ઉમરેઠના વારાહી ચોકમાં વારાહી માતાનો ૨૬૨મો હવન યોજાયો


આણંદ,તા.08 ઓક્ટોમ્બર 2019, મંગળવાર

ભારતભરમાં માત્ર બે જ સ્થળે યોજાતા શ્રી વારાહી માતાજીનો ૨૬૨મો ઐતિહાસિક હવન આણંદ જિલ્લાના ઉમરેઠ નગરના વારાહી ચોક ખાતે સોમવાર રાત્રિના સુમારે યોજાયો હતો. 

સુપ્રસિધ્ધ યાત્રાધામ કાશી તથા ઉમરેઠ ખાતે જ યોજાતા આ હવનમાં દેશના વિવિધ સ્થળોએથી ભક્તો ઉમટી પડયા હતા. શ્રી વારાહી માતાજીના હવન પ્રસંગે બાજખેડાવાળ બ્રાહ્મણ પરિવારોમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. મંગળવારે વહેલી સવારે આ ઐતિહાસિક હવનની મંત્રોચ્ચાર સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શ્રી વારાહી માતા ટ્રસ્ટ, ઉમરેઠ દ્વારા આસો સુદ-૯, તા.૦૭-૧૦-૨૦૧૯ને સોમવારના રોજ રાત્રિના ૧૧:૩૦ કલાકે વારાહી માતાજીના હવન ચોક ખાતે ૨૬૨માં ઐતિહાસિક હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 


સમગ્ર દેશમાં વારાસણીના કાશી તેમજ આણંદ જિલ્લના ઉમરેઠ ખાતે આ ઐતિહાસિક હવન યોજાય છે. જેને લઈને આ ઐતિહાસિક હવનનો લાભ લેવા દેશના વિવિધ સ્થળોએથી ભક્તો ઉમરેઠ ખાતે પધારતા હોય છે. ઉમરેઠ ખાતે યોજાયેલ આ ઐતિહાસિક હવનમાં ગુજરાતભરના ખુણેખુણેથી ભક્તો પધાર્યા હતા. વારાહી માતાજીના હવનને લઈને ઉમરેઠમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. વારાહી માતાજીના આ ઐતિહાસિક હવન સમગ્ર રાત્રિ દરમ્યાન ચાલ્યો હતો. જેમાં મંત્રોચ્ચાર સાથે ૧૯ કવચ હોમવામાં આવ્યા હતા.

શ્રી વારાહી માતાજીના આ ઐતિહાસિક હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કિલો પાયસ, ૧૦૦ કિલો તલ, ૫૦ કિલો ઘી, ૧૦૦૦ નંગ નાળીયેર તથા મોટી માત્રામાં પૂજાપાની આહુતિ અપાઈ હતી. આ ઐતિહાસિક હવનનો લાભ લેવા બાજખેડાવાળ જ્ઞાાતિના ભક્તો દુર-દુરથી આવ્યા હતા.

 મંગળવાર વહેલી સવારના સુમારે હવનની પૂર્ણાહુતિ સાથે માં વારાહી માતાજીના ગરબાનું પણ આયોજન થયું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OCYZz3
Previous
Next Post »