સ્માઇલી સુરી છૂટાછેડા પછી પણ ફરીથી સ્માઇલ કરવા તૈયાર


છૂટાછેડાને કારણે સ્માઇલીના મનમાં કોઇ કડવાશ પેદા નથી થઇ. તે કહે છે કે હું હજી પણ પ્રેમ અને લગ્ન સંસ્થામાં માનું છું. લગ્ન સંસ્થામાંથી મારો વિશ્વાસ ઉઠી નથી ગયો. 

છેલ્લા ત્રણેક વર્ષમાં સ્માઇલી સુરીના જીવનમાં ઘણું બધું બની ગયું છે. 'કલયુગ'થી નામદામ કમાવનાર આ અદાકારાએ વર્ષ ૨૦૧૪માં કોરિયોગ્રાફર વિનિત બંગેરા સાથે વિવાહ કર્યાં હતાં. પરંતુ  બંને વચ્ચે મેળ ન પડતાં ૨૦૧૬ની સાલમાં તેઓ છૂટાં પડી ગયાં હતાં. અને તાજેતરમાં બેઉના છૂટાછેડા થઇ ગયાં છે. અલબત્ત, આ સમયગાળો સ્માઇલી માટે  બહુ કપરો હતો. આમ  છતાં હવે તેણે પોતાની જાતને સંભાળી લીધી છે. અને હવે તે બહુ ખુશ છે.તે માને છે કે તેના જીવનમાં હજી ઘણી ખુશી આવવાની  બાકી છે. હમણાં તે આયખાનો શ્રેષ્ઠ તબક્કો માણી રહી છે. 

પોતાના મુશ્કેલ સમયને સંભારતા તે કહે  છે કે વિનિત મારો  સાલસા ડાન્સ ટીચર હતો. અને  ડાન્સ ટીચર સાથે પ્રેમમાં પડી જવું બહુ સહજ હતું. આ પ્રકારના ડાન્સમાં જે નિકટતા આવે છે તેને કારણે બે યુવાન હૈયા પોતાને સંભાળી નથી શક્તાં. અને ગાઢ સંબંધમાં બંધાઇ જાય છે. અમારી સાથે પણ કાંઇક આવું જ થયું. અમારો ડાન્સ પ્રત્યેનો લગાવ એકસમાન છે. પરંતુ અમે અમારા નૃત્યપ્રેમ અને નિકટતાને મોહબ્બત સમજી બેઠાં. અમારા વિવાહ પછી અમને એ વાતની અનુભૂતિ થઇ કે આ વાત ખોટી હતી.

લગ્ન કરવાનો અમારો નિર્ણય ખોટો ઠર્યો. અમારી પશ્ચાદ્ભૂ અને જીવન પ્રત્યેના અભિગમ તદ્ન વેગળાં હતાં. આમ છતાં મેં મારા વિવાહને બચાવવાના પ્રયાસોમાં જરાય કચાશ નહોતી રાખી. પરંતુ બધું એળે ગયું. મારા ભાઇ મોહિત સુરી, પિતરાઇ ઇમરાન હાશ્મી અને તેની પત્ની પરવીન, મારા આંટી કુમકુમ સાયગલ સહિત સમગ્ર કુટુંબે અમારું વિવાહિત જીવન ટકી રહે તેના બનતાં પ્રયાસો કરી જોયા.

પરંતુ તેમને પણ એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે અમારી વચ્ચે એટલી ઊંડી ખાઇ સર્જાઇ છે જેને ભરવી શક્ય નથી. છેવટે તેમણે જ મને છૂટાછેડા  સુધીનો મુશ્કેલ તબક્કો પસાર  કરવાની હિમ્મત આપી.  વિનિત વર્ષ ૨૦૧૬ના ડિસેમ્બર મહિનામાં મને છોડીને જતો રહ્યો હતો તે ક્યારેય પાછો ન ફર્યો. મને લાગે છે કે વિનિતને મારાથી પહેલા એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે અમારું લગ્નજીવન લાંબુ નહીં ટકે. અમારી વચ્ચે ક્યારેય મેળ નહીં બેસે. 

અભિનેત્રી વધુમાં કહે છે કે  તે દિવસ પછી મને છૂટાછેડાની ડીક્રી મળી ત્યારે જ હું તેને મળી હતી. અમે એકમેક સાથે વાત પણ નહોતી કરી. આમ છતાં હું તેના માટે સૌ સારાંવાના થાય એવી શુભકામના કરુંંં છું.હું ઇચ્છું છું કે અમે અમારી વચ્ચેના મતભેદો ભૂલીને કોઇક વખત  ફરીથી સાથે ડાન્સ કરીએ.હવે  હું તેની સાથેે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા માગું છું.

મહત્વની વાત એ છે કે છૂટાછેડાને કારણે સ્માઇલીના મનમાં કોઇ કડવાશ પેદા નથી થઇ. તે કહે છે કે હું હજી પણ પ્રેમ અને લગ્ન સંસ્થામાં માનું છું. મારા લગ્ન પડી ભાંગ્યા તેને કારણે લગ્ન સંસ્થામાંથી મારો વિશ્વાસ ઉઠી નથી ગયો. હું માનું છું કે આજની તારીખમાં કોઇપણ સંબંધમાં ખાતરી નથી હોતી.

આજે હું વિનિતની આભારી છું કે તેને કારણે મને મુશ્કેલ સંજોગોનો સામનો કરવાનું બળ મળ્યું. જોકે અમે અલગ રહેતાં હતાં ત્યારે મને ડિપ્રેશન આવી ગયું હતું.હું  સાવ પડી ભાંગી હતી. મારું વજન એકદમ  ઘટી ગયું હતું.પરંતુ હવે હું હળવી થઇ ગઇ છું. મને એમ લાગે છે કે મારો નવો અવતાર થયો છે. જોકે હું હજી પણ મારા મનમગજને થોડો આરામ આપવા માગું છું. હું એકલી એકલી પણ ખુશ રહેવા લાગી છું.

જોકે ડિપ્રેશનમાંથી બહાર આવવામાં પોલ ડાન્સને કારણેેે અભિનેત્રીને ઘણી મદદ મળી. તે કહે છે કે હું પોલ ડાન્સર અને હવે ટ્રેનર પણ છું. હવે હું અભિનય કારકિર્દીને નવેસરથી ઘડવા માગું છું.તે વધુમાં કહે છે કે 'કલયુગ'ને અપ્રતિમ સફળતા મળી તોય મને તેનો લાભ લેતાં ન આવડયું. આ પ્રોજેક્ટ બોલ્ડ હતો તેથી ઘણી અભિનેત્રીઓએ તેમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

પરંતુ હું ઓેડિશનમાંથી સારી રીતે પસાર થઇ ગઇ હતી. મેં ક્યારેય મારા ભાઇ મોહિત સુરી પાસેથી પણ કામ ન માગ્યું.મને મારી સફળતાનો લાભ લેતાં ન આવડયું. પણ હવે હું આગળ વધવા માગું છું. હું મારું ગુમાવેલું વજન પણ પાછું મેળવવા ઇચ્છું છું. મને સાઇઝ ઝીરોની કોઇ અબળખા નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30ZWol6
Previous
Next Post »