સર્વાઇકલ સ્પોન્ડીલાઈટીસના કારણો અને ઉપચાર


ગરદનના જે સાત મણકા છે તેને 'સર્વાઇકલ' કહે છે. સંસ્કૃતમાં તેને ગ્રીવા અને ગુજરાતીમાં ડોક કે ગરદન કહે છે. આપણે ડોકને ઇચ્છા મુજબ જે ફેરવી શક્તા હોઇએ છીએ તે આ સાત મણકાના હલન ચલનના કારણે જ. આપણી કરોડ (જીૅૈહી) માં કુલ ૩૩ મણકા છે. આમાંથી ઉપરના એટલે કે ગરદનના સાત અને કમરના પાંચ એમ કુલ બાર મણકા જ હલનચલન કરી શક્તા હોય છે. બાકીના ૨૧ મણકા મોટા, મજબૂત અને સ્થિર હોય છે.

કોઈવાર પડી જવાથી, ઝટકો લાગવાથી, આંચકો આવવાથી, વધુ પડતું વજન ઊંચકવાથી, ડોક મરડાઈ જવાથી, સૂવામાં ફેરફાર થવાથી કે યોગ્ય રીતે ઓશિકું રાખવામાં ન આવ્યું હોય તો કમર યા ગરદનમાં દુખાવો શરૂ થઇ શકે છે. મણકામાં ગડબડ થવાથી કાં તો વ્યક્તિ કમરના દુખાવાની ફરિયાદ કરે છે અથવા તો ગરદન ઝકડાઈ જવાથી એને આમતેમ ફેરવવામાં તકલીફ થતી હોય છે. કરોડના ઉપર નીચેના બાર મણકા સિવાયના વચ્ચેના મણકામાં ભાગ્યે જ તકલીફ થતી હોય છે.

કરોડના પ્રત્યેક મણકા વચ્ચેથી ખૂલા હોય છે. દરેક બે મણકા વચ્ચે ગાદી (શ્લેષક કફ) હોય છે. આ ગાદીના કારણે જ ઉપરથી પડવાથી કે આંચકો લાગવાથી બે મણકા સામસામે ટકરાતા નથી. અને એમાં ઘસારો પણ થતો નથી. સ્લિપડિસ્કના દરદમાં બે મણકા વચ્ચેની ગાદી વાયુના કારણે સૂકાઈ જવાથી અથવા તો ખસી જવાથી બે મણકા વચ્ચેની જગા ઘટી જાય છે અને તેની વચ્ચેથી પસાર થતાં જ્ઞાાનતંતુ પર દબાણ આવે છે. પરિણામતઃ સહેજ પણ હલન ચલન કરવામાં આવે કે નીચે નમવામાં આવે તો દરદીને સામાન્ય કે તીવ્ર પ્રમાણમાં દુખાવો થતો હોય છે.

સર્વાઇકલ સ્પોન્ડિલાઈટીસમાં ગરદનમાં આવેલ સાત મણકામાંથી કોઈ એક બે મણકામાં સોજો આવે છે. આયુર્વેદની દ્રષ્ટિએ બે મણકા વચ્ચે વાયુની વૃદ્ધિ થાય છે અને તેથી વાયુના કારણે મણકા વચ્ચેનો (લુબ્રીકેશન જેવો) મુલાયમ ભાગ સૂકાવા લાગવાથી બે મણકા વચ્ચેની જગ્યા ઓછી થાય છે. અને તેથી જ્ઞાાનતંતુઓ પર દબાણ થવાથી એ ભાગમાં સોજો આવી દુખાવો થાય છે. ડોક જકડાઈ જાય છે. ગરદનનું હલનચલન સરળતાથી થઈ શક્તું નથી. દરદીને ડોક્ટર તરફથી ડોકનો પટ્ટો પહેરવાની સલાહ મળે છે.

આયુર્વેદ કોઈ પણ રોગની સારવાર સૂચવતા પહેલાં એના મૂળમાં જાય છે અને રોગ થવાના કારણને જાણી એને દૂર કરવા માટેની (એટલે કે પરેજીની) સલાહ પણ સાથે સાથે આપે છે. આયુર્વેદની દ્રષ્ટિએ જે જે કારણથી એટલે કે જે કોઈ આહાર વિહારથી વાયુની વૃદ્ધિ થાય (ને મણકામાં સોજો આવે) તે બધા જ સ્પોન્ડીલાઈટીસની ઉત્પત્તિમાં મદદરૂપ બને છે. આવા કારણોમાં આઈસક્રીમ, ઠંડા પીણાં કે મિલ્ક શેઇક જેવા અતિશય ઠંડા પદાર્થોનું સેવન, ઠંડા વાતાવરણમાં કે એરકંડીશન્ડમાં સતત (કે રાતભર) રહેવું... અતિશય ઠંડા પાણીથી સ્નાન કરવું, શિયાળાની ઠંડી હવામાં પણ ગરમ (ઊનના) વસ્ત્રોનો ઉપયોગ ન કરવો.

આ સિવાય લૂખા-સૂકા અનેહળવા ખોરાકનો અતિરેક, ભૂખ્યા રહેવું, વધુ પડતા ઉપવાસ-એકટાણા કરવા, મળ-મૂત્ર, વાછૂટ, ભૂખ, ઊંઘ, બાગસા, છીંક જેવા સ્વાભાવિક વેગોને રોકવા, ઉજાગરા કરવા, અતિ મૈથુન કોઈ વાહનમાં લાંબી મુસાફરી કરવાની હોઈ અને ડોકને એકધારી ત્રાંસી રાખીને જ કષ્ટ પડે એ રીતે બહાર જોયા કરવાનું હોય તો આ રીતનો દુખાવો થાય છે. કેટલાક લોકોને ડોક પર અને ડોકના મણકા પર વધુ પડતું વજન આવે કે ઝટકા લાગે એ રીતે મજૂરી કરવી પડતી હોય છે.

જેમ કે ડોકના મણકા પર અને પીઠ પર વજન આવે એ રીતે સિમેન્ટની થેલી, અનાજની ગુણ કે એવી કોઈ વસ્તુ ઊંચકવી, ડોક નીચે નમાવીને એકધારું લખ્યા કરવું. અનાજમાંથી કાંકરા વીણવા, ટાઈપ કરવું, કોમ્પ્યુટર પર કામ કરવું, નામું લખવું, બિલ બનાવવા વગેરે કામકાજ કે જેનાથી ડોક પર ખેંચાણ પડતું હોય તો તે આગળ જતાં સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસનું નિમિત્ત (ઉત્પાદક કારણ) બને છે.

ગામડામાં બહેનો માથા પર પાણીનું બેડું, ઘાસ ચારાનો ભારો, બળતણ (લાકડા)નો ભારો વગેરે વજનદાર વસ્તુઓ લઇને દૂરદૂરથી ઘર સુધી આવતી હોય છે. અને આવી સ્થિતિમાં ઘણીવાર ડોકમચકોડાઈ જવાની શક્યતા ઊભી થતી હોય છે. આ રીતે ડોક પર એકધારું ખેંચાણ કે મચકોડ આવવાથી કોઈવાર સર્વાઇકલ સ્પોન્ડીલાઈટીસ થાય છે અને પરિણામે આગળ પાછળ કે ઉપર નીચે જોવામાં તકલીફ પડે છે. ડોક ફેરવીને જોવું હોય તો એની સાથે આખા ધડ કે શરીરને પણ ફેરવવું પડે છે. માત્ર ડોક ફેરવી પાછળના ભાગમાં જોવું હોય તો તકલીફ પડે છે.

પરેજી અને સારવાર 

(૧) મહા રાસ્નાદિ ક્વાથ અને દશમૂલ ક્વાથનો ભૂકો સરખા ભાગે મેળવી તેમાંથી વીસ ગ્રામ જેટલો ભૂકો 

બે ગ્લાસ જેટલા પાણીમાં પલાળી ધીમા તાપે એક તપેલીમાં નાખી ઉકળવા દેવો. એકાદ કપ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી, ગાળીને હૂંફાળું હોય ત્યારે એમાં એક ચમચી દેશી દિવેલ ઉમેરી પી જવું.

(૨) મહાયોગરાજ ગૂગળ, વાતવિધ્વંસન રસ તથા રાસ્નાદિગૂગળની બે બે ગોળી ભૂકો કરીને પાણી સાથે લેવી.

(૩) શોથહર લેપ અથવા તો લેપગૂટીના ભૂકાને જરૂરી પાણીમાં નાખી ધીમા તાપે ઉકળવા દેવું. 'પેસ્ટ' જેવું થાય એટલે ઉતારી હૂંફાળું હોય ત્યારે જ ગરદનના દુખતા ભાગ પર લગાવી દેવું. સૂકાને ખરી ન પડે એ માટે ભીનું હોય ત્યારે જ તેના પર રૂ લગાવી દેવું. રાત્રે લગાવ્યું હોય તો સવારે ગરમ પાણીથી ધોઈ નાખવું.

(૪) અડદનો લોટ બાંધી તેનો રોટલો બનાવી એક બાજુના ભાગને લોઢી કે તાવડીમાં શેકી બીજી બાજુનો ભાગ કાચો હોય ત્યારે ઊતારી ગરદનના દુખતા કે ઝકડાયેલા ભાગ પર ગરમ ગરમ લગાવી દઈ તેના પર પાટો બાંધવો. રોટલો લગાવતા પહેલાં ગરદન પર મહાનારાયણ તેલની માલિશ કરવી.

(૫) ગરદન પર મહાનારાયણ તેલ અથવા તો બલાતેલની માલિશ કરી તના પર સરગવાના પાન, એરંડાના પાન અને નગોડના પાનની પોટલી બનાવી તેનાથી શેક કરવો.

(૬) પંચકર્મની દ્રષ્ટિએ કટિબસ્તિની જેમ 'ગ્રીવા બસ્તિ' કે 'શિરો બસ્તિ' અથવા શિરોધારા ઉપયોગી થાય. મહાનારાયણ તેલની 'માત્રાબસ્તિ' પણ આપી શકાય.

(૭) સોજો જલદીથી ઉતરે એ માટે પુનર્જવા ઘનવટી કે પુનર્જવા મંડૂર બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે આપી.

પરેજીમાં આરામ એ અગત્યની વાત છે. ડોક પર ઝટકા ન લાગે, ડોકને સતત શ્રમ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. ડોક સ્થિર રહે એ માટે પટ્ટો (બેલ્ટ) પણ ઉપયોગી ખરો. પાતળું-પોચું ઓશિકું એ રીતે રાખવું જેથી ગરદન કે મણકા પર ભાર ન પડે.

રોજિંદા ખોરાકમાં લસણ, સરગવો, મેથી, તલનું તેલ, હિંગ, કુમળા મૂળા, આદું, અડદ, રીંગણ વગેરે વાતશામક દ્રવ્યો ખસા લેવા.

વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા, વાલોળ, ચણા, કોદરી, દહીં, લીંબુ, આમલી, ટમેટા, ફ્રીજનું ઠંડું પાણી, આઈસક્રીમ ઠંડા પીણાં વગેરે બંધ કરી દેવું.

આપેલી સૂચનાઓનું એમણે ચુસ્ત રીતે પાલન કર્યું અને બે જ મહિનામાં સારું લાગવા છતાં બીજા બે મહિના સુધી એની એજ સારવાર ચાલુ રાખી અને સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસમાંથી મુક્તિ મેળવી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OvM55H
Previous
Next Post »