કામવાળીની કદરદાની .


કામવાળી આપણા ઘરમાંથી કેવળ કામ કરીને બદલામાં મજૂરી રૂપે પૈસા જ મેળવતી નથી પણ આપણી ખાનદાનીમાંથી કેટલોક પદાર્થ પાઠ પણ શીખે છે 

દિવાળી આવે એટલે કામવાળીનું  માનપાન વધી જાય. ઘરમાં કામ કરવાવાળી બાઈને આપણે સૌ કામવાળી તરીકે ઓળખીએ છીએ. અલબત્ત એની હાજરીમાં એવો પ્રયોગ નથી કરતા પણ એની ગેરહાજરીમાં એને માટે સરેરાશ સારું તો નથી જ બોલતા. કામવાળી સતત ઉપેક્ષા પામતું પાત્ર છે. એ પગાર વધારો નથી માગતી. એ હડતાલો નથી પાડતી એ રજાઓ નથી પાડતી એ મોંઘવારી નથી માગતી. છતાં એના કામનો યશ એને મળતો નથી.

સતત કોઈને કોઈ સભ્ય દ્વારા એની ઉપેક્ષા થતી રહે છે. એ ઉપેક્ષાને નથી સમજતી એમ પણ નહિ પણ એની લાચારી એવી ઉપેક્ષાઓને અપેક્ષિત બનાવે છે. એ ઘરમાલિકનાં મોંઘાંદાટ ખમીશ અને પેંટ હાથમાં પકડી એને સાબુ લગાવે છે ત્યારે ઘડીભર એને એમ થઈ આવે છે કે મારો પતિ આવું પેંટ અને આવું શર્ટ ક્યારે પામશે ? પણ એ વિચારને વ્યક્ત કરતી નથી. શેઠાણીની સાડીઓ જોઈ પોતાને એ કેવી લાગે એવો વિચાર કરીને જ મૂક બની જાય છે. ક્યારેય એવી અભિવ્યક્તિ એણે કરી નથી.

માલિકના બાળકને ચૂપ કરવા જે પ્રયત્નો કરે, જે લાડ કરે, જે વસ્તુઓ એની આગળ મુકે - એવો વખત પોતાના બાળકને મનાવવા એણે ફાળવ્યો નથી. એનો વસવસો થવા છતાં એ વાતનો અફસોસ એ વ્યક્ત કરતી નથી. એના મૌનને આપણે અણસમજ માની બેસીએ છીએ.

આપણને - માલિકને તાન આવે ત્યારે કેટલી ગંભીરતાથી એની નોંધ લેવાય છે, એ દર્દીની કાળજી લેવાય છે એનાથીય અદકો તાવ એને, એના દીકરાને એના પતિને પણ ક્યારેક આવી જાય છે ત્યારે એના મનના ખૂણે શું નું શું થતું હશે ? પણ ક્યારેય ફરિયાદ કરતી નથી કે નથી કરતી કોઇ પણ પ્રકારની તુલના...

બપોરની રસોઈટાણે આપણા ઘરની વાનગીઓનું લિસ્ટ એને ચલિત કરતું નથી કે મિષ્ટાન્નથી મોહિત થવા છતાં એના ધૈર્યને કેવું ગજબ રીતે કેળવે છે ? ક્યારેક રોમાંચિત થઈ જવાની ક્ષણો પણ આપણા ઘરનો અસબાબ એને આપે છે, છતાં એ સંયમ જાળવે છે. ક્યારેય સીમાનું ઉલ્લંઘન કરતી નથી... છતે સ્વજને એ એકલતા અનુભવે છે છતાં એની કોઈ રાવ એના મુખેથી સાંભળવા મળતી નથી. કામવાળી શાંત ચિત્તે શેઠિયાઓનું આંતરબાહ્ય નિહાળી સ્વસ્થ રહી કામ જ કરે છે.

કામવાળી આપણા ઘરમાંથી કેવળ કામ કરીને બદલામાં મજૂરી રૂપે પૈસા જ મેળવતી નથી પણ આપણી ખાનદાનીમાંથી કેટલોક પદાર્થ પાઠ પણ શીખે છે અને આપણી અપૂર્ણતાઓનું નિરીક્ષણ પણ કરે છે. ક્યારેક એની પાસેથી આપણે શાલીનતાના ધીરજના, સંયમના અને સંતોષના સદ્ગુણો શીખીએ છીએ... રૂપિયો જ હંમેશાં સર્વસ્વ નથી એવો બોધ કામવાળીનું પાત્ર ક્યારેક આપે છે.

આપણે એક જ ઘરમાં રહેતા એ પાત્ર સાથે ઓરમાયું કેમ જીવીએ છીએ ? લાગણીની ભીનાશનું કેમ બાષ્પીભવન થઈ ગયું છે ? એ જ્યારે નથી આવતી ત્યારે જ એનું મહત્ત્વ સમજાય છે. એની હાજરીમાં એની કદર કરવાનું   સૂઝતું નથી.

શેઠનો કારોબાર, નાણાં કોથળીનાં બંડલો ઘરનું રાચરચીલું...સોફા, ખુરશી... એ બધાને એનો સ્પર્શ અવશ્ય થાય છે છતાં વર્તનથી એ નિર્લેપ રહે છે. એના માનસમાં ભલે વિવિધ સંચલનો થતાં હોય પણ એ સંચલનો સમેત નિર્લેપતાનો ગુણ કામવાળી પાસેથી શીખવા જેવો છે.

હંમેશાં પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ કામવાળી મારે મન આપણે ત્યાં કામ કરવા આવે છે તે સમયગાળા દરમિયાન સાચા અને નૂતન અર્થમાં સંન્યાસી હોય છે...આવાં પાત્રો જ માણસાઈનાં અજવાળાં ધરતી ઉપર પાથરતાં હોય છે.

કામવાળી, શાકવાળો, મજૂર કે કોઈ કુલીની સંવેદનાની સપાટીને સતત પોતુ માર્યા કરે છે પણ શેઠિયાની કારનો કાચ જેટલો ચોકખો થાય છે તેટલી સંવેદનાની સપાટી સ્વચ્છ થતી નથી.

કામવાળીને આપણાં જેવાં ષડયંત્રો રચતાં  ઓછા આવડે છે. ઓછામાં ઓછાં પૈસે વધારેમાં વધારે કામ કઢાવવાની શઠતા ધનવાનો પાસે છે - તો વધારે કામ કરવાની, ઝડપથી કરી લેવાની દક્ષતા એની પાસે છે - શઠતાને સહી લેતાં કામવાળીને આવડે છે. શઠતાનો દુર્ગુણ એ ધારે તો અવશ્ય કેળવી શકે પણ એ કામવાળી છે - એટલે એવું એ કરતી નથી.

ઘસાઈ ગયેલાં કપડાં, પગરખાં, ખાણું વધેલું વગેરે આપણે ના છૂટકે તેના સુધી જવા દઈએ છીએ, ત્યારે પણ લાલચ નહિ, સંતોષની રેખાઓ એના ચહેરા ઉપર ચમકતી હોય છે એ રેખાઓ વાંચવાની આપણને ફુરસદ હોતી નથી. શેઠનાં બાળકો મોંઘીદાટ શાળામાં - વાન દ્વારા આવતાં જતાં હોય છે. એ શાળામાં અંગ્રેજી ભાષાનો દબદબો હોય છે.

એ મુન્નાને શાળામાં લઈ જતી વાનમાં મુકવા જતી આપણી કામવાળીને ક્યારેય એમ નહિ થતું હોય કે મારાં સંતાનો આવી વાનમાં બેસી ક્યારે સ્કૂલે જશે ? શેઠનો મુન્નો વાનમાં બેસી પરત આવે ત્યારે એના ચહેરાની ખુશી એ વરતી લેતી હોય છે. નાસ્તાનો ડબ્બો અને પાણીની બોટલ ક્યારેય ભુલતી નથી - અને તેમ છતાં આપણે કોકવાર એનાથી થઈ ગયેલી ભૂલને માફ કરતા નથી...આ કેવું ?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2B80DRa
Previous
Next Post »