રાજકીય પક્ષ કે કોઇ સંસ્થામાં જોડાઇ આર્થિક રીતે સધ્ધર થયા પછી બીજા પક્ષ કે સંસ્થામાં જોડાવા માટે કોણ જવાબદાર?

દુનિયામાં જેઓ ઝડપથી ઊંચે ચઢે છે, તેમના પ્રત્યે લોકો અહોભાવથી જુએ છે, પણ ધૂળ, તણખલાં અને ખરેલાં પીંછાં કરતાં વધારે ઝડપથી કોણ ઊંચે ચઢે છે ?

* રાજકીય પક્ષ કે કોઇ સંસ્થામાં જોડાઇ આર્થિક રીતે સધ્ધર થયા પછી બીજા પક્ષ કે સંસ્થામાં જોડાવા માટે કોણ જવાબદાર ?

* પ્રશ્નકર્તા: એનિયસ હન્ટર, સીઆઇ ૨, પારૂલ ટેનામેન્ટ્સ, જશોદા ચોકડી પાસે, અમદાવાદ-૪૫.

માણસનું પતન ત્યારે થાય છે જ્યારે એ લોભનો શિકાર બની વિવેક એટલે કે સારા નરસાનો ભેદ પારખવાની દ્રષ્ટિ ગુમાવી બેસે છે. માણસમાં સહુથી મોટો સદ્ગુણ હોય તો તે વફાદારી છે. એ વફાદારી પ્રિયપાત્ર પ્રત્યેની હોય, પરિવાર પ્રત્યેની હોય, સંસ્થા કે સમાજ પ્રત્યેની હોય, સંગઠન પ્રત્યેની હોય કે સંસ્થા અથવા પક્ષ પ્રત્યેની. દરેક વ્યક્તિએ સંસ્થા કે પક્ષ સાથે માતા જેવો પવિત્ર સંબંધ ધરાવવો જોઇએ. માતા જેમ દૂધ પીવડાવી બાળકને શક્તિવંતો અને સમર્થ બનાવે છે, તેમ સંસ્થા કે પક્ષ તેના સભ્યને સમાજસેવા અને પક્ષના વિકાસ માટે તૈયાર કરે છે.

તમે કોઇ પણ સંસ્થા કે પક્ષનું સભ્યપદ સ્વીકારો ત્યારે તેના બંધારણમાં ભલે એવી જોગવાઇ ન હોય કે તમે તે સંસ્થાને વફાદાર રહેવા બંધાએલા છો, પણ એ વણલખી જોગવાઇ અવશ્ય છે કે તમે સંસ્થા પ્રત્યે નીતિવાન, પ્રામાણિક, સત્યનિષ્ઠ સેવા-નિષ્ઠ અને વફાદાર રહેશો. પણ એનો અર્થ એ નથી કે સંસ્થા કે પક્ષમાં સડો ઉદ્ભવે ત્યારે તમે વફાદારીની અંધ ભક્તિ દાખવો.

સંસ્થા કે પક્ષ ડૂબે ત્યારે ડૂબતા જહાજને ઊંદરો છોડી દેવા માટે દોડાદોડ કરી મૂકે છે, તેમ પક્ષ કે સંસ્થાના નબળા દિવસોમાં તેનો સાથ છોડી પલાયન થઇ જવું એ એક પ્રકારની કાયરતા છે. જેણે તમને પાળી-પોષીને, આર્થિક કે હોદ્દાગત રીતે સમર્થ બનાવ્યા, તેના 'બૂરા દિન' આવતાં તેને સુધારવાનો પ્રયત્ન કર્યા સિવાય પોતાને લાભ આપવા, આવકારવા, પ્રલોભન આપવા મથતી સંસ્થા કે પક્ષના ખોળામાં બેસી જવાનો પ્રયત્ન કરવો એ નૈતિક અપરાધ છે.

મહાત્મા ગાંધીએ સાત પ્રકારનાં સામાજિક પાપો ગણાવ્યાં છે:

૧. સિદ્ધાંત વિહોણું રાજકારણ

૨. મહેનત વિનાનું ધનોપાર્જન

૩. વિવેક વગરનું સુખ

૪. ચારિત્ર્ય વગરનું શિક્ષણ

૫. નીતિ વગરનો વેપાર

૬. સંવેદના વગરનું વિજ્ઞાાન

૭. વૈરાગ્ય વગરની ઉપાસના

આ સાતેય પાપો આજે વ્યક્તિ, સંસ્થા, પક્ષ કે દેશ અને વિશ્વમાં માઝા મૂકી દે તે હદ સુધી ફેલાયાં છે, એમાં સૌથી મોખરે છે સિદ્ધાંત વિહોણું રાજકારણ. 'રાજકારણ' કરતાં 'રાજનીતિ' શબ્દમાં પવિત્રતાની સુગંધ છે. 'કારણ' મળતાં બીજો 'તારણહાર' શોધવો એ રાજકારણમાં લાભ ખાટવા તત્પર લોકોનો જીવનમંત્ર હોય છે. રાજકારણ બહુરૂપિયું છે અને એમાં 'બહુરુપિયાઓ'ની બોલબાલા હોય છે. દંભ એ રાજકારણની બાજી જીતવાનું અમોઘ શસ્ત્ર છે. ચૂપચાપ કામ કરનારા લોકોને કોરાણે મૂકી લાભ આપનાર કે અપાવનાર તક સાધુઓની રાજકારણમાં માગ હોય છે. સંસ્થા કે પક્ષનો માણસ 'બિકાઉ' બને એ તેનું આત્મિક અને નૈતિક પતન છે.

મહાત્મા ગાંધીના શબ્દોમાં કહીએ તો 'આપણા દેશમાં રાજકારણનો ઉપયોગ કાં તો પોતાને આગળ વધારવાની સીડી તરીકે કરવામાં આવે છે અને એમ નહીં તો તે અવકાશના સમયે આપણા મનોરંજનનું સાધન હોય છે. 'રાજકારણ' જ્યારે નીતિનું ગળું ઘોંટે ત્યારે એ આત્મઘાતી બને છે. સંસ્થા કે પક્ષમાં સંખ્યાબળ કરતાં પવિત્ર, નીતિવાન અને પ્રજાભક્ત કાર્યકરોની વધારે આવશ્યકતા હોય છે. કેટલાક રાજકારણી 'નરો' વાનરથી અલગ નથી હોતા. જ્યાં ફળ દેખાય છે તે ડાળીએ કૂદાકૂદ કરતા હોય છે.

લાલચુપણું એમના સ્વભાવની ખાસિયત હોય છે. સંસ્થા કે પક્ષનું દૂધ પીને તગડા બની, સંસ્થા કે પક્ષ સાથે છેડો ફાડી લાભ ખાતર લાળ પાડવી એ તેમની આચરણ (અ)નીતિ હોય છે. એટલે 'ખપનો લુચ્ચો' પણ સ્વાર્થી સંસ્થાઓ કે રાજકીય પક્ષોને બત્રીસ લક્ષણો લાગે છે ! એટલે જ રાજકારણ વિશે કહેવાયું છે કે તે સર્પ કરતાં પણ વધારે કુટિલ છે, અસ્ત્રાની ધાર કરતાં પણ વધુ દુર્ગમ છે, વીજળી કરતાં પણ તે વધુ ચંચળ છે.

સ્વાર્થી રાજકારણીઓ કે સંસ્થાના મતલબી કાર્યકરો 'ગણતરીબાજ' હોય છે. એમને સંસ્થાના હિતમાં નહીં, પણ પોતાના હિતની પડી હોય છે. પ્રલોભનની જાળમાં ફસાનાર વ્યક્તિ પાસે આત્મસન્માન જેવી કોઇ વસ્તુ હોતી નથી !

'લોકનીતિ'માં વિનોબા ભાવે એ સાચી સલાહ આપી છે કે દીવાદાંડીની જેમ કેટલાક લોકોએ રાજકારણથી અલગ રહેવું જોઇએ, તો જ દેશ સારાપણું ટકાવી શકશે. દુનિયામાં એવા તો કેટલાક માણસો હોવા જોઇએ, જે દુનિયા સામે દીર્ઘજીવી મૂલ્યો ટકાવી રાખે.

મૂલ્યહીન માણસ 'સોદાબાજ' હોય છે. તેને કેવળ સ્વાર્થમાં રસ હોય છે. પહેલાં રાજનીતિ સજ્જનો અને ચારિત્ર્યશીલોનો મેળો હતી. ત્યાં પવિત્ર અને સિદ્ધાન્ત નિષ્ઠ રહેવાની સ્પર્ધા થતી. ત્યાગ એ સંસ્થા કે પક્ષની નીતિના પાયામાં હતો. એટલે 'ભોગવાદ'ને એમાં સ્થાન નહોતું. દેશ કે સંસ્થાનો ક્ષય ન થાય તે માટે સેવકો પોતાની જાતનું બલિદાન આપવા તત્પર રહેતા.

રાજકારણ એ સ્વાર્થનો ઘૂઘવતો દરિયો છે. એમાં 'માંહી પડયા તે' મહાસુખ માણે છે. એટલે રાજકારણ એવો ધંધો છે, જેમાં આત્માને કચડયા સિવાય બીજી કોઇ ખાસ તૈયારી કરવી પડતી નથી. પહેલાં સંસ્થા કે પક્ષો સજ્જનોની વખાર હતી, આજે તે લેભાગુઓનો અડ્ડો બની ગઇ છે. સડેલો માણસ એ સડેલી કેરી કરતાં વિશેષ કશું જ નથી. જે કોઇ તેને સંઘરશે, એણે વહેલા કે મોડા તેની દુર્ગંધનો શિકાર બનવું જ પડવાનું હોય છે. પણ લોભીઆ હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી.

ડેંજ મોંડ શૉએ 'વર્લ્ડવર્થ'માં એક પાયાની વાત રાજકારણ વિશે કરી છે. તેમની માન્યતા મુજબ ''ઘોડદોડની સ્પર્ધાની જેમ રાજકારણમાં એવું તે કશું છે, જે માણસને પછાડે છે. રાજકારણ સારા માણસને ખરાબ અને ખરાબને અતિ દુષ્ટ બનાવી દે છે. તે યૌવનની તીવ્રતાને કુંઠિત કરે છે અને જીવન માટે જરૂરી વસ્તુઓના મૂલ્યાંકનની નિપુણતા ઘટાડી દે છે. તેનું કારણ પેલા વાદળના ટુકડાની જેમ સ્પષ્ટ છે કે જે સૂર્યને બધી રીતે ઢાંકવાની પ્રવૃત્તિ કરે છે. આજનું રાજકારણ 'અધિકારપ્રધાન રાજકારણ' છે, જ્યાં સત્તાભૂખ્યા શિયાળનું સિંહની જેમ સ્વાગત થાય છે.

સંસ્થા કે પક્ષપલટો કરનારા અતિ મહત્વાકાંક્ષી સિદ્ધાંતવિહોણા સત્તા તરસ્યા હોય છે. 'ગંગા ગયે તો ગંગાદાસ, જમના ગયે તો જમનાદાસ' એવી હલકટ મનોવૃત્તિવાળા હોય છે. રાજકારણી અને રાજનીતિવાન બન્નેમાં જમીન આસમાનનું અંતર છે. રાજકારણીનું ધ્યાન આગામી ચૂંટણી પર કેન્દ્રિત હોય છે, જ્યારે રાજનીતિવાનનું ધ્યેય ભવિષ્યની પેઢી પર કેન્દ્રિત હોય છે.

ખલીલ જિબ્રાને 'મારી જાતને મેં પાંચ વાર ધિક્કારી છે' - એ શીર્ષક હેઠળ નોંધ્યું છે (ઝરૂખે દીવા) તેમ

* જ્યારે એણે ઊંચો હોદ્દો મેળવવા ખુશામત અને કાગળિયાંની સિફારિશનો આશ્રય લીધો.

* જ્યારે એને એમ કહેવામાં આવ્યું કે 'સહેલું' અને 'અઘરું' - બેમાંથી એક પસંદ કર, ત્યારે તેણે સહેલું પસંદ કર્યું.

* જ્યારે એણે પાપ કર્યું અને બીજાઓ પણ એવું જ કરે છે, એમ માની સંતોષ લીધો.

* જ્યારે એણે કોઇ કુરૂપ વ્યક્તિ પ્રત્યે ઘૃણા દર્શાવી અને તેણે જાણ્યું કે કુરૂપ તો પોતાનું મન છે.

* જ્યારે એણે પારકાની નિંદા દ્વારા પોતાની પ્રશંસા સાંભળી અને તેને સમજાયું નહીં કે એ તો શેતાનની વાણી છે.

માણસ આર્થિક રીતે સધ્ધર બની બીજી સંસ્થા કે પક્ષમાં જોડાય તો વાંક કોનો ? પ્રથમ દ્રષ્ટિએ તો એવું કૃત્ય કરનાર માણસનો કે એણે સ્વાર્થ ખાતર સિદ્ધાંતને ગળે ટૂંપો દીધો છે. બીજો વાંક સંસ્થા કે પક્ષનો જેણે ખોટા માણસને થાબડયો છે અથવા તેની દુષ્ટતાને ઓળખવામાં થાપ ખાધી છે. ત્રીજો વાંક પક્ષ કે સ્થાન પલટો કરી આપનાર તકસાધુને પોતાની સંસ્થા કે પક્ષમાં સ્થાન આપનારનો છે, કારણ કે કોઇની મેલી મુરાદને પાર પાડવામાં તેમણે સાધનની ભૂમિકા ભજવી છે.

એક હાથે તાલી પડે નહીં તેમ વ્યક્તિના કૃત્ય માટે કારણ કે કારણોનો સમુહ જવાબદાર હોઇ શકે. મુખ્ય વાત તો સામાજિક વાતાવરણની છે, જેમાં સદાચારને ગૌણ અને દુરાચારને પોષણ મળ્યું છે. ભ્રષ્ટ માનવીઓ ભ્રષ્ટ સમાજમાંથી જ જન્મે છે. એટલે જ્યાં સુધી સ્વસ્થ સામાજિક વાતાવરણનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી વિષાકત બીજમાંથી વિષાકત માનવીઓ જ સર્જાતા રહેવાના. ચિંતક હેરના શબ્દો યાદ રાખીએ: ''દુનિયામાં જેઓ ઝડપથી ઊંચે ચઢે છે, તેમના પ્રત્યે લોકો અહોભાવથી જુએ છે, પણ ધૂળ, તણખલાં અને ખરેલાં પીછાં કરતાં વધારે ઝડપથી  કોણ ઊંચે ચઢે છે ?''



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31c9xHW
Previous
Next Post »