ભગવાન શ્રીકૃષ્ણની ગોપીઓ સાથે રમાયેલી રાસલીલાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાાનિક રહસ્ય


કૃષ્ણ પરબ્રહ્મના અંશરૂપ આત્મા છે અને ગોપીઓ ઈન્દ્રિયોની બહુરૂપી વૃત્તિઓ છે. ઈન્દ્રિયો મન અને આત્મા સાથે સંલગ્ન છે તેમ ગોપીઓ સદા કૃષ્ણ તરફ ગતિ કરે છે 

ભગવાન શ્રીકૃષ્ણની લીલાના રહસ્યને સમજવું સહેલું નથી. એમાંય રાસલીલા તો અતિ ગૂઢ છે. ભગવાન શ્રીકૃષ્ણે આ રાસલીલા અઘટિત-ઘટના-પટીયસી યોગમાયા દ્વારા સંપન્ન કરી. ભગવાનની ત્રણ મુખ્ય શક્તિ છે - ૧ ચિત્ શક્તિ ૨ બહિરંગા શક્તિ ૩ જીવશક્તિ. ચિત્ શક્તિનું નામ પરાશક્તિ પણ છે. આ પરાશક્તિ 'યોગમાયા' નામથી પ્રસિદ્ધ છે. જેમ સૂર્ય એના કિરણોથી પૃથક્ નથી તેમ આ યોગમાયા શક્તિ પણ ભગવાનથી પૃથક્ નથી. બહિરંગા શક્તિનું નામ અવિદ્યા, અજ્ઞાાન કે સામાન્ય માયા છે.

બહિરંગા શક્તિના બે કાર્યો છે - ગુણમાયા અને જીવમાયા સર્જવી. ગુણમાયા સૃષ્ટિનું સર્જન-વિસર્જન વગેરે કરે છે. જીવમાયા અનંત જીવોનું વિમોહન કરે છે. ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલા સાથે 'યોગમાયા'નો સંબંધ છે. રાસલીલા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણની પરાશક્તિ કે ચિત્ શક્તિનો આવિર્ભાવ છે.

શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધના અઠ્ઠાવીસમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ શ્રીનંદરાયજીને વરુણલોકમાંથી પાછા લઈ આવે છે. નંદરાયજી દ્વારા અલૌક્કિ વરુણલોકનું વર્ણન સાંભળી બધાના મનમાં ભગવાનના નિજ ગોલોકધામને જોવાની ઈચ્છા થાય છે. ભગવાન એમની યોગસિદ્ધિ દ્વારા એમને તમસ્થી પર આવેલા ગોલોકના દર્શન કરાવે છે. યોગમાયા દ્વારા એમને બ્રહ્મહાદમાં લઈ જાય છે અને ત્યાં ગોપસમુદાય એ બ્રહ્મલોકના દર્શન કરે છે. જેને અક્રૂરજીએ પણ નિહાળ્યો હતો. ગોપ લોકોએ ત્યાં વેદની ઋચાઓને સાકાર રૂપે પ્રકટ થઈ ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરતી નીરખી હતી. ત્યાં તેમને પરમ આનંદ અને શાંતિની અનુભૂતિ થઈ હતી.

અઠ્ઠાવીસમો અધ્યાય ત્યાં પૂરો થઈ જાય છે પણ વિષય પૂરો થતો નથી. ભગવાન વેદવ્યાસને આ અદ્ભુત દિવ્ય દર્શન માત્ર ત્રણ શ્લોકોમાં પૂરું કરી દેવામાં તૃપ્તિ થતી નથી. આ બ્રહ્મલોકની અથવા ગોલોકની ઉત્તમોત્તમ રાસલીલાનું વર્ણન આ પ્રસંગના સંબંધમાં જ કરવામાં આવ્યું છે. એટલા જ માટે ઓગનત્રીસમો અધ્યાય પૂર્વ પ્રસંગના અનુસંધાનમાં આ રીતે શરૂ થાય છે - 'ભગવાનચિ તા રાત્રીઃ શરદોત્ફુલ્લ મલ્લિકાઃ । વીક્ષ્ય રન્તુ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ ।। હવે શરદ ઋતુમાં પણ મોગરાના પુષ્પ જેમાં ખીલેલા હતા તે પોતે જણાવેલી રાત્રિઓને જોઈ યોગમાયાનો આશ્રય કરી ભગવાન શ્રીકૃષ્ણે રમણ કરવાનો સંકલ્પ કર્યો.' આમાં 'અપિ (પણ)' અને 'તા રાત્રીઃ' શબ્દો પૂર્વ પ્રસંગના સંદર્ભે વપરાયા છે. અહીં શરદપૂનમની એક રાત નહીં, પણ અનંત બ્રહ્મરાત્રીઓ એવો એકવચન નહીં, બહુવચનનો પ્રયોગ છે.

યોગમાયાના આશ્રય દ્વારા યોગમાયિક સ્વપ્નવત્ ચિદ્ વિચાર - કલ્પનમાં ભગવાન સ્વ. શક્તિરૂપ ગોપીઓ સાથે રમણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ માટે અહીં યોગેશ્વરેશ્વર (યોગના ઈશ્વરના ઈશ્વર) તરીકે ઓળખાવાયા છે. શ્રીમદ્ ભાગવતના તેત્રીસમા અધ્યાયના સત્તરમા શ્લોકમાં કહેવાયું છે - રેમે રમેશો વ્રજસુંદરીભિઃ યથાર્ભકઃ સ્વપ્રતિબિંબવિભ્રમઃ ।। જેમ બાળક પોતાના પ્રતિબિંબ સાથે રમે તેમ વ્રજસુંદરીઓ સાથે લક્ષ્મીપતિ (વિષ્ણુ કૃષ્ણરૂપે) રાસ રમવા લાગ્યા.

રાસ એ યોગની એક અગોચર અનુભૂતિ છે. અનાહત નાદ ભગવાન શ્રીકૃષ્ણનો બંસીરવ (વેણુનાદ) છે. અનેક નાડીઓ એ ગોપીઓ છે. કુલ કુંડલિની જ રાધા છે. મસ્તિષ્કનું સહસ્ત્ર દલ કમળ એ સુરમ્ય વૃંદાવન છે જ્યાં આત્મા અને પરમાત્માનું સંમિલન થાય છે. ત્યાં પહોંચીને પરમ આનંદરૂપ, ઈશ્વરીય વિભૂતિ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જીવાત્માની તમામ શક્તિઓ (ગોપિકાઓ) સુરમ્ય રાસ રચીને નૃત્ય કરે છે. રાસપંચાધ્યાયી સમાધિ ભાષામાં લખવામાં આવી છે.

સમાધિ એ યોગની જ એક ઉચ્ચ સ્થિતિ છે. દશમ સ્કંધના બત્રીસમા અધ્યાયના આઠમા શ્લોકમાં કહેવાયું છે - 'તં કાચિન્નેત્રરન્ધ્રેણ હાદિકૃત્ય નિમીલ્ય ચ । પુલકાઙ્ગ્યુપગુહયાસ્તે યોગીવાનંદ સમ્પ્લુતા ।। ગોપી પોતાના નેત્રદ્વારથી ભગવાનને હૃદયમાં સ્થાપિત કરી યોગીની જેમ આનંદ સમુદ્રમાં ડૂબી હૃદયમાં તેમના મિલનથી રોમાંચ અનુભવવા લાગી.' અહીં ગોપીને યોગીની ઉપમા જ આપવામાં આવી છે !

ભૌતિક વિજ્ઞાાન કહે છે કે વિશ્વમાં ગતિ જ મુખ્ય છે. આ ગતિ (motion)  અને સ્પંદન (vibration) નિયમબદ્ધ હોય છે. આ નિયમબદ્ધ ગતિથી વિશ્વના ઉત્પત્તિ અને લય, આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. આ નિયમબદ્ધ ગતિને આપણે ભગવાન શ્રીકૃષ્ણનો રાસ કહી શકીએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણ પરમ પ્રેમમય અલૌકિક આકર્ષણનું કેન્દ્ર છે. કૃષ્ણ શબ્દનો કૃષ્ - (કર્ષતિ-આકર્ષે છે તે) આ બાબતનો દ્યાતક છે.

સૂર્ય, ગ્રહમંડળ વગેરે દરેક વસ્તુના પરમાણુ હમેશાં પોતાના મધ્યકેન્દ્રમાં ફર્યા કરે છે અને ગુરુત્વાકર્ષણથી એના સામર્થ્યનો મહિમા પ્રકટ થતો રહે છે. આમ, સૂક્ષ્મ પરમાણુઓના પ્રેમ સમર્પણને કારણે બૃહત્-સામર્થ્ય-કેન્દ્ર-બિંદુ એમને પોતાના તરફ આકર્ષિત કરીને પોતાની સાથે લઈને ફર્યા કરે છે. ગોપીઓ કૃષ્ણ તરફ આકૃષ્ટ થઈને વર્તુળાકારે રાસ રૂપે નૃત્ય કરે છે તે આ જ તથ્યનું રૂપકાત્મક નિરુપણ છે.

૧૯૩૩માં જેમને ભૌતિક વિજ્ઞાાનનું નોબલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું હતું તે ભૌતિક વિજ્ઞાાની ઈરવિન શ્રોડિન્જરે વિશ્લેષણ કરેલા હાઈડ્રોજનના એક અણુમાં રહેલા એક માત્ર ઈલેક્ટ્રોનના ઊભા તરંગોની ભાત (સ્ટેન્ડિંગ વેવ પેટર્ન) ની જુદી જુદી અવસ્થાના સંભવિત ઘનતા વર્ગીકરણથી ઊભાં થતાં અગણિત યાંત્રિક આભાસી રૂપો દર્શાવ્યા હતા.

એમાં કેટલાક વર્તુળાકાર તો કેટલાક મંડલાકાર દ્રશ્યમાન થતા હતા. એ ફોટોગ્રાફમાં દેખાતો ઉજ્જ્વળ ભાગ ઈલેકટ્રોન ત્યાં હોવાની સંભાવના અને કાળો ભાગ ત્યાં ન હોવાની સંભાવના દર્શાવતો હતો. ઈલેક્ટ્રોન તેની કક્ષામાં પરિભ્રમણ કરતાં કરતાં કેવું રૂપ કે આકૃતિ ધારણ કરશે તેની અનંત સંભાવનાઓ છે. આખી પેટર્ન આપેલી કોઈ પળે ઈલેક્ટ્રોનના સ્થિતિ-સ્થાનની અવસ્થા દર્શાવે છે જે બીજી પળે સાવ જ બદલાઈ શકે છે.

ભૌતિક વિજ્ઞાાનના કર્વાન્ટમ મિકેનિકસનો આ સિદ્ધાંત રાસલીલાના રહસ્ય સાથે સંકળાયેલો છે. વર્તુળાકારે કે વિવિધ મંડલાકારે રાસના નૃત્યમાં ઘૂમતા પર બ્રહ્મા શ્રીકૃષ્ણ અને સદા તેમના તરફ આકૃષ્ટ રહેતી ગોપીઓ પારમાણ્વિક પ્રક્રિયાનું પ્રતીકાત્મક રૂપ છે. રાસમાં છે ગતિ, ચિત્ શક્તિના સતત બદલાતા રૂપો અને આત્મ-ચૈતન્યથી સર્જાયેલ અસ્તિત્વગત સર્વૈકય બોધથી આવિર્ભાવ પામતો આનંદ રસનો અનર્ગળ અનુભવઃ 'રસાનાં સમૂહઃ ઈતિ રાસઃ - રસોનો સમૂહ એટલે જ રાસ'. કૃષ્ણ પરબ્રહ્મના અંશરૂપ આત્મા છે અને ગોપીઓ ઈન્દ્રિયોની બહુરૂપી વૃત્તિઓ છે.

ઈન્દ્રિયો મન અને આત્મા સાથે સંલગ્ન છે તેમ ગોપીઓ સદા કૃષ્ણ તરફ ગતિ કરે છે અને સંલગ્ન થાય છે. સંસ્કૃતમાં 'ગો' શબ્દનો અર્થ ઈન્દ્રિયો જ થાય છે. ગોપીની વ્યાખ્યા છે - ગોભિઃ ઈન્દ્રિયૈઃ (ભક્તિ) રસં પીબતિ ઈતિ ગોપી - ઈન્દ્રિયોથી જે (પ્રેમ કે ભક્તિ) રસનું પાન કરે તેનું નામ ગોપી. બે-બે ગોપીઓની સાથે એક કૃષ્ણ એવા પ્રકારથી રાસનું નૃત્ય થાય છે. પ્રોટોન અને ન્યુટ્રોનની આસપાસ પરિભ્રમણ કરતો ઈલેક્ટ્રોન જ સમજો ને ! દરેક ગોપીને એમ લાગે કે શ્રીકૃષ્ણ તેની સાથે જ છે.

ભૌતિક વિજ્ઞાાની જેક સરફાત્તી અને બોબ ટોબેન એવું માને છે કે વિશ્વમાં માત્ર એક જ ઈલેકટ્રોન રહેલો હોય એવું સંભવ છે જે આકાશ-સમયના વિશ્વમાં સમયમાં પાછળની તરફ વિખેરાઈ 'એબ્સોલ્યુટ એલ્સવર'માં જઈ ત્યાંથી પાછો ફરી અનંત રૂપો ધારણ કરે છે. ગોપી એટલે પ્રાઈમોર્ડિઅલ પાર્ટિકલના પળે પળે પરિવર્તન પામતાં આભાસી રૂપો. શાસ્ત્રો કહે છે - 'સ્વમાત્ર બ્રહ્મ ગોપાયતિ આવૃહોતિ ઈતિ ગોપી માયા - પરબ્રહ્મ પર આવરણ કરીને તેને જુદી રીતે બતાવે તે માયા રૂપ ગોપી આમ રાસલીલા એટલે પરમાણુ ઊર્જા અને જીવ ચૈતન્યના બધા આયામોને રજૂ કરતું પરમ સત્યનું દર્શન છે.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OOgZWW
Previous
Next Post »