીય કાયાના કામણ પાથર્યાં હતાં. 

ફેશન ડિઝાઇનરો કહે છે કે માટાભાગની અભિનેત્રીઓનો સાડી પર બેલ્ટ પહેરવનો ઇરાદો પોતાની પાતળી કટિ પ્રદર્શિત કરવાનો હોય છે. અલબત્ત, આમ કરવથી તેઓ અત્યંત સેક્સી અને મોહક દેખાય છે. વળી જેમને ઝાઝી એક્સેસરી પહેરવાનું ન ગમતું હોય તેઓ કમરપટ્ટો પહેરીને અક્સેસરીની કમી પૂરી કરી લે.  સાથે સાથે પોતાની પાતળી કટિ તરફ પણ લોકોનું ધ્યાન સફળતાપૂર્વક ખેંચી લે.

ફેશન ડિઝાઇનરો સામાન્ય માનુનીઓને સાડી પર બેલ્ટ શી રીતે પહેરવો તેની જાણકારી આપતાં કહે છે કે જો તમારી સાડીમાં ભરચક વર્ક કરેલું હોય કે તો બેલ્ટ પહેરવાનું ટાળવું. પાતળા ફેબ્રિકની પ્રિન્ટેડ કે પછી પ્લેન સાડી પર બેલ્ટ વધુ સારો લાગશે. વળી તમારી કમર પાતળી હોય તો જ સાડી સાથે કમરપટ્ટો પહેરવાનો પ્રયાસ કરવો.

નહીં તો સુંદર દેખાવાને બદલે તમારી ચરબીથી લથપથતી કમરનું પ્રદર્શન થઇ જશે. જો તમારી સાડી પ્લેન હોય તો તેના ઉપર હીરામઢ્યો બેલ્ટ વધારાનું આકર્ષણ પેદા કરશે. પરંતુ પ્રિન્ટેડ સાડીસાથે મિક્સ એન્ડ મેચ કરતો પ્લેન કમરબંધ પહેરો. તેઓ વધુમાં કહે છે કે સાડી ઉપર કમરપટ્ટો પહેરવા  જરૂરી નથી કે તમે ફિલ્મી અભિનેત્રીઓની જેમ વન શોલ્ડર,ઓફ શોલ્ડર, સ્લીવલેસ જેવા જ  બ્લાઉઝ પહેરો. તમે નિયમિત રીતે પહેરતા હો એવા કે પછી પોણી બાંયના બ્લાઉઝ સાથે પણ તે પહેરી શકો.

- વૈશાલી ઠક્કર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IQyrq1
Previous
Next Post »