આપણે કોઈએ ક્યારેય પૃથ્વી પર ભગવાનને જોયા નથી. પરંતુ મનમાં શ્રદ્ધા હોવાથી વડીલો એમના સંતાનોના નામ ગોવિંદ, ગોપાલ, કૃષ્ણ, શંકરલાલ એવા નામો ઘોડિયામાંથી જ પાડીને સદાકાળ એવા નામ પોકારતા ઈષ્ટદેવનું સંભારણુ સાચવે છે... ભારતની ભૂમિ પર કેટલી લડાઈઓ થઈને લાખોની સંખ્યામાં જામનગર પાસેના ભૂચર મોરી યુધ્ધમાં પાણીદાર અશ્વો અને જુવાનીયા સૈનિકોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
એ યુધ્ધભૂમિ પર પાળીયા એ ઈતિહાસની સાક્ષી પૂરે છે. સત્તાની સાઠમારીમાં પેશ્વાઓ, મોગલો અને અંગ્રેજો ખતમ થઈ ગયા. વર્ષો સુધી લડાઈઓ ચાલ્યા કરી. છેવટે ઈતિહાસે પડખું ફેરવ્યું અને લડાઈઓ બંધ થઈ. દિવસે દિવસે પ્રજા ધાર્મિક થતી ગઈ. પરિણામે ભારતમાં શાન્તિ સ્થપાતી ગઈ. ભણતરનું સ્તર ઊંચું ગયું. ધંધા-રોજગાર વધતા ગયા. ગરીબોનું જીવતર સુધર્યુ... મધ્યમ વર્ગના યુવાનો ભણી ગણીને ઊંચા પગાર કમાતા થયા... આમ સર્વત્ર શાન્તિ અને સુખ પ્રવર્તી રહ્યા. પરિણામ એ આવ્યું કે લાખો લોકોને ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા વધી ને ભક્તિ વધી. ઠેર ઠેર મંદિરો બંધાયા.
પંડિતો દ્વારા કથા-કીર્તન થવા લાગ્યા. પરમાત્માને તો કોઈએ જોયા ન હતા. દ્વારકાના શ્રીકૃષ્ણ પારધીના બાણ વડે ભૂલમાં ઘવાઈને મૃત્યુ પામ્યા હતા. પરંતુ એમના જીવનકાળ દરમિયાન અદ્ભૂત કામો કરીને ભગવાન ગણાયા હતા. આજકાલ આ કળયુગમાં પણ સંસ્કારી-ધાર્મિક ધનવાનો લોકકલ્યાણ માટે ધર્મશાળાઓ, શાળાઓ બંધાવે છે. અગાઉ રાજાઓ અને વેપારીઓ વાવ-કૂવા કરાવતા હતા. સતયુગ કેવો હતો એ કોઈને અનુભવ નથી પણ અત્યારે કળયુગ બરાબર એનો ભાગ ભજવી રહ્યો છે. કેટલાય સ્થળોએ આપઘાત... પ્રેમભંગમાં ખૂનખરાબી. ચોરી-લૂંટફાટ અપાર વધી ગયા છે. આ કળયુગની અસર છે.
તાજેતરમાં જ ગણપતિ ચોથ ભારતભરમાં શ્રધ્ધાથી ઉજવાઈ ગઈ. અમદાવાદમાં લોકો વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની મૂર્તિ લઈ જઈને ઘેર ધામધૂમથી સ્થાપના કરી રોજ રાત્રે ભજન-કીર્તન કરી પ્રસાદ વહેંચે... ત્યાર બાદ વિસર્જનના વખતે આપણા આ ભાવુકોની ભક્તિ પડીકા અને હૉટેલોમાં ખોવાઈને ભ્રષ્ટ થતાં આપણા ગણેશ બાપ્પાની મૂર્તિઓને ગમે તેવા ગંદી ગોબરી પાણીની કુંડીઓમાં ફાલતુ જણસ જેમ ફેંકી દીધી હતી. જ્યારે હમણાં સુધી જોયું કે કૉલેજીયનની સંસ્કારી દીકરીઓ મૂર્તિઓ વિષે નિબંધ લખવા અહિં-તહીં અને મ્યુઝિયમોમાં ફરીને એની નોંધ કરે છે. કળિયુગમાં પણ સંસ્કાર દેખાય ત્યાં ઈશ્વરની કૃપા ગણવી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VqgK5L
ConversionConversion EmoticonEmoticon