આપણા સરકારી તંત્રમાં રજાઓનું રાજ દૂષણની કક્ષાનું છે. જે વ્યક્તિએ જીવન આખું એક મિનિટની પણ રજા ન ભોગવી હોય તેના નામ-સ્મરણે દિવસ આખો રજા રખાય ત્યારે 'પૂરી એક અંધેરીને ગંડુ રાજા' જેવું જ લાગે. આ દેશમાં ૧૯૪૮ની બીજી ઑક્ટોબરથી ગાંધી જયંતિ નિમિત્તની જાહેર રજા અપાય છે. ગાંધીની હયાતિમાં, એટલે કે ૧૯૪૭ની બીજી ઑક્ટોબરે, જ્યારે આ દિવસે છેલ્લી વખત આપણી પોસ્ટ ઓફિસોનું કામકાજ ચાલું હતું, ત્યારે ભારતીય ટપાલ ખાતાનું એક પોસ્ટકાર્ડ રાજકોટથી નીકળ્યું હતું.
આ પોસ્ટકાર્ડ ઉપરનો પેલો ગોળ ટપાલ સિક્કો '૪૭ની બીજી ઑક્ટોબરની એવી ચાડી ખાય છે કે ગાંધી હતા ત્યાં સુધી એ અમારા મનમાં હતા, પણ એ ગયા પછી મનમાંથી નીકળી ગયા, એટલે હવે એમના માનમાં, એક દિવસ પૂરતા એમના સ્મરણમાં અમે 'એ....ય.... લીલા લહેર'વાળી રજાની મઝા માણીએ છીએ.
૧૯૪૭ની બીજી ઑક્ટોબરે ગાંધી દિલ્લીના બિરલા હાઉસમાં હતા.જ્યારે તેઓ ૯મી સપ્ટેમ્બરે બિહાર, બંગાળ અને પંજાબના કોમી તોફાનોને ઠારીને દિલ્લી પહોંચ્યા, ત્યારે રાજધાની કોમી દાવાનળમાં ભડકે બળતી હતી. કોમી હુલ્લડોને કારણે તેમની દિલ્લીની કાયમી રહેવાની જગ્યામાં પંજાબથી ભાગી આવેલા નિરાશ્રિતો ઠસોઠસ ભરાઇ ગયા હતા, એટલે ન છૂટકે સરદાર સાહેબને ગાંધીજીને બિરલા ભવન લઇ જવા પડયા હતા, ત્યાં પોતાની છેલ્લી બીજી ઑક્ટોબરે ગાંધીએ કહ્યું હતું કે 'હવે મને જીવવાનો જરાય મોહ નથી. હું બ્રિટિશરોની આટલી લડાઇમાં કદીય નાસીપાસ નહોતો બન્યો, પણ આજે ઘરની વાત ક્યાં કરીએ? ભાઇઓ ભાઇઓને મારવા પ્રયત્ન કરે છે. એ જોવા હું નથી જીવવા માંગતો!'
ગાંધીજીએ પોતાના જીવનની છેલ્લી બીજી ઑક્ટોબર અત્યંત દુઃખમાં, સાદગીથી અને ભારે વ્યસ્તતા વચ્ચે પસાર કરી હતી. રોજની જેમ એ દિવસે પણ તેઓ સાડા ત્રણે ઊઠી ગયા, દાતણપાણી પરવારીને પ્રાર્થના કરી. પોતાની સખત ઉધરસ માટે ડૉક્ટરોએ દવા આગ્રહ કર્યો ત્યારે બાપુ ઉવાચ્: 'જો રામનામ હૃદયગત થઇ જાય તો મારી ઉધરસ કાલે જ ચાલી જાય તેમ છે.'પ્રાર્થના પછી બાપુ ફરવા ગયા, ફર્યા પછી માલિશ-સ્નાનાદિ નિત્યક્રમ પતાવ્યા.
ત્યાં તો આચાર્ય કૃપલાનીજી, સુચેતાબેન, શંકરરાવ, નંદિતાબેન વગેરે મળવા આવ્યા. સહુએ બાપુને વર્ષગાંઠના દિવસે ઉપવાસ ન કરવા સમજાવ્યાં, પણ બાપુએ સહુને જોરદાર દલીલથી ઠંડા પાડી દીધા. તેમણે કહ્યું કે આજે તો રેંટિયાનો જન્મ કહેવાય. એ તો પરમાર્થી દેવ છે. એના જન્મદિવસે ઉપવાસ કરી આપણે પવિત્ર થવા પ્રયત્ન કરી, ફરી ફરી પ્રાર્થીએ કે 'હેં રેંટિયા દેવ ! તારા શરણમાં રાખજે. એવી પ્રાર્થના કરીએ એ માટે મારો ઉપવાસ છે, નહીં કે મારો જન્મદિવસ છે માટે.' આટલી વાત પતી ત્યાં તો નહેરુ, બિરલા, સરદાર,કનૈયાલાલ મુનશી... એમ સહુ કોઇ બાપુનેપગે લાગવા આવ્યા.
ગાંધીજીને ત્યારે જોરદાર ઉધરસ ચઢી, તેથી જવાહરલાલે ફરીથી તેમને ઉધરસની દવા લેવા સમજાવ્યું. પણ, જે વ્યક્તિને જીવનમાંથી રસ ઊડી ગયો હોય, એ કાંઇ માને ? બાપુ ફરી - ફરીને એની એ જ દલીલ કરતા ગયા કે 'મારો રામ હશે તો મટશે, નહીંતર આમાં જ ચાલ્યા જવું ગમશે. હવે મને જીવવાનો જરાય મોહ નથી. ૧૨૫ વર્ષ જીવવા નથી ઇચ્છતો. હે ઇશ્વર! કાં તો આ બુઢ્ઢાને આ દાવાનળમાંથી લઇ લે, અને કાં તો હિંદુસ્તાનને સદ્બુદ્ધિ આપ.'
એ દિવસે બાપુ ઉપર જન્મદિવસની મુબારકબાદી માટેના અઢળક તાર અને ટપાલો આવેલી, ઉપરાંત રૂપિયા અને દાગીના પણ ઘણાં આવેલા. બર્માના હાઇકમિશ્નર અને ચીનના હાઇકમિશ્નર રૂબરૂ બાપુને મળવા આવ્યા. પણ બાપુ તો બપોર થઇ એટલે સમૂહકાંતણમાં અને સાંજે નિત્યક્રમની પ્રાર્થનામાં બેસી જ રહ્યાં. એ છેલ્લાં જન્મદિવસની પ્રાર્થનામાં બાપુ હૃદયદ્રાવક બોલ્યા કે 'હું એ જ માણસ હતો કે એક દહાડો હું કહેતો ને કરોડો (મારું) માનવા તૈયાર થતા. આજે એવું નથી.
આજે આપણે હેવાન બન્યા છીએ. ... આજે આપણે પશુ કરતાં ય નપાવટ બન્યા છીએ. ખરેખર જેઓને મારી પ્રત્યે લાગણી હોય. તેઓ મને પ્રણામ કરવાથી કે મારા પગને હાથ અડાડવાથી તેમની કદર નથી, પણ આજે (તેઓ) મારા જન્મતિથિ નિમિત્તે નિશ્ચય કરે કે કોઇના પ્રત્યે મનમાંય દોષ નહીં રાખીએ.'
આ દિવસોમાં એકવાર પોતાના અંગત સાથી પ્યારેલાલને ગાંધીજીએ દિલ્લીમાં ચાલતી રાજરમત સમજાવતા કહેલું કે, 'સરદાર, પંડિત નહેરુ અને માઉન્ટબૅટન, એ ત્રણે પોતાપોતાની રમત પૂરેપૂરી નિપુણતાથી રમી રહ્યાં છે.... પોતાની સમજ મુજબ એકમાત્ર હિંદની સેવા કરવાને અર્થે તેઓ આમ કરી રહ્યાં છે, અને હું મારી રમત રમી રહ્યો છું, (પણ) છેવટે માત્ર એ જ (મારી) રમત સફળ થવાની છે.' શી હતી એ ગાંધીજીની રાજરમત? એ વિશે નારાયણ દેસાઇએ લખ્યું છે કે '..... એમની રમત હતી સ્વરાજના નાગરિકોને પોતાના પ્રશ્નો પોતે ઉકેલતા કરવાની, પોલીસ અને મિલિટરી વિના કાયદો અને વ્યવસ્થા જાળવવાનું શીખવવાની, હિંદ અને પાકિસ્તાનનાં દિલ એક કરવાની, સ્વરાજમાંથી હિંદ-સ્વરાજ કરવાની.''
કાશ.... ગાંધી આ રમતમાં જીત્યાં હો તો....!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MDXkX0
ConversionConversion EmoticonEmoticon