આણંદ જિલ્લામાં આઠમા નોરતે હજારો ખેલૈયા મન મૂકીને ગરબે ઘૂમ્યા


આણંદ, તા.07 ઓક્ટોમ્બર 2019, સોમવાર

નવલાં નોરતાંની શરૂઆત સાથે જ સમગ્ર આણંદ જિલ્લામાં મેઘમહેર થતા ખેલૈયા તેમજ આયોજકો ચિંતાતુર બન્યા હતા. જો કે પ્રથમ બે દિવસ વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કરતા ખેલૈયાઓ અને આયોજકોનો ઉત્સાહ બેવડાઈ જવા પામ્યો હતો અને ખેલૈયાઓએ ગરબા ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ બોલાવી હતી. 

નવલાં નોરતાંના અંતિમ દિવસોમાં યુવાધન મોડી રાત સુધી ગરબા ગ્રાઉન્ડમાં હિલોળે ચઢ્યું હતું. રવિવારના રોજ આઠમને લઈને આણંદ શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડો ખાતે આકર્ષક રંગોળી કરવામાં આવી હતી તેમજ જિલ્લામાં ઠેર-ઠેર હવન પણ યોજાયા હતા.

આસો માસમાં પણ સમગ્ર આણંદ જિલ્લામાં મેઘમહેર જારી રહેતા નવરાત્રી પર્વ દરમ્યાન વરસાદને કારણે નવરાત્રીના ગરબામાં ખલેલ પહોંચશે તેવી આશા ખેલૈયાઓ તેમજ આયોજકો રાખી રહ્યા હતા. પ્રથમ બે દિવસ દરમ્યાન મેઘમહેર જારી રહેતા ખેલૈયાઓની ચિંતમાં વધારો થયો હતો.  પરંતુ ત્રીજા દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ગરબા આયોજકો સહિત ખેલૈયાઓ ઉત્સાહમાં આવી ગયા હતા. અંતિમ દિવસ પહેલા શનિ તેમજ રવિવાર હોવાથી જિલ્લાના વિવિધ ગરબા ગ્રાઉન્ડો ખેલૈયાઓથી ઉભરાઈ ગયા હતા. વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતે યુવાધન હિલોળે ચઢ્યું હતું અને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રી પર્વ દરમ્યાન આઠમના દિવસે જિલ્લાના વિવિધ મંદિરો ખાતે હોમ હવનનું પણ આયોજન કરાયું હતું.

 રવિવારના રોજ આઠમને લઈને વવિધ ગરબા ગ્રાઉન્ડને આકર્ષક રંગોળીથી સજાવવામાં આવ્યા હતા. સાથે સાથે કેટલાક ગરબા ગ્રાઉન્ડ ખાતે આરતી બાદ રાત્રિના ૧૨:૩૦ કલાકના આસપાસના સુમારે આતશબાજી કરવામાં આવતા આકાશમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IvAX56
Previous
Next Post »