વાર્તા: વિશ્વ લૌરા .


'લૌરા અવિચારી અને અવિવેકી રહી હતી,' લુલ્વાર્થએ કહ્યું, 'એ ગૂડવૂડ વીક દરમ્યાન જન્મી હતી ત્યારે રાજદૂત ત્યાં હતા અને એમને બાળકોથી નફરત હતી.'

ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...

(વિશ્વવાર્તા શ્રેણીમાં મહાન બ્રિટિશ વાર્તાકાર એચ. એચ. મુનરો- 'સાકી'ની 'ઓપન વિન્ડો' અને 'ધ લમ્બર રૂમ' પછીની આ ત્રીજી વાર્તા છે. લૌરા વાર્તાનું મુખ્ય પાત્ર છે. એ એક એવી યુવતી છે જે પોતે પોતાનાં નિયમો બનાવતી હોય છે. આઝાદી, પુનર્જન્મ, સાદૃશ્યતા, સ્વીકાર, વેરવૃત્તિ, નશ્વરતા અને કૌટુંબિક જોડાણનાં વિષયોની આવરી લેતી આ વાર્તા છે. સસ્પેન્સ, મીસ્ટ્રી અને સાઈકોલોજીકલ થીમ તો છે જ. તો માણીએ ટૂંકી વાર્તા : લૌરા..)

''તું ખરેખર મરી નથી રહી, નહીં ને?' આમંડાએ પૂછયું.

''મંગળવાર સુધી મને ડોક્ટરે પરમિશન આપી છે.. જીવવાની,'  લૌરાએ કહ્યું.  

''પણ આજે શનિવાર તો થઇ ગયોત આ ગંભીર બાબત છે!'  આમંડાએ નિસાસો નાંખતા કહ્યું.

''મને ખબર નથી કે આ ગંભીર બાબત છેત પણ એ ચોક્કસ છે કે આજે શનિવાર છે.' લૌરાએ કહ્યું. 

''મૃત્યુ હંમેશા ગંભીર વિષય હોય છે.'' આમંડાએ કહ્યું. 

''મેં એવું ક્યારેય કહ્યું નથી કે હું મરી જઇશ. એમ માની શકાય કે હું લૌરા તરીકે જીવ છોડી દઇશ, પણ અન્ય કોઇ તરીકે તો હું ચાલુ જ રહીશ. મને લાગે છે કે કોઇ પશુ તરીકે. તમે આમ જુઓ તો આ જિંદગીમાં તમે કાંઇ બહુ સારા કર્મ ન કર્યા હોય તો તમે નીચ યોનિમાં પુનર્જન્મ પામો છો. અને મારા વિષે કોઇ વિચારે તો આમ હું કાંઇ બહુ સારું જીવી નથી. જ્યારે સંજોગો એવા હોય તો હું પણ તે અનુસાર, આમ હલકી કક્ષાનું, અપ્રામાણિક અને વેરવૃત્તિથી ખદબદતું  અને એવા બધા પ્રકારનું જીવન જીવી છું.'' 

''સંજોગો એવું જીવન જીવવા ક્યારેય પણ ફરજ પાડતા નથી.'' આમંડાએ ઉતાવળે કહ્યું. 

''મારું એમ કહેવું તને ખરાબ ન લાગે તો,'' લૌરાએ અભિપ્રાય આપતા કહ્યું, ''એગ્બર્ટ એવો સંજોગો પૈકીનો એક છે જે યેન કેન રીતે, તમને એવું જીવન જીવવા ફરજ પાડી શકે. તું એને પરણી છો-એટલે વાત અલગ છેત તેં એને પ્રેમ કરવાનાં, માન આપવાનાં અને એને સહન કરવાનાં શપથ જો લીધા છે : મારે એવું નથી.'' 

''એગ્બર્ટમાં મને કોઇ ખરાબી દેખાતી નથી, આમંડાએ વિરોધ કરતા કહ્યું.  ''ઓહ, કદાચ એમ હોય કે ખરાબી મારા પક્ષે હોય,'' લૌરાએ લાગણી કે આવેશ વિના આમંડાની વાતનો સ્વીકાર કરતા કહ્યુંત ''કારણ બતાવીને ગુનાનું ગાંભીર્ય  કદાચ ઓછું આંકી શકાય. પણ વાતે વાતે એને વાંકુ પડે છે અને સાવ નજીવી બાબતમાં એ મોટો ઝઘડો ઊભો કરે છે દાખલા તરીકે  કાલી કૂતરાંનાં બચ્ચાને તે દિવસે હું ફાર્મની બહાર દોડાવીને લઇ ગઇ, તેમાં તો એણે મોટો બખેડો ઊભો કરી દીધો.'' 

''એ કૂતરાંનાં બચ્ચાઓ પેલી સ્પેક્લડ સસેક્સ મરઘીનાં બચ્ચાની પાછળ દોડે છે અને તેઓએ તો ઈંડા સેવવા બેઠેલી બે મરઘીઓ એનાં સ્થાન પરથી ભગાડી દીધી હતી. અને તેઓ તો ફૂલોની ક્યારીઓ પર દોડીને કાંઈ કેટલું નુકસાન કરી નાંખે છે. તને તો ખબર છે કે એગ્બર્ટ એની પોલ્ટ્રી અને એનાં ગાર્ડન પ્રત્યે કેટલો સમપત છે.'' 

''એ જે હોય તે પણ એ જરૂરી ન હતું કે એ પછી આખી સાંજ એ ઘટના વિષે એકની એક વાતો કર્યે રાખે અને પછી કહે કે 'ચાલો, એ વિષે હવે આગળ વધારે વાતો ન કરીએ' એવા સમયે જ્યારે મને એ ચર્ચામાં ખરેખર મઝા આવવાની શરૂઆત થઇ હોય. બસ આવો જ સમય હોય છે જ્યારે મને, મારા મનમાં, વેર લેવાની વૃત્તિ જાગૃત થાય છે.''  લૌરાએ નફ્ફટાઈથી હસતા હસતા કહ્યુંત ''એ કૂતરાનાં બચ્ચાવાળો બનાવ બન્યા પછી મેં એ બધા જ સસેક્સ મરઘાઓને સહકુટુંબ મારી નાંખ્યા હતા.'' 

''તું એવું કરી જ શી રીતે શકે?'' આમંડાએ નિસાસો નાંખતા કહ્યું.  

''અરે એ તો બહુ સરળ હતું,''  લૌરાએ કહ્યુંત  ''બે મરઘીઓ ઈંડા મૂકી રહી હોવાનો ડોળ કરી રહી હતી પણ હું ય મક્કમ હતી.'' 

''અને અમને લાગ્યું હતું કે આ એક અકસ્માત હતો!''  

''યૂ સી,'' લૌરાએ વાત આગળ ચલાવતા કહ્યું, ''હવે મારી પાસે કાંઈ તો આધાર ચોક્કસ છે કે મારો હવે પછીનો જન્મ નીચ યોનિમાં થશે. હું કોઈ પ્રાણી બનીશ. અને એક રીતે જોઈએ તો મારા મત અનુસાર હું આમ કાંઈ સાવ ખરાબ તો નથી જ. અને એટલે મને લાગે છે કે હું કાંઈક  સારું જાનવર બનીશ. કાંઈક ઉત્સાહી લાલિત્યપૂર્ણ જાનવર... મસ્તીખોર. એક જળબિલાડી, કદાચ.''

''તને એક જળબિલાડી તરીકે...હું  કલ્પના નથી કરી શકતી.''  આમંડાએ કહ્યું.   

''વેલ, મને નથી લાગતું કે તું મને કોઈ આસમાની પરી રૂપે કલ્પી શકે,''  લૌરાએ કહ્યું.

આમંડા ચૂપ રહી. હા, એ એવી કલ્પના કરી શકે તેમ નહોતી.  

''હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે જળબિલાડીની જિંદગી મઝા પડે એવી હશે,''  લૌરાએ વાતનો દૌર આગળ ધપાવતા કહ્યુંત ''આખું વર્ષ સલમોન માછલી ખાવા મળે અને પેલી સ્વાદિષ્ટ સામન માછલી, એને તો એનાં ઘરમાંથી જ ઝાપટી લેવાનો કેવો સંતોષ મળે.આમ કલાકો સુધી માછલી પકડવાની ગિલ લઈને કિનારે બેસવાનું નહીં. અને માછલી આપણી ઉપર મહેરબાની કરતી હોય એ રીતે પકડાઈ જાય તેની રાહ પણ જોવાની નહીંત અને જળબિલાડીનું ફિગર કેવું પાતળું, સુરેખ, કેવું લાલિત્યપૂર્ણ, તન્વાંગી...''  ''જળબિલાડીનાં શિકારીઓ વિષે તો વિચાર,'' આમંડાએ વાતને વચ્ચે અટકાવતા કહ્યું, ''કેવું ભયાનક રીતે શિકાર થઇ જવું અને પછી મૃત્યુ સુધીની એ પજવણી, એ સતામણી!'' ૅ

''અરે એ તો મઝાની વાત હશે જ્યારે પાડોશમાં રહેતા અડધો અડધ લોકો એ તમાશો જોતાં હોય..... અને આ જનમમાં આ શનિથી મંગળ સુધી ઇંચ ઇંચ મરવા કરતા તો એ મૌત ખરાબ નહીં જ હોય. અને તે પછી હું કોઈ બીજો જન્મ લઈશ. હું જો મિતાચારી, સૌમ્ય અને સારી જળબિલાડી હોઈશ તો મને લાગે છે કે તે પછીનાં જન્મમાં હું કોઈ માનવ સ્વરૂપ પણ લઇ શકુંત કદાચ કોઈ અણઘડ નાગોપૂગો આછાં કથ્થાઈ રંગનો આફ્રિકન આદિવાસી છોકરો, હા.. એવું જ થશે.'' 

''મને લાગે છે કે તારે ગંભીર થવું જોઈએ,'' આમંડાએ નિસાસો નાંખ્યોંત ''ત્યારે તો તારે ખરેખર ગંભીર થવું જ જોઈએ, જો તારે હવે આવતા મંગળવાર સુધી જ જીવવાનું હોય.''  

હકીકતમાં લૌરા સોમવારે  મૃત્યુ  પામી.  

''બહુ ખરાબ અપસેટ કરી નાંખે એવો બનાવ,''  આમંડાએ એનાં કાકાસસરા, સર લુલ્વાર્થ ક્વૈનને ફરિયાદી સ્વરમાં કહ્યું. ''મેં ઘણાં લોકોને ગોલ્ફ અને ફિશિંગ માટે અહીં આવવા આમંત્રણ આપ્યું હતું અને સદાબહાર હ્રોડડેન્ડ્રન વૃક્ષનાં ફૂલોનો નઝારો પણ અત્યારે જોવા જેવો હતો.'' 

''લૌરા એનાં જીવનમાં હંમેશા અવિચારી અને અવિવેકી રહી હતી,''  સર લુલ્વાર્થએ કહ્યું, ''એ ગૂડવૂડ વીક દરમ્યાન જન્મી હતી. ત્યારે રાજદૂત ત્યાં હતા અને એમને બાળકોથી નફરત હતી.''

''એને તો પાગલપનની હદ વટાવી દેતા વિચારો આવતા હતા,''  આમંડાએ કહ્યું, ''મને કાંઈ ખ્યાલ છે, એનાં કુંટુંબમાં આ ગાંડપણ આનુવાંશિક રીતે ચાલ્યું આવે છે 

''ગાંડપણ? ના, મેં એવું કાંઈ સાંભળ્યું નથી. એનાં પિતા લંડનનાં વેસ્ટ કેનિન્ગસ્ટન જેવા પોશ એરિયામાં રહે છે પણ હું માનું છું કે બાકીનાં બધા વિષયોમાં એ ડાહ્યા છે.'' 

''એને એવો વિચાર આવતો હતો કે હવે પછીનાં જન્મમાં એ એક જળબિલાડી તરીકે અવતાર લેશે,'' આમંડાએ કહ્યું.

''આ પુનર્જન્મનાં વિચારો આજકાલ વારંવાર સાંભળવા મળે છે, પશ્ચિમનાં દેશોમાં પણ,''  સર લુલ્વાર્થે કહ્યું, ''એનાથી કોઈ પાગલ છે એવું તો ભાગ્યે જ કહી શકાય. અને લૌરા એની આખી જિંદગી વિચિત્ર અને આશ્ચર્યજનક રીતે જીવી હતી એટલે એને માટે હું કોઈ ચોક્કસ રીતે કહી ન શકું કે એનાં મૌત પછીનાં જીવનમાં એ શું કરી રહી હશે?''

''શું તમને લાગે છે કે એ ખરેખર કોઈ પ્રાણી સ્વરૂપે અવતરી હોય?''  આમંડાએ પૂછયું. આમંડા એ પૈકીની વ્યક્તિ હતી કે જેઓ બીજાનાં દ્રષ્ટિકોણનાં આધારે, બહુ જ સહેલાઈથી, એની જ વાત સાચી માનીને પોતાનાં અભિપ્રાય બાંધતા હોય છે.    બસ એ જ સમયે એગ્બર્ટ બ્રેકફાસ્ટ રૂમમાં દાખલ થયો. 

(વાર્તાનો ઉત્તરાર્ધ આવતા અંકે)                                           

સર્જકનો પરિચય

હેક્ટર હ્યુ મુનરો, 'સાકી' 

જન્મ ૧૮ ડીસેમ્બર, ૧૮૭૦ મૃત્યુ ૧૪ નવેમ્બર ૧૯૧૬ 

એમનું તખલ્લુસ 'સાકી' અથવા તો એમનાં નામ એચ. એચ. મુનરો તરીકે જાણીતા બ્રિટિશ લેખક હેક્ટર હ્યુ મુનરો એમની રમૂજી, મસ્તીખોર અને ઘણીવાર મૃત્યુનાં નૃત્ય જેવી બિહામણી વાર્તાઓ જે તે સમયનાં એડવડયન સમાજ અને સંસ્કૃતિ ઉપર કટાક્ષ હતો, માટે જાણીતા છે.  તેઓએ ટૂંકી વાર્તાઓનાં સર્જનમાં આગવું પ્રદાન કર્યું છે અને તેઓને પ્રસિદ્ધ લેખકો ઓ. હેન્રી અને ડોરોથી પાર્કરની સમકક્ષ ગણવામાં આવે છે. 

હેક્ટર હ્યુ મુનરો બ્રિટિશ બર્માનાં અક્યાબ શહેરમાં જન્મ્યા હતા. એમનાં પિતા ચાર્લ્સ મુનરો ઇન્ડિયન ઈમ્પીરીયલ પોલિસનાં ઇન્સ્પેક્ટર જનરલ હતા. એમની માતાનાં  મૃત્યુ બાદ એમનો ઉછેર ઈંગ્લેન્ડમાં એમનાં દાદી પાસે થયો. મોટા થઈને એમનાં પિતાનાં પગલે હેક્ટર પણ ઇન્ડિયન ઈમ્પીરીયલ પોલિસમાં જોડાયા. પણ બર્મામાં એમની નોકરી દરમ્યાન ઘણી વાર તાવ આવી જતા સવા વર્ષમાં જ એમણે ઇંગ્લેન્ડ પાછા ફરવું પડયું. અને પછી ઈ.સ. ૧૮૯૬માં એમની એક લેખક તરીકેની કારકિર્દી અહીં લંડનમાં શરૂ થઇ. તેઓ એક પત્રકાર તરીકે કામ કરતા અને મેગેઝિનમાં વાર્તા લખતા.

ઈ.સ. ૧૯૦૦માં તેઓ રાજકીય વ્યંગ તરફ વળ્યા. 'સાકી' ઉપનામનો એમણે પહેલી વાર અહીં ઉપયોગ કર્યો. પશયાનાં ખગોળવિદ અને કવિ ઉમર ખય્યામની રુબાયતમાં જે મદ્યપાન કરાવે છે એ માશૂકનાં અર્થમાં 'સાકી' ઉપનામ હોવાનું માનવામાં આવે છે તો કેટલાંક અભ્યાસુઓ દક્ષિણ અમેરિકામાં સાકી પ્રજાતિનાં વાંદરા પરથી સાકી ઉપનામ હોવાનું માને છે એ સાકી જે એમની વાર્તા 'ધ રેમોલ્ડીંગ ઓફ ગ્રોબી લિંગટન' મુખ્ય પાત્ર પરથી આવ્યું હોવાનું માને છે. એમની વાર્તાઓ અને નવલકથાઓનાં અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. મુનરોએ લગ્ન કર્યા નહોતા. તેઓ હોમોસેકસ્યુઅલ હોવાનું મનાય છે. એ જમાનામાં બ્રિટિનમાં હોમોસેકસ્યુઆલીટી ગુનો ગણાતો. 

પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે મુનરોની ઉંમર ૪૩ વર્ષની હતી. યુદ્ધમાં જોડાવા માટે તેઓની આ ઉંમર વધારે હતી તેમ છતાં જોડાયા અને લાન્સ સાર્જન્ટનાં હોદ્દા સુધી પહોંચ્યા. પોતે યુદ્ધમાં ઘાયલ થયા બાદ પણ ફરી ફરીને દેશની સુરક્ષા કાજે યુદ્ધભૂમિમાં ફરજ બજાવતા રહ્યા. આખરે ફ્રાન્સમાં યુદ્ધભૂમિ ઉપર જર્મન સૈન્યનાં ગોળીબારમાં શહીદ થયા. એમનાં આખરી શબ્દો હતા, 'પુટ ધેટ બ્લડી સિગારેટ આઉટ.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2oAnZfq
Previous
Next Post »