મુંબઈમાં ગંદકીથી માંડીને ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ હોય એમ લાગતું નથી. શહેરમાં વૃક્ષારોપણ તો થતું જ નથી, જ્યાં થાય છે ત્યાં પછી તેની કોઈ દરકાર લેતું નથી. એટલે આપણે હતા ત્યાં ને ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ. આવા સંજોગોમાં ઘણીવાર ફિલ્મી સેલિબ્રિટીઝ જુહુનો સમુદ્ર તટ સાફ કરવા તો કોઈક સ્થળે વૃક્ષારોપણ કરવા કે અન્ય કોઈ સામાજિક સેવા કરવા દોડી આવે છે.
તેમની આ પહેલ , યોગદાન આમઆદમીને ખૂબ આકર્ષી જાય છે અને સમાજ માટે કંઈ કરવાની ઈચ્છા જાગૃત થાય છે. આમ, એક્ટર એક્ટિવિસ્ટ બની જાય છે. પર્યાવરણ પ્રત્યે જાગરુકતા પ્રસારવામાં પણ તેમનો ફાળો વિશેષ હોય છે. ભાવિ પેઢી માટે પર્યાવરણ સલામત રહે એ માટે તેમનો અભિગમ આવકાર્ય છે.
હિન્દી ફિલ્મોદ્યોગમાં આવા એક્ટિવિસ્ટ 'એક્ટર' કેટલા છે. તેઓ કઈ કઈ પ્રવૃત્તિ કરે છે, તેના પર એક નજર નાંખીએ.
જેકી શ્રોફ: આ પીઢ એક્ટર આજે પણ તેની વ્યવસાયિક જવાબદારીમાં વ્યસ્ત રહે છે. બેશક, તેઓ જુદી જુદી પહેલને આગળ ધપાવવામાં તેમાંય ખાસ કરીને પર્યાવરણ જાગૃતિ માટે હમેશાં અગ્રેસર રહે છે. 'રામ-લખન'નો આ રામ તાજેતરમાં એક વૃક્ષારોપણ ઝુંબેશમાં હાજર રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે 'આવું કરવું એ તો આજે દરેકની જવાબદારી છે. હું પોતે પણ કંઈ આ ડ્રાઈવમાં કોઈની ફેવર કરવા નથી આવ્યો. આ તો આપણાં તમામની ફરજ છે.
આ આપણી ફરજ છે એ માટે આ પ્રવૃત્તિમાં સામેલ થવા આગળ આવો. આપણે હવે ભાવિ પેઢી માટે વિચારવાનું છે. અરે, મારા ટાઈગર (શ્રોફ) નાના ટાઈગર માટે વિચારવાનું છે. ચાલો, આ માટે આપણે કંઈક યોગદાન આપીએ. યંગ ઈન્ડિયાએ આ પહેલનો પ્રારંભ કરવામાં આગળ આવવાનું છે. અને આપણે આપણા ખેડૂતોની સંભાળ પણ રાખવાની છે, એમ શ્રોફે જણાવ્યું હતું.
દિયા મિર્ઝા ઃ દિયા મિર્ઝા તો ભારત માટે યુએન એન્વાયરમેન્ટ ગુડવિલ એમ્બેસેડર છે. એ કદીય આપણી માતા-પૃથ્વી માટે કંઈ કહેવાની તક મળે તો એ ગુમાવતી નથી. એ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની દરેકને અરજ કરે છે અને વધુ જવાબદાર નાગરિક બનવાની હાકલ કરે છે.
'સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે વિશ્વને સારી રીતે સમજાવી શકીએ છીએ. પર્યાવરણવાદ માનવ જાતિ માટે અવરોધવાદ છે. સમાનતા માટે અને વિકાસ માટે અત્યંત જરૂરી છે. એ બેમાંથી કોઈપણ એક વિકલ્પ બની શકે નહીં.
તમારી સાથે કામ કરનારી વ્યક્તિને તમારે આ વાત યાદ અપાવવાની છે કે શા માટે આ કામગીરીને તમારે અનુસરવાનું છે. પ્લાસ્ટિક બેગ, સ્ટ્રો અને કટલરી જેવી આ ત્રણ વસ્તુની તમે વાત કરતા હો તો એક નાગરિક તરીકે આપણે એને ખતમ કરી નાખવાની છે. આ એટલું બધું સરળ નથી, પણ એકવાર તમે પ્લાસ્ટિકની પર્યાવરણ પર થતી અસર અંગે જાણશો એ પછી તમે એને કદીય આવશ્યક પસંદગી તરીકે સ્થાન નહીં આપો, એવું દિયા સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.
આમીર ખાન: ફિલ્મોદ્યોગના એક અત્યંત શક્તિશાળી - વગદાર અને અત્યંત વ્યસ્ત ખાન હોવા છતાં આમીર ખાન પાણી ફાઉન્ડેશન સાથે અત્યંત નિકટનો સંબંધ રાખે છે. આ એક એનજીઓ છે જે મહારાષ્ટ્રમાં દુષ્કાળ વ્યવસ્થાપનનું કાર્ય કરે છે. આ અભિનેતા લોકોને ગામમાં જઈ એક સ્વયંસેવક તરીકે કામ કરવા અને શ્રમદાન કરવાની સલાહ આપે છે.
'દાયકાઓથી આપણે નિસર્ગનું શોષણ કરીએ છીએ અને હવે સમય આવી ગયો છે કે આપણે પર્યાવરણનું જતન કરવાનું છે અને હવે તેને વધુ નુકસાન નહીં થાય એ માટે સર્વોત્તમ પ્રયાસ કરવાના છે. અત્યાર સુધીમાં જે નુકસાન થયું છે, તેને આપણે જ ભરપાઈ કરવાનું છે, એમ કહી આમીર ખાન કહે છે કે મહારાષ્ટ્ર દર વર્ષે દુષ્કાળનો ભોગ બને છે.
'આ રાજ્યના એવા સંખ્યાબંધ વિસ્તારો છે જ્યાં ભાગ્યે જ વરસાદ પડે છે. આપણે ૬ થી ૮ મહિના સંશોધન કરવાનું છે અને પછી ગામમાં જઈ તેમની કંઈ કંઈ સમસ્યા છે, એ જાણી તેને દૂર કરવાના પ્રયત્નો શરૂ કરવાના છે. ભૂગર્ભમાં જળના સ્તરમાં સુધારો થાય એ માટે પાણી કટોકટી માટે આપણે વોટરશેડ મેનેજમેન્ટ પધ્ધતિ અપનાવવાની જરૂર છે. 'સત્યમેવ જયતે'ની આખી ટીમ પાણી ફાઉન્ડેશનનો હિસ્સો બની છે, એમ આમીર ખાને જણાવ્યું હતું.
કાજોલ: પર્યાવરણ સમસ્યાના મુદ્દે જાગરુકતા પ્રસરાવવાની જવાબદારી અભિનેત્રી કાજોલ અને તેની બહેન તનીષાએ લીધી છે. શહેરમાં તનીષાની વૃક્ષારોપણ ઝુંબેશમાં કાજોલ અને તેની માતા તનુજાએ હિસ્સો લીધો હતો.
'મેં ક્યાંક વાંચ્યું છે કે એક માનવી સાત વૃક્ષોની સમાન છે. આપણે પૃથ્વીના ઋણી છીએ. તમે તમારા ઘર આંગણે વૃક્ષ રોપી શકતા ન હોતો તમે બહાર નીકળો અને જુઓ કે તમે કયા સ્થળે વૃક્ષ વાવી શકો છો. ત્યાં જઈ વૃક્ષ વાવો. તમે આ સુંદર લાઈન ક્યાંક વાંચી જ હશે.
'જો વૃક્ષો વાઈફાઈ હોત તો દરેક વ્યક્તિ તેને ડાબે, જમણે કે મધ્યમમાં ગોઠવવાનો પ્રયત્ન કરત. આપણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ તથા તેની અસર વિશે તો વાંચ્યું જ હશે અને આપણને જ્યારે વધુ વૃક્ષો વાવવામાં સહાયભૂત થવાની તક મળતી હોય તો આપણે તેને શા માટે ગુમાવવી જોઈએ. આપણે વૃક્ષો વાવવા જોઈએ,' એમ કાજોલે જણાવ્યું હતું.
શ્રધ્ધા કપૂર: શ્રધ્ધા કપૂર ભલે તેની વ્યવસાયિક પ્રતિબધ્ધતામાં વ્યસ્ત હશે, પણ આરે કોલોનીમાં વૃક્ષો કાપવાની વિરુધ્ધ આવીને ઉભી રહી તેણે સારી એવી પ્રશંસા મેળવી છે.
'આપણે નથી ઈચ્છતાં કે આટલા બધા વૃક્ષોને કાપી નાખવામાં આવે. આ સમસ્યાનું નિરાકરણ લાવી શકે અથવા તો આનો કોઈ વિકલ્પ શોધી શકે એવા યોગ્ય સત્તાવાળાઓ સુધી આપણો અવાજ પહોંચવો જોઈએ. લોકોએ મને કહ્યું કે અમે આચળવળના ભાગ બન્યા એનો અમને આનંદ છે. અને મેં એમને જણાવ્યું છે કે આ માટે સમયની જરૂર છે, પણ આમાં કંઈ ખાસ નથી.
અમે કંઈક કરવા ઈચ્છીએ છીએ. હું નથી માનતી કે આ કોઈ મોટી કામગીરી છે. આ એક અત્યંત સામાન્ય બાબત છે, જે આપણે બધા જ કરી શકીએ છીએ. ' એમ શ્રધ્ધા કપૂર આ મુદ્દે કહે છે. 'દરેક દિવસે મને વધુ કંઈક કરવું જોેઈએ, એવું મને લાગે છે.
કોઈ પણ આવીને પર્યાવરણમં ફેરફાર થાય એવું કંઈક કરે એવું નથી માનતી કેમ કે આપણને આની અત્યંત જરૂર છે અને આજની જરૂરિયાત છે. આપણો અવાજ છે અને એક સાચા કારણ માટે આપણે તેનો ઉપયોગ કરવાનો છે. હું અંગત રીતે એવું માનું છે કે હું ઘણું કરી શકું છું? પછી ભલેને તે પર્યાવરણ માટે કેમ ન હોય? આટલું જ નહીં તે માનવ અધિકાર મહિલાના અધિકાર કે પ્રાણીઓના અધિકાર માટે પણ કેમ ન હોય? આટલામાં જ કંઈ આ પૂરતું નથી અને આપણે બધાએ આ માટે પ્રયાસ કરવાનો છે, ભલે ને તે નાનો ટુકડો કેમ ન હોય?' એમ શ્રધ્ધા કપૂરે ઉમેર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30ZWnO4
ConversionConversion EmoticonEmoticon