આણંદ, તા.08 ઓક્ટોમ્બર 2019, મંગળવાર
આણંદ નજીક ચિખોદરા પાસેથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઉપર ગતરોજ રાત્રિ દરમ્યાન અંબાજીથી સુરત તરફ પરત ફરી રહેલ લક્ઝરી બસમાં ખામી સર્જાતા રસ્તાની બાજુમાં ઉભી રાખવા દરમ્યાન લક્ઝરી બસ પાછળ ધડાકાભેર ટ્રક અથડાતા આ અકસ્માતમાં સુરતના ત્રણ યાત્રિકોનું મોત નીપજી જતા આણંદ રૂરલ પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નજીક ચિખોદરા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગતરોજ મધ્યરાત્રિ દરમ્યાન અંબાજીથી દર્શન કરી સુરતના યાત્રિકોને પરત સુરત તરફ લઈ જઈ રહેલ લક્ઝરી બસને ચિખોદરા સીમ પાસે યાંત્રિક ખામી સર્જાતા બસને રોડની સર્વિસ ટ્રેક ઉપર ડ્રાઈવરે ઉભી રાખી હતી. આ દરમ્યાન કેટલાક પેસેન્જરો બસની નીચે પણ ઉતર્યા હતા.
પરંતુ તે દરમ્યાન પુરપાટ ઝડપે આવી ચઢેલ ટ્રક સર્વિસ રોડ ઉપર ઉભી રહેલ લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાતા યાત્રિકોમાં ભારે ચીસાચીસ મચી જવા પામી હતી. જ્યારે આ ગોઝારા અકસ્માતમાં અજીતભાઈ નરેશભાઈ દરજી, સુરેન્દ્રભાઈ છીતુભાઈ પટેલ, દીપ ઉત્તમભાઈ રબારી તમામ યાત્રિકો સુરત પંથકનાનું મોત નીપજી જવા પામ્યું હતું. જ્યારે અન્ય યાત્રિકોને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.
બસમાં સવાર યાત્રિકો માઉન્ટઆબુ તેમજ અંબાજી ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન આ ગોઝારો અકસ્માત સર્જાતા ત્રણ યાત્રિકોના ઘટના સ્થળે મોત નીપજી જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગે આણંદ રૂરલ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તથા ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IALwDP
ConversionConversion EmoticonEmoticon