ચિત્તવૃત્તિની માલણ વાસનાનાં પુષ્પોની માળા ગૂંથે છે !


માનવી મનને વશ કરી શકે છે, પણ અફસોસ એ છે કે પોતાના મનને વશ કરવાનું કામ એટલે કે મનની સ્વવશતાનું બહુ ઓછા લોકો વિચારતા હોય છે

સંત કબીર એટલે સંત કબીર. કબીરની વાણીમાં એક એવું આકાશ નજરે પડે છે કે જ્યાં એકેય વાદળ ફરકતું ન હોય. એવા નિરભ્ર આકાશને જોનારા અને ગાનારા સંત કબીર છે. એ કોઇ ધર્મની કંઠી બાંધીને વાત કરતા નથી. કોઇ સંપ્રદાયના ચીલે ચાલતા નથી. કોઇ એક વિચારધારાને પકડીને ઉપદેશ આપતા નથી. કોઇ મહાપુરુષનાં વચનોને એ અનુસરતા નથી. એ તો પોતાના નિરભ્ર આકાશમાં વિહાર કરે છે અને એ આકાશ માનવીની માન્યતાઓ, વહેમો, પ્રથાઓ, રૂઢિઓ કે વૈચારિક બંધનોથી સર્વથા મુક્ત છે.

આથી જ સંત કબીરની વાણી સહુ કોઇને સ્પર્શી જાય છે. કારણ કે એ એક સંતની કશાય અભિનિવેશ વિના અને કોઇ મત-પંથ કે આગ્રહ વિના પ્રગટતી વાણી છે. એમાં પણ સંત કબીર એમની 'અવળવાણી'માં તો એવી કમાલ કરે છે કે જેને ઉકેલતા કબીરના અભ્યાસુ એવા આ લેખકનેે - પણ ઘણા સંદર્ભો ખોળવા પડે છે.

એમાંય સ્વવશતાનો સંત કબીરનો સિદ્ધાંત તો એવો અનોખો છે કે જે કદાચ વાચકોએ ભાગ્યે જ જાણ્યો હશે અને એથીય વિશેષ કબીર પંથના અનુયાયીઓ સિવાય ભાગ્યે જ કોઇએ આચરણમાં મૂક્યો હશે. સ્વવશતા એટલે પોતાના વશમાં હોવું. સંત કબીર આપણને સવાલ કરે છે કે તમે આ જીવન જીવો છો.

શરીર સાથે રહો છો અને મનથી વર્તો છો, પરંતુ ક્યારેય એ વિચાર કર્યો ખરો કે આમાંની એકેય બાબત તમને વશ નથી. એ વાત પણ સાચી છે કે શરીર બળનો યુવાનીમાં કેફ હોય છે, એ તમારા વશમાં નહીં હોવાથી પ્રૌઢાવસ્થા આવતા એ બળ ક્યાંય ચાલ્યું જાય છે. યુવાની રાખવાના માનવીના અનેકાનેક પ્રયત્નો છતાં એ પોતાની યુવાની જાળવી શકતો નથી. આવનારા બૂઢાપામાંથી ઊગરી શકતો નથી.

એ જ રીતે એનું મન જે ઇચ્છા કરે છે, એ ઇચ્છાઓને સાકાર કરવાનું પણ એના વશમાં હોતું નથી. મન વિચારે કે કોઇ બાહુબલી જેવું કે કુસ્તીબાજ રામમૂર્તિ જેવું કે બોક્સર મહમ્મદ અલી જેવું શરીર બનાવું, પરંતુ એ મનના વિચાર મનમાં જ રહી જાય છે. મન તો વિચારે છે કે મને આવો પુત્ર હોય તો કેવું સારું ! આવી પત્ની હોય તો કેવું સારું ! આવો પરિવાર હોય તો કેવું સારું, પરંતુ એ શક્ય બને છે ખરું ? મન જે 'સારું' વિચારતું હોય છે, એ સાચેસાચ બનતું નથી. મન ઇચ્છે કે આપણે જ્યાં જઇએ ત્યાં લોકો આપણો આદર કરે, સન્માન આપે, ફૂલહાર કરે અને પ્રશંસા કરે અને એથીય વિશેષ તો કોઇ આપણે વિશે ટિકા-ટીપ્પણ ન કરે, કોઇ આપણી નિંદા ન કરે કે કોઇ આપણા દોષ ન બતાવે. આવું બને છે ખરું ?

મનની આવી ઇચ્છા સફળ થાય છે ખરી ? જો શરીર અને મન પોતાના વશમાં ન હોય તો એનો અર્થ જ એ થયો કે કશું જ આપણા વશમાં નથી. ક્યાંય માનવી પાસે સ્વવશતા નથી અને પછી બને છે એવું કે એ શરીર અને મન બંનેને પોતાના વશમાં રાખવા પ્રયત્ન કરે છે, પરંતુ એ શક્ય નથી બનતું.

શરીર એનો ધર્મ બજાવે છે અને મન કેટલાય વિચારો, તરંગો, કલ્પનાઓ અને ઇચ્છાઓમાં ડૂબી જાય છે. હવે કરવું શું ? તો સંત કબીરના કહેવા મુજબ વ્યક્તિએ પોતાના મનને વશ કરવું જોઇએ. માનવી પાસે આ શક્તિ છે. એ મનને વશ કરી શકે છે, પણ અફસોસ એ છે કે પોતાના મનને વશ કરવાનું કામ એટલે કે મનની સ્વવશતાનું બહુ ઓછા લોકો વિચારતા હોય છે.

વળી જે વશ કરવાનો માનવી વિચાર કરે છે તે દુર્ભાગ્યે બહારની બાબતોને વશ કરવાનું વિચારતો હોય છે. એ બાહ્ય સિદ્ધિઓની પાછળ દોડે છે. સત્તાની પ્રાપ્તિની પાછળ દોડે છે પણ સવાલ એ છે કે આવી બાહ્ય બાબતો મળે, એનાથી કબીરના કહેવા મુજબ ક્યારેય કલ્યાણ સધાતું નથી અને વિષમ પરિસ્થિતિ તો એ છે કે વ્યક્તિ જીવનભર બહારની બાબતોનો જ વિચાર કરતો હોય છે. કદાચ એ વિચારે કે મારું શરીર અત્યંત બળવાન બની જાય કે કોઇ નારી વિચારે કે હું રૂપરૂપનો અંબાર બની જાઉં. પણ ત્યારે કબીરનો સવાલ એ છે કે આનાથી તમને મળે છે શું ?

એ કહે છે કે આનાથી વ્યક્તિનું કલ્યાણ થતું નથી. કલ્યાણ તો ત્યારે જ થાય કે જ્યારે એનું મન અને ઇન્દ્રિયો એના વશમાં હોય. જાનમાં આવેલા જાનૈયાઓ ગમે તેટલી પ્રશંસા કરે, તો પણ એનાથી આપણા અંતરાત્માને કોઇ શાંતિ નથી મળતી. કદાચ થોડી પ્રસન્નતા જાગે, પણ પૂર્ણ શાંતિ મળે નહીં. વળી એ જ મોહમાયા વધારવાનું કારણ બને છે અને આપણને દુઃખ આપે છે. આ  અનુકૂળતાઓ આપણે ધારીએ નહીં તે રીતે આપણને એના ગુલામ બનાવી દે છે. આથી જગતની તમામ સુખસુવિધા આપણને પ્રાપ્ત થાય, તો પણ આપણા આત્માનું કશું કલ્યાણ થતું નથી.

આ કલ્યાણ એટલે શું ? આપણા મનમાં કોઇ દ્વેષ, ખિન્નતા, ઉદ્વેગ અને અશાંતિ ન હોય અને દુનિયાનું ઉત્કૃષ્ટ ઐશ્વર્ય અને તમામ સુખસુવિધાઓ અને અનુકૂળતા મળતા છતાં આજે જે પ્રાપ્ત થઇ શકતું નથી તેને કલ્યાણ કહે છે. આ કલ્યાણ એટલે પૂર્ણ શાંતિ, પૂર્ણ સંતોષ અને પૂર્ણ તૃપ્તિ. આથી જ સંત કબીરે મનને સ્વવશ કરવાની વાત કરી છે અને કહે છે કે જો એક મન વશમાં આવી જાય તો સઘળું તમારા વશમાં આવી જાય છે. કબીર એટલે કબીર. આ માર્મિક વાત એ કઇ રીતે કહે છે તે જુઓ.

એક સાધે સબ સાધિયા,

સબ સાધે એક જાય.

જૈસા સીંચે મૂલ કો,

ફૂલૈ ફલૈ અધાય. (બી.સા. ૨૭૩)

અહીં 'એક'નો અર્થ છે મન. મનને સાધવાથી બધું જ સધાઇ જાય છે. પરંતુ જો બહારનું બધું સાધવા ગયા, તો એક (મન) જતું રહે છે વહી જાય છે. જેમ કોઇ વૃક્ષના મૂળને પાણી પાવાથી એ હરિયાળુ બને છે એમાં પર્ણો, પુષ્પો અને ફળ આવે છે, એ જ રીતે જો મન શીતળ થઇ જાય, સધાઇ જાય તો પૂરું જીવન શીતળ થઇ જાય છે.

એ જ મનમાં વિષયવાસના જાગે તો કબીર કહે છે કે એના મસ્તિષ્કમાં વાસનાના ફૂલ ખીલે છે અને એની અધોગામી ઇન્દ્રિયો કંપિત થઇ ઊઠે છે, ગતાંકમાં કરેલો કબીરની અવળવાણી (શબ્દ-૬૩/૨૨)નો વિચાર આગળ ચલાવીએ તો કબીર કહે છે.

ફૂલ ભલ ફુલલ મલિનિ ભલ ગાંથલ

ુફુલવા બિનશિ ગૌ ભંવર નિરાસલ ।।૪।।

કહહિ કબીર સુનો સન્તો ભાઇ

પણ્ડિત જન ફુલ રહલ લુભાઈ ।।૫।।

અવિવેકી મસ્તિષ્કમાં વિષય વાસનાઓના ફૂલ ખૂબ સારી રીતે ખીલે છે અને ચિત્તવૃત્તિ રૂપી માલણ એની લાંબી અને મજબૂત માળા બનાવે છે. આનો અર્થ એ થયો કે મનમાં રહેલી વિષયવાસનાઓને ચિત્તવૃત્તિ બહેલાવવા લાગે છે. વાસનાનું ફૂલ ખીલે એટલે એ ફૂલ જોઇને ચિત્તવૃત્તિ રૂપી માલણના આનંદનો પાર ન રહે. આ આવા વાસનાનાં ફૂલો ચૂંટીને એની મજબૂત માળા બનાવે છે.

અવિદ્યાગ્રસિત મનમાં વાસનાઓ ઊછળતી હોય છે. એ મન વાસનાઓનું ગુલામ થઇને દોડતું હોય છે. એમાં એની ચિત્તવૃત્તિઓ એને સતત ઊછાળતી રહેતી હોય છે, પરંતુ જ્યારે માનવીની ભોગ ભોગવવાની ક્ષમતા ક્ષીણ થઇ જાય, ત્યારે એનું ભમરા જેવું મન દુઃખી થઇ જાય છે. એના ભોગપરાયણ મનને અંતે દુઃખ અને નિરાશા પ્રાપ્ત થાય છે અને આ જ ભોગની પરિણતિ છે.

માત્ર સામાન્ય માનવીએ જ નહીં, પરંતુ પંડિતો પણ આ ફૂલોથી આકર્ષાય છે. આ ફૂલો છે વાસનાના. એટલે કે આ વાસનાના ફૂલો માનવીના મનને મોહિત કરે છે. આનાથી કઇ પરિસ્થિતિ થાય ? વિષયવાસનામાં ડૂબીને મનભ્રમર વિવેકશૂન્ય બની જાય છે. એમ અહીં સંત કબીર ભારપૂર્વક કહે છે. બરાબર આ જ સમયે સંત કબીરના એ દોહાનું  પણ સ્મરણ થાય છે. કબીર કહે છે,

'પઢના ગુનના  ચાતુરી, ઔર બાત સહલ્લ'

કામ દહન મન વશ કરન, ગગન ચઢન મુસકલ્લ.

આનો અર્થ એ છે કે ભણવું-ગણવું જેવી બાબતો સરળ છે પરંતુ વાસનાઓનો ક્ષય કરવો અને મનને વશ કરવું એ આકાશ પર ચઢવા જેવી કઠીન બાબત છે. પણ એ કપરી છે એમ માનીને કશો પ્રયત્ન કરવો નહીં એ ભૂલ કહેવાય. હકીકતમાં તો જે વ્યક્તિ બાહ્ય બાબતોમાં સતત લપસતો રહે છે એને માટે આ કઠીન છે, બાકી પોતાના મનને સ્વવશ કરનારને માટે આ સરળ છે. માટે મનની સ્વવશતાની માનવીએ સાધના કરવી જોઇએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33iCp2G
Previous
Next Post »