ઇશ્વરે માણસનું સર્જન કર્યું અને માણસે ઇશ્વરનું સર્જન કર્યું ! આ પરસ્પર ઇકવલ પોઝીશન ના કહેવાય ?
સમજણો થયો ત્યારથી સાંભળતો આવ્યો છું કે જગત મિથ્યા છે ! બ્રહ્મ સત્ય અને શાશ્વત છે ! અને સમજણો થયો ત્યારથી અને આ સૂત્ર સાંભળતો થયો ત્યારથી એની સાર્થકતા શોધતો આવ્યો છું. પણ હજી સુધી સાર્થકતા સુધી પહોંચી તો નથી શકાયું, પણ એના પુરાવાય મળતા નથી ! જગત જે છે તે ને જેવું છે તેવું અવારનવાર પોતાના હોવા પણાનાં પુરાવા આપતું રહ્યું છે. બ્રહ્મ દ્વારા એવો કોઈ પુરાવો જડતો નથી ! જગત પોતાનું હોવા પણું સાબિત કરી ચુક્યું છે ! છતાં તેને મિથ્યા શા માટે કહેવામાં આવે છે ? અને સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં આવી શીખામણ માત્ર માનવ પ્રાણીને જ કેમ આપવામાં આવે છે ? માનવ જાતને તો એટલે સુધી કહેવામાં આવે છે કે દુનિયાનો મોહ નહિ છૂટે ત્યાં સુધી તમારી ભક્તિ, પૂજા, ઈબાદતનો કોઈ અર્થ નથી ! માણસને વારંવાર એવું મહેણું પણ મારવામાં આવે છે કે આલોકને સુધારવાની ધમાચકડીમાં અટવાયેલો માણસ પરલોક સુધારવાનું ચૂકી ગયો છે ! ભક્તિ, પૂજા, ઈબાદત માત્ર માણસને જ માથે ઠોકી બેસાડયા છે અને પરલોક, સુધારવાની જવાબદારી પણ માણસને શિરે મઢી દેવામાં આવે છે. સ્વર્ગ અને નર્ક વિશે લોભ અને ભય પણ માણસ માટે જ વ્યક્ત કરવામાં આવે છે ! પૂજા ઈબાદતની અપેક્ષા માત્ર માણસ પાસે જ રાખવામાં આવે છે ! શાથી?
સૃષ્ટિમાં માનવ પ્રાણીની સંખ્યા કરતાં લાખ ગણી સંખ્યા અન્ય પ્રાણીઓની છે. પશુ પક્ષી અને જંતુઓની સંખ્યા વિશે ક્યારેય સર્વે થયું છે ખરૂં ? માનવ સંખ્યાનું સર્વે કરીને વિશ્વમાં સાડા છ અબજ માનવ સંખ્યા હોવાનું ગણી બતાવ્યુ છે. અન્ય પ્રાણીઓની સંખ્યા સામે આ માનવ સંખ્યા તો સાવ જૂજ ગણાય ! એક ઘરમાં પાંચ સભ્યો રહેતા હોય એ ઘરમાં પચાસ કોક્રોચ, રહેતા હશે. સો કસારી, ગરોળી, મચ્છર, માખી, કીડી, ઊધઈ, ધનેરિયા, ઈયળો, ચામાચીડિયા, અને જેના આપણે નામ નથી જાણતા એવા હજારો જંતુઓ રહેતા હોય છે ! માછલીને કોઈ પૂછે છે કે તને ક્યારે તરસ લાગે છે? અથવા તારે દિવસમાં કેટલું પાણી પીવું, એવી સલાહ કોઈ દિવસ કોઈએ માછલીને આપી છે ખરી?
આ બધા જીવજંતુઓને પૂજા ઈબાદત કરીને પરલોક સુધારવાની કે જગતનો મોહ નહી રાખવાની કોઈએ સલાહ સૂચનો કર્યા છે ખરા ? અરે, એમને તો એ પણ ખબર નથી કે ઈશ્વર- અલ્લાહ કઈ બલાનું નામ છે અને સ્વર્ગ નર્ક જેવી કોઈ ચીજ હોય છે ખરી ? એમને સ્વર્ગની લાલચ અને નર્કનો ભય શા માટે દેખાડવામાં નથી આવતો ? જગતનો મોહ એમને પણ કંઈ ઓછો નથી ! એ પ્રાણીઓને જગતનો મોહ છોડવાની સલાહ આપવાની છે કોઈનામાં હિંમત ? ઈશ્વર, અલ્લાહ, પૂજા ઈબાદત, સ્વર્ગ નર્ક, આલોક પરલોક વિગેરે આ બધું માણસને જ વળગાડી દેવામાં આવ્યું છે.
અને વળગાડી દેવાનું કૃત્ય પણ માણસના હાથે જ થયુ છે અથવા એમ કહી શકાય કે માણસે જાતે જ આ બધા બંધનો ઊભા કર્યા અને જાતે જ પોતાના ગળે ભેરવી લીધા ! તો આ બધા ઉપર જણાવ્યા મુજબના અન્ય પ્રાણીઓની કોઈ જવાબદારી નહિ ? ઈશ્વરની પૂજા ભક્તિ અમારે જ કરવાની ? ઈશ્વરને રાજી રાખવાની જિમ્મેદારી પણ અમારા જ શિરે ? ઈશ્વર નારાજ ન થાય એનું ધ્યાન પણ અમારે જ રાખવાનું ? સ્વર્ગની લાલસા અને નર્કનો ભય પણ અમારા જ ગળે વળગાડી દેવાનો ? ઇશ્વરે અમને પેદા કર્યા એટલા માટે ? બધા જ પ્રાણીઓને ઇશ્વરે જ પેદા કર્યા છે, એ બધા પ્રાણીઓના કયા સદગુણોના આધારે મુક્તિ આપી અને અમારા કયા દુર્ગુણોના પાપે અમને બંધનમાં રાખ્યા ? માણસ કહે છે કે આપણને માનવઅવતાર આપીને ઇશ્વરે આપણા પર બહુ મોટી કૃપા કરી છે ! જોયું ! આ માણસની મોટાઇ કહેવાય ! બીજા કોઇ પ્રાણીએ આ રીતે તારી કૃપાનો એહસાન માન્યો ખરો ? શું બગાડી લીધું તે એમનું ? અમારે જ આ બધું શા માટે સ્વીકારવું પડે ? તે અમને પેદા કર્યા એટલે ? તે અમે ક્યાં કહ્યું હતું કે અમને તું પેદા કર ! પણ અમને પેદા કર્યા વગર છુટકો જ નહોતો ! તે સમગ્ર સૃષ્ટિની રચના કરી, પૃથ્વીનું સર્જન કર્યું.
પવન, પાણી અને અગ્નિનું સર્જન કર્યું ! વનસ્પતી પેદા કરી પશુપંખી પેદા કર્યા. અવકાશી ચંદ્ર-સૂર્ય અને સમગ્ર અવકાશીગ્રહોનું સર્જન કર્યું. પણ એમાંથી કોઇએ પરસ્પર એકબીજાને તારૂં નામ સરનામુ આપ્યું નહિ ! આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું એ જ એમને ખબર નહોતી ને આજે પણ નથી ! સૃષ્ટિનું સર્જન તે કર્યું. પણ સર્જનહાર તરીકે તારા નામનું લેબલ ક્યાંય લાગ્યું નહિ ! આ લેબલ લગાડવા માટે જ તે અમારૂં સર્જન કર્યુ છે, એટલું તો હવે મોડે મોડે સમજાવા લાગ્યું છે.
અને એ આધારે અમે કહી શકીએ કે ઇશ્વરે માણસનું સર્જન કર્યું અને માણસે ઇશ્વરનું સર્જન કર્યું ! આ પરસ્પર ઇકવલ પોઝીશન ના કહેવાય ? તું ઇશ્વર તો અમે નાયબ ઇશ્વર ગણાઇએ કે નહિ ? આમ કહેવાથી તું નારાજ તો નહિ થઇ જાયને ? પણ એ જ વાસ્તવિકતા છે ! અમારા માનવ સમાજનો જ દાખલો આપું ! બાપ અને દીકરા, બંનેમાંથી કોણ પહેલું પેદા થયું ? જેની ઉંમર મોટી એ પહેલો પેદા થયો ગણાય એવી ગણતરી અહિ ગૌણ બની જાય છે ! ઉંમરમાં તો દીકરા કરતાં બાપ મોટો છે.
પણ ખરેખર બાપ તો દીકરાના જન્મ પછી જ પેદા થાય છે. કારણ કે દીકરા અથવા દીકરીના જન્મ પહેલાં એ કોઇનો પુત્ર, કોઇનો ભાઇ, કોઇનો કાકો કહેવાયો પણ બાપનો દરજ્જો તો એનાં સંતાનના જન્મ પછી જ એને પ્રાપ્ત થાય છે. આમ પ્રથમ સંતાન જન્મે છે પછી માબાપનો જન્મ થાય છે. પેઇન્ટીંગ જોયા પછી પેઇન્ટરને લોકો ઓળખતા થાય છે ! આ સર્જન અને સર્જકનો તાલમેળ છે. લેખક અથવા કવિનું કોઇ સર્જન પ્રચલિત થાય છે એ પછી જ સર્જકનું નામ પ્રચલિત થાય છે.
એમ અમે તારૂં સર્જન છે અને હું તું અમારો સર્જક છે ! માનવ તરીકે અમે પ્રચલિત થયા એ પછી તારૂં નામ પ્રચલિત થયું. માણસ જ તારી પહેચાન છે ઇશ્વર ! માણસ ન હોત તો કોણ તને ઓળખવાનું હતું ? માણસે તારૂં નામ રોશન કર્યું ! છતાં અમે નથી કહેતા કે તું અમારો એહસાન માન, ઉલ્ટાનું અમે તો તારી પૂજા - ઇબાદત કરીએ છીએ ! તારી કૃપા દ્રષ્ટિની અપેક્ષા રાખીએ છીએ. તારી પાસે દુવાઓ માગીએ છીએ ! સાથે અમે એ પણ કબુલીએ છીએ કે ગમેતેમ પણ છેવટે તો અમે માણસ જ છીએને ? અને માણસથી તો નાનીમોટી ભૂલ થઇ જાય પ્રભુ ! એવી ભૂલને મોટું મન રાખીને જોવાને બદલે તે તો સ્વર્ગ અને નર્ક જેવું આખું કમઠાણ ઊભું કરી દીધું !
એક વાત પૂછું પ્રભુ ! માણસના આગમન પહેલાં તારી દુનિયામાં શું ઉડતું હતું ? માણસના આગમન પહેલા તારી દુનિયામાં માણવા જેવું કે મહાલવા જેવું કંઇ હતું ખરૂં ? માણસે જ તારી દુનિયાને સજાવી શણગારીને માણવા અને મહાલવા જેવી મનમોહક બનાવી છે! આ વાતનો જરા સરખો એહસાસ તને સ્પર્શ્યો હોત તો નર્ક બનાવવાનો વિચાર સુધ્ધાં તને ના આવ્યો હોત! લે હવે તું જ કહે કે દુનિયાને સૌંદર્યવાન બનાવનાર અને સૌંદર્યને નિખારનાર માણસને તું નર્કમાં નાખી દે તો ત્યાં એને ફાવે ખરૂં? તારો દાવો છે કે તારી મરજી વિના એક પાદડું પણ હાલી શકતું નથી! તો પછી માણસ સારા નરસા કામો કરે છે એ તારી હિદાયત મુજબ જ કરતો હશેને? છતાં ગુનેગાર તો અમેજ ગણાઇએ! સજા પણ અમને જ મળે! તારૂં આ ગણિત સમજાતું નથી! આમ તો તારી ઘણી બધી બાબતો સમજાતી નથી! એટલે જ તારી ધાક વર્તાયા કરે છે.
તું ક્યારે શું કરી બેસે એ કંઇ કહેવાય નહિ એવો ડર સતત રહ્યા કરે છે! એ તને ગમે છે. એમાં જ તને મઝા આવતી હોય એમ લાગે છે. અને એટલે જ તારી ધાક ચાલુ રહે એ માટે તું કયારેક સુનામી સર્જે છે. ક્યારેક પ્રલય સર્જે છે! અને અઢળક માણસોને સપાટામાં લઇ નાખે છે! જેવી કરણી એવી ભરણી- અથવા જેવું કરો એવું ભોગવો.
અથવા વાવો તેવું લણો! બાવળના બીજ વાવશો તો બાવળ જ ઊગશે, આંબો નહીં ઊગે, આ બધી વાતો અમે કાન પકડીને કબૂલી લીધી અને બને તેટલા સખણા રહેવાનાં પ્રયાસો પણ કરીએ છીએ અને સખણા રહીએ છીએ પણ ખરા! તોય તું અમને ગોદા મારે છે.
ખાસ તો સીધા માણસો જ તારી તબાહીનો ભોગ બને છે, એવું કેમ? પણ આવું તને પૂછાય નહિ. કારણ કે ઇશ્વર આપણી કસોટી કરે છે એમ માનીને તારા ભક્તો સમાધાન શોધીને સાંત્વના પ્રાપ્ત કરી લેતા હોય છે પણ પરીક્ષા ભક્તોની જ કેમ? લૂચ્ચા લફંગાઓની કસોટી કેમ નથી કરતો?
અનીતિની કમાણીથી દોમદોમ સાહ્યબીમાં રાચતા લોકો લહેરથી જીવે છે. એમની કસોટી નહિ કરવાની? ભક્તોની જ કસોટી કરવાની ? મને લાગે છે શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને તારા ભકતોની સ્થિતિ એક સરખી છે. વિદ્યાર્થીઓ શાળા- કોલેજમાં જાય છે. શાળા કોલેજ સાથે સંલગ્ન હોય છે એટલે એમને પરીક્ષા આપવી પડે છે.
જે શાળા કોલેજથી દૂર રહેતા હોય એની કોણ પરીક્ષા લેવાનું હતું? તારા ભક્તોની દશા શાળા કોલેજના વિદ્યાર્થી જેવી જ છે. વિદ્યાર્થી શાળા કોલેજમાં જાય છે. એટલે એમની પરીક્ષા લેવાય છે ને ભક્તો પણ તારી સાથે જોડાયેલા રહે છે એટલે તું એમની કસોટી કરે છે. તારી સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ ન રાખનાર અને તારાથી દૂર રહેનારની પરીક્ષા લેવાની તારે શી જરૂર હોય?
ખેર! આમાં અમને કઇ સમજાવાનું નથી! તેં અમને માનવ અવતાર આપ્યો એ જ બહુ મોટો શિરપાવ છે. સમગ્ર પ્રાણીઓમાં માનવ સર્વોચ્ચ પ્રાણી હોવાનો દરજ્જો તેં આપ્યો. તેં અમને વિચારશક્તિ આપી. તેં અમને વાચા આપી. આ વિચારશક્તિ અને વાચા આપી એનો ઉપકાર ભૂલાય તેમ નથી.
છતાં માઠું ન લાગે તો કહેવું છે કે અમને વાચા આપીને અમારૂં તો કલ્યાણ કર્યું પણ એમાં તને પણ સૌથી મોટો લાભ મળ્યો છે. આ વિચાર શક્તિ અને વાચાશક્તિને કારણે જ અમે તારા નામનો પ્રચાર કરી શકયા અમારામાં વિચારશક્તિ ન હોત તો તારા હોવાપણાની દલીલ શી રીતે કરી શકયા હોત? અમને તે વિચાર અને વાચાશક્તિ આપી એનો ફાયદો જેટલો અમને થયો એનાથી અનેક ગણો ફાયદો તને થયો છે! માઠું ન લગાડીશ બધુ ઇકવલ ટુ ઇકવલ!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Owm8CV
ConversionConversion EmoticonEmoticon