બોલીવૂડ તેમ જ ટચૂકડા પડદાની અભિનેત્રીઓ કે મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સુંદરીઓની કમનીય કાયા કોઇને પણ ઇર્ષ્યા ઉપજાવે એવી હોય છે. અલબત્ત, આને માટે તેમને આહાર અને વ્યાયામના ચોક્કસ આયોજનને ચુસ્તપણે વળગી રહેવું પડતું હોય છે. આપણનેઅખબારો,સામયિકો કે સોશ્યલ મીડિયા જેવા વિવિધ માધ્યમો દ્વારા ે ઘણી વખત તેમની ફિટનેસ વિષયક માહિતી મળે છે. અને તેમાં તેમના ડાયટ પ્લાન સાથે 'ચીટ મીલ' શબ્દ અચૂક જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણાં લોકોને એમ થાય કે આ ચીટ મીલ વળી શું છે. આહારશાસ્ત્રીઓ તેના વિશે માહિતી આપતાં કહે છે ....,
મોટાભાગની પુષ્ટ કે સ્થૂળકાય માનુનીઓ લઘુતાગ્રંથિ અનુભવતી હોય છે. તેમાંય જ્યારે તેઓ કોઇ પાતળી પરમારને જૂએ પોતાની ચરબીથી ભરેલી દેહયષ્ટિ બદલ લજ્જા અનુભવે છે. આવી સ્થિતિમાં પાતળા થવા માટે તેઓ ડાયટિંગ શરૂ કરી દે છે. જો તેમને બીજું કાંઇ ન સમજાય તો ખાવાપીવાનું ઓછું કરી નાખેે છે.
વાસ્તવાં ઘણી મહિલાઓ તો ઓછું ખાવાને જ ડાયટિંગ માને છે. ખાવાપીવા પર કાબૂ કરવા છતાં તેમનું વજન ન ઘટે ત્યારે એક તબક્કે તેમને એમ લાગે છે કે તેમણે હજી વધુ ભૂખ્યા રહેવાની જરૂર છે.પરિણામે તેઓ રીતસર ભૂખે મરવા લાગે છે. પરંતુ આ તેમની સૌથી મોટી ભૂલ હોય છે.
આવી રીતે શરીરને આહારથી વંચિત રાખવાથી તેમને અશક્તિ આવી જાય છે, તેઓ જલદી થાકી જાય છે કે પછીે વિવિધ વ્યાધિનો ભોગ બને છે. બહેતર છે કે તેઓ આવી નોબત જ આવવા ન દે. આમ છતાં કોઇએ આવો પ્રયોગ કર્યો હોય અને તેને કારણે તેમનું નૂર હણાઇ ગયું હોય તો તેમણે ચોક્કસ પ્રકારનું આહાર નિયોજન કરવું જોઇએ.
જેમ કે અડધો દિવસ ભૂખ્યા રહેવું અને અડધો દિવસ દાળ-ભાત-રોટલી-શાક જેવું પૂરેપૂરું ભોજન લેવું. અથવા પ્રોટિન અને કાર્બ ધરાવતું ભોજન લેવું. ક્યારેક ક્યારેક , એટલે કે અઠવાડિય એક વખત કે પછી પ્રસંગોપાત તમારા ડાયટિંગમાં છૂટ લઇને મનગમતું ભોજન લેવું. આને જ 'ચીટ મીલ 'કહેવામાં આવે છે.
હકીકતમાં વજન ઘટાડવામાં ચીટ મીલ મહત્વનો ભાગ ભજવે છે. એમ માની લેવું ભૂલભર્યું છે કે ક્યારેક અથવા અઠવાડિયામાં એકાદ વખત મનગમતો આહાર લેવાથી બાકીના દિવસોમાં કરેલા ડાયટિંગ પર પાણી ફરી વળશે. જો તમે સતત ઓછું ખાઓ તો શરીર સાવ જ ભૂખમરા કે અશક્તિની સ્થિતિમાં ટકી રહેવા પોતાની અંદર કેલરી જમા કરવા લાગે છે. પરિણામે ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે. અને ચોક્કસ તબક્કે તમારું વજન ઘટવાનું બંધ થઇ જાય છે.
આવી સ્થિતિમાં તમે સાવ જ ભૂખ્યા રહીને વજન ઓછું કરવાનો પ્રયાસ કરો છો. પરંતુ તેના સ્થાને તમે એક અથવા અડધો દિવસ તમારો નિયમિત આહાર લો તો શરીરને એ વાતની ખાતરી થઇ જાય છે કે તેને પૂરતી કેલરી મળી રહેશે. આવી સ્થિતિમાં તે પોતાની અંદર કેલરી સંઘરતુ નથી, તમારી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. અનેે ધીમે ધીમે તમારું વજન ઘટવા લાગે છે. આહારશાસ્ત્રીઓ વધુમાં કહે છે કે જે લોકો લાંબા સમયથી ચોક્કસ આહાર નિયોજનને વળગી રહ્યાં હોય તેઓ જો એકાદ-બે અઠવાડિયા માટે તેમાં બ્રેક લે તો તેમાં બ્રેક ન લેનારાઓની તુલનામાં તેમનું વજન ૫૦ ટકા જેટલી વધુ ઝડપે ઘટે છે.
ચીટ મીલના ચોક્કસ ફાયદા પણ હોય છે. જો તમે અઠવાડિયાના અંતે ચીટ મીલ લેવાનું રાખો તો અન્ય દિવસો દરમિયાન કડક આહાર નિયોજન કરી શકો. વળી અઠવાડિયાના અંતે તમને તમારા ભાવતાં ભોજન આરોગવાનો આનંદ મળે તે છોગામાં. આહારશાસ્ત્રીઓ કહે છે કે ચીટ મીલનું આયોજન મોટાભાગે ૯૦:૧૦ કે ૮૦:૨૦ના ગુણોત્તરમાં કરવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે તમે ૮૦ અથવા ૯૦ ટકા આહાર નિયોજન કરો અને ૧૦થી ૨૦ ટકા મનગમતાં ભોજન લો. અલબત્ત, ચીટ મીલના પણ કેટલાંક નિયમો હોય છે. જેમ કે...,
ચીટ મીલ બદલ વસવસો ન કરવો. તમારા શરીરને ચોક્કસ કેલરીની આવશ્યક્તા હોય છે. તમે તમારા શરીરને તેનાથી વંચિત ન રાખી શકો. આહાર શરીરનું ઇંધણ ગણાય છે. જેમે મશીનમાં પૂરતું તેલ પૂરવામાં ન આવેતો તે ખોટકાઇ જાય તેમ જો શરીરને જરૂરી કેલરી ન મળે તો તે પણ યોગ્ય રીતે કામ ન કરી શકે.
આમ છતાં અઠવાડિયે એકાદ વખત તમારું ભાવતું ભોજન લેતાં તમને વસવસો થતો હોય તો તમારા ચીટ મિલથી ૧૨ કલાક પહેલા કાંઇ ન ખાઓ. ત્યાર પછી એક કપ બ્લેક કોફી પીને ૩૦થી૪૦ મિનિટ માટે કાર્ર્ડિયો કે વેટ ટ્રેનિંગ કરો.આમ કરવાથી તમારા શરીરમાં જમા થયેલી શર્કરા ખર્ચાશે,ે શરીર ચરબી ઓગાળીને તેમાંથી ઊર્જા મેળવશે. આમ ચરબી ઓગળવાથી તમારું વજન ઘટશે.
ચીટ મીલ પણ આયોજનપૂર્વક લેવું જોઇએ. જો તમે આડેધડ ખાવાનું શરૂ કરશો તો તમારા અઠવાડિયાના ડાયટ પર પાણી ફરી વળશે. આખું અઠવાડિયું ખાવાપીવા પર અંકુશ મૂકીને અઠવાડિયાના અંતે તમને ખાવા મળવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ઘણી બધી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય.
પરંતુ જો તમને લગ્ન કે બર્થ-ડે પાર્ટી ઇત્યાદિમાં જવાનું હોય તો ચીટ મીલ બહુ સંભાળીને લો. જેમ કે તેમાંથી ડેઝર્ટની બાદબાકી કરી નાખો. સલાડ વધુ લઇ લો. બ્રેડ, પિત્ઝા ઇત્યાદિ લેવાનું ટાળો.તમે આવા કોઇ પ્રસંગથી થોડાં દિવસ પહેલા સલાડ પર જોર રાખો. જો સાંજના સમયે આવા પ્રસંગે ખાવાનું હોય તો તે દિવસે બ્રેકફાસ્ટ ન લો. તેના સ્થાને બપોરે પ્રોટીન અને ફાઇબરયુક્ત ભોજન લેવાથી કેલરીનું સંતુલન જળવાઇ રહેશે.
ચીટ મીલ લેતી વખતે તમારી વાનગીઓ મનભરીને માણો. કહેવાનો અર્થ એ છે કે દરેક વસ્તુ સ્વાદ લેતાં લેતાં ચાવી ચાવીને ખાઓ. આમ કરવાથી તમે સ્વાદનો આનંદ માણી શક્શો. ચાવીને ખાવાથી પેટ જલદી ભરાશે તેમ જ ખોરાક પચવામાં પણ મુશ્કેલી નહીં નડે અને અકરાંતિયાની જેમ ખાવા પર પણ અંકુશ મેળવી શકાશે.
જો તમે બૂફે લઇ રહ્યાં હો તો પણ તમારી પ્લેટ ભરીને ખુરશી પર બેસી જાઓ. પ્લેટ લઇને ફરતાં ફરતાં ખાવાથી તમને નવી નવી વાનગીઓ લેવાનું મન થશે. અને તમે જરૂરિયાત કરતાં વધુ ખાઇ જશો. તેવી જ રીતે ખાતી વખતે ટી.વી.,મોબાઇલ ઇત્યાદિ જોવાનું ટાળો.આમ કરવાથી તમે આવશ્યક્તાથી વધુ ખાઇ લેશો તોય તમને ખબર નહીંંં પડે.
તમારા ચીટ મીલમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ જેવા પોષક તત્વો હોય તેનું ખાસ ધ્યાન રાખો.
- વૈૈશાલી ઠક્કર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LXAtqC
ConversionConversion EmoticonEmoticon