રામાયણ ધ લેજન્ડ ઓફ પ્રિન્સ રામ ફિલ્મની હોલિવુડે સૌથી વધુ કોપી કરી


રામના અવાજમાં અરૂન ગોવિલ અને શત્રુધ્ન સિંહા નેરેટર બન્યા હતા. એવું તે શું હતું આ ફિલ્મમાં કે જેની હોલિવુડે અસંખ્ય વખત કોપી કરી અને કોઈનું ધ્યાન સુદ્ધા ન ગયું ? 

વર્ષ ૧૯૯૨નો એ સમયગાળો હતો. એક છોકરો થીએટરમાં ફિલ્મ જોતો હતો. ફિલ્મ ભારતના મહાકાવ્ય રામાયણ પર આધારિત હતી. એનિમેશન ફિલ્મ હતી. ફિલ્મ જોયા બાદ તે અભિભૂત થઈ ગયો. રામાયણની કથા તો તે વાંચી શકેત પણ કથા કરતા તેણે એનિમેશનમાં દર્શાવવામાં આવેલા પાત્રોની ડાયરેક્ટર દ્વારા કરવામાં આવેલી કલ્પના જોઈ મંત્રમુગ્ધ થઈ ગયો. ડાયરેક્ટરે એ ફિલ્મમાં રાક્ષસ રાજા રાવણના અસૂરોને જે રીતે બનાવ્યા હતા તેવું અગાઊ બોલિવુડ તો ઠીક હવે... પણ હોલિવુડે પણ નહોતા જોયા. છોકરાનાં મનમાં એ બીજ રોપાય ગયું. દબાયેલી પ્રેરણા વર્ષો બાદ સ્પ્રિંગની જેમ ઉછળીને નીકળે છે. તેમ છોકરો પણ ભવિષ્યમાં ડાયરેક્ટર બન્યો. અદ્દલ રામાયણમાં જે રાક્ષસો હતા તેવા જ વિલનો તેણે પોતાની સાયન્સ ફિક્શન ફિલ્મમાં બનાવ્યા. ૨૦૧૭માં રિલીઝ થયેલી એ ફિલ્મનું નામ હતું જસ્ટીસ લિગ. અને ડાયરેક્ટરનું નામ હતું જેક સ્નિડર.

ભારતમાં રામાયણ શબ્દનો ઉલ્લેખ આવે એટલે તુલસીદાસ કે વાલ્મિકી કરતા રામાનંદ સાગરનું ચિત્ર સૌ પ્રથમ ઉભરી આવે છે. જો કે એ પછી ૧૯૯૨ની સાલમાં ભારતમાં હિન્દીમાં રામાયણ ફિલ્મ રિલીઝ થઈ હતી. બિગ બજેટ એવી એનિમેશન ફિલ્મના ડાયરેક્ટર યુગો સાકો હતા. ઈન્ડો-જાપાન ટ્રેડિશનની આ ફિલ્મનું બજેટ ૧૩ મિલિયન હતું. ફિલ્મને અંગ્રેજી અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવી હતી. રાવણના અવાજમાં અમરીશ પુરીએ જીવ રેડી દીધો હતો. રામના અવાજમાં અરૂન ગોવિલ અને શત્રુધ્ન સિંહા નેરેટર બન્યા હતા. એવું તે શું હતું આ ફિલ્મમાં કે જેની હોલિવુડે અસંખ્ય વખત કોપી કરી અને કોઈનું ધ્યાન સુદ્ધા ન ગયું ? 

કહાની
રામાયણની સ્ટોરી દરેક વ્યક્તિને ખબર છે. યુગો સાકોએ ફિલ્મની વાર્તા રામને કેન્દ્ર સ્થાને રાખી દર્શાવી હતી. રામે તાડકાનો વધ કર્યો અને બાદમાં શિવના ધનુષને તોડી સીતા સાથે વિવાહ કર્યા. જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે કૈકેયે દશરથ પાસેથી વરદાન માગ્યા જેમાં ભરતને રાજગદ્દી અને રામને ચૌદ વર્ષનો વનવાસ આવ્યો. રામ માતા અને પિતાની આજ્ઞાા માની ચાલ્યા ગયા. રાવણની બહેન શૂપર્ણખાનું નાક કાપવામાં આવ્યું. બદલામાં રાવણે સીતાનું અપહરણ કર્યું. ત્યાંથી કથા જમ્પ થઈ સીધી વાનરસેના પાસે આવી ગઈ. યુદ્ધ કર્યું અને રાવણને હણી નાખ્યો. 

બેસ્ટ એનિમેશન
કથા તો દરેક વ્યક્તિને ખ્યાલ છે. પણ યુગો સાકોએ જે રીતે એનિમેશનને ઘાટ આપ્યો છે તેવો ભવિષ્યમાં ભારતની એક પણ એનિમેશનમાં જોવા ન મળ્યો. અગાઊ ઈન્ડો-જાપાન ટ્રેડિશન એનિમેશનની વાત કરી હતી. આ પ્રકારના એનિમેશનનો અર્થ થાય છે હાથ દ્વારા કરવામાં આવેલી કારીગરી.

જેમાં ચિત્રો દોરવાના હોય છે. સત્યજીત રે એનિમેશન ફિલ્મો બનાવતા ન હતા, આમ છતાં તેઓ દરેક ફિલ્મ માટે ચિત્ર દોરતા હતા. એ જ રીતે યુગો સાકોના ટ્રેડિશન એનિમેશનમાં એક બાદ એક જેમ કોઈ ફ્રેમ હોય તેમ ચિત્રો દોરવામાં આવ્યા અને પાત્રોને ઉપસાવ્યા.

એનિમેશન દ્વારા જેટલા પણ પાત્રો તૈયાર કરવામાં આવ્યા છે તે ત્રણ કલરમાં જ દેખાય છે. રામ સહિતના મોટાભાગના પાત્રો પીળા, રાક્ષસો લીલા, વાનરસેના સફેદ અને લીલી, રાવણ આછા પોપટીયા રંગનો. જેથી રંગો પર વધારે પડતું ફોકસ કરવાનું રહેતું નથી. રામાયણ ઉત્તરમાં બનેલી કથા છે જે દક્ષિણ તરફ લઈ જાય છે. અયોધ્યાથી શ્રીલંકા સુધીની જર્ની. જેનું યુગો સાકોએ દોરેલું ઘટાદાર જંગલ તમને એ સમયના દર્શન કરાવશે.

યુગો સાકોને ફિલ્મની સ્ટોરી પસંદ આવી હતી. પણ આકયોલોજીસ્ટ બી.બી.લાલ સાથે મુલાકાત કર્યા બાદ તેમણે જાપાનીઝ ભાષામાં રામાયણના અલગ અલગ દસ વર્ઝન વાંચ્યા જે પછી તેમને ફિલ્મ બનાવવાનું અનુકૂળ લાગ્યું. ઉપરથી ફિલ્મની કથા રસપ્રદ છતાં એટલી લાંબી હતી કે તેમણે સ્ક્રિપ્ટમાં તેનું બારીકાઈથી એડિટીંગ કરી બાકીની મેદસ્વિતા કોરાણે મુકી એ જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જ્યાં રામ એક યૌદ્ધા તરીકે ઉભરી આવે છે. તેમણે રામમાં બહાદુરીની સાથે સાથે સૌમ્ય મિજાજનો એનિમેશન રંગ ભર્યો. 

કઈ ફિલ્મોએ કોપી કરી ?  
જસ્ટીસ લીગના દાનવો બનાવતા પહેલા ખૂદ જેક સ્નિડરે બનાવેલી ૩૦૦ ફિલ્મનું એક દ્રશ્ય કોપી હતું. એક તરફ રામની સેના હુંકાર ભરે છે અને એક તરફ ૩૦૦ના લીડ સ્ટાર જેરાલ્ડ બટલરની સેના. એકદમ ડિટ્ટો કોપી જ લાગે. હેરી પોટર એન્ડ ધ ગોબલેટ ઓફ ફાયરની ઉડતી ઘોડાગાડી પણ યુગો સાકોની હિન્દી રામાયણની જ કોપી હતી. 

ફિલ્મમાં દર્શાવવામાં આવેલું હનુમાન અને કુંભકર્ણનું યુદ્ધ ભવિષ્યમાં અવેન્જર્સ એજ ઓફ અલ્ટ્રોનમાં પણ કોપી થશે તેવું કોણે વિચાર્યું હતું. ઉપરથી એ જ સીન બાદમાં ટારઝન ફિલ્મમાં પણ આવ્યો. આવી તો અઢળક ફિલ્મો છે જે રામાયણમાંથી હોલિવુડમાં ચાલી ગઈ અને કોઈને ખબર પણ ન પડી. 

સંગીત 
ફિલ્મનું સંગીત વનરાજ ભાટિયાએ આપ્યું હતું. ફિલ્મમાં લાંબા ત્રણ ગીત છે. એક રામ અને સીતાના પ્રેમનું. બીજું હનુમાન જ્યારે સીતાને પ્રથમ વખત મળવા જાય છે ત્યારે આવતું જનની મૈં રામ દૂત હનુમાન અને ત્રીજું ગીત કોરસ દ્વારા ગવાયેલું શ્રી રઘુવીર કી વાનરસેના સેતુ બાંધ રહી. ત્રણે ગીતો ફિલ્મની સ્ટોરીને આગળ ધપાવવા માટે છે. ગીતો માત્ર નામ ખાતર નથી પણ ગીતમાં કહાનીને વણી લઈ દ્રશ્યને ધક્કો મારવામાં આવ્યો છે. જેથી કરી ફિલ્મની લંબાઈમાં થતો ખર્ચ પણ ઘટી જાય અને કોઈને ખ્યાલ પણ ન આવે. 

સર્વશ્રેષ્ઠ યુદ્ધ
આ ફિલ્મ કાર્ટૂન ચેનલો પર સૌથી વધારે પ્રસારિત થઈ હતી. ૮ વર્ષ બાદ એક મોટા પ્રિમિયર પર રિલીઝ થયા પછી ફિલ્મ ખોવાઈ ગઈ. ન તો કોઈ પાત્ર યાદ રહ્યા ન તો જાપાનનો યુગો સાકો ડાયરેક્ટર જેણે હિન્દીમાં રામાયણ બનાવી હતી. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેના યુદ્ધના સીન હતા. પાવરફુલ વોરસીન સાથે શાંતિનો સંદેશો પણ હતો. દાનવ પણ મૃત્યું પામ્યા છે અને રામની વાનરસેના પણ ત્યારે રામ બનતા અરૂણ ગોવિલના મુખે સંવાદ આવે છે, 'વ્યક્તિ જ્યાં સુધી જીવીત હોય છે ત્યાં સુધી જ આપણો શત્રુ હોય છે. મૃત્યું બાદ નથી હોતો, જેથી તમામ લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે.'

યુગો સાકોના હનુમાનમાં બુદ્ધિચાતુર્ય ભરેલું છે. આપણે ત્યાં રામાયણમાં એવું દર્શાવવામાં આવે છે કે હનુમાનને ખ્યાલ નહોતો કે સંજીવની જડીબુટી કઈ છે ? એટલે આખો પર્વત ઉઠાવી લાવ્યા. પણ ના, સંજીવની બુટી કોઈ પણ ઘા મટાડી શકતી હોવાથી હનુમાન આખો પર્વત ઉઠાવી લાવ્યા. તે ભારે રિસર્ચ કર્યા બાદ યુગો સાકોએ દર્શાવ્યું છે. ઉપરથી હનુમાન એક વૃક્ષના ટુકડા કરી પર્વત પર લગાવે છે જેથી ભૂલાય ન જાય કે સંજીવની બુટી આટલા વિશાળ પર્વતમાં કઈ જગ્યાએ છે. 

ફિલ્મના યુદ્ધના સ્ટાટગ સીનમાં કુંભકર્ણના દિકરા કુંભ અને નિકુંભની સુગ્રીવ સાથે લડાઈ જોઈ કોઈ રિયલ એક્શન ફિલ્મ ભૂલી જશો. યુગો સાકો યુદ્ધના સીનમાં જાપાનીઝ સ્ટાઈલ માર્શલ આર્ટસમાં ખોવાઈ ગયા હોય તેવું લાગશે. એક વખત અચૂક જોયા જેવી ફિલ્મ. 

- મયૂર ખાવડુ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vv6r0x
Previous
Next Post »