ઘણીવાર મન હકીકત જાણવા છતાં ઉચાટ થાય તેવી વાતો સ્વીકારવા તૈયાર નથી થતું


ઘણીવાર તો સંબંધ આખો જ ટાઇમપાસ હોય છે અને આવા સંબંધની એક ચોક્કસ એક્સપાયરી ડેટ હોય છે. તમારા માટે હંમેશા નવરો રહેતો માણસ અચાનક વ્યસ્ત થઈ જાય ત્યારે સમજવું કે આ ડેટ આવી ગઈ ! વ્યસ્તતા ઘણા કિસ્સાઓમાં માત્ર અવગણના હોય છે !!

જ્યારે એ વોટ્સ-એપ મેસેજમાં 'લવ ક્વોટ' મોકલે ત્યારે તે સામે રાતુંચોળ દિલ મોકલે, બસ અત્યારે તો તે એને ચાહે છે તેની આટલી જ સાબિતી એની પાસે બચી છે ! એ તેને દિવસમાં પચ્ચાસ મેસેજ મોકલે પણ પેલી મૂડ હોય ત્યારે જુએ, આપવો હોય તો જવાબ આપે અને તે પણ આવા ઇમોજી મોકલીને. 'જો એ મને પ્રેમ ના કરતી હોય તો આવા દિલ શું કામ મોકલે ?!' એણે મને પૂછ્યું.

એ પરણિત હતો અને યુવતી, અપરિણીત, હવે યુવતી લગ્ન કરીને ઠરીઠામ થવા માંગતી હતી એટલે તેણે એને કહ્યું કે હવે આપણે માત્ર મિત્ર તરીકે રહીશું. તેણે વાત કરવાનું અને મળવાનું ઓછું કરી નાખ્યું. મેસેજના જવાબમાં પણ ઇમોજી ! પેલાને આ વાત હજમ ના થઈ, એ તો જેમ ચાલતું હતું તેમ ચાલે એ માટે રઘવાયો થયો, ઉપરાઉપરી ફોન ઠોકે, મેસેજ કરે અને વાત કરવાની તક મળી જાય તો ફિલસુફી ઝાડવા માંડે ! ઉદ્દેશ માત્ર એક, તું ભલે ઠરીઠામ થવાનો પ્રયત્ન કર પણ આપણી વચ્ચે જે છે તે ચાલવા દે !

'એ તને ઇગ્નોર કરે છે.' મેં કહ્યું.

'આવા રાતાચોળ દિલ મોકલીને ?! હોય કંઈ ?! અને ઇગ્નોર કરવો જ હોય તો જવાબ પણ શું કામ આપે ?!' ઘણીવાર મન હકીકત જાણતું હોય તેમ છતાં'ય ઉચાટ ઉત્પન્ન કરે તેવી વાતોને સ્વીકારવા ધરાર તૈયાર નથી હોતું, જ્યારે અહીં તો મન જાણતું જ નથી ત્યાં સ્વીકારી તો કેવી રીતે શકે ?! એણે ડોકું ધુણાઈને મારી વાત સાથે સંમત થવાની ના પાડી દીધી.

'તમને જવાબ જ આપવાનું બંધ કરી દે એ તો સંપૂર્ણ અવગણના કહેવાય. સ્વાભાવિક છે સંબંધમાં તમે થોડું પણ સાથે ચાલ્યા હોવ ત્યારે તે સાવ એવું ન કરે. પરંતુ એક વાત નક્કી છે કે તેના તરફથી હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે, એ તેમાંથી હળવે પગલે સરકી રહી છે.' પેલું અંગ્રેજીમાં કહે છે ને 'લાસ્ટ નેઇલ ઇન ધ કોફીન', બસ એ મેં ઠોકી દીધી.

પછી ચર્ચા લાંબી ચાલી, એ સમજ્યા ઘણું, માન્યા થોડું પણ સ્વીકાર્યું કંઈ નહીં કારણ કે જતા જતા મને પૂછ્યું, 'હું એને ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ એમ બે મેસેજ તો મોકલતો રહું ને ? નહીંતર, સાવ સંબંધ જ પૂરો થઈ જશે.'

મેં કંઈ 'લાસ્ટ નેઇલ' આધાર વગર નહતી ઠોકી. સ્વાભાવિક હતું કે કોઈ પણ યુવતી પોતાનું ભવિષ્ય પરણિત પુરુષ સાથે ના જોઈ શકે સિવાય કે તે તેની પત્નીને છૂટાછેડા આપીને પોતાની સાથે લગ્ન કરવાનો હોય. આ ઉપરાંત લગ્ન કરીને મુવ-ઓન થવા માંગતી યુવતી એવો સંબંધ શું કરવા ચાલુ રાખવા માંગે કે જે તેના કાયમી સંબંધને અડચણરૂપ સાબિત થઈ શકે ?! આમ પણ સ્ત્રી માટે એક સમયે બે પ્રેમ સંબંધો નિષ્ઠાથી નિભાવવા અઘરા છે, બેમાંથી એક સંબંધ લાગણીશૂન્ય હોય અથવા મનમાં બદલાની ભાવના દબાયેલી હોય તો વાત અલગ છે. વાસ્તવમાં પેલો સનકીની જેમ એની પાછળ ના પડી જાય એટલે એ ધીમા પગલે પાછી જઈ રહી હતી.

રહી વાત રાતાં દિલ મોકલવાની તો એ અવગણનાની એક સ્માર્ટ રીત જ સમજવી પડે કારણ કે એ બાકી કોઈ વાત તો કરતી નથી અને જ્યારે કરે છે ત્યારે પોતાના જીવનમાં ઠરીઠામ થવાની કરે છે. ભવિષ્યમાં મિત્ર તરીકે રહેવાની વાત પણ હાલમાં સિફતપૂર્વક નીકળી શકાય તેની તજવીજ છે. હા, જ્યારે એક અવગણના કરે અને બીજું વળગતું આવતું હોય ત્યારે છૂટા પડવું એટલું સહેલું નહી હોય, એકબીજા ઉપર ઘણો કાદવ ઉછળવાનો તે નક્કી !

લાગણીઓના સંબંધમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને અવગણવા કે ઇગ્નોર કરવા માંડે ત્યારે બીજી વ્યક્તિ માટે એ વાત પચાવવી અઘરી બની જાય છે. પછી એ નાની નાની વાતમાં અવગણના નથી થતી એવું તારણ કાઢવા માંડે છે, ભલે એ દલીલો બીજાને સમજાવવા કરે છે એમ લાગે પરંતુ વાસ્તવમાં એ પોતાની જાતને સમજાવતા હોય છે ! જેમ, માત્ર દિલનું ઇમોજી પકડીને બેઠેલા આ ભાઈને વાત નહીં કરવી, ફોન-મેસેજના જવાબ નહી આપવા, મળવાની ના પાડવી વગેરે અવગણનાની નિશાનીઓ કરતાં દિલ મોકલવા પાછળની દલિલોમાં વધુ રસ હતો ! સાવ સાચી વાત તો એ છે કે લોકો ઇગ્નોર પણ સ્ટાઇલથી કરતા હોય છે.

સામાન્ય રીતે લોકો કૃત્રિમ પ્રતિભાવ આપીને હળવેથી ઇગ્નોર કરવાની શરૂઆત કરતા હોય છે. જેમ કે, દરેક વખતે અંગત વાતોમાં પણ એકનું એક ઇમોજી ચિપકાવી દેવાનું. ફોન કે મેસેજના નિયમિત જવાબ આપવાના નહીં, મેસેજ ઓનલાઇન થવા છતાં કલ્લાકો સુધી જોવાના નહીં, ઉડાઉ જવાબો આપવાના, કોઈ પણ વાતે બંધાવાનું નહીં, મળવા માટે ગલ્લાં તલ્લાં કરવાના અને અનાયાસે મળી જવાય તો જવાની ઉતાવળમાં રહેવાનું વગેરે.

આ બધી જ અવગણનાની સ્માર્ટ કહી શકાય એવી યુક્તિઓ છ, સંદેશ સ્પષ્ટ છે કે સામેવાળાને તમારામાં ખાસ રસ નથી પરંતુ તમને પ્રતિભાવ આપે જાય છે. ઘણાં કૃત્રિમ પ્રતિભાવોને બદલે ઠંડા પ્રતિભાવો આપે, વાણી- વર્તન- વ્યવહારમાં કોઈ ઉત્સાહ જ ન દેખાય અને એ માત્ર તમારી સાથે જ, બાકી બીજાઓ સાથે ફૂલ મૂડમાં રહેવાનું ! જ્યારે ગંભીર સમસ્યા થઈ હોય અથવા સામેવાળાને લાગણીઓના ચકરાવામાં બરાબર ઘુમાવવાનો હોય ત્યારે સંપૂર્ણ અવગણના ઉપર ઉતરી આવતો પણ એક વર્ગ છે.

મળીએ તો સામે જોવાનું પણ નહીં અને બધા પ્લેટફોર્મ ઉપર બ્લોક ! ઘણીવાર તો સાવ છેલ્લી પાટલીએ બેસી જવાનું અને અચાનક ગુમ થઈ જવાનું - ઘોસ્ટિંગ ! ઘણીવાર તો સંબંધ આખો જ ટાઇમપાસ હોય છે અને આવા સંબંધની એક ચોક્કસ એક્સપાયરી ડેટ હોય છે. તમારા માટે હંમેશા નવરો રહેતો માણસ અચાનક વ્યસ્ત થઈ જાય ત્યારે સમજવું કે આ ડેટ આવી ગઈ ! વ્યસ્તતા ઘણા કિસ્સાઓમાં માત્ર અવગણના હોય છે !! સામેની વ્યક્તિની વ્યસ્તતા અને પ્રાથમિકતા વચ્ચેનો ભેદ સમજાય તો જ આ સંબંધમાં તમને તમારું સાચું મહત્ત્વ ખબર પડે !

પૂર્ણવિરામ 

વ્યક્તિ તરીકે તમારી અવગણના તમને હંમેશા પીડે છે અને જ્યારે તેની પાછળનું કારણ ના ખબર હોય ત્યારે તે વધુ પીડા આપે છે !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LVJPD8
Previous
Next Post »